છેતરપિંડીના કેસમાં બેંકના મેનેજર, પટાવાળાના 2 દિવસના રિમાન્ડ મંજુર


- મલાતજની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કરોડોનું કૌભાંડ

- એફડીના બનાવટી સર્ટિફિકેટ બનાવી કરોડો રૂપિયા સેરવી લીધા, ખેડૂતોની પાક ધિરાણ લોન પણ ચાઉ કરી ગયા

આણંદ : સોજિત્રા તાલુકાના મલાતજ ગામે  આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર તથા બેંકના પટાવાળાએ ગ્રાહકોના એફડીના બનાવટી સર્ટીફીકેટ બનાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવા અંગે સોજિત્રા પોલીસે બેંક મેનેજર તથા પટાવાળાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન અન્ય કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

સોજિત્રા તાલુકાના મલાતજ ગામે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં પટાવાળા તરીકે નોકરી કરતા ભરતભાઈ સવાભાઈ રબારીએ આશરે વીસેક જેટલા ખાતેદારોનો વિશ્વાસ કેળવી તેઓની સહીઓ કરેલા ચેકો મેળવી તેમના ખાતામાંથી આશરે એક કરોડ રૂપિયા ઉપરાંતની રકમ ઉપાડી કે ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરતા ફરીયાદો ઉઠી હતી. 

દરમ્યાન આ કૌભાંડમાં બેંક મેનેજર સહિત કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાનું ચર્ચાયું હતું. 

દરમ્યાન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર પ્રવિણકુમાર છબીલદાસ ઠક્કર અને પટાવાળા ભરતભાઈ સવાભાઈ રબારીએ સોજિત્રાના એનઆરઆઈ  સંજયભાઈ  ત્રિવેદીને ૫૦ લાખની એફડીના બનાવટી સર્ટીફીકેટો પધરાવી છેતરપીંડી આચરી હોવા અંગે સોજિત્રા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. 

આ ઉપરાંત કેટલાક ખેડૂતોની મંજુર થયેલી પાક ધિરાણ લોનના નાણાં પણ બારોબાર સેરવી લઈને ખાતેદારો સાથે છેતરપીંડી આચરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. દરમ્યાન પોલીસની વધુ તપાસમાં છેતરપીંડીનો આંકડો એક કરોડથી વધુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

City News

Sports

RECENT NEWS