FOLLOW US

વિવિધ ફળોની નિકાસ બજારમાં મિશ્ર માહોલઃ દ્રાક્ષમાં યુરોપની માગમાં વધારો

Updated: Mar 12th, 2023


- ઉભી બજારે - દિલીપ શાહ

- કેળામાં વર્ષમાં ભાવ બમણા થયા છતાં નિકાસ જળવાઈઃ બાંગ્લાદેશે દ્રાક્ષ પરની ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કરતાં નિકાસ પર પડેલી અસર

દે શમાં  વિવિધ ફળોની બજારોમાં તથા ઉદ્યોગ જગતમાં તાજેતરના વર્ષોમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા  છે. દેશમાં  એક તરફ વિવિધ પ્રકારના ફળોની આયાત  તાજેતરમાં વધી છે  ત્યારે  સામે વિવિધ  ફળોની નિકાસ બજારમાં પણ ભારતનું પ્રભુત્વ વધ્યાના વાવડ મળ્યા છે. આ પૂર્વે દેશમાં  ડ્રેગન ફ્રૂટની આયાત કરવામાં આવતી હતી પરંતુ તાજતેરના વર્ષોમાં દેશમાં વિવિધ  રાજ્યોમાં તથા વિશેષરૂપે કચ્છ તથા ગુજરાતમાં  ડ્રેગન ફ્રૂટની  ખેતી વધી છે  તથા ઘરઆંગણે તેનું ઉત્પાદન પણ વ્યાપક વધ્યું હોવાના સમાચાર મળ્યા હતા.  આના પગલે આયાત પર આધાર ઘટયો છે. ભારતમાંથી દ્રાક્ષની નિકાસ વધી છે. આ પૂર્વે ઈરાન અને અમેરિકા વચ્ચે ન્યુક્લીયર પ્રશ્ને તંગદીલી વધતાં  અમેરિકા તથા વિવિધ પશ્ચિમી  દેશોએ ઈરાન પર વિવિધ પ્રતિબંધો મૂક્યા હતા અને એ વખતે ભારતથી ઈરાન તરફ કેળા તથા સફરજનની નિકાસમાં  ખાસ્સી વૃદ્ધિ થઈ હતી. હાલ ભારતના કેળામાં ઈરાન મોટું ખરીદાર ગણાય છે. ભારતથી કેળાની સૌથી વધુ નિકાસ ઈરાન તરફ તથા ત્યાર પછી યુનાઈટેડ  આરબ અમીરાત, ઈરાક, ઓમાન, નેપાળ, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, ઉઝબેકિસ્તાન, કતાર, કુવૈત વિ. તરફ થાય છે એવું ફળ બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન છેલ્લા એક વર્ષમાં દેશમાં કેળાના ભાવ વધી બમણા થઈ ગયા છે એ જોતાં નિકાસ પર અસર જણાઈ છે.

ભારતથી ઈરાન તરફ કેળાની નિકાસ ૨૦૧૩-૧૪માં વાર્ષિક  મધ્યમકદની થઈ હતી તે  ત્યાર પચીના વર્ષોમાં  ઉત્તરોત્તર વધી તાજેતરમાં  ૨૦૨૧-૨૨માં  રૂ.૪૦૦ કરોડની સપાટી વટાવી રૂ.૪૦૬થી ૪૦૭ કરોડ  જેટલી થઈ હોવાના નિર્દેશો મળ્યા છે.  યુએઈ તરફ આવી નિકાસ  ૨૦૮થી ૨૦૯ કરોડની તથા ઈરાક તરફ રૂ.૧૫૨થી ૧૫૩ કરોડની  નોંધાઈ છે.  ઓમાન તરફ કેળાની નિકાસ ૧૦૭થી ૧૦૮  કરોડ રૂપિયાની   ૨૦૨૧-૨૨માં  થઈ છે.  દેશમાંથી  કેળાની જે કુલ વાર્ષિક નિકાસ થાય છે એ પૈકી  ઈરાન તરફ નિકાસનો હિસ્સો ૩૦ થી ૩૫ ટકાનો રહ્યો છે. ૨૦૧૯-૨૦ સુધી ભારતના કેળાની સૌથી વધુ નિકાસ યુએઈ તરફ થતી હતી. પરંતુ ત્યારબાદ સિનારીયો બદલાતાં ઈરાન તરફ નિકાસ પ્રથમ ક્રમે આવી હતી. દરમિયાન, ભારતથી ફ્રે દ્રાક્ષની નિકાસ ૨૦૨૨-૨૩માં ઊંચી રહેવાની શક્યતા ફળ બજારના જાણકારો બતાવી રહ્યા છે. દેશમાં દ્રાક્ષનું ઉત્પાદન તથા સપ્લાય વધી છે  સામે ભારતની દ્રાક્ષમાં વિશેષરૂપે યુરોપની માગ પણ વધ્યાના નિર્દેશોે મળ્યા છે. જો કે ભારતના દ્રાક્ષ ઉગાડતા  વિસ્તારો તથા ખાસ કરીને મહારાષ્ટ્રમાં તાજેતરમાં  કમોસમી વરસાદ પડતાં તથા  હવામાન પલ્ટાતાં  દ્રાક્ષના પાક-પુરવઠા પર તેની અસર પડી છે.  તેના સ્પષ્ટ ચિત્રની રાહ ફળ બજારના ખેલાડીઓ તથા નિકાસકારો જોઈ રહ્યા છે. ભારત માટે દ્રાક્ષની નિકાસ મોસમ આ વર્ષે મોડી શરૂ થઈ છે.  આ ઉપરાંત બંગલાદેશની સરકારે દ્રાક્ષની આયાત પર  ઈમ્પોર્ટ ડયુટીમાં  પણ વૃદ્ધી કર્યાના નિર્દેશો મળ્યા છે.  રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ રહેતાં  ભારતથી રશિયા તરફ થતી દ્રાક્ષની નિકાસ પણ અપેક્ષાથી ધીમી રહી છે. જોકે આવા માહોલમાં ભારતની દ્રાક્ષમાં ખાસ કરીને યુરોપના દેશોની માગ ઉંચી  રહી છે. ભારતથી ૨૦૧૯માં દ્રાક્ષની નિકાસ નોંધપાત્ર વધી હતી અને ફળ બજારના જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે આવી નિકાસ ૨૦૧૯ના સ્તરને આંબી  જવાની શક્યતા છે. જો કે આ દાવા અંગે નિકાસકારોમાં મતમતાંતરો  પણ જોવા મળ્યા છે. ભારતથી દ્રાક્ષની નિકાસ ૨૦૧૮-૧૯માં વધીને ૩૩થી ૩૪ ડોલર નોંધાઈ હતી.  જોકે ત્યાર પછીના વર્ષમાં  કોરોનાનો ઉપદ્રવ વધતાં  દેશમાંથી દ્રાક્ષની નિકાસને પ્રતિકૂળ કરોડની અસર જોવા મળી હતી. આ ઉપરાંત વૈશ્વિક વેપારમાં માલોની હેરફેરના  જહાજી ભાડા  પણ ઉંચા ગયા હતા અને તેની અસર ૨૦૧૮-૧૯ પછીના વર્ષોમાં  નિકાસ બજાર પર જોવા મળી હતી. આ ઉપરાંત ૨૦૧૮-૧૯ પછીના વર્ષોમાં હવામાન પ્રતિકૂળ રહેતાં  દ્રાક્ષના ઉત્પાદનને પણ અસર પડી હતી. આ વર્ષે ભારતથી દ્રાક્ષની નિકાસન મોસમ ૧૫ દિવસ મોડી  જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં  શરૂ થઈ હતી. જોકે ત્યાર પછીના ગાળામાં નિકાસ શિપમેન્ટોમાં ગતિ આવ્યાના નિર્દેશો મળ્યા છે.  દરમિયાન, બંગલાદેશ સરકારે તાજેતરમાં દ્રાક્ષની આયાત પરની ડયુટી-ઈમ્પોર્ટ ડયુટી કિલોદીઠ રૂ.૩૨થી વધારી રૂ.૫૩ કર્યાના પણ સમાચાર મળ્યા હતા. આના પગલે ભારતથી બંગલાદેશ તરફ દ્રાક્ષની નિકાસમાં  ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો  થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ભારતથી થતી ૨.૪૦ લાખ ટન દ્રાક્ષની નિકાસ પૈકી ૧ લાખ ટન  નિકાસ યુરોપમાં તથા આશરે ૬૦ હજાર ટનની નિકાસ બંગલાદેશ તરફ થતી હોય છે. સરકારના અપેડાના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલથી  નવેમ્બર ૨૦૨૨માં ભારતથી દ્રાક્ષની નિકાસ આશરે ૨૨થી ૨૩ ટકા  વધી  ૬૯૬થી ૬૯૭ લાખ ડોલર જેટલી થઈ હતી. દ્રાક્ષની વૈશ્વિક નિકાસ બજારમાં વિવિધ નિકાસકર્તા દેશોમાં ભારત ૧૧માં ક્રમાંકે રહ્યું છે.


Gujarat
Magazines