Parama Ekadashi Vrat Katha: અધિક જ્યેષ્ઠ માસની એકાદશી તિથિ 10 જૂન 2026ના રોજ રાત્રે 12:57 વાગ્યાથી પ્રારંભ થશે અને 11 જૂન 2026ના રોજ રાત્રે 10:36 વાગ્યે સમાપ્ત થશે. તેથી 11 જૂનના રોજ 'પરમા એકાદશી'નું વ્રત રાખવામાં આવશે.
આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવી જોઈએ અને પૂજા દરમિયાન પરમા એકાદશીની વ્રત કથાનું અવશ્ય વાંચવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વ્રત અને પૂજા જો વિધિવત રીતે કરવામાં આવે, તો ભક્તને 100 યજ્ઞ કરવા બરાબર ફળ પ્રાપ્ત થાય છે.
પરમા એકાદશી વ્રત કથા
કામ્પિલ્ય નગરમાં સુમેધા નામનો એક અત્યંત ધર્માત્મા બ્રાહ્મણ રહેતો હતો. તેમની પત્ની પણ અત્યંત પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતી. જો કે, કોઈ પૂર્વ જન્મના પાપના કારણે આ દંપતી અત્યંત દરિદ્રતાનું જીવન વિતાવી રહ્યું હતું.
પરિસ્થિતિ એટલી વિકટ હતી કે બ્રાહ્મણને ભિક્ષા માંગવા છતાં પણ ભિક્ષા નહોતી મળતી. તેમ છતાં બ્રાહ્મણની પત્ની પૂરતા વસ્ત્રો ન હોવા છતાં પણ સતત પોતાના પતિની સેવા કરતી હતી અને પોતે ભૂખી રહીને અતિથિને ભોજન કરાવી દેતી હતી. તે ક્યારેય પોતાના પતિ પાસે કોઈ વસ્તુની માગ નહોતી કરતી. બંને પતિ-પત્ની અત્યંત દરિદ્રતાનું જીવન વિતાવી રહ્યા હતા.
એક દિવસ બ્રાહ્મણે લાચારી વ્યક્ત કરતા પોતાની પત્નીને કહ્યું કે, 'હે પ્રિય! જ્યારે પણ હું ધનવાન લોકો પાસે આર્થિક મદદ કે ધનની યાચના કરું છું, ત્યારે તેઓ મને ઈનકાર કરી દે છે. ધન વગર ગૃહસ્થી ન ચાલે, તેથી જો તારી સંમતિ હોય તો હું વિદેશ જઈને કંઈક કામ કરું, કારણ કે વિદ્ધાનોએ પણ કર્મની પ્રશંસા કરી છે.'
બ્રાહ્મણની પત્નીએ અત્યંત વિનમ્રતાપૂર્વક કહ્યું કે, 'હે સ્વામી! હું આપની દાસી છું. પતિ સારું કે નરસું જે પણ કહે, પત્નીએ તેનું જ અનુસરણ કરવું જોઈએ. મનુષ્યને હંમેશા પોતાના પૂર્વ જન્મના કર્મોનું જ ફળ મળતું હોય છે. જો નસીબમાં ન હોય, તો સુમેરુ પર્વત પર રહેવા છતાં પણ મનુષ્યને સુવર્ણ (સોનું) પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વ જન્મમાં જો મનુષ્ય વિદ્યા અને ભૂમિનું દાન કરે છે, તેમને આગલા જન્મમાં વિદ્યા અને ભૂમિ પ્રાપ્ત થાય છે. ઈશ્વરે આપણા ભાગ્યમાં જે કંઈ પણ લખ્યું છે, તેને ક્યારેય ટાળી શકાતું નથી.
જો કોઈ મનુષ્ય પૂર્વ જન્મમાં દાન નથી કરતો, તો ભગવાન તેને માત્ર અન્ન જ આપે છે, તેથી તમારે આ જ સ્થાને રહેવું જોઈએ, કારણ કે હું તમારાથી અલગ થવાનું દુઃખ સહન ન કરી શકીશ.
પતિ વિનાની સ્ત્રીની તેના માતા-પિતા, ભાઈ, સસરા કે અન્ય સગા-સંબંધીઓ પણ નિંદા કરવા લાગે છે, તેથી હે સ્વામી! કૃપા કરીને તમે ક્યાંય ન જાઓ. આપણા ભાગ્યમાં જે કંઈ પણ લખાયેલું હશે, તે આપણને આ જ સ્થાન પર પ્રાપ્ત થશે.
સ્ત્રીની સલાહ માનીને બ્રાહ્મણ વિદેશ ન ગયો. સમય આમ જ પસાર થતો રહ્યો. એકવાર કૌંડિન્ય ઋષિ ત્યાં આવ્યા. ઋષિને જોઈને બ્રાહ્મણ સુમેધા અને તેમની પત્નીએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે, આજે અમે ધન્ય થયા છીએ. આજે તમારા દર્શનથી અમારું જીવન સફળ થયું.
તેમણે ઋષિને આસન અને ભોજન આપ્યું. ભોજન આપ્યા પછી પતિવ્રતા બ્રાહ્મણીએ કહ્યું કે, હે ઋષિવર! કૃપા કરીને મને દરિદ્રતા દૂર કરવાની વિધિ જણાવો. મેં મારા પતિને વિદેશ જઈને પૈસા કમાતા રોક્યા છે. મારા ભાગ્યથી તમે આવ્યા છો. મને પૂરો વિશ્વાસ છે કે હવે મારી દરિદ્રતા જલદી જ નષ્ટ થશે, તો કૃપા કરીને અમારી દરિદ્રતા નષ્ટ કરવા માટે કોઈ ઉપાય જણાવો.
બ્રાહ્મણીની વાત સાંભળીને કૌંડિન્ય ઋષિએ કહ્યું કે, હે બ્રાહ્મણી! માલ મહિનાના કૃષ્ણ પક્ષની પરમ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપ, દુ:ખ અને દરિદ્રતા વગેરેનો નષ્ટ થાય છે. જે વ્યક્તિ આ વ્રત રાખે છે તે ધનવાન બની જાય છે. આ વ્રત દરમિયાન નૃત્ય, ગાન વગેરેની સાથે રાત્રિ જાગરણ પણ કરવું જોઈએ.
આ એકાદશી ધન અને સમૃદ્ધિ આપે છે અને પાપોનો પણ નાશ કરીને ઉત્તમ પ્રગતિ પણ પ્રદાન કરે છે. ભગવાન કુબેરે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું અને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને તેમને ધનાધ્યક્ષનું પદ આપ્યું. આ વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પ્રાપ્ત થયું હતું.
ત્યારબાદ ઋષિ કૌંડિન્યએ તેમને એકાદશીના વ્રતની વિધિ કહી સંભળાવી. ઋષિએ કહ્યું કે, હે બ્રાહ્મણી ! પંચ રાત્રિ વ્રત આના કરતાં પણ શ્રેષ્ઠ છે. પરમા એકાદશીના દિવસે વહેલી સવારે નિત્ય કામથી નિવૃત્ત થઈને વિધિપૂર્વક પંચ રાત્રિ વ્રત શરૂ કરવું જોઈએ.
જે મનુષ્ય પાંચ દિવસ સુધી નિર્જળ વ્રત રાખે છે તેઓ પોતાના માતા-પિતા અને પત્ની સાથે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય પાંચ દિવસ સાંજના સમયે ભોજન કરે છે તે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય સ્નાન કરીને બ્રાહ્મણોને પાંચ દિવસ સુધી ભોજન કરાવે છે, તેમને સમગ્ર સંસારને ભોજન કરાવવાનું ફળ મળે છે. જે લોકો આ વ્રત દરમિયાન ઘોડાનું દાન કરે છે તેમને ત્રણેય લોકને દાન કરવાનું ફળ મળે છે.
જે મનુષ્ય ઉત્તમ બ્રાહ્મણને તલનું દાન કરે છે, તેઓ તલની સંખ્યા જેટલા વર્ષો સુધી વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ઘીનું પાત્ર દાન કરે છે તે સૂર્યલોકમાં જાય છે. જે લોકો પાંચ દિવસ સુધી બ્રહ્મચારી રહે છે તેઓ દેવાંગનાઓ સાથે સ્વર્ગમાં જાય છે. હે બ્રાહ્મણી ! તમે તમારા પતિ સાથે આ જ વ્રત રાખો. તેનાથી તમને ચોક્કસ સિદ્ધિ અને અંતે સ્વર્ગ પ્રાપ્ત થશો.
કૌંડિન્ય ઋષિના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને તેની પત્નીએ પરમા એકાદશીનું પાંચ દિવસ સુધી વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયા પછી બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાના ઘરે આવતો જોયો. ભગવાન બ્રહ્માની પ્રેરણાથી રાજકુમારે તેમને એક સુંદર ઘર જે તમામ વસ્તુઓથી ભરેલું હતું, તે રહેવા માટે આપ્યું.
આ ઉપરાંત રાજકુમારે આજીવિકા માટે એક ગામ આપ્યું. આ રીતે બ્રાહ્મણ અને તેની પત્નીની દરિદ્રતા દૂર થઈ અને વર્ષો સુધી પૃથ્વી પર સુખ ભોગવ્યા બાદ પતિ-પત્ની શ્રી વિષ્ણુના ઉત્તમ લોકમાં પ્રસ્થાન કરી ગયા.


