સિંહના ડરથી સાવરકુંડલા પંથકમાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત


હિંસક હુમલાના કારણે ઉપરાઉપરી બે બાળક કોળિયો થઈ જવાથી મજુરો ભયભીત : કાયમી ઉકેલ માટે આદસંગ, થોરડી, ઘનશ્યામનગરના મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેન્જ ફોરેસ્ટ કચેરીએ જઈ સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો

 સાવરકુંડલા, : સાવરકુંડલા પંથકના આદસંગ, ઘનશ્યામનગર, થોરડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સતત રંઝાડના કારણે ખેડૂતો ત્રાહિમામ થઈ ઊઠયા છે. તાજેતરમાં ઘનશ્યામનગરમાં સિંહણે બે બાળકોનો કોળિયો કરી જવાની ઘટના બાદ મજુરો પણ અસલામતિ સાથે સીમ,ગામમાંથી ઉચાળા ભરી હિજરત કરવા  લાગ્યા છે. સ્થાનિક ખેડૂતોએ વનવિભાગ કચેરીએ જઈ સુત્રોચ્ચાર કરી વન્ય પ્રાણીઓ બાબતે પગલા લેવા માગણી કરી છે. વનવિભાગે જુદા જુદા સ્થળોએ દસ પાંજરા મુકી બે સિંહોને પકડયા છે.

તાજેતરમાં જ થોડા થોડા દિવસના અંતરે ઘનશ્યામનગરમાં આદમખોર બની ગયેલી સિંહણે બે બાળકોને દબોચી લઈ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની ચૂકી છે. આ ઘટનાના કારણે અહી મજુરી કરવા અને પેટિયું રળવા આવેલા મધ્યપ્રદેશ અને ગોધરાના મજુરો થરથર ધ્રૂજવા લાગ્યા છે. કારણ કે બે વહાલસોયા બાળકોને સિંહણે ફાડી ખાધા છે. આથી આ વિસ્તારમાં મજુરી કામ કરવાથી ડરી ગયા છે. અને આ વિસ્તાર પર એમનો હરિરસ ખારો થઈ ગયો છે. જેથી અનેક પરિવારોએ હિજરત ચાલુ કરી ઉચાળા ભરીને ગામ છોડવા લાગ્યા છે. બધાને ડર એવો પેસી ગયો છે કે હજુ બાળકોનો ભોગ લેવાઈ જ જશે.સામી બાજુ વનવિભાગની કામગીરી સાવ નબળી છે.વન્ય પ્રાણીઓ રેવન્યૂ વિસ્તાર સુધી દોડી આવે છે. એના પર કોઈ જ લગામ રહેતી નથી આવા સંજોગોમાં ખેતર વાડીએ કામ કરવા કેમ જવું એ ખેડૂતો માટે પણ યક્ષપ્રશ્ન થઈ પડયો છે.ખેડૂતો પણ ડરી ગયા છે. બધા એક જ સવાલ કરે છે કે આમા ખેતી કેમ કરવી ? આની વચ્ચે આ ત્રણેય ગામના લોકો જે વાહન હાથ પડયું તેમાં બેસીને સાવરકુંડલા વનવિભાગની કચેરીએ ગયા હતા અને આક્રોશિત અવાજે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું.અને સુરક્ષા માગી હતી.

City News

Sports

RECENT NEWS