For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોડાસામાં 141 એકમોને ફાયર સેફરી મુદ્દે ફરી નોટિસ

- એનઓસી મેળવેલી હોય તો જમા કરાવવા અને ન હોય તો સત્વરે મેળવી લેવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ

- શહેરની 72 હોસ્પિટલ, 22 સ્કૂલ, 39 ફાસ્ટફુંડ અને 8 પેટ્રોલપંપને એનઓસી મેળવી લેવા નોટિસ ફટકારી : એનઓસી નહીં મેળવે તો એકમો સીલ કરાશે

Updated: Jul 3rd, 2021

મોડાસા,તા. 2

મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જુદાજુદા કોમ્પલેક્ષ,શોપીંગ સેન્ટરો,દુકાનો,હોસ્પિટલો,રહેણાંક એપાર્ટમેન્ટો થી માંડી શાળા,હોટલ,વાણિજય એકમોમાં ફાયર સેફટી ચકાસવાની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરાઈ છે. ત્યારે આ વ્યાપક કાર્યવાહીના ભાગરૂપે પાલિકા તંત્રના ફાયર વિભાગ દ્વારા નગરમાં ૭૨ હોસ્પિટલ,૨૨ સ્કુલ,૩૯ ફાસ્ટફ્રુડ અને ૦૮ પેટ્રોલપંપ મળી કુલ ૧૪૧ એકમોને નોટીસ ફટકારાઈ છે અને ફાયર સેફટીના મુદ્દે જરૂરી એનઓસી મેળવી લેવા તાકીદ કરાઈ છે.મુદ્દતે એનઓસી નહી મેળવાય તો આવા એકમોનું સક્ષમ અધિકારી દ્વારા સીલીંગ કરાશે એવી તાકીદ પણ આ નોટીસ દ્વારા કરાઈ છે.

રાજયમાં જયારે જયારે આગની ઘટનાઓ બને છે,વધે છે ત્યારે હરક્તમાં આવતા તંત્રને જુના કાયદા યાદ આવે છે અને તંત્ર નોટીસનું હથિયાર ઉગામે છે. રાજયમાં છેલ્લા કેટલાય સમયથી આ નોટીસનું હથિયાર ઉગામાઈ રહયું છે અને જરૂર પડે રેકર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરાય છે. રાજયમાં છેલ્લા કેટલાક સમય પૂર્વે ઘટેલી આગની મોટી હોનારતોમાં માનવ જીંદગીઓ હોમાઈ જતાં નઘરોળ તંત્રને પાઠ ભણાવવા ન્યાય તંત્ર હરક્તમાં આવ્યું છે. અને નામદાર કોર્ટ દ્વારા હાથ ધરાયેલ એકશન ને પગલે જવાબદારો દ્વારા નોટીસ ઈસ્યુ કરાઈ રહી છે.મોડાસા નગરમાં આવેલ ૭૨ હોસ્પિટલ,૨૨ શાળાઓ ૩૯ ફાસ્ટફુટ અને ૦૮ પેટ્રોલપંપ ને પાલિકા તંત્રના ફાયર વિભાગ દ્વારા નોટીસ ઈસ્યુ કરાઈ છે.

આ નોટીસમાં કરાયેલ તાકીદ મુજબ જેને એકમોના માલીકો દ્વારા ફાયર સેફટીના મુદ્દે પ્રાદેશિક કચેરી ખાતેથી નો ઓબ્જેકશન સર્ટીફિકેટ મેળવાયું હોય તો તેની કોપી પાલિકા કચેરીમાં રજૂ કરી જરૂરી નોંધ કરાવવા જણાવાયું છે. જયારે જો એકમ સંચાલકો દ્વારા ફાયર ને લગતું એનઓસી ન મેળવાયું હોય તો સત્વરે મેળવી પાલિકામાં જાણ કરવા નોટીસમાં જણાવાયું છે અને મુદ્દતે એનઓસી નહી મેળવાય તો આવી મિલક્તોનું સીલીંગ સમક્ષ અધિકારી દ્વારા કરવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાયું હતું.

સુરતના સરથાણાના કોચીંગ કલાસીસમાં ભૂભકેલી આગમાં ૨૨ બાળકો હોમાયા હતા.એ પછી રાજયની કેટલીક કોવીડ હોસ્પિટલોમાં આગના બનાવોએ દીલકંપાવી દીધા હતા.

 હરક્તમાં આવેલ તંત્રએ ૨૦૧૯ ના મે માસમાં ૩૦૦ થી વધુ નોટીસો ફટકારી હતી અને એ પછી જયારે જયારે રીટ કરાઈ કે કોર્ટની ફટકાર પડી ત્યારે તંત્ર દ્વારા નોટીસોની કાર્યવાહી હાથ ધરાઈ છે. મોડાસા નગર પાલિકા દ્વારા બે વર્ષમાં ચોથીવાર નોટીસો અપાઈ છે પરંતુ હજુ ફાયર સેફટીના મુદ્દે ગુંચવાયેલ કોકડું ઉકેલાતું નથી.

પ્રાદેશિક કક્ષાના ફાયર ઓફીસરની કામગીરી સામે જ સવાલો ઉઠયા

મોડાસા નગરપાલિકાનો ગાંધીનગર ઝોનમાં સમાવેશ કરાયો છે. ગાંધીનગર ખાતેની પ્રાદેશિક કમિશ્નરની કચેરી ના ફાયર ઓફીસર ઉપર કામગીરીનું ભારે ભારણ હોવાનું ચર્ચાઈ રહયું છે.આ અધિકારીની કચેરી દ્વારા હાથ ધરાતી મંદગતીની કામગીરી ચર્ચા સ્થાને રહી છે. ત્યારે સરકાર પ્રાદેશિક કક્ષાએ સ્ટાફ વધારેે અને સત્તા ધરાવતા વધુ અધિકારીની વરણી કરી કાયમી ધોરણે કામ ભારણનો પ્રશ્ન ઉકેલાય તે જરૂરી જણાય છે.

Gujarat