લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારતા કિન્નર સમાજ લાલઘુમ


- સોખડા હરિધામના સંત દ્વારા 

- કિન્નરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ 

આણંદ : સોખડા હરિધામના સંત દ્વારા કિન્નર સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી ક્લિપ બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કરવામાં આવતા કિન્નર સમાજ સહિત સંત સમાજ લાલઘુમ થયા છે. આણંદ જિલ્લાના કિન્નરો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી.

પેટલાદ કિન્નર સમાજ દ્વારા હરિધામ સોખડાના સંત શ્રીજી સૌરભસ્વામીના વિરોધમાં અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારત સરકારે તાજેતરમાં કાયદામાં સુધારા કરી કિન્નર સમાજને તેમના હક્કો અને સન્માન આપ્યા છે. વાર-તહેવારે તથા ખુશીના પ્રસંગે લોકો કિન્નરોના આશીર્વાદ લેતા હોય છે. તાળી પાડવી એ કિન્નર સમાજની એક આગવી ઓળખ છે અને તેઓ ખુશ થઈને આશીર્વાદ આપે છે ત્યારે પણ તાળીઓ પાડે છે.

 હરિધામ સોખડાના સંત દ્વારા તાજેતરમાં કિન્નર સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી એક ક્લિપ બનાવવામાં આવી હતી. ભારતના સંવિધાનમાં પણ કિન્નર સમાજને સમાન હક્કો મળ્યા છે ત્યારે એક સંત દ્વારા કિન્નર સમાજને ખુલ્લેઆમ બદનામ કરવાનો પ્રયાસ કરતી ક્લિપ વાઈરલ કરવામાં આવતા કિન્નર સમાજને ભારે ઠેસ પહોંચી છે. તેઓના આ કૃત્ય બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં કિન્નરો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 

તેઓની સાથે સાથે સંત સમાજના અગ્રણીઓએ પણ હરિધામ સોખડાના સંત વિરુધ્ધ સંવિધાન મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.


City News

Sports

RECENT NEWS