આણંદ જિલ્લાના પેટલાદ-સંદેશર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી મહિલાનું મોત


- મજૂરી કામ કરતી મહિલા સીંહોલ ગામ નજીકના રોડ ઉપરથી પસાર થતા નડેલો અકસ્માત

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ-સંદેશર રોડ પર ગઈકાલ  બપોરના સુમારે અજાણ્યા વાહને એક મહીલાને જોરદાર ટક્કર મારતા મહીલાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના લાલપુરા તાબે નવી સીંહોલ ખાતે રહેતા મણીબેન તળપદા મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. ગઈકાલ નમતી બપોરના સુમારે તેઓ પેટલાદ-સંદેશર રોડ પર આવેલ સીંહોલ ગામ નજીકના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન એક અજાણી કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી માર્ગ પરથી પસાર થઈ રહેલ મણીબેનને જોરદાર ટક્કર મારી હતી. વાહનની ટક્કર વાગતા મણીબેન રોડ પર પટકાયા હતા અને તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન અજાણ્યો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલ મણીબેનને સારવાર અર્થે તુરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે વિનુભાઈ પૂનમભાઈ તળપદાએ મહેળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS