For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગવારમાં લાલઘૂમ તેજીના એંધાણ- 2011ના પુનરાવર્તનની ભીતિ

Updated: Nov 20th, 2022

Article Content Image- કોમોડિટી કરંટ : જયવદન ગાંધી

આજકાલ ચીનમાં કોરોનાનો પ્રકોપ વધવાની ભીતિ, વ્યાજના દરો તથા મોંઘવારીનો ઇશ્યુ તેમજ રશિયા- યુક્રેન યુદ્ધની અસરો પોલેન્ડ સુધી પહોંચતા વૈશ્વિક સ્તરે કોમોડિટી સેક્ટરમાં ડિમાન્ડ ઘટતા ગયા અઠવાડિયે તમામ બજારો મંદી તરફી રહ્યા હતા. કાચા તેલમાં નવ ટકા, નેચરલ ગેસમાં બે ટકા તથા મેટલ કોમોડિટીઝ પણ મંદીમાં લપેટાઈ હતી. સોના- ચાંદીમાં આજકાલ તેજીનો માહોલ છવાયો છે. લગ્નસરાની ભરપૂર સીઝનના સમયે ભાવોમાં ઉછાળો થતા જ્વેલર્સ વર્તુળોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગયા મહિને સોનાના ભાવો ૫૧૦૦૦થી ૫૨૦૦૦ની રેન્જમાં હતા પરંતુ હાલમાં ઉછળીને ૫૨૫૦૦થી ૫૪૦૦૦ સુધી ઉંચી રેન્જમાં અને ચાંદીના ભાવો ૬૨૦૦૦થી ૬૩૦૦૦ની રેન્જમાં ઉંચા સ્તરે આવી ગયા છે. ઉંચા ભાવોની અસર ઘરાકી ઉપર પડી રહી છે. મોટા ભાગની સ્કીમોનો ખાસ પ્રભાવ પડી રહ્યો નથી. વૈશ્વિક સ્તરે મોંઘવારી તથા યુદ્ધ તથા કોરોનાની અસર જળવાઈ રહેશે તો સોના-ચાંદી બજાર હજુ વધુ મજબૂત થવાની ગણત્રી છે. જેના લીધે સોનાના ભાવો ૫૫૦૦૦થી ૫૬૦૦૦ તથા ચાંદીના ભાવો ૬૬૦૦૦થી ૬૮૦૦૦ રેન્જમાં ઉંચે જવાની શક્યતાઓએ જોર પકડયું છે. સોનાનો સૌથી વધુ વપરાશ ધરાવતા કેરળ રાજ્યમાં હવે તમામ શહેરોમાં એક સમયે એક જ ભાવનો પ્રયોગ શરૂ કર્યો છે. સોનાનો કારોબાર કરતી મોટી કંપનીઓએ તેમજ ગોલ્ડ એસોશિએશનો દ્વારા હવે બેંક દરના આધારે ગ્રાહકોને એક સમાન સોનાના ભાવો આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં દરેક રાજ્યમાં દરેક જ્વેલર્સના ભાવો એક સમયે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે મોટા ભાગના રાજ્યોમાં સોનાની કિંમતો બેંકના દર કરતા ૧૫૦થી ૩૦૦ રૂપિયા પ્રતિગ્રામ વધુ હોય છે. હવે સોનાના એક જ સમયે એક ભાવ ધરાવતું હોય તેવું દેશમાં કેરળ પ્રથમ રાજ્ય બની સમગ્ર દેશને નવી રાહ ચીંધી છે.

દરમ્યાન કૃષિ બજારોમાં પણ હાલમાં ડિમાન્ડ તથા સપ્લાયના અભાવે મોટા ભાગની ચીજોમાં ચુસ્તી પ્રવર્તી રહી છે. હાલમાં કૃષિ વાવેતરમાં ઘઉં, રાયડો, મસાલા પાકો ખેડૂતો માટે પ્રથમ પસંદગી બનતા નવી સીઝનમાં સવાથી દોઢું વાવેતર થવાની ગણત્રી છે. જો કે, કઠોળનું વાવેતર ઘટે તેવી ધારણા છે. ઘઉંમાં ગયા અઠવાડિયે ૧૦૦થી ૧૨૫ રૂપિયાના વધારા સાથે બજાર સતત આગેકૂચ કરતા સરકાર માટે ઘઉંની ઉછળતી મોંઘવારી શિરદર્દ સમાન બની છે. કેન્દ્ર સરકાર કદાચ આગામી મહિનાઓમાં વિના મૂલ્યે ઘઉં ચોખા આપવાની યોજના બંધ કરે તેવી પણ ભીતિ છે. 

મસાલા બજારમાં આજકાલ ગવારના કારોબારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ૪૦૦૦થી ૫૦૦૦ની રેન્જમાં રહેલી ગવારસીડ બજાર ઉછળીને ૫૦૦૦ તથા ૮૦૦૦થી ૯૦૦૦ની રેન્જમાં રહેતા ગવાર ગમની બજાર વધીને ૧૨૦૦૦ની સપાટીએ જતા સ્ટોકિસ્ટો અને ખેડૂતો સાવધાન થઈ ગયા છે. જો કે, વેપારીઓના મતે હાલમાં ગવારમાં બદલાની તેજી છે. ગવારના ઉત્પાદન મામલે પણ વિવિધ મતમતાંતર હોવાથી ગવારમાં વર્ષ ૨૦૧૧નું પુનરાવર્તન થશે કે કેમ ? તે બાબત ટોક ઓફ ધ બજાર બની છે. ગવારનું ઉત્પાદન એકથી સવા કરોડ બોરીની આસપાસ થવાની જનરલ ગણત્રી હોય છે પણ હમણાંથી આરબ દેશો, યુરોપ, રશિયા તથા અમેરિકા જેવા દેશોમાંથી ગવારની ડિમાન્ડમાં વધારો થતા સ્થાનિક સ્તરે ગવારના ભાવો ૬૦૦૦ અને ગમના ભાવો ૧૨૫૦૦ સુધી ઉંચા સ્તરે જતા વેપારી વર્ગમાં દોડમદોડ મચી ગઈ છે. આ પ્રમાણેની સ્થિતિ રહેતાં ગવાર સીડ ૬૫૦૦ તથા ગમ ૧૩૫૦૦ સુધી ઉંચે જવાની ધારણાઓ બજારમાં પ્રવર્તી રહી છે. જેના લીધે સ્ટોકિસ્ટો નફો કરવા માલ કવરમાં પડી ગયા છે અને ખેડૂતો પણ ગવાર વેચાણ ઉપર વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે.

Gujarat