ચૈત્રી પૂનમે ઉપવાસ કરવાથી દરેક ઇચ્છા થશે પૂર્ણ
સનાતન ધર્મમાં ચૈત્ર પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એનું એક કારણ એ પણ છે કે તે હિન્દૂ વર્ષનો પ્રથમ મહિના માનવામાં આવે છે. આ દિવસે ઘણાં લોકો વ્રત પણ રાખે છે. આ વર્ષે ચૈત્રી પૂનમનો ઉપવાસ 19 એપ્રિલે છે. કહેવાય છે કે આ ઉપવાસ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. વ્રતની પૂજા વિધિ-વિધાન મુજબ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો યોગ્ય ફળ નહીં મળે. આજે અહીં વ્રતની વિધિ અને નિયમોની વાત કરીશું.
વિધિ-
વ્રત ગમે તે હોય તેને પૂરી શ્રદ્ધાથી ના કરવામાં આવે તો તેનું ફળ નથી મળતું. એ દિવસે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. એ પછી એ જ દિવસે રાતે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. સૌ પ્રથમ ચંદ્રમાને જળ અર્પિત કરવું જોઈએ, એ પછી અન્નથી ભરેલો ઘડો કોઈ બ્રાહ્મણ કે પછી કોઈ ગરીબ વ્યક્તિને દાન આપી દો. આમ કરવાથી ભગવાન ચંદ્ર પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની ઇચ્છા પૂરી થવાના આશીર્વાદ મળે છે.
વ્રતનો મહિમા
ચૈત્ર મહિનાની પૂનમે ભગવાન વિષ્ણુના ઉપાસક શ્રી સત્યનારાયણની પૂજા કરીને એમની કૃપા મેળવવા માટે ઉપવાસ કરે છે. સ્કંદપુરાણ અનુસાર શ્રી સત્યનારાયણ ભગવાન શ્રી હરિવિષ્ણુનું જ બીજું સ્વરૂપ હોવાથી એમની ઉપાસના કરવાનું કહેવાયુ છે.