Updated: Mar 12th, 2023
- એન્ટેના- વિવેક મહેતા
- માસિક દોઢ લાખની આવક ધરાવનારાઓ માટે દોઢ-બે કરોડના રહેઠાણ ખરીદવા કઠીન
મોનેટરી પોલીસી કમિટી દ્વારા વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છથી આઠ માસ પૂર્વે ૬.૭૦ ટકાના આસપાસના વ્યાજદરે મળતી હોમલોન અત્યારે ૮.૮૦ ટકાની સપાટીએ પહોંચી ગઈ છે. આ વ્યાજદરે ઘરની ખરીદીનો બોજ લેવો ઘર લેવા ઉત્સુક નવા પરિવારોને મોંઘું પડી રહ્યું છે. પરિણામે કોરોના કાળ પછી સારી તેજીની રાહ જોઈ રહેલા બાંધકામ ઉદ્યોગને થોડી હતાશા થઈ છે. વ્યાજનો વધી રહેલો દર વિલન બની રહ્યો છે. તેનું બીજું એક કારણ પણ છે. એક જંત્રીના બમણા કરી દેવામાં આવેલા દર પછી મિલકતના ભાવ વધી રહ્યા હોવાના હોર્ડિંગ્સ લાગી રહ્યા છે. મિલકતના ભાવ વધી જશે. જંત્રી બમણી થતાં મિલકતના ભાવ નહિ વધે તેવી વાત કરવામાં આવતી હતી, હવે વાસ્તવિકતા ભાવ વધારા રૂપે બહાર આવી રહી છે.
હોમ લોનના વ્યાજ દર અને હાઉસિંગના પ્રોજેક્ટની લોનના વ્યાજદર ઉપર જશે. તેથી બિલ્ડરોએ ઘણાં પ્રોજેક્ટ્સને અભેરાઈએ ચઢાવી દેવા પડશે. રેરામાં તેમણે આપેલી ટાઈમ લિમિટમાં તેમના પ્રોજેકટ પૂરા કરી શકશે નહિ. પ્રોજેક્ટ પૂરા થશે તોય તેમાં પૂરું વેચાણ થવાની આશંકા છે. ડેવલપર્સ કહે છે કે, 'વ્યાજદરમાં બીજા વધારો આવશે તો બિલ્ડર્સ તેનો બોજ ખમી શકશે નહિ.' કારણ કે બિલ્ડરોએ બાંધકામ માટે ફાઈનાન્સ લેવું પડે છે. બીજું, પ્રોપર્ટી સામે લોન પણ લે છે. ત્રીજું, વણ વેચાયેલી પ્રોપર્ટીના ભાડાંની આવકને ગેરેન્ટી તરીકે દર્શાવીને બિલ્ડર્સ તેના પર ફાઈનાન્સ પણ મેળવે છે. આ બધાંનો બોજ બિલ્ડર ડેવલપર પર આવી શકે છે. તેની અસર પ્રોજેક્ટની નફાકારકતા પર આવે છે. તેમ જ ઇન્વેસ્ટર્સને મળનારા વળતર પર પણ તેની વિપરીત અસર પડે છે.
જો બિલ્ડર આ બોજ ન ખમી શકે તો આમ આદમી કે મિલકત ખરીદનાર નોકરિયાતો તે વધારાનો બોજ કેમનો ખમી શકે તે એક મોટો સવાલ જ છે. નવ માસમાં વ્યાજ દરમાં બે ટકાનો વધારો આવી ગયો છે. હજી પાથી અડધા ટકાનો વધારો માથે તોળાઈ રહ્યો છે. પરિણામે સારી આવક ધરાવનારાઓને માટે પણ જીવન ધોરણ ટકાવી રાખીને લોનના હપ્તા ભરવા કઠીન બની શકે છે. એકતરફ પગારની આવકમાં વધારો થાય તેનાથી ગણી વધારે ઝડપથી ખર્ચ વધી રહ્યો છે. ફુગાવો સતત વધતો હોવાથી ઘર ખર્ચથી માંડીને સંતાનોના એજ્યુકેશન ખર્ચ સહિતના તમામ ખર્ચાઓ વધી જ રહ્યા છે. તેથી તેમને પણ હોમ લોનના ઊંચા વ્યાજદર ખટકી રહ્યા છે. તેમના માસિક ગણિતો તૂટી રહ્યા હોવાથી તેઓ પણ પ્રોપર્ટી ખરીદવાનું મુલતવી રાખી રહ્યા છે. તેમ થવાથી પણ પ્રોપર્ટી માર્કેટનું વેચાણ મંદ પડી રહ્યું છે.
આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટે જાહેર કરવામાં આવેલા નવા ટેક્સ રિજિમમાં હોમ લોન લેનારાઓને નુકસાન જાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. તેમને કલમ ૮૦ સીના કોઈ જ લાભ મળતા નથી. તદુપરાંત સમય જતાં સરકાર નવા રિટર્નને ફાઈનલ કરી દે અને તમામ લાભ આપવાનું બંધ કરી દે તેવી દહેશત પણ પ્રોપર્ટી ખરીદનારાઓ અનુભવી રહ્યા છે. તેથી પણ મિલકત ખરીદવી કે નહિ તેની અવઢવમાં પડયા છે. બીજું, ઇન્વેસ્ટર્સ પણ તેને કારણે રહેઠાણની મિલકતમાં પહેલાની જેમ સરળતાથી તૈયાર થઈ જતાં નથી. એક બિલ્ડર કહે છે કે, 'વ્યાજના દર વધી રહ્યા હોવાથી મિલકત ખરીદનારાઓને મોંઘી પડી રહી છે. તેમને મિલકત ખરીદવી તો છે પણ મોંઘી પડી રહી છે. તેની થોડી અસર બજારમાં જોવા મળી રહી છે.' 'પોતાનું ઘર ધરાવતા પણ પોતાના પરિવારની ભાવિ જરૂરિયાતને ધ્યાનમાં લઈને વધારાનું ઘર વસાવનારા પણ પીછેહઠ કરી રહ્યા છે. વ્યાજના નીચા દર જોઈને જેમણે એડિશનલ ઘર લઈ લીધું છે તેમને માથે હપ્તાના બોજ પણ વધી ગયા છે. પરિણામે બજાર પર થોડીક નેગેટીવ અસર જોવા મળી રહી છે.'