For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાસલીલામાં રમાય સજોડે, રાજ-લીલામાં રમાય કજોડે

Updated: Sep 27th, 2022


- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

હે તારી કાકી

ઘૂમે વાંકી વાંકી,

પછી ટેં થાય

અંતે થાકી થાકી.

પથુકાકા નોરતામાં  એકદમ  ગરબામય  બની જાય. સવારના  પહોરમાં  ઘરેથી થેલી લઈ નીકળેલા કાકા આ  હાથ બનાવટનો  ગરબો  ગાતા હતા  એ સાંભળીને  મેં સવાલ કર્યો કે  આ શુ ંગાવ છો? પથુકાકા બોલ્યા , 'આ તારી કાકી જોને?  આખું વર્ષ એનું માથું ફરે,  પણ નોરતામાં  એ આખેઆખી  ફરે. વાંકી વળી વળીને ઘૂમતાં ઘૂમતાં એને  ટચકિયું  થઈ ગયું  એટલે   એને માટે  વૈદરાજ  પાસે  લેપ લેવા  જાઉં છું, બીજું  શું કરું?'

મેં કહ્યું, 'કાકા, નોરતામાં  તો માતાજીના ગરબા ગાઈને  ઘૂમવાનું જ હોયને? હું  તો  એટલે જ  કાયમ કહું છું  કે  અભાગિયા રહે ઘોરતા અને ભાગ્યવાન  ઉજવે નોરતા.'  પથુકાકા  બોલ્યા, 'તારા વાક્યમાં એક ઉમેરો કરવાનો કે અભાગીયા  રહે ઘોરતા, ભાગ્યવાન ઉજવે  નોરતા  અને ધંધાદારી  આયોજકો   પાસ વેંચી  વેંચી સહુને  મેદાન તરફ રાસે (કે પાસે)  રમવા  દોરતા... એટલે રાસલીલા નહીં, પણ આ પાસલીલા જોઈને ગાવું પડે કે-

રાસે રમે  

સહુ પાસે રમે,

કોઈ 'ભાવ'થી  ભમે

મોંઘા 'પાસે' રમે.

મેં કહ્યું, 'વાહ ભાઈ વાહ, પાસ લઈને પાસે પાસે રમવાનું, ભક્તિભાવથી  રમવાનું  અને પાસના ઊંચા  ભાવથી  રમવાનું. એટલે જ  સહુ ઠેકતા જાય, રમતા જાય અને ગાતા જાય-

જય માતાજી જય માતાજી

તારા ગરબા રમાતાજી,

'ભાવ'થી વેંચી  પાસને

કેટલાય જણ કમાતા-જી.'

પથુકાકા બોલ્યા, 'હવે  તો તને ખબર છે? રાસકારણમાં પણ રાજકારણનો રંગ દેખાય છે? ચૂંટણી આવે  ત્યારે લીડરોને  યાદ આવે ગરીબી અને નોરતામાં  યાદ આવે ગરબી, નોરતામાં જોવા મળે  હાથતાળી રાસ અને ચૂંટણીમાં  (જીત્યા પછી)  જોવા મળે મતદારને  હાથતાળી આપી નાસવાનો હાથતાળી રાસ, નોરતામાં  નાદ સંભળાય જય માતાજી  અને ચૂંટણી  ટાણે ઉમેદવારો મતદારોને  હાથ જોડી  હાકલ કરે જય મતાજી... બોલો રાજકારણ અને રાસકારણનો આ ખેલ કેવો ન્યારો  છે?'

મેં કહ્યું, 'કાકા, તમને ખબર છેને? ચૂંટણી નજીક આવે એટલે   ઉમેદવારો  મતદારોની આસપાસ  ગોળ ગોળ ઘૂમવા  માંડે.  ચૂંટણીમાં  ઉમેદવાર  જીતીને જાય પછી કામ કઢાવવા માટે મતદારોએ  ઉમેદવારની  આસપાસ ગોળ ગોળ ઘૂમવું  પડે બરાબરને?' પથુકાકા બરાબરનો પંચ મારતા  બોલ્યા, 'રાસકારણમાં રમાય  પંચિયા  અને  રાજકારણમાં  કેટલાંય  રમે પ્રપંચિયા.'

પથુકાકા  રાસ રમવાના  ભારે શોખીન. નોરતામાં તો ઘરમાંય  એકલા એકલા  ફુદરડી  ફરતા જાય અને હાથ બનાવટના હલકવાળા  ગીતો ગાતા જાય-

કાકા વળે નહીં વાંકા

રમઝટ બોલાવે એવાં પાકા

કાકી વળી જાય વાંકી

ઝટ-રમ ઝટ-રમ કરતી

કાકી જાય થાકી.

મેં કાકાને  પૂછ્યું, 'રાસ રમવાનો  આટલો શોખ  છે તો પછી  ગામના મેદાનમાં   મોટા પાયે  આયોજન  થયું છે એમાં પાસ લઈને સજોડે રમવા કેમ જતા નથી?' કાકાએ   જવાબ  આપ્યો, 'મારી  જેવાં પેન્શનરને  ઊંચા ભાવના પાસ ક્યાંથી  પોષાય?  એટલે   કોઈ ઓળખીતાએ  માંડ માંડ  એક સીઝન પાસ આપ્યો  છે.  એ પાસ લઈને હું  અને  તારી કાકી વારાફરતી  એક એક દિવસ સજોડે નહીં  પણ કજોડે  રમવા જઈએ.'

મેં પૂછ્યું, 'કજોડે રમવા જાવ છો એટલે?' કાકા કહે, 'કજોડે  એટલે શું ખબર છે?   એકલા જ  જવાનું  અને ત્યાં ગમે  તેની  સાથે  જોડી જમાવીને  પછી ક-જોડે રમવાનું. સ્ટેજ પરથી ગવાય જોડે રે'જો રાજ... અને અમે રમતા રમતા ગાઈએ ક-જોડે  રે'જો  આજ... આજે તું ભેગો આવજે મજા આવશે.'

કાકાની સાથે  હું પણ  રાત્રે એમની  સાથે ક-જોડે   રમતા જોવા  ભેગો ગયો.  મેદાનમાં પહોંચી  કાકા બોલ્યાં, 'તું   એકાકી  રાસની મજા જોજે. એકાકી રાસ એટલે  શું ખબર છે?  તારી એ-કાકી ભેગી ન હોય એટલે છૂટથી રમી શકાય.  હોય નહીં જે સજોડે એ ટેસથી રમે કજોડે.'

મંચ પરથી માઈકમાં  એનાઉન્સમેન્ટ  થયું, 'ભાઈઓ અને બહેનોના રાસનો રાઉન્ડ તેમ જ  કપલ રાસનો રાઉન્ડ પૂરો થયો  છે,  હવે  શરૂ થાય છે એક એક  પાસ લઈને  આવેલા માટે  ખાસ 'ક-જોડા' રાસ. સર્વેને  વિનંતી કે   પોતપોતાની  જોડાજોડી   શોધીને રમવા માટે   સજ્જ થઈ જાવ. આ  ખાસ રાસને નામ અપાયું છે, ગઠબંધન  રાસ.'

 ઢોલ ઢબૂકે છે... ગાયકો   ગળું છૂટ્ટું  મુકે છે... સહુ  ભાવથી  (પાસના ભાવથી?) રમવા  ઝૂકે  છે... એ હાલો...

ધ્રીબાંગ ધ્રીબાંગ... ઢોલ  ઢબુક્યા,  ડ્રમસેટ  પર ધડબડાટી  શરૂ થઈ,  હાઈ-ફાઈ સાઉન્ડ  સિસ્ટમમાં  ઓરકેસ્ટ્રાનો શોર  એટલે  શોર-કેસ્ટ્રા  શરૂ થતાં સહુ સિંગલિયા  ઉતાવળે  ઉતાવળે   જે મળે  એ જોડી  ગોતીને    મેદાનમાં   ઉતરવા  માંડયા. કાકાને  ભાગે  એક પાંચ હાથ પૂરી મહિલાએ  જોડી  જમાવી. દાંડિયા-રાસ શરૂ થયો.  કજોડાઓ  રંગમાં  આવી   ઘૂમવા  માંડયા. કાકાએ  જેની સાથે જોડી જમાવી   હતી એ  બહેન તો પૂરી તાકાતથી   દાંડિયારાસ રમતા હતા. કાકા  ઉપર મહિલા પોલીસ  લાઠીચાર્જ કરતી હોય  એવો દેખાવ લાગતો હતો. કાકા  બિચ્ચારા સ્વબચાવમાં  બે-બે ડગલા  પાછા હટીને  રમતા હતા.   રાસ ખરો ચગ્યો.  પેથલપુરમાં  પાવો વાગ્યો ને  મારો સૂતો   સનેહડો  જાગ્યો... જવાન લાલ ભમ્મરીયાળો... આ ઝમકદાર  ગીતના   સથવારે  ગઠબંધન રાસ બરાબરનો  જામ્યો હતો. બરાબર એ વખતે  કાકાની સાથે જોડી જમાવી  રમતાં  મહાકાય મહિલાએ  તાનમાં  આવી  એવો દાંડિયો  ફટકાર્યો કે  સીધો કાકાના કપાળ પર  વાગ્યો.  કાકાને તમ્મર આવતા  ચક્કર ખાઈને ખુરશી પર  ફસડાઈ  પડયા.  પેલાં બહેન તો  તાનમાં ને તાનમાં  બીજા કોઈ સાથે તત્કાળ જોડી  જમાવીને રમવા માંડયાં. હું કાકા પાસે દોડી  ગયો.  કપાળે ઢીમચું  થયું  હતું એની ઉપર  બરફ ઘસ્યો અને  કહ્યું,'કાકા, હવે ફરી  આવા  ગઠબંધન રાસમાં  જોડાવાના  ઉધામા કરતા નહીં, નહીંતર માર સહન કરવો પડશે હો?'

પથુકાકા બોલ્યા,'ભાઈ રાસલીલામાં  અને રાજલીલામાં ગઠબંધનનું  જ ગાણું  ગવાય  છેને?  આ રાસલીલામાં  તે  મારી જેવાં  કજોડાને  રમતા  જોયાને?  એવી જ રીતે   રાજ-લીલામાં  પણ ક-જોડાં ંરમવા ઉતરે છે.  રાજ-લીલામાં  તો વળી ગઠબંધન ઉપરાંત   હઠ-બંધન  અને શઠ-બંધનનો રંગ પણ જોવા  મળે છે. ગઠબંધન રાસ-લીલામાં  મારું માથું ફૂટયું એમ ગઠબંધનની  રાજ-લીલામાં   સહુ એકબીજાના  માથાં ભાંગે  છે એટલે જ   રાસ-લીલા   અને રાજ-લીલાવાળા  પોકાર  કરે છેઃ રક્ષા  કરજો માતાજી, રંગાય નહીં માથાજી...'

કોઈ હ્યુમન સાઈકોલોજીનો અભ્યાસ  કરે એમ મેં તહેવારોમાં  અનહ્યુમન  માઈકોલોજીનો અભ્યાસ કર્યો  છે. નોરતામાં  આયોજકના  હાથમાં  માઈક આવે એટલે  ખલાસ, બરાડા પાડતા જાય અને માથું  કાણું કરતા જાય. જાણે માઈક  સાથે જ જન્મ્યા  હોય એવા બેટમજીઓને કાકા સન-માઈકા અને જાણે  માઈક ખાતર જ જીવતા  હોય એવાંને ફોર-માઈકા  નામ  આપ્યું છે એ બરાબર બંધબેસતું  છે. હજી તો  હું  અને કાકા  માઈકની  મોકાણની  વાત કરતા હતા ત્યાં   જ સ્ટેજ પરથી   માઈક ગળી ગયા હોય એવાં અવાજમાં આયોજક બરાડયા, 'ભાઈઓ-ભાભીઓ, બહેનો અને બનેવીઓ, ધ્યાનથી  સાંભળો. દાંડિયા-રાસનો બીજો રાઉન્ડ   બહેનોના  રહેશે,  ત્રીજો રાઉન્ડ  ભાઈઓનો  રહેશે અને  ધ્યાન રાખજો  મોડું કરશો તો   છેલ્લો રાઉન્ડ  પોલીસનો રહેશે ચાલો સ્ટાર્ટ કરો  એક... બે... ત્રણ...'

આ સાંભળીને મેદાનમાંથી બહાર નીકળતા નીકળતા કાકાએ ટકોર  કરી, 'જોયુંને? રાસ રમવા માટે બે   દાંડિયાની જરૂર પડે પણ રાસ અટકાવવા એક દાંડિયાની, બરાબરને? એટલે હવે  ગાવાનો વખત આવ્યો  છે-

રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી

ઝટ રમજો ખાખીને ભાળી

વિલંબને ટાળી

નહીં તો કરશે દંડુકાવાળી

રં રંગમાં રંગ તાળી.

અંત-વાણી

રાસલીલા અને પાસલીલામાં  પ્રેમીપંખીડા એકબીજા માટે પાસ લઈને  આવે ત્યારે  'કુછ કુછ હોતા  હૈ'નું  ગાણું ફેરવીને  ગવાય છેઃ

તુમ પાસ 'લાયે'.

યું મુસ્કુરાયે

તુમને ના જાને ક્યા 

સપને દિખાયે....

Gujarat