અબ્દુલ કદીર ખાનઃ પાકિસ્તાનનો હીરો, વિશ્વનો વિલન


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

-આ માણસે પાકિસ્તાન માટે પરમાણું બોમ્બ બનાવ્યો એટલું જ નહીં, પણ ઉત્તર કોરિયા, ઈરાન અને અફઘાનિસ્તાનને પરમાણું બોમ્બની તકનિક વેચીઃ પશ્ચિમના દેશો તેની સરખામણી ઓસામા બિન લાદેન સાથે કરે છે, પાકિસ્તાનનો નેશનલ હીરો વર્ષોથી નજરબંધ હતો

દરેક દેશનો સૈનિક મહાન જ હોય છે. દરેક દેશનો પરમાણું વિજ્ઞાાની તેના દેશ માટે હીરો ગણાય. ને દુનિયા પણ તેને આદરથી જોવે તેમાં નવાઈ નથી. કારણ કે તેનું કામ તેના દેશને પ્રોટેક્ટ કરવાનું છે ને એ જ કામ તેઓ કરતા હોય છે. ભારતના સંરક્ષણ પ્રધાનનું કામ ભારતને પ્રોટેક્ટ કરવાનું હોય એમ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું કામ પણ એના દેશને પ્રોટેક્ટ કરવાનું હોય એમાં કોઈ નવાઈ નથી કે કશી જ વાંધાજનક બાબત નથી. પણ પાકિસ્તાનનો પરમાણું વિજ્ઞાાની અબ્દુલ કદીર ખાન હીરો મટીને વિલન બની ગયો. પાકિસ્તાન માટે ભલે તે આજેય નાયક છે, કિન્તુ બાકીની દુનિયા માટે તે ખલનાયક છે. કારણ કે તેણે કામ એવા કર્યા છે. તાજેતરમાં તેનું નિધન થયું ત્યારે તેના દુષ્કૃત્યો ફરીથી જાણી લેવા જરૂરી છે.

ઉત્તર કોરિયા દર ચાર દિવસે કોઈને કોઈ મિસાઇલ પરીક્ષણ કરે છે, પરમાણું પરીક્ષણ કરે છે. આજે તેની પાસે એક શક્તિશાળી દેશ પાસે હોવા જોઈએ તેવા બધા જ શસ્ત્રો છે, પણ ખાવા ખીચડી નથી. શસ્ત્રો શું એટલા જરૂરી છે? તેના જ પડોશી જાપાન પાસે એટલા શસ્ત્રો નથી તોય તે દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ છે અને આખા વિશ્વમાં માથું ઊંચું કરીને રહે છે. ગણિતમાં કંઈક ગરબડ છે, પ્રાયોરિટી ખોટી છે. ઉત્તર કોરિયા તો ખેર પહેલેથી જ તઘલખી તાનાશાહોનો શિકાર છે, એટલે એની વાત કરવાનો કોઈ અર્થ નથી. વાત એની કરવાની છે કે તેના મૂર્ખ શાસકોના હાથમાં હથિયાર આપ્યા કોણે? અબ્દુલ કદીર ખાને.

અબ્દુલ કદીર ખાનનો જન્મ ૧૯૩૬માં ભોપાલમાં થયો હતો. ૧૯૫૨માં તેનો પરિવાર પાકિસ્તાન ગયો. એ. ક્યુ. ખાને મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં કરેલો છે. ૧૯૫૬માં કરાંચી યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં સ્નાતકની ડીગ્રી મેળવી. ૧૯૬૧માં સ્કોલરશિપ મેળવી જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટીમાંથી મટિરિયલ સાયન્સનો અભ્યાસ કર્યો. ત્યાંથી ૧૯૬૫માં નેધરલેન્ડ્સની ડેલ્ફ યુનિવર્સિટી ઑફ ટેકનોલોજીમાં જઈને મેટલર્જી એટલે કે ધાતુવિદ્યાનો અભ્યાસ કર્યો. અને આટલા બધા જ્ઞાાનનો ઉપયોગ પશ્ચિમ વિરોધી દેશોને પરમાણું શસ્ત્રો બનાવવાની તકનિક આપવામાં કર્યો. પાકિસ્તાનને પરમાણું બોમ્બ બનાવવા માટે તેમણે નેધરલેન્ડમાંથી પરમાણું તકનિક ચોરી એટલું જ નહીં, બીજા કડકા દેશોને પણ વેચી. પોતાના સ્વાર્થ માટે વેચી. બિઝનેસ કર્યો. રૂપિયા ભેગા કરવાની ચાહમાં વેચી. વેસ્ટર્ન વર્લ્ડ એ. ક્યુ. ખાનની તુલના ઓસામા બિન લાદેન સાથે કરે છે.

૧૯૭૦ના દશકમાં એ. ક્યુ. ખાન નેધરલેન્ડમાં જ કામ પર લાગી ગયો હતો. ૧૯૭૧માં પાકિસ્તાનના પરાજય પછી ખાનના રુદિયામાં દેશભક્તિ જાગી ઊઠી અને તે પરમાણું વિજ્ઞાાનીમાંથી પરમાણું જાસૂસ બની ગયો. તે યુરેનિયમ સંવર્ધન કરવા માટેના સેન્ટ્રીફ્યુઝ બનાવનારી કંપનીમાં કામ કરતો હતો. યુરેનિયમનું સંવર્ધન કરીને અણું વીજળી પેદા કરી શકાય છે અને વધારે સંવર્ધન કરીને પરમાણું બોમ્બ પણ બનાવી શકાય છે. તેણે એડવાન્સ સેન્ટ્રીફ્યુઝની ડીઝાઈન કોપી કરી લીધી અને વતન પહોંચી ગયો.

પાકિસ્તાનમાં તેણે યુરોપિયન બિઝનેસમેનનું એક ગુ્રપ બનાવ્યું, જેને પૈસા સિવાયની કોઈ બાબતથી મતલબ નહોતો. તે લોકો એ. ક્યુ. ખાનને જરૂરી ચીજવસ્તુઓની આયાત કરી આપતા હતા. હકીકતમાં તે પાકિસ્તાન માટે પરમાણું બોમ્બ બનાવનારી ટીમનો સભ્ય હતો, પણ પબ્લિસિટી અને પ્રભાવના કારણે તે પોતે જ પાકિસ્તાનના પરમાણું બોમ્બનો જનક કહેવાવા લાગ્યો. પરમાણું બોમ્બ બની ગયા પછી તેણે પોતાના યુરોપિયન મિત્રોના ગુ્રપનો હેતુફેર કરી નાખ્યો. હવે તેણે પરમાણું ટેકનોલોજી ગુપ્તરાહે વેચવાનું શરૂ કર્યું. પાકિસ્તાનમાં આવકના બીજા કોઈ સાધનો તો ખાસ હતા નહીં. આથી એ. ક્યુ. ખાન અને તત્કાલીન પાકિસ્તાની નેતાઓ મળીને ગરજાવ દેશોને પરમાણું ટેકનોલોજી વેચતા. તેણે ઉત્તર કોરિયા, લિબિયા અને ઈરાનને પરમાણું ટેકનોલોજી વેચી હોવાનું કહેવાય છે. એ સિવાયના બીજા પણ દેશ હોઈ શકે છે.

બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ-૬ અને અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએએ ૧૯૯૦થી તેની સામે સક્રિય બની. તેના ફોન ટ્રેસ કર્યા, તેના નેટવર્ક સર્કલમાં જે લોકો હતા તેમને લાખો ડોલરની લાલચ આપી એજન્ટ બનાવી લીધા. આમેય તેઓ તો પૈસાની લાલચથી જ એ. ક્યુ. ખાન સાથે જોડાયેલા હતા. ૨૦૦૧માં અમેરિકા પર ત્રાસવાદી હુમલા પછી તેની જાસૂસી ઓર વધી ગઈ. પાકિસ્તાને તેની સામે પગલાં લેવા અમેરિકાએ દબાણ વધાર્યું. લીબિયાના તાનાશાહ કર્નલ ગદ્દાફીએ સામે ચાલીને તેને પુરાવા આપ્યા, જેમાં અબ્દુલ કદીર ખાને તેને પરમાણું બોમ્બ બનાવવાની તકનિક આપી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. 

હવે પાકિસ્તાન લાચાર હતું. પાક સરકારે તેને નજરબંધ કર્યો. ખાને ટેલિવિઝન પર કબૂલ પણ કર્યું કે તેણે લિબિયા, ઉત્તર કોરિયા અને ઈરાનને પરમાણું તકનિક આપી છે. જોકે ૨૦૦૮માં ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં તે ફરી ગયો. તેણે એવું કહ્યું કે મને ખોટું કબૂલાતનામું આપવા મારા પર મુશર્રફે દબાણ કર્યું હતું. આ માણસ કેટલો જૂઠો છે તે એ વાત પરથી સાબિત થાય છે કે તે પોતાને નિર્દોષ તો ગણાવે છે, પણ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીની તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

પોતાના દેશ માટે પરમાણું બોમ્બ બનાવીને અટકી ગયો હોત તો કશું ખોટું નહોતું. દરેક વ્યક્તિને પોતાના દેશની સેવા કરવાનો અધિકાર હોય છે. એવું થયું હોત તો તેને તું ને બદલે તમે કહીને આદર આપવો પડે, પરંતુ તે આદરપાત્ર એટલા માટે નથી કેમ કે તેણે પરમાણું તકનિકનો વેપાર કર્યો અને દુષ્ટ દેશો (રોગ સ્ટેટ્સને) ન્યુક્લિઅર સંપન્ન બનાવ્યા. માત્ર થોડા પૈસા માટે કે વધુ કંઈ?  

પાકિસ્તાન આજે શોક સંતપ્ત છે, ઇમરાન ખાનથી લઈ શાહબાઝ શરીફ સુધીના નેતાઓ ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે. આ જ બધા એ. ક્યુ. ખાન જીવતો હતો ત્યારે પોતાના નેશનલ હીરોની ખબર પણ નહોતા કાઢતા. એવું ખાન પોતે ડોનને આપેલા ઇન્ટરવ્યૂમાં એકથી વધુ વખત આક્ષેપ મૂકી ચૂક્યો છે. 

નાપાક નેતાઓએ વિચારવું જોઈએ કે તેમણે પોતાના નેશનલ હીરોને નજરકેદ કેમ કર્યો? કેમ વર્ષોથી કોઈ તેની ખબર કાઢવા નહોતું જતું. તેમને મોહસીન-એ-પાક અબ્દુલ કદીર ખાન પર ફક્ર છે કે તેણે બીજા દેશોને પૈસા માટે પરમાણું તકનિક વેચ્યાનું દુઃખ? આવા સવાલ નિરર્થક છે એની મને પણ ખબર છે ને તમને પણ.

પાકિસ્તાનની પોતાની નીતિ ટેરેરિઝમની નિકાસ કરવાની રહી છે તો તેનો વિજ્ઞાાની દુષ્ટ દેશોને પરમાણું તકનિક વેચે એમાં નવાઈ શું? આલ્ફ્રેડ નોબેલે ભૂલથી ડાઇનામાઇટ બનાવી નાખ્યાના પશ્ચાતાપમાં નોબેલ પ્રાઇઝ શરૂ કરેલું. એ. ક્યું. ખાન એવી વ્યક્તિ છે જેણે જાણી જોઈને પરમાણું તકનિકનો પ્રસાર કર્યાનો તેને પશ્ચાતાપ પણ નહીં હોય.

City News

Sports

RECENT NEWS