For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પેટલાદના કણીયા ગામે ગરનાળું મુકવા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

Updated: Nov 19th, 2022


- વાસદ-તારાપુર સીક્સ લેન હાઇવેના કારણે 1 કિ.મી. ફરીને જવું પડે છે

- ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ દૂધ ભરાવવા જતા માલધારીઓએ દૈનિક ધોરણે ભોગવવી પડતી હાલાકી

આણંદ : વાસદ-તારાપુર સીક્સ લેન હાઈવે માર્ગ પર આવેલ પેટલાદ તાલુકાના કણીયા ગામ નજીક  ગ્રામજનોની અવરજવર અર્થે ગરનાળુ મુકવાની માંગ ન સંતોષાતા ચૂંટણી ટાણે ગ્રામજનો દ્વારા મતદાનથી અળગા રહેવાની ચિમકી આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. આ અંગે ગ્રામજનોએ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી માંગ સંતોષવા રજૂઆત કરી હતી.

 પેટલાદ તાલકુાના  કણીયા ગામ નજીકથી વાસદ-બગોદરા સીક્સ લેન હાઈવે પસાર થાય છે. આ હાઈવેનું નિર્માણ કાર્ય હાથ ધરાતા દક્ષિણ તથા તથા ઉત્તર દિશામાં વસવાટ કરતા લોકોને ગામમાં અવર-જવર માટે લગભગ એકાદ કિલોમીટર વધુ અંતરનો ફેરો પડે છે. આ હાઈવે માર્ગનું નિર્માણ થતા ગામની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પણ અનેક તકલીફોનો સામનો કરવો પડે છે .

ગામની દુધ મંડળીઓમાં દુધ ભરવા આવતા લોકો તથા ખેડૂતોને ખેતરમાં અવરજવર માટે વધારાનું અંતર કાપવું પડે છે. 

ઉપરાંત ગામમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે  મૃતદેહને સ્મશાને લઈ જવામાં તકલીફ પડી રહી છે. જેથી ગ્રામજનોએ આ સીક્સ લેન માર્ગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કણીયા ગામના પાટીયા પાસે ગરનાળુ મુકવા માટે આણંદના સાંસદ તથા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ અવારનવારની રજૂઆત છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વિધાનસભાની ચૂંટણી ટાણે કણીયા ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.  કણીયા ગામના ગ્રામજનો દ્વારા પેટલાદના નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી સત્વરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Gujarat