ગુજરાતમાં વેદાંતા ગ્રુપને મફતમાં હજાર એકર જમીન?

બજારની વાત

ગુજરાતમાં વેદાંતા ગ્રુપને મફતમાં હજાર એકર જમીન?

વેદાંતા ગ્રુપે મહારાષ્ટ્રના બદલે ગુજરાતમાં સેમી કંડક્ટરના ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો તેની ભારે ચર્ચા છે. વેદાંતા-ફોક્સફોનનો ૧.૫૦ લાખ કરોડનો પ્લાન્ટ મહારાષ્ટ્રમાં સ્થપાશે એ નક્કી હતું પણ  વેદાંતાએ અચાનક ગુજરાત સરકાર સાથે કરાર કરીને પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરી નાંખી. 

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે આ નિર્ણય કેમ લીધો તેનો ખુલાસો કર્યો છે. અગ્રવાલના કહેવા પ્રમાણે, વેદાંતા ગ્રુપ પ્લાન્ટ માટે ૧૦૦૦ એકર જમીન મફતમાં ઈચ્છતુ હતુ. પાણી તેમજ વીજળી પણ ઓછા દરમાં મળે તેવી માંગ હતી.

અગ્રવાલના કહેવાનો ભાવાર્થ એ થાય કે, ગુજરાતમાં સરકારે મફતમાં જમીન આપવાની તૈયારી બતાવી જ્યારે મહારાષ્ટ્ર સરકાર એ માટે તૈયાર નહોતી. 

આ વાત સાચી છે ?

અનિલ અંબાણીએ અદાણી સામે દાવો માંડયો

અદાણી અને અંબાણી  વચ્ચે ૫ વર્ષ પહેલાં થયેલા સોદાને મુદ્દે ખટરાગ થતાં  અનીલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બીટ્રેશનમાં અદાણી ગ્રુપની અદાણી ટ્રાન્સમિશન કંપની સામે દાવો માંડયો છે. અનિલ અને અદાણી વચ્ચે શેરોની ખરીદીના મુદ્દે થયેલી સોદાબાજીનો  વિવાદ છે. 

અનિલ ગ્રુપની કંપની આર-ઇન્ફ્રાનો આરોપ છે કે અદાણી ગ્રુપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે  ડીલની શરતોને પૂરી કરી નથી. અદાણી ગ્રુપનું કહેવું છે કે, આર ઇન્ફ્રાનો આરોપ ખોટો છે છતાં અમે વિવાદ ઉકેલી દઈશું. 

પ્રભાસ કાકાના નિધન પર ધ્રુસકે ધ્રુસકે રડયો

બાહુબલિના કારણે દેશભરમાં જાણીતા બનેલા પ્રભાસના કાકા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપ્પલપતિ ક્રિષ્ણમ રાજુનું ગયા સપ્તાહે નિધન થયું. અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી બનેલા રાજુ તેલુગુ ફિલ્મોમાં રીબેલ સ્ટાર તરીકે જાણીતા હતા. કાકાના મોત પર પ્રભાસ ધ્રુસકે ધ્રુસકે રડતો હોય એવો વીડિયો વાયરલ થયો છે. 

પ્રભાસના પિતા સૂર્યનારાયણ રાજુ ફિલ્મ નિર્માતા છે. તેમની કારકિર્દી મોટા ભાઈ રાજુને આભારી હતી. પ્રભાસ પણ કાકા ક્રિષ્ણમ રાજુના કારણે જ ફિલ્મોમાં આવી શક્યો. પ્રભાસે પિતાને પહેલી વાર એક્ટિંગ કરવાની વાત કરી ત્યારે તેના પિતાને આઘાત લાગી ગયો હતો. ક્રિષ્ણમ રાજુએ ભાઈને સમજાવીને પ્રભાસનો રસ્તો સરળ કર્યો હતો. આ કારણે પ્રભાસ કાકાની વધારે નજીક હતો. 

ટ્વિટરે મસ્ક ફરતે ગાળિયો કસ્યો

ટ્વિટરના શેરહોલ્ડરોએ એલન મસ્ક દ્વારા ૪૪ બિલિયન ડોલર (લગભગ ૩.૫૦ લાખ કરોડ રૂપિયા)મા ટ્વિટર ખરીદવા માટે કરાયેલા સોદા પર મંજૂરીની મહોર મારી દેતાં મસ્કની મુશ્કેલી વધી છે.  મસ્કે પ્રતિ શેર ૫૪.૨૦ ડોલરના ભાવે ટ્વિટરનો શેર ખરીદવાની ઓફર મૂકી તેની તરફેણમાં ટ્વિટરના શેરહોલ્ડરોએ મતદાન કર્યું છે. ટ્વિટરના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા હેડક્વાર્ટરમાં શોર્ટ કોન્ફરન્સ કોલમાં શેરહોલ્ડરોએ ડીલને મંજૂરી આપી હતી. 

અમેરિકાની ડેલાવેર કોર્ટમાં ૧૭ ઓક્ટોબરથી આ કેસની સુનાવણી શરૂ થવાની છે ત્યારે શેરહોલ્ડરોની મંજૂરીના કારણે મસ્કનો કેસ નબળો પડયો છે. હવે લાખો રોકાણકારોનાં હિતો આ સોદા સાથે સંકળાયેલાં છે એ મુદ્દે ટ્વિટર એલન મસ્કને કંપની ખરીદવા માટે દબાણ કરવું જોઈએ એવો મુદ્દો ઉભો કરશે. મસ્ક નામક્કર જાય તો શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે પણ મસ્ક સામે કેસ કરી શકશે.

અંબાણી હવે પુત્રવધૂને પણ મોટી જવાબદારી આપશે

મુકેશ અંબાણી પુત્રવધૂ રાધિકા સાથે પહેલાં તિરુપતિ અને પછી શ્રીનાથજીનાં દર્શને પહોંચતાં હવે રાધિકાને પણ રીલાયન્સ ગ્રુપમાં મોટી જવાબદારી મળશે એવી અટકળો શરૂ થઈ છે. અંબાણીએ તાજેતરમાં પોતાનાં ત્રણેય સંતાનો અનંત, આકાશ અને ઈશાને પોતાના બિઝનેસમાં અલગ અલગ જવાબદારીઓ સોંપી છે. 

અંબાણીના પુત્ર અનંતની પત્ની રાધિકા એનકોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શીલા મર્ચન્ટની દીકરી છે. રાધિકાએ ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ ડીગ્રી મેળવી છે. 

નીતા અંબાણીની જેમ રાધિકા પણ ક્લાસિકલ ડાન્સર છે અને નીતાની અત્યંત નજીક છે. આ કારણે રાધિકાને ભવિષ્યમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કમાન અને નીતા જે સામાજિક સેવા કરે છે એ સંગઠનોની જવાબદારી મળશે એવું મનાય છે.

ટેલીકોમ કંપનીઓ ટ્રાઈને પણ નથી ગાંઠતી

ટેલીકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલીકોમ કંપનીઓના ૨૮ દિવસના બદલે એક મહિના અને તેના ગુણાંકના પ્લાન આપવા કહ્યું હતું પણ મોટા ભાગની ટેલીકોમ કંપનીઓ ટ્રાઈને ઘોળીને પી ગઈ છે. અકળાઈને ટ્રાઈએ લાલ આંખ કરતાં ઘણી મોટા ભાગની કંપનીઓએ એક મહિનાની વેલીડીટીવાળા અમુક પ્લાન્સ લોન્ચ કર્યા છે પણ હજુ જૂના ૨૮ દિવસના પ્લાન જ ચલણમાં છે. ટ્રાઈએ પણ તેનું વલણ ઢીલું કરીને કંપનીઓને એક મહિનાની વેલિટિડીવાળો ઓછામાં ઓછો એક પ્લાન જાહેર કરવાનું કહીને સંતોષ માન્યો છે. 

નિષ્ણાતોના મતે, ટેલીકોમ કંપનીઓને મહિનાની વેલિટિડીવાળા પ્લાન્સ જાહેર કરવામાં શું તકલીફ છે એ સમજવું મુશ્કેલ છે. કંપનીઓ આ મુદ્દાને અહમનો પ્રશ્ન બનાવીને વર્તી રહી હોય એવું લાગે છે.

ઇન્સ્ટાગ્રામ પર માતા-પિતા બાળકોની ગતિવિધિ પર નજર રાખી શકશે

આજના યંગસ્ટર્સમાં ખૂબ જ લોકપ્રિય એપ ઇન્સ્ટાગ્રામ પર હવે માતાપિતા પોતાના બાળકોની ગતિવિધિ પર નજર રાખીને તે પ્રકારનું એક ટૂલ રજુ કરાયું છે. ઇન્સ્ટાગ્રામે તેના પર પર ફેમિલી સેન્ટરના નામે નવી સુવિધા શરૂ કરી છે જેના થકી માતાપિતા પોતાના બાળકો ઇન્સ્ટાગ્રામ પર શું પોસ્ટ કરી રહ્યા છે તેની માહિતી મેળવી શકશે.

સોશિયલ મીડિયા પર રજૂ થતી અશ્લીલ સામગ્રી અંગે થતી ટીકાઓને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટાગ્રામ દ્વારા આ નવતર પગલું ભરવામાં આવ્યું છે. જેનાથી દરેક માતાપિતાને પોતાના બાળક શું અપલોડ કરી રહ્યા છે તેની માહિતી મળી રહેશે.

City News

Sports

RECENT NEWS