આણંદ જિલ્લામાં મઠિયા, ચોળાફળી અને સુંવાળીના ભાવમાં 20 ટકા ભાવવધારો
- કોરોનાની મહામારી વચ્ચે ઉજવણીના માહોલમાં
- મંદી અને મોંઘવારી વચ્ચે ગ્રાહકો પ્રમાણમાં ઓછી, ખરીદી કરી રહ્યા હોવાનો વેપારીઓનો મત
આણંદ, તા.2 નવેમ્બર 2020, સોમવાર
કોરોનાની મહામારી વચ્ચે પ્રકાશના પર્વની ઉજવણીની તૈયારીઓમાં ચરોતરવાસીઓ વ્યસ્ત બન્યા છે. જો કે કોરોના મહામારીને લઈ ખરીદી ઉપર અસર પહોંચી હોવાનું બજારોમાં દેખાઈ રહ્યું છે. હાલ ધીમા ડગલે બજારમાં મઠીયા, ચોરાફળી અને સુવાળી સહિતની વિવિધ વાનગીઓનું વેચાણ શરૂ થઈ ગયુ છે. પર્વને અનુલક્ષીને વિવિધ ગૃહઉદ્યોગના સંચાલકો દ્વારા મઠીયા, ચોરાફળી, સુવાળી સહિતની વિવિધ ફરસાણની વાનગીઓ આકર્ષક પેકીંગમાં બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારી તેમજ રોમટીરીયલના ભાવવધારાને પગલે આવી વાનગીઓના ભાવમાં ૧૦ ટકા જેટલો ભાવવધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં તહેવારોની ઉજવણી ફીક્કી પડી છે ત્યારે પ્રકાશ પર્વ દિપાવલીની ઉજવણી ઉપર તેની અસર વર્તાઈ રહી છે. જો કે નવરાત્રિ પૂર્ણ થતાં જ ગૃહિણીઓ ઘરકામ સહિતની તૈયારીઓ વ્યસ્ત બની છે ત્યારે બીજી તરફ વેપારીઓ પણ પર્વને અનુરૂપ ચીજવસ્તુઓના વેચાણના આયોજનમાં વ્યસ્ત બન્યા છે. દિવાળી પર્વ ટાંણે વિવિધ ફરસાણની સાથે સાથે મઠીયા, સુંવાળી, ચોરાફળીની માંગ વધુ રહેતી હોય છે. હાલ બજારમાં વિવિધ ગૃહઉદ્યોગ દ્વારા તૈયાર કરાયેલ મઠીયા, ચોરાફળી, સુવાળી સહિતના વિવિધ ફરસાણ બજારમાં વેચાણ અર્થે આવી ગયા છે. વિવિધ ગૃહ ઉદ્યોગોના સંચાલકો તેમજ કેટલાક વેપારીઓ દ્વારા મોાટાપાયે સુવાળી, મઠીયા તથા ચોરાફળીનું ઉત્પાદન કરી તેને ૫૦૦ ગ્રામ, ૧ કિલોના આકર્ષક પેકીંગમાં તૈયાર કરી બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. ગ્રાહકો પોતાની જરૂરીયાત મુજબ આવા પેકીંગ ખરીદતા હોય છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ મઠીયા, ચોરાફળી, સુવાળી સહિતની ચીજવસ્તુઓની માંગમાં લગભગ ૩૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
વિવિધ ગૃહઉદ્યોગોમાં પણ કોરોના મહામારીને લઈ મંદી જોવા મળી રહી છે. ગૃહઉદ્યોગો ખાતે હાલ મંદ ગતિએ મઠીયા, પાપડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગૃહઉદ્યોગ સંચાલકોના જણાવ્યા મુજબ કોરોના મહામારીને લઈ હાલ માર્કેટમાં મંદી પ્રવર્તતા ગ્રાહકોની સાથે સાથે વેપારીઓની હાલત પણ કફોડી બની છે અને વેપારીઓ મંદીની ચક્કીમાં પીસાઈ રહ્યા છે. કોરોનાના કારણે ઘરાકીનો માહોલ કેવો રહેશે તે અંગે અસ્પષ્ટતા હોઈ કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. જો કે જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ તેમ માંગમાં વધારો થશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
વિવિધ દાળમાં પણ ૨૫ થી ૩૦ ટકા ભાવવધારો થયો
આણંદ, તા.2 નવેમ્બર 2020, સોમવાર
ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષની સરખામણીએ કઠોળના ભાવમાં વધારો ઝીંકાતા તેની સીધી અસર મઠીયા, પાપડ, ચોરાફળીના ભાવ ઉપર વર્તાઈ રહી છે. ચણાની દાળ,અડદ દાળ, તુવેર દાળ, મઠ દાળ સહિતની આઈટમોમાં ગત વર્ષની સરખામણીએ ૨૫ થી ૩૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે. જેને લઈ મઠીયા, ચોરાફળીના ભાવમાં પણ વધારો થયો છે.
વેપારીઓએ ઉત્પાદન ઘટાડતા રોજમદારોની આવક ઘટી
આણંદ, તા.2 નવેમ્બર 2020, સોમવાર
હાલ કોરોના મહામારીને લઈ મઠીયા,ચોરાફળીની માંગમાં ઘટાડો નોંધાતા ઉત્પાદન ઉપર તેની અસર વર્તાઈ છે. વેપારીઓ પણ મઠીયા, ચોરાફળીના વેચાણ અંગે અવઢવમાં હોવાથી ચાલુ વર્ષે ઉત્પાદન ઉપર કાપ મુકવામાં આવ્યો છે. જેની સીધી અસર ગૃહઉદ્યોગમાં કામ કરતા રોજમદારો ઉપર પહોંચી છે અને આવા રોજમદારોને રોજગારી ન મળતા તેઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.
અન્ય ચીજવસ્તુના ભાવ
વસ્તુનું નામ ભાવ (રૂા./કિલો)
મઠીયા ૧૮૦ થી ૨૨૦
ઘુઘરા (શુધ્ધ ઘી) ૪૦૦
ઘુઘરા ૧૬૦ થી ૨૦૦
ચેવડો ૧૬૦ થી ૧૮૦
ચોરાફળી ૧૭૦ થી ૨૦૦
પાલકપુરી ૧૬૦ થી ૧૮૦
મૈસુર ૩૬૦ થી ૪૦૦
સુવાળી ૧૫૦ થી ૧૮૦