સરકારી અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ૨ ઓક્ટોબરથી હડતાળની ચિમકી


- 2 વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા 

- આણંદ જિલ્લાની ૬૭૦ જેટલી સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો હડતાળમાં જોડાશે

આણંદ : છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વિવિધ પ્રશ્નોને લઈ આંદોલનોની વણઝાર જોવા મળી રહી છે ત્યારે બે વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો દ્વારા આગામી તા.૨ ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

આણંદ જિલ્લાની ૬૭૦ જેટલી સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો આગામી તા.૨જી ઓક્ટોબરથી આ હડતાળમાં જોડાશે. આ હડતાળને પગલે સરકારી અનાજ ઉપર નભતા પરિવારો ઉપર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં હાલ વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે સરકાર દ્વારા વિવિધ મંડળો સાથે બેઠક યોજી સમસ્યાઓના નિરાકરણ માટે મથામણ કરવામાં આવી રહી છે. કેટલાક મંડળો માંગણીઓ સંતોષાઈ હોવાનું માની આંદોલન મોકૂફ કરી રહ્યા છે તો કેટલાક મંડળો માંગણીઓ પૂરેપૂરી સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા માંગ કરી રહ્યા છે. જો કે હવે આગામી તા.૨ ઓક્ટોબરથી આણંદ જિલ્લાની ૬૭૦ સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો રાજ્ય મંડળના આદેશ અનુસાર હડતાળમાં જોડાનાર હોઈ સરકારી અનાજના જથ્થા ઉપર નભતા પરિવારો માટે કપરી પરિસ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસો.ના પ્રમુખ અને ફેર પ્રાઈઝ શોપ એસો. પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી રાજ્યના જાહેર વિતરણ વ્યવસ્થા કરનાર દુકાનદારોના વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુશ્કેલીઓ અંગે છેલ્લા બે-અઢી વર્ષથી આવેદનપત્ર સહિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. સાથે સાથે કોરોનાની પરિસ્થિતિમાં પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના અને સરકાર તરફથી સુરક્ષા પગલાં સિવાય સસ્તા અનાજના દુકાનદારોએ અનાજ વિતરણ કર્યું હતું. તેમ છતાં તેઓના પડતર પ્રશ્નોનો કોઈ જ નિકાલ ન આવતા આ મામલે આગામી ૧૦ દિવસમા સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં નહી આવે તો તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૨થી અચોક્કસ મુદ્દત સુધી દુકાનદારો જાહેર વિતરણથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

City News

Sports

RECENT NEWS