આણંદ જિલ્લામાં અખાત્રીજના દિવસે 33 જેટલા બાળલગ્ન અટકાવાયા
- સમુહલગ્નની આડમાં બાળલગ્ન કરાવાઇ રહ્યા હતા
- બાળ સુરક્ષા એકમની ટીમે સાત સમુહલગ્નમાં ઓચિંતી તપાસ કરતા ખુલાસો થયો
આણંદ : આણંદ જિલ્લામાં અક્ષય તૃતીયાના દિવસે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં બાળલગ્નો થતા હોવાનું તંત્રના ધ્યાને આવતા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરી ૩૩ જેટલા બાળલગ્નો થતા અટકાવવામાં આવ્યા હતા.
અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. જો કે ચાલુ વર્ષે અખાત્રીજે લગ્નનું મુહૂર્ત ન હોઈ શહેરી વિસ્તારોમાં જૂજ લગ્ન સમારંભો જોવા મળ્યા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક સમાજોના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. સમૂહ લગ્નોમાં બાળલગ્નો થતા અટકાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. કેટલાક સમાજમાં હજી પણ બાળલગ્નનું દૂષણ ચાલુ છે. જેને પગલે જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીની જુદી જુદી ટીમો દ્વારા કુલ-૮ તાલુકા ખાતે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં અખા ત્રીજે યોજાયેલ સાત જેટલા સમૂહલગ્નોમાં આકસ્મિક તપાસ કરી તમામ નવયુગલોની ઉંમરની ખરાઈ કરતા ૩૩ જેટલા છોકરા-છોકરીઓની ઉંમર ઓછી હોવાનું ધ્યાને આવ્યું હતું. છોકરીની ઉંમર ૧૮ વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોવાનું ખૂલતા તંત્રની ટીમો દ્વારા તમામ બાળલગ્નો અટકાવવામાં આવ્યા હતા.
તંત્રએ સમૂહલગ્નોના આયોજકો સામે લાલ આંખ કરવાના બદલે સમૂહ લગ્નના આયોજકો અને લગ્નમાં હાજર લોકોને કાયદાકીય સમજ આપી ભવિષ્યમાં આ બાબતે તકેદારી રાખવા જણાવી લેખીત બાંહેધરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
સાથે સાથે સમૂહ લગ્નના આયોજકો કાયદાના જ્ઞાનથી અજ્ઞાત હોવાનો લૂલો બચાવ કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.