ગ્લોબલ વોર્મિંગ માનવ જીવનની સાથોસાથ આર્થિક નુકસાની નોતરશે
- કલાયમેટ ચેન્જ સામેની ચેતવણીને દરેકે ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે
ઈ ન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન કલાયમેટ ચેન્જ (આઈપીસીસી)ના છેલ્લામાં છેલ્લા રિપોર્ટમાં કલાયમેટ ચેન્જથી માનવજાત સામે રહેલા જોખમ સંદર્ભમાં ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. હીટ વેવ્સ, પૂર, દૂકાળ, તોફાની વરસાદ અને વાવાઝોડા જેવી ભયાનક કુદરતી આફતો બાબતે પણ ચેતવણી આપવામાં આવી છે. આમાંની કેટલીક આફતો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આજે જોવા મળી રહી છે. માનવ જો પોતાની વર્તણૂંકમાં સુધારો કરશે તો ગ્લોબલ વાર્મિંગને ૨૦૪૦ સુધીમાં ૧.૫૦ ડિ.ગ્રી. સેલ્સિયસ સુધી સીમિત રાખી શકાશે. અને આમ થશે તો, કુદરતી આફતોને અટકાવી શકાશે.
ભારતની વાત કરીએ તો, પેરિસ કરારને સિદ્ધ કરવા ૨૦૩૦ સુધીમાં દેશમાં કેટલીક બાબતોનો અમલ થઈ જવો જરૂરી છે. આમાંની એક મુખ્ય બાબત વીજ ઉત્પાદન સ્રોતોમાં બદલાવ. ભારતે બને એટલા ઝડપથી સૌર તથા પવન ઊર્જા જેવી ક્લિન એનર્જી તરફ વળવાનું રહેશે. પેરિસ કરાર ભલે ભારત સરકાર સ્તરે થયો હોય પરંતુ દેશના વિવિધ રાજ્યો તથા નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓ જેની સ્થાનિક સંસ્થાઓએ પણ પોતાની જવાબદારી તેમાં પૂરી કરવાની રહેશે. ગ્લોબલ વાર્મિંગને નિયંત્રણમાં લેવામાં કોઈપણ લાપરવાહી માનવ જીવન સામે ખતરો તો છે જ પણ દેશના અર્થતંત્ર માટે પણ તેઆફતરૂપ બની શકે છે ખાસ કરીને દેશની બેન્કો સહિતની નાણાંકીય સંસ્થાઓ ગ્લોબલ વાર્મિંગ થકી થનારા નુકસાનનો ભોગ બની શકે છે.
કોવિડ-૧૯ જેવી મહામારી એકસો વર્ષમાં એકજ વખત દેખા દેતી હોય છે અને તે કામચલાઉ હોય છે જેને પ્રતિકારક પગલાં મારફત મારી હઠાવી શકાય છે. પરંતુ ગ્લોબલ વાર્મિંગને કારણે જમીનો ધસી પડવી, વાવાઝોડા, પૂર તથા ધરતીકંપ જેવી સામેથી નોતરેલી આફતો દેશની આર્થિક સ્થિતિ સામે ખાસ કરીને બેન્કો જેવી નાણાં સંસ્થાઓ માટે એક નવા પ્રકારના જોખમ તરીકે ઊભરી રહી છેે.
દેશની બેન્કો નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ની સમશ્યામાંથી બહાર આવી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષમાં ઉપરાઉપરી સામનો કરવો પડેલી વાવાઝોડાની સ્થિતિ આપણી માટે વેક અપ કોલ જેવી ગણાવી જોઈએ. હાલમાં વધતી જતી કુદરતી આફતોને કારણે નુકસાન ખાસ કરીને કૃષિ તથા ઉદ્યોગોને થતા નુકસાનને અટકાવવાનું આયોજન આજના સમયની માગ છે અન્યથા આવા પ્રકારની નુકસાનીનો બોજ બેન્કો અને વીમા કંપનીઓ પર આવ્યા વગર નહીં રહે તે વાત નિશ્ચિત છે.
કલાયમેટ ચેન્જિસ સામે તૈયાર થતી નીતિઓ દેશના જીવનધોરણો તથા માલસામાનને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેના ડેટા ભેગા કરવા પૂરતી જ મર્યાદિત નહીં રાખીને કારબન ઉત્સર્જન તથા વાર્મિગને કઈ રીતે ઘટાડી શકાય તે માટે વ્યાપક પગલાં પણ હાથ ધરવાના રહેશે. જો કે કારબન ઉત્સર્જનમાં ઘટાડા માટે વીજ સંચાલિત વાહનો અને પવન અને સૌર ઊર્જા તરફ વળવાની યોજનામાં ઘણી જ ધીમી પ્રગતિ થઈ રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. પૂર તથા વાવાઝોડાની સ્થિતિ માલસામાનની સાથોસાથ કૃષિ ક્ષેત્રને પણ મોટું નુકસાન પહોંચાડે છે. કૃષિ ક્ષેત્રને થતાં નુકસાનીનો ભાર પણ બેન્કો તથા નાણાં સંસ્થાઓ પર પડતો હોવાનું અનેક વેળા જોવા મળ્યું છે. હવામાનમાં બદલાવ સાથે કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને ધિરાણ કરવાનું બેન્કો માટે દિવસોદિવસ જોખમી બનતું જાય છે. કોરોના એ મેનમેડ બીમારી છે કે કુદરતી રીતે ફેલાઈ છે તે અંગે અનેક મતો પ્રવર્તી રહ્યા છે, પરંતુ કલાયમેટ ચેન્જ એ મેનમેડ જ આફત છે તેમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહી ગણાય.
છેલ્લા કેટલાક સમયથી દેશમાં અવારનવાર આવતા વાવાઝોડાની તીવ્રતા આધુનિક ટેકનોલોજીને કારણે અગાઉથી માપી શકાઈ હતી. આ જાણકારીને આધારે માનવજીવનને મોટી હાનિ થતી અટકાવી શકાઈ હતી પરંતુ કૃષિ જણસો તથા સંપતિને રક્ષણ આપી શકાયું નથી. પરિણામે બેન્કોએ તથા વીમા કંપનીઓ પર અણધાર્યો નાણાંકીય બોજ આવી પડયો છે. યોગ્ય પગલાં નહીં લેવાય તો આ બોજ વધતો રહેશે.
ગ્લોબલ વાર્મિંગ સંબંધિત જોખમો પોતાના વેપાર પર કેટલી અસર કરી શકે છે અને કેવા ઉદ્યોગો સામે કલાયમેટ ચેન્જના જોખમો રહેલા છે તેની આકારણી કરવાનું બેન્કો તથા વીમા કંપનીઓ માટે હવે જરૂરી બની ગયું છે. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે આજે આખું વિશ્વ લડી રહ્યું છે અને દરેક દેશો તે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટેના ધોરણો સખત બનાવી રહ્યા છે. પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો પાસે નિયમનકારી સત્તા જંગી માત્રામાં દંડ ફટકારે છે અને તેમછતાં આવા ઉદ્યોગો શિસ્તતા ન પાડે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપ જે તે ઔદ્યોગિક એકમને તાળાં લાગી જવા સુધીનો વારો આવે છે.
લોન્સ મંજુર કરતી વખતે જે તે બોરોઅર કંપની સામે વેપાર જોખમોને બેન્કો ધ્યાનમાં લે છે તેવી જ રીતે હવામાનના બદલાવ સાથે સંકળાયેલા જોખમોની માત્રા ઓળખી કાઢવાનું પણ બેન્કો તથા વીમા કંપનીઓ માટે હવે જરૂરી બની ગયું છે. માત્ર દેશની અંદર જ નહીં વિદેશમાં પણ ગ્લોબલ વાર્મિંગની કેવી અસરો જોવા મળી રહી છે તેનો અંદાજ મેળવતા રહેવાનું રહેશે જેથી લોન્સ સાથે સંકળાયેલા જોખમોને હળવા કરવામાં મદદ મળી શકે અને નાણાં સંસ્થાઓ પોતાના પરની સૂચિત તાણમાં વધારો થતો અટકાવી શકે.દેશમાં તૈયાર કરાતી દરેક નીતિ તથા યોજનાઓમાં કલાયમેટ ચેન્જના પાસાને નજરમાં રાખવાનો રહેશે.
કલાયમેટ ચેન્જ સામે પગલાં હાથ ધરવામાં નહીં આવે તો આગામી પ૦ વર્ષમાં ભારતે ૩૫ ટ્રિલિયન ડોલરનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે, પરંતુ યોગ્ય આયોજન હાથ ધરાવા સાથે આ નુકસાનીને બદલે ૫૦ વર્ષમાં ભારત ૧૧ ટ્રિલિયન ડોલરનો લાભ મેળવી શકે એમ હોવાનું એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. દેશને આર્થિક નુકસાનીમાં ધકેલી દેવો છે કે લાભકારક સ્થિતિમાં તે હવે દરેક હિસ્સેદારોએ વિચારવાનું રહેશે.