Get The App

રોટલી પીરસતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ, ઘરમાં આવી શકે છે દરિદ્રતા; જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમો

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
રોટલી પીરસતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ, ઘરમાં આવી શકે છે દરિદ્રતા; જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમો 1 - image

Kitchen Vastu Tips For a Prosperous Life: હિન્દુ સંસ્કૃતિના મહત્ત્વના અંગ ગણાતા વાસ્તુ શાસ્ત્રમાં રસોડા અને ભોજન કરવાની રીતને લઈને કેટલાક મહત્ત્વના નિયમો જણાવાયા છે. માન્યતા છે કે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભોજન પીરસવાની પદ્ધતિ ઘરની આર્થિક સ્થિતિ, સુખ-સમૃદ્ધિ અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને સીધી રીતે અસર કરે છે. રોટલી બનાવતી અને પીરસતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ઘરમાં નકારાત્મક ઊર્જા અને આર્થિક તંગી આવી શકે છે.

1. થાળીમાં ક્યારેય એકસાથે 3 રોટલી ન પીરસવી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે થાળીમાં એકસાથે ત્રણ રોટલી પીરસવી ખૂબ જ અશુભ મનાય છે. સામાન્ય રીતે 3 નંબર પૂજા-પાઠ કે અન્ય શુભ કાર્યોમાં વર્જિત છે. આ સિવાય પરંપરાગત રીતે મૃતકના શ્રાદ્ધ અથવા ત્રયોદશી સંસ્કાર સમયે જ થાળીમાં ત્રણ રોટલી રખાય છે. થાળીમાં એકસાથે ત્રણ રોટલી પીરસવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિવાદ કે માનસિક તણાવ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને ત્રણ રોટલી ખાવી જ હોય, તો પહેલા બે રોટલી પીરસવી અને ત્યારબાદ એક રોટલી અલગથી આપવી જોઈએ.

2. હાથમાં ક્યારેય રોટલી ન આપવી

ઘણીવાર લોકો ઉતાવળમાં તવા પરથી રોટલી ઉતારીને સીધી સામેવાળી વ્યક્તિના હાથમાં આપી દેતા હોય છે. વાસ્તુ અનુસાર આ એક મોટી ભૂલ છે. રોટલી હંમેશા કોઈ પ્લેટ, થાળી કે રોટલી રાખવાના વાસણમાં મૂકીને જ આદરપૂર્વક પીરસવી જોઈએ. હાથમાં રોટલી આપવી એ દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે. તેનાથી ઘરની બરકત ચાલી જાય છે અને કમાયેલા નાણાં વ્યર્થ કાર્યોમાં ખર્ચ થવા લાગે છે.

3. જમનારી વ્યક્તિને બેસાડીને જ ભોજન પીરસવું

ભોજન કરનારી વ્યક્તિ યોગ્ય આસન પર બેસે તે જરૂરી છે. વાસ્તુ અનુસાર, ભોજન કરનાર વ્યક્તિનું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું એ પિતૃઓનો માર્ગ મનાય છે, જે સામાન્ય સંજોગોમાં વર્જિત છે. આ ઉપરાંત ભોજન હંમેશા આદરપૂર્વક અને શાંત મનથી પીરસવું જોઈએ. ગુસ્સા કે ચીડ સાથે પીરસેલું ભોજન જમનારી વ્યક્તિના શરીર અને મન પર નકારાત્મક અસર કરે છે.

4. વાસી લોટની રોટલી બનાવવાથી બચવું

આજના સમયમાં ફ્રિજમાં રાખેલા આગલા દિવસના લોટમાંથી રોટલી બનાવવાનું ચલણ વધી ગયું છે, પરંતુ વાસ્તુ અને સ્વાસ્થ્ય બંનેની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાસી લોટનો સંબંધ રાહુ અને કેતુ સાથે હોય છે. આવા લોટની રોટલી ઘરમાં બીમારી, આળસ અને નકારાત્મક ઊર્જા લાવે છે. તેથી હંમેશા તાજો લોટ બાંધીને જ રોટલી બનાવવી હિતાવહ છે.

આ પણ વાંચો: અગ્નિસંસ્કાર બાદ ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું ધાર્મિક મહત્ત્વ શું છે, જાણો ગરુડ પુરાણમાં આપેલો જવાબ

5. પહેલી અને છેલ્લી રોટલીનો નિયમ

રસોડામાં રોટલી બનાવતી વખતે પહેલી અને છેલ્લી રોટલીનો એક ખાસ નિયમ છે. તવા પર બનતી સૌથી પહેલી રોટલી હંમેશા ગાય માટે કાઢવી જોઈએ. તેનાથી ઘરના તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યારે સૌથી છેલ્લે બનતી રોટલી કૂતરા કે અન્ય કોઈ જાનવર માટે કાઢવી જોઈએ, જેનાથી રાહુ-કેતુ અને શનિ શાંત રહે છે.