સગીરાને ભગાડનાર બાલાપુરા ગામના પરીણિત યુવકને 10 વર્ષની સખ્ત કેદ


- આણંદ તાલુકાના રાસનોલ તાબે આવેલ બાલાપુરાની સગીરાને 

- લગ્ન કરવાની લાલચ આપી સુરત  લઈ જઈ શારીરિક અત્યાચાર ગુજારવાના બનાવમાં આણંદની સેશન્સ કોર્ર્ટનો હુકમ

આણંદ : આણંદ તાલુકાના રાસનોલ તાબે આવેલ બાલાપુરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી સુરત ખાતે ભગાડી લઈ જઈ તેણી સાથે અવાર-નવાર શારીરિક અત્યાચાર ગુજારવાના બનાવમાં આણંદની કોર્ટે સગીરાને ભગાડી જનાર બાલાપુરાના પરિણીત યુવકને ૧૦ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. 

મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના રાસનોલ તાબે બાલાપુરા ગામે બસ સ્ટેન્ડ નજીક રહેતો યોગેશભાઈ છગનભાઈ પરમાર પરિણીત હોવા છતાં ગત તા.૧૦મી માર્ચ, ૨૦૧૯ના રોજ બાલાપુરા ગામની એક ૧૬ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પટાવી-ફોસલાવી કાયદેસરના વાલીપણાંમાંથી ભગાડી લઈ ગયો હતો. બાદમાં તે સગીરાને સુરત ખાતે લઈ ગયો હતો. જ્યાં તેણી સાથે અવાર-નવાર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ ગામનો પરિણીત યુવક સગીરાને ભગાડી લઈ ગયો હોવા અંગે પરિવારજનોને જાણ થતાં તેઓએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગત તા.૧૭-૭-૨૦૧૯ના રોજ યોગેશ પરમારને ઝડપી પાડી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસ આણંદના પોક્સો જજ અને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો અને ૧૨ સાક્ષીઓ તથા ૨૧ દસ્તાવેજી પુરાવાઓને માન્ય રાખી ન્યાયાધીશે યોગેશભાઈ છગનભાઈ પરમારને તક્સીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ સંભળાવ્યો છે. 

સાથે સાથે ભોગ બનનારને રૂા.૪ લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કરાયો હતો.

City News

Sports

RECENT NEWS