નવકાર મંત્રના જાપમાં એકાગ્રતા લાવવાના વિવિધ ઉપાયો શું છે?
Navkar Mahamantra Divas: આજે મોટા ભાગના આરાધકોની આ ફરિયાદ હોય છે કે નવકારવાળી ગણીએ છીએ, પરંતુ જોઈએ તેવી એકાગ્રતા આવતી નથી. મૌન એકાદશીની સજઝાયમાં કહ્યું છે કે- ‘કર ઉપર તો માલા ફિરતી, જીભ ફિરે મુખ માંહીં; પણ ચિતડું તો ચિહું દિશિએ ડોલે, ઈણે ભજને સુખ નાહીં’ જો આવા ભટકતા ચિત્તે જાપ કરવાથી કાંઈ લાભ ન થવાનો હોય તો જાપ કરવાનું છોડી દેવું? જાપ કરતી વખતે જ કેમ વિકલ્પો વધારે સતાવતા હોય છે? ઈત્યાદિ.
આનો જવાબ એ છે કે, ‘જેમ ગુંડાઓના સકંજામાં સપડાયેલો માણસ છટકવા માટે પ્રયત્ન કરે ત્યારે ગુંડાઓ પોતાની પક્કડ વધુ મજબૂત બનાવે છે. તેમ અનાદિકાળથી રાગ-દ્વેષ રૂપી ગુંડાઓના સકંજામાં સપડાયેલો આત્મા જ્યારે નવકારના આલંબનથી તેમની પક્કડમાંથી છૂટવા માટે પ્રયત્ન કરતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ વધુ તોફાન કરી આત્માને ઢીલો પાડવા પ્રયત્ન કરે. પરંતુ આવા પ્રસંગે બળથી કામ લેવા કરતાં ધીરજપૂર્વક કળથી કામ લેવામાં આવે તો જ સફળતા મળી શકે છે. તેથી જ ચંચળ ચિત્તને એકાગ્ર બનાવવા માટે જ્ઞાની ભગવંતોએ અનેકવિધ ઉપાયો બતાવ્યા છે તેમાંથી કેટલાક મહત્ત્વના ઉપાયો અહીં રજૂ કરવામાં આવે છે. તેનું ખરેખરું મહત્ત્વ તો વાંચ્યા પછી અમલમાં મૂકવાથી જ સમજી શકાશે.
1. નવકાર લેખન : આપણા સહુનો રોજિંદો અનુભવ છે કે જ્યારે લખવાનું ચાલુ હોય ત્યારે પ્રાયઃ કરીને ચિત્તમાં લેખનના વિષય સિવાયના બીજા વિચારો પ્રવેશી શકતા નથી. તેથી સારી નોટબુક કે ડાયરીમાં દરરોજ નિયમિત પણે સારા અક્ષર તથા શુદ્ધ જોડણીપૂર્વક યથાશક્ય નવકાર લેખનની ટેવ પાડવામાં આવે તો હાથ તેમજ નેત્ર બંને પાવન થાય છે અને ચિત્તની ચંચળતા પણ ઘટવા માંડે છે. લખાણ વધુ આકર્ષક બને તે માટે વિવિધ રંગીન શાહીનો ઉપયોગ પણ કરી શકાય.
આવી રીતે લખાયેલી નોટબુકોને ઘરમાં સારા સ્થાને મૂકીને ધૂપ પણ કરી શકાય. આશાતનાના ખોટા ભયથી પાણીમાં પધરાવવાની જરૂર નથી. આવી નોટબુકોનો સંગ્રહ થયેલો હોય તો ઘરના બીજા સભ્યોને પણ તેમ કરવાની પ્રેરણા મળે તથા પાછલી જિંદગીમાં કે અંતસમયે આપણો આત્મા પણ સંતોષ અનુભવી શકશે કે મારા હાથે આટલું પણ સુકૃત થયું છે. આ રીતે લેખિત જાપનો પ્રારંભકરતાં પહેલાં નવકાર વિષેની પોતાની જોડણી શુદ્ધ છે કે નહિ તેની ગુરુગમની ખાત્રી કરી લેવી જોઈએ.
2. નવકાર વાંચન: લેખનની માફક વાંચનમાં ૫ણ ચિત્ત સહેલાઈથી એકાગ્ર બની શકે છે. તેથી નવકારની આકર્ષક છબી, સ્ટીકર કે પુસ્તક સામે રાખીને જેમ પહેલી ચોપડીમાં ભણતું બાળક એકેક અક્ષર છૂટો છૂટો મોટેથી બોલીને વાંચતો હોય તેવી રીતે રોજ ઓછામાં ઓછા 12 કે તેથી વધુ (108 વગેરે) વખત નવકાર વાંચવાનો અભ્યાસ કરવાથી પણ આંખ પવિત્ર થાય છે તથા ચિત્તની ચંચળતા ઓછી થાય છે.
આ પણ વાંચો: Navkar Mahamantra Divas: જાણો શું છે નવકાર મંત્રનો અર્થ અને તેનું મહત્ત્વ
નવકાર વાંચન માટે પોતાના હાથે લખેલી નવકારની નોટબુકનો પણ ઉપયોગ કરવામાં આવે તો તેથી નવકાર લેખનની પણ પ્રત્યક્ષ સાર્થકતા અનુભવાય છે. નવકાર વાંચનમાં એક બાબત ખાસ ખ્યાલમાં રાખવી કે જ્યારે જે અક્ષર બોલાતો હોય ત્યારે આંખ પણ તે જ અક્ષર ઉપર હોવી જોઈએ.
મહા મંગલ શ્રી નવકારના જાપથી માનવી શું પામે છે?
* શ્રી નવકાર મંત્ર ગણનાર માનવીનું પાપ જાય છે.
* નવકાર મંત્ર સાંભળનારા માનવીનું પાપ જાય છે.
* નવકાર મંત્રને સંભળાવનારા માનવીનું પણ પાપ જાય છે.
* અરે! જ્યાં જ્યાં એના શ્વોસોચ્છ્વાસ અડે, તેનાં પણ પાપ ધોવાઈ જાય છે.
નવકાર મંત્રની શક્તિઓ કેટલી છે?
* સર્વ કાળના પાપનો નાશ કરવાની શક્તિ નવકાર મંત્રમાં છે.
* સર્વ પ્રકારના પાપનો નાશ કરવાની શક્તિ નવકાર મંત્રમાં છે.
* સર્વ લોકના પાપનો નાશ કરવાની શક્તિ નવકાર મંત્રમાં છે.
* સર્વ રીતે પાપનો નાશ કરવાની શક્તિ નવકાર મંત્રમાં છે.
* નવકાર મંત્ર એટલે તાવી-તાવીને ચોખ્ખું કરેલું શુદ્ધ ઘી. નવકાર મંત્રની આરાધનાના વાતાવરણથી વિરાધનાની દુર્ગંધ દૂર થાય છે અને આરાધનાની સુવાસ ફેલાય છે.
* નવકાર મંત્રના મહિમાથી વિઘ્નો ટળે, આત્મામાં નિર્મળતા પ્રગટે, વાંછિત ફળ મળે અને અગ્નિ પણ જળરૂપ બને. એવા આ મંત્રનો મહિમા અપરંપાર છે.
* ત્રણેય કાળમાં નવકાર મંત્ર શાશ્વત છે. સનાતન છે. દુનિયામાં બધા શબ્દો ફરે પણ નવકાર મંત્રના શબ્દો ત્રણેય કાળમાં ફરે નહીં.