મઠિયા, ચોરાફળી સહિતનાં ફરસાણના ભાવમાં 20 ટકાનો તોતિંગ ભાવ વધારો
- દિવાળીની પર્વમાળામાં મોંઘવારીનું ગ્રહણ
- દાળ, તેલ સહિતની સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ભાવ વધ્યા : ઘરાકી પર વિપરીત અસર
આણંદ : પર્વોની શ્રેણી દિપાવલીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લાવાસીઓમાં પર્વની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ચાલુ વર્ષે પર્વને અનુરૂપ મઠીયા, ચોરાફળી તેમજ વિવિધ ફરસાણોના ભાવમાં દાળ અને તેલના ભાવમાં થયેલ વધારાની અસર વર્તાતા ભાવમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. જો કે ચાલુ વર્ષે ભાવવધારેની અસર ઘરાકી ઉપર વર્તાઈ રહી હોવાનો મત વેપારીઆ વ્યક્ત કરી રહ્યા છે અને ઘરાકી ફીક્કી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ બાદ દિવાળી પર્વના પડઘમ વાગી જતા હોય છે. મોટાભાગે ગૃહિણીઓ નવરાત્રી પર્વ બાદ દિવાળીના કામકાજમાં વ્યસ્ત બની જતી હોય છે. સાથે સાથે દિવાળી પર્વમાં મઠીયા, સુંવાળી, ચોરાફળી આરોગવાનું અનેરુ મહત્વ રહેલુ હોઈ પર્વ નજીક આવતા જ ગૃહિણીઓ દ્વારા મઠીયા, સુંવાળી અને ચોરાફળી ઘરે બનાવવામાં આવતા હોય છે. પરંતુ હાલના હરિફાઈના યુગમાં કેટલીક મહિલાઓ બજારમાંથી તૈયાર મળતી આવી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતી હોય છે. પર્વ નજીક આવતા જ વિવિધ ગૃહઉદ્યોગ દ્વારા આવી વાનગીનું ઉત્પાદન શરૂ કરાયું છે અને બહેનો દ્વારા યોગ્ય વજન ધરાવતા પેકેટ તૈયાર કરી બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. જો કે ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે મઠીયા, ચોરાફળી સહિતના ફરસાણના ભાવમાં ૨૦ ટકા જેટલો ભાવવધારો નોંધાતા ઘરાકી ઉપર અસર વર્તાઈ રહી છે અને પર્વને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં ઘરાકી ન જામતા વેપારીઓ ચિંતિત બન્યા છે. જો કે જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ તેમ સારી ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
કયા ફરસાણના
કેટલા ભાવ
વસ્તુનું નામ ભાવ (રૂા./કિલો)
મઠીયા ૨૨૦ થી ૨૫૦
સુવાળી ૨૦૦ થી ૨૩૦
ચોરાફળી ૨૨૦ થી ૨૫૦
ફરસાણ ૧૬૦ થી ૨૦૦
ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે જ ફરસાણ બનાવાની પરંપરા
ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ કેટલીક મહિલાઓ દ્વારા વર્ષો જુની પરંપરા અનુસાર દિવાળી પર્વ ટાંણે મઠીયા, સુંવાળી, ચોરાફળી સહિત વિવિધ ફરસાણ ઘરે જાતે બનાવવામાં આવતુ હોય છે. જે માટે ગ્રામ્ય વિસ્તારોમાં પોળ, ચાલ તેમજ સોસાયટીમાં રહેતી મહિલાઓ એકબીજાના ઘરે જઈ આવી વસ્તુઓ બનાવવામાં એકબીજાને મદદ કરતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આ પ્રથા જીવંત જોવા મળે છે.
જ્યારે શહેરી વિસ્તારોમાં મહિલાઓ આવી પળોજણમાં પડવાને બદલે બજારમાં મળતી તૈયાર વસ્તુઓ ખરીદી પર્વની ઉજવણી કરતી હોય છે.