For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાઇટ બીલ અપડેટ કરવાના નામે ગઠિયાએ બેંક ખાતામાંથી 10.34 લાખ ઉપાડી લીધા

Updated: Nov 21st, 2022

Article Content Image

- આણંદના જીટોડિયામાં બનેલો સાઇબર ક્રાઇમનો ગુનો

- લાઇટ બીલ અપડેટ કરવા એપ ડાઉનલોડ કરાવી અને 17 ટ્રાન્ઝેક્શન કરી ગઠિયો લાખો રૂપિયા ઉપાડી ગયો

આણંદ : આણંદ શહેરના જીટોડિયા રોડ ઉપર રહેતા એક શખ્શના બેંક એકાઉન્ટમાંથી એક ગઠીયાએ લાઈટબીલ અપડેટ કરવાના બહાને રૂા.૧૦.૩૪ લાખ ઓનલાઈન ઉપાડી લીધા હોવાનો બનાવ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 જીટોડીયા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતા કૃતાર્થભાઈ યોગેશભાઈ શુક્લના મમ્મીના વોટ્સએપ એકાઉન્ટમાં ગત તા.૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ એક નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં લાઈટબીલ અપડેટ ન થયું હોવા સાથે આજે રાત્રિના ૯.૩૦ કલાકે તમારું લાઈટ કનેક્શન કપાઈ જશે અને વધુ વિગતો માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.

 જેથી કૃતાર્થભાઈએ દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરી વાત કરતા મનોજભાઈ નામના શખ્શે લાઈટબીલ અપડેટ કરવા માટે રૂા.૧૦ ભરવા પડશે તેમ જણાવી ક્વીક સપોર્ટ એપ્લીકેશન ડાઈનલોડ કરવા કહ્યું હતું. દરમ્યાન કૃતાર્થભાઈએ પોતાના પિતાના મોબાઈલમાં ઉક્ત એપ્લીકેશન ડાઈનલોડ કરી વાત કરતા ફોન ઉપરના શખ્સે જે મુજબ કહ્યું તે પ્રમાણે કૃતાર્થભાઈએ કર્યું હતું અને પિતાના એકાઉન્ટમાંથી રૂા.૧૦ ભર્યા હતા. તેમ છતાં ફોન ઉપરના શખ્સે એક્સેસ આવતુ ન હોવાનું જણાવી ૧૭ જેટલા ટ્રાન્ઝેક્શન કરાવી રૂા.૧૦,૩૪,૪૮૦ ઉપાડી લીધા હતા. આ અંગે પિતાના મોબાઈલમાં નાણાં ટ્રાન્સફર અંગેના મેસેજો આવતા કૃતાર્થભાઈએ ફોન કરી તપાસ કરતા પિતાના એકાઉન્ટમાંથી ઉક્ત રકમ ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ તુરંત જ સાયબર ક્રાઈમના ટોલ નંબર ઉપર ફોન કરી ફરિયાદ આપ્યા બાદ આણંદના સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવી ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરોના આધારે તપાસ હાથ ધરી છે.

Gujarat