મેરેથોન હોય કે મેરેજ-થોન... બસ ભાગતે રહો

Updated: Dec 20th, 2022


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

બહારવટિયા જોગીદાસ  ખુમાણની  રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીએ  લખેલી વાતું  વાંચીને શેર લોહી ચડી જાય. જ્યારે જાતી જિંદગીએ  દોડવાના ધખારા કરતા આપણાં  જોગિંગ-દાસ પથુકાકાને  જોઈને  કાકીનું  લોહી તપી  જાય. રોજ સવારે  પથુકાકા  ધડબડાટી બોલાવતા લાંબી  ચડ્ડી, ટી-શર્ટ અને બૂટ-મોજાં પહેરી કાકીની ઊંઘ બગાડ એટલે (હો)બાળાકાકી તાડૂકે, 'હે ભાગેડુ  ભડવીર... તમારા ભાગ્યમાં  ભાગવાનું લખેલું છે તો મારાભાગ્યમાં  જાગવાનું નથી લખ્યું, સમજ્યા? રોજ કાચી નિંદરમાંથી જગાડતા શરમાતા નથી?'

સવારમાં  કાકીના વચનામૃતનો પહેલો ડોઝ પચાવી  પથુકાકા  નકટા થઈને સામું  સંભળાવે , 'હું  નિયમિત  જોગિંગમાં  જાઉં  છું  એટલે હવે મને સહુ જોગિંગ-દાસ  કહીને  બિરદાવે છે, તને ખબર  છે? જોગીદાસ ખુમાણે બહારવટિયા  તરીકે નામના  મેળવી અને મેં જોગિંગ-દાસ 'બહાર-ચોવટિયા' તરીકે નામના  મેળવી છે, પણ તને ક્યાં કિંમત  છે?'

કાકી કહે, 'હે  મારા ભાગ-વાન ... તમે  મને ભગાડી  ગયેલા  અને પછી આપણે ભાગીને  લગન કરેલાં એટલે તમારી  ભાગવાની અને ભગાડવાની  કાબેલિયત પર મને જરા સરખી લઘુ-શંકા  પણ નથી,  પણ આ ઉંમરે  માથે ધોળા આવ્યા પછી  તો ભાગવાનું ઓછું કરો!' 

પથુાકાકા ખોંખારો ખોઈને કહે, 'બિગ-બી  મારાથી  ઉંમરમાં મોટા છે છતાં  ક્યાં ભાગમભાગી ઓછી કરે છે? હું પણ બિગ-બી એટલે બિગ-બુઢ્ઢા  તરીકે  દોડું  એમાં તને શું તકલીફ છે?  હું દોડું છું તન-દુરસ્તી માટે  અને ેબિગ-બી દોડે છે ધન-દુરસ્તી માટે , સમજી? હવે પહેલાં મોઢું બંધ કર અને પછી બારણું બંધ કર એટલે હું  જોગિંગ કરવા જઉં.' આટલું બોલી જોકરના વેશમાં  જોગર બની નીકળી પડેલા પથુકાકા ગીત ગણગણતા  મેદાન તરફ વળ્યા- 

કહેતા હૈ જોગર

સારા ઝમાના

આધી હકીકત

આધા 'ફસાણા'...

મેં કહ્યું, 'આધા 'ફસાણા' આધા 'ફસાણા' એમ નહીં, આધા 'ફસાના' એમ ગાવને?' કાકા લુચ્ચું  હસીને બોલ્યા, 'હું  બરાબર જ ગાઉં છું. કાકી સાથે ભાગીને  લગન કર્યાં પછી સંસારના મેદાનમાં  અર્ધાંગિની  તરીકે તારી  કાકી  અડધી ફસાણી અને  આ તારો કાકો  અડધો ફસાણો. એટલે જ ગાઉં છું કે આધી હકીકત, આધા 'ફસાણા'...'

મેં કાકીનો બચાવ કરતાં કહ્યું, 'કાકા તમે 'ભાગ્યશાળી' છો કે  કાકી જેવા  ઘરરખ્ખું જીવનસાથી  મળ્યાં,  બીજી કોઈ માથાની મળી  હોતને તો  જોગિંગને બદલે ઠેકડા મરાવી  ફ્રોગિંગ કરાવત,  સમજ્યા?'

કાકા બોલ્યા, 'હું શેનો ભાગ્યશાળી કહેવાઉં? ભાગ્યમાં  સાલી તો છે જ નહીં.'

મેં કહ્યું, 'પથુજી, તમારા  રંગીલા મિજાજને જોઈ કહેવાનું મન થાય કે  તમારા  ભાગ્યમાં  સાળી નથી એ  જ સારું છે.'

કાકા કહે,'કેમ... કેમ... કેમ?' 

મેં કહ્યું,'છાપામાં  વાંચ્યું નહીં કે ઝારખંડ બાજુ એક  રંગીલો  જુવાન લગ્ન પછી  એક જ મહિનામાં  પત્નીને  પડતી  મૂકી  સાળી સાથે  ભાગી ગયો?  સાલી  આધી ઘરવાલી ઉક્તિ  સાચી પાડવા એ જુવાન સાળીને લઈને ભાગ્યો બોલો!'

કાકા કહે, 'એને ભાગ-સાળી અથવા 'ભાગ્યો-સાળી' કહેવાય!' 

'ધામધૂમથી થાય લગન એમાંય  ક્યારેક આવે  વિચિત્ર વિધન... બરાબરને?  દક્ષિણ ગુજરાતમાં એક  કન્યાનાં લગ્ન નક્કી  થયાં. લગ્નના થોડા દિવસ પહેલાં ડી.જે. સાથે નાચ-ગાનના જલ્સો  ગોઠવાયો.  સહુ મન મૂકીને  તાનમાં  આવી  નાચતા હતા. ધૂમધામ અને શોરબકોર  વચ્ચે જેના લગ્ન થવાનાં હતાં એ કન્યા ધીમેકથી સરકી ગઈ. એ જ વખતે ડી.જે. ઓપરેટર  પોતાના સાથીદારને માઈક સિસ્ટમ સોંપી છૂમંતર થઈ ગયો.  મોડેથી શોધાશોધ શરૂ થઈ. ઠેઠ બીજે દિવસે ખબર પડી કે કન્યાને જ્યાં  નિર્ધાર્યા હતા એ વરરાજા સાથે  લગ્ન નહોતાં  કરવાં.  એ તો  ડી.જે.વાળાના પ્રેમમાં હતી. એટલે  જલ્સા  વચ્ચેથી  ડી.જે.વાળો  કન્યાને  ભગાડીને લઈ ગયો, બોલો.'

આ કિસ્સો સાંભળી પથુકાકા તરત જ બોલી ઉઠયાઃ

'જોરજોરથી લગનનાં ગાણાં

વગાડવા રાખે ડી.જે.,

પછી ભાગીને કન્યા

પરણે બીજે.

હે પ્રભુ આવા ભાગેડુને

તું સમજ દિજે.

ક્યારેક પુરૂષ સ્ત્રીને ભગાડી જાય છે  તો ક્યારેક સ્ત્રી પુરૂષને  ભગાડી જાય છે. આ ભાગમભાગને  મેરેથોનને બદલે  શું કહેવાય ખબર છે? 'મેરેજ-થોન'! થોડાં વર્ષ પહેલાં ગુજરાતમાં એક જમાઈ સાસુના પ્રેમમાં પડી સાસુને લઈ પલાયન થઈ ગયો હતો, યાદ છે?'

કાકાની વાતને ટેકો આપતાં મેં  હરદ્વારનો  કિસ્સો સંભળાવ્યો,  'હરદ્વાર પાસે એક કન્યાનાં લગ્ન થવાનાં હતાં. લગ્ન માટે  સોનાના દાગીના  ઘડાવ્યા હતા અને તડામાર  તૈયારી ચાલતી હતી.  લગ્નને  દસ જ દિવસની  વાર હતી ત્યારે કન્યાની  માતા બધાં ઘરેણા લઈને પોતાના પ્રેમી  સાથે રફુચક્કર  થઈ ગઈ.  દરદાગીના લઈને પ્રેમી સાથે ભાગી જાય  એ સ્ત્રી કેવી જબરી કહેવાય?'

કાકા બોલ્યા 'ભાગમભાગ પરથી કહેવું પડે કે  પરણેલી  મહિલાનો  પતિ ભાગ્યો નહીં એટલે એને કહેવાય અ-ભાગા અને પ્રેમી ભાગ્યો એટલે  કહેવાય ભાગા.  મેં ક્યાંક  વાંચ્યું   હતું કે  પુરુષ કરતાં સ્ત્રીનું મગજ થોડું  મોટું હોય છે, એટલે જ  સ્ત્રી મગજ દોડાવે  અને પછી  પુરૂષને  દોડાવે.  એટલે કહેવું  પડે કે-

જો ન ભાગા વો

કહેલાયા અ-ભાગા

જો દુસરે કી બીબી લેકર ભાગા,

ઉસને કિસીકે સંસાર મેં બારૂદ દાગા.'

મેં પણ ભાગેડુ ડીજેવાળાને યાદ કરી ચાર લાઈના ફફડાવી કે-

'લગનમાં ડીજે વગાડે

અને પારકાં બૈરાને ભગાડે 

આવાં  તત્કાળ પ્રેમલાઓ જ

વાતાવરણ બગાડે.'

કાકાએ ટકોર કરી, 'કેટલાય લવ-જેહાદના કિસ્સામાં આવું  જ થાય છેને?પહેલાં ગાલાવેલી કન્યાઓ વિધર્મીના પ્રેમમાં પડે અને પછી  આફતના  ખાડામાં  પડે  ત્યારે પછી કોઠીમાં મોઢું સંતાડીને  રડે.'

પથુકાકા બોલ્યા, 'મોટે ભાગે શહેરોમાં  યુવક-યુવતીઓ  ભાગીને લગન કરતાં હોય છે, પણ તને  ખબર છે, મધ્યપ્રદેશના માળવાના ટ્રાઈબલ  વિસ્તારમાં  હોળીના તહેવારની આસપાસ ધામધૂમથી  ભગોડિયાનો ઉત્સવ  ઉજવાય છે?'  

મેં પૂછયું, 'ભગોડિયાના ઉત્સવની ખાસિયત શું છે એ તો કહો?' 

કાકા બોલ્યા, ' આ ભગોડિયાના  મેળામાં  આદિવાસી  યુવક પસંદ  પડે એ  યુવતી સમક્ષ પ્રેમ વ્યકત કરે છે. જો યુવતી પ્રેમનો સ્વીકાર કરે તો પછી  બન્ને ભાગીને  જંગલમાં  સંતાઈ જાય છે. જ્યારે બન્નેના પરિવારો  આપસમાં  ચર્ચા કરી યુવક-યુવતીનાં  લગ્ન  પાક્કાં કરે એ પછી જ સંતાયેલાં યુવક-યુવતી પાછા આવે છે  અને પછી પરણે  છે. એટલે  ભાગીને   પરણવાની પરંપરા  સદીઓથી ચાલી આવે છે.'

મેં કહ્યું, 'રાજ કપૂરે આ વિષય પર ફિલ્મ બનાવી હોત તો  'જાગતે રહો' ને બદલે શું  ટાઈટલ આપત ખબર છે? 'ભાગતે રહો'.'

કાકા બોલ્યા, 'વિધિસર પરણે કે પછી ભાગીને પરણે, પ્રેમમાં પડી  સુખી સંસારના સપનામાં  રાચતા  મોટા ભાગનાની પરણીને  ઊંઘ જ ઊડી જાય  છે.  એટલે જ મારે નાછૂટકે  જોડકણું નહીં પણ આ તોડકણું સંભળાવવું પડે છે-

આંધળુકિયા કરી

સહુની ચાલે ભાગમભાગ, 

ધન, ધરમ ને ધંધા ખાતર

ચાલે ભાગની માગમમાગ,

પગ વાળીને ધડીકય બેસે નહીં

ગાંડાની જેમ કરે ભાગમભાગ,

અરે મૂરખ પારણાથી જમના

બારણા સુધી

ભેગો થોડો લઈ જવાનો ભાગ?

છોડ ખોટી ભાગમભાગ

જીવી જવું હોય તો હવે તો જાગ!

અંત-વાણી

ભારતના પડયા ભાગલા

પછી માગણ પાકલા કહે 

ભાગ-લા.

**  **  **

સઃ શિયાળામાં હજારો લોકો ભેગા ભાગવા નીકળે એને શું કહેવાય?

જઃ મેરેથોન.

સઃ વગર શિયાળે ભાગીને પરણે એને શું કહેવાય?

જઃ મેરેજ-થોન.

    Sports

    RECENT NEWS