પેટ્રોલ માટે લાંબી લાઇનોઃ બ્રિટિશરો માટે સબક, કેમ?


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- બ્રિટનમાં ટ્રક ડ્રાઇવર્સની અછત થતા પેટ્રોલ સમયસર પેટ્રોલ પમ્પ પર પહોંચી રહ્યું નથીઃ કારોની લાંબી લાઇન લાગી રહી છે, હવે તેમને કદાચ વિદેશીઓનું મહત્ત્વ સમજાયું હશે

જીવન અને જગતને ટકાવી રાખનારું સૌથી મોટું કોઈ પરિબળ હોય તો તે છે વિશ્વાસ. આપણે ટ્રેનમાં શાંતિથી ઊંઘી શકીએ છીએ કારણ કે આપણને લોકો પાયલોટ પર વિશ્વાસ છે. આપણે તેને ક્યારેય જોયો નથી તો ય વિશ્વાસ છે કારણ કે આપણને રેલવેની વ્યવસ્થા પર વિશ્વાસ છે. આપણે માનીએ છીએ કે રેલવે તંત્રએ યોગ્ય વ્યક્તિને જ ટ્રેનનું સુકાન સોંપ્યું હશે. વિશ્વાસ તૂટે તો બધું અણધાર્યું તૂટવા લાગે. 

જે શહેરમાંથી પબ્લિકને વિશ્વાસ ઊઠી જાય એના ભાવ ઘટવા માંડે છે. ભારતે નોટબંધી કર્યા પછી વેનેઝુએલાએ પણ નોટબંધી કરેલી, પણ મોદી સરકારમાં લોકોને વિશ્વાસ હતો એટલે એક ભૂલભરેલા નિર્ણયમાંથી પણ દેશ પાર ઊતરી ગયો. જ્યારે વેનેઝુએલાનું અર્થતંત્ર પડી ભાંગ્યું તે હજુ સુધી સ્થિર થઈ શક્યું નથી. એમ સમજી લો કે વિશ્વાસ પૃથ્વીનો ગોળો જેના પર ફરે છે એ ધરી છે. 

વિશ્વાસ ઊઠી જાય ત્યારે શું થાય? તેનું લેટેસ્ટ ઉદાહરણ બ્રિટનમાં જોવા મળ્યું. બ્રિટનમાં થોડા સમય પહેલાં બી.પી. તેલ કંપનીએ પ્રેસ રિલિઝમાં ધડાકો કર્યો કે બ્રિટનમાં હાલ ટ્રક ડ્રાઈવરોની અછત છે તેના કારણે કંપનીના પેટ્રોલ પંપ્સ થોડા સમય માટે બંધ રાખવા પડી શકે છે. આ ચિનગારી થોડી જ વારમાં આગમાં પલટાવા લાગી. પેટ્રોલ પંપની બહાર વાહનચાલકોની લાંબી લાઈન લાગવા લાગી. ફરી ક્યારે પેટ્રોલ મળે? એવી બીકે વાહનચાલકો વધુને વધુ પેટ્રોલ પુરાવવા લાગ્યા. અછત ઊભી થઈ હોવાનું સત્ય જ્યારે જાહેર થાય ત્યારે ડબલ અછત થઈ જાય છે. લોકો પેનિક બાઈંગ કરવા લાગે છે. બેન્ક ઊઠવાની ખાલી અફવા ઊડે તો એટીએમની સામે માઈલો લાંબી લાઈનો લાગી જાય છે અને એ લાઈનો જ અંતે બેન્કના ઉઠમણાંનું કારણ બની જાય છે. વિશ્વાસના ઉઠમણાનું આ સૌથી મોટું ઉદાહરણ. બ્રિટનમાં તેલ કંપનીઓના ઉઠમણાં તો નથી થયા પરંતુ અછત અને તે પછી અવિશ્વાસના વાતાવરણને કારણે જનતા, પેટ્રોલ પંપ સંચાલકો, ઓઈલ કંપનીઓ તથા સરકારને ગજબ સંઘર્ષનો સામનો કરવો પડયો છે. 

સેંકડો પેટ્રોલ પંપો સામે વાહનોની માઇલો લાંબી લાઈન લાગી. કતારમાં ઊભેલા ડ્રાઈવરો કારમાં જ ઉંઘી જાય અને વારો આવે ત્યારે પેટ્રોલ પુરાવીને જ ઘરે જાય એવું જોવા મળ્યું.  કલાકો સુધી ઊભા રહીને થાક્યા પછી અધીરા બનેલા લોકો એકબીજાને ઓવરટેક કરે એવું જોવા મળ્યું. તો ઘણી જગ્યાએ પબ્લિક-પબ્લિક તથા પબ્લિક -સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી થઈ. બ્રિટનની સરકાર વારંવાર કહેતી રહી કે પેટ્રોલની અછત નથી, પેટ્રોલની અછત નથી, પરંતુ એકવાર વિશ્વાસ તૂટે પછી તેને સાંધવો અસંભવ બની જાય છે. બ્રિટન એક વિકસીત દેશ છે એટલે કોઈ ને કોઈ રીતે મેનેજ કરી લે. આવું જો વિકાસશીલ કે અવિકસીત દેશમાં બન્યું હોય તો જોવા જેવી થાય. મહિનાઓ સુધી સમસ્યાનો કોઈ છેડો જ ન આવે. પેટ્રોલ- ડીઝલ બ્લેકમાં પાંચ-પાંચ, દસ-દસગણા ભાવે વેચાવા લાગે.

હકીકત એ છે કે બ્રિટનમાં પેટ્રોલની નહીં પરંતુ ટ્રક ડ્રાઈવરની શોર્ટેજ પેદા થઈ છે. આ શોર્ટેજ કેવળ બ્રિટનમાં જ નહીં આખા યુરોપમાં છે. તેના માટે કોવિડ-૧૯ ઉપરાંત બ્રેકઝિટ પણ એક મોટું કારણ છે. બ્રિટન જ્યારે યુરોપિયન યુનિયનમાં હતું ત્યારે કેટલાય યુરોપિયન દેશોના નાગરિકો બ્રિટનમાં કામ કરતા. બ્રેકઝિટ પછી તેમના માટે બ્રિટનમાં રહેવું મોંઘુ થઈ જતાં તેઓ વતન ઊડી ગયા, તો કેટલાક કોવિડ-૧૯ મહામારીને કારણે પોતાના ગામ કે દેશમાં જતાં રહ્યા છે. તેમનું રિપ્લેસમેન્ટ થઈ શક્યું નથી.  ગુજરાતમાંથી પરપ્રાંતીયો વતન જતા રહે તો અહીંના કારખાના અને ખેતીવાડી ઠપ થઈ જાય તેના જેવી આ વાત છે. 

અત્યારે પેટ્રોલ-ડીઝલ ભરેલા હેવીવેઈટ વેહીકલ્સ ચલાવવા માટે આર્મીના ડ્રાઈવરોને તાલિમબદ્ધ કરાયા છે. તેમને આ જવાબદારી સોંપાઈ છે. વિદેશી ટ્રક ડ્રાઈવરોને વધુ કલાક કામ કરવાની છૂટ આપવામાં આવી છે. હેવી ગુડ્સ વેહીકલના લાયસન્સ ઈશ્યૂ કરવાની મર્યાદા વધારી દેવામાં આવી છે. તેલ કંપનીઓ વચ્ચેની પ્રતિસ્પર્ધા ટાળવા માટેનો કાયદો તત્પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારે પાંચ હજાર વિદેશી ટ્રક ડ્રાઈવર્સ માટે વિઝા જારી કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રકચાલકની જેમ શોર્ટેજ છે તેમ મજૂરોની પણ છે. તેનું પણ એ જ કારણ છે કોવિડ અને બ્રેકઝિટ. યુરોપિયન યુનિયનમાંથી નોખા પડીને બ્રિટને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. હાથના કર્યા અત્યારે હૈયે વાગ્યા છે. 

એક સમયે વિદેશીઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરનારી આ સરકાર અત્યારે તેમને પરત બોલાવી રહી છે. ટ્રક ડ્રાઈવરોને દસ લાખ પત્રો લખીને તેમને કામ પર પરત ફરવા આમંત્રણ અપાયું છે. વિવિધ ઈન્ડસ્ટ્રીના મજૂરોને પણ પાછા બોલાવવામાં આવી રહ્યા છે. પોલ્ટ્રી ક્ષેત્રના ૫,૫૦૦ મજૂરને ક્રિસમસ સુધીના વિઝા જાહેર કરવામાં આવશે. સાલ ૨૦૦૦માં ટોની બ્લેયર જ્યારે વડાપ્રધાન હતા  ત્યારે પણ આ પ્રકારની સમસ્યા પેદા થયેલી. 

 લોકો સડક પર ઉતરીને વિરોધ કરવા લાગ્યા હતા. તેમણે વિરોધને કંટ્રોલ કરવાની જવાબદારી આર્મીને સોંપેલી. વર્તમાન વડાપ્રધાન બોરિસ જૉનસને ખોરવાયેલી ગ્લોબલ સપ્લાય ચેઈન પર ઠીકરું ફોડયું છે.  પ્રોબ્લેમ એ જ છે, રાજકારણીઓ ક્યારેય સત્ય સ્વીકારતા નથી. સત્ય છુપાવવા માટે એક મોટું અસત્ય જન્માવી દે છે પછી તેમના સમર્થકો અને વિરોધીઓ વર્ષો સુધી અથડાતા રહે છે.  જ્યારે ખબર છે કે બ્રિટનની ઈકોનોમી વિદેશી શ્રમિકો વિના ચાલે તેમ નથી તો પછી વિદેશીઓ પ્રત્યે નફરત શા માટે ફેલાવવામાં આવે છે? 

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- આઈસલેન્ડમાં થોડા સમય પહેલાં યોજાયેલી ચૂંટણીમાં ૪૮ ટકા મહિલા સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. દુનિયામાં સૌથી વધુ મહિલા સાંસદ આ યુરોપિયન દેશમાં જોવા મળી રહી છે.

- ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઈબોલા ફાટી નીકળ્યો ત્યારે ત્યાં સેવા કરવા ગયેલી ૮૩ મહિલાઓ સાથે જાતીય સતામણી થઈ હતી. તેમનું શોષણ કરનારાઓમાં મોટાભાગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો સ્ટાફ હતો. 

- સુદાનમાં સરમુખત્યાર ઓમર અલ બસીરનું ૩૦ વર્ષ લાંબુ શાસન ફગાવ્યા બાદ સ્થાપવામાં આવેલી લોકશાહી બિલકુલ તકલાદી પુરવાર થઈ રહી છે. જેહાદીઓનો ત્રાસ વધી ગયો છે. તાજેતરમાં તેમણે છ ગુપ્તચરોની હત્યા કર્યાનો દાવો કર્યો હતો. 

- કેનેડાએ હિરાસતમાં લીધેલા વાહવે ટેક કંપનીના મહિલા એક્ઝિકયુટિવ મેંગવાન ઝાઉને ત્રણ વર્ષ બાદ મુક્ત કરી વતન જવા દીધાં હતાંં. મેંગે પોલીસ તપાસમાં કબૂલ્યું હતું કે વાહવે કંપની કેનેડાના બેંકર્સને ગેરમાર્ગે દોરી રહી હતી.  

- ચીનમાં પ્રદૂષણ ઘટાડવા કોલસાના વપરાશ પર મર્યાદા મૂકવામાં આવતા વીજળીની ભારે અછત સર્જાઈ હતી. ૨૦ પ્રાંતમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.

- ફેબુ્રઆરી માસમાં  બેઈજિંગમાં વિન્ટર ઓલિમ્પિક યોજાશે. ચીને પણ કોરોનાનું કારણ આગળ ધરીને આ રમતોત્સવમાં વિદેશી દર્શકોના આગમન પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

- કિશીદા ફુમીઓ જાપાનના નવા વડાપ્રધાન બનશે. સુગા યોશીહીદેએ કોરોનાને નાથવામાં કરેલી નબળી કામગીરીને પગલે તેમને હટાવવામાં આવ્યા છે.

City News

Sports

RECENT NEWS