For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતદાનનો બહિષ્કાર થતાં અધિકારીઓ દોડયા, ને અંતે વીલા મોંએ પાછા ફર્યા

Updated: Nov 16th, 2022

Article Content Image

ખાંભા તાલુકાના પીપળવા ગીર ગામે મતદારો વિફર્યા  : આંગણવાડી,  શાળા બિલ્ડિંગ સહિત અનેક પ્રશ્નો હોવાથી સમાધાનપત્રમાં  સહી કરવાની જ બધાએ ના પાડી દઈને બહિષ્કાર જારી રાખ્યો

 ખાંભા, : ખાંભા ગીરના પીપળવા ગીર ગામે વર્ષોથી વણઉકેલ પ્રશ્નો બાબતે અવારનવાર ડબલ એન્જિનની સંવેદનશીલ સરકારને રજુઆતો કરવા  છતાં કોઈ ઉકેલ ન આવતા તમામ મતદારોએ મતદાનનો બહિષ્કાર જાહેર  કર્યો હતો.જેના પગલે તાલુકા કક્ષાના અધિકારીઓ દોડયા હતા પણ ઠાલા વચનોથી મતદારોને સંતોષ ન થતાં બધા વીલા મોંએ પાછા ફર્યા હતા. 

બહિષ્કારની વાત બહાર આવતા જ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદાર પીપળવા ગામે દોડી ગયા હતા. અને બધાને મધમીઠા વચનો આપી મતદાન કરવા સમજાવ્યા હતા. આ ઉપરાંત ગ્રામપંચાયતના સદસ્યો તેમજ ગામના મતદારોને પંચાયત ઓફિસે બોલાવી તમામ પ્રશ્નો ઉકેલાશે એવી વાત કરી હતી અને સમાધાનપત્ર લખી આપવા માગણી કરી હતી. પણ વષોથી ગામના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી આક્રોશિત થયેલા મતદારો ટસના મસ થયા ન હતા. આખરે અધિકારીઓ ડેલીએ હાથ દઈ વીલા મોં એ પાછા ફર્યા હતા.મતદારોએ કહી દીધુ હતુ કે જયારે ચૂટણી આવે ત્યારે મત પડાવી લેવા બધા દોડધામ કરે છે એ પછી કોઈ સાંસદ ધારાસભ્ય કે પદાધિકારી ફરકતો નથી. અમે મત આપીએ તો પણ કોઈ ફરક પડતો નથી અને ન આપીએ તો પણ ફરક પડતો નથી ! આ અમારો ઉગ્ર વિરોધ છે.

આ ગામની રજુઆત એવી છે કે અહીની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થઈ ગયું છે.બે માસ પહેલા ચાલુ શાળાએ રિસેસ દરમિયાન ગાબડા પડવાની ઘટના બની હતી. પણ સદભાગ્યે ઘટના રિસેસમાં બનતા જાનહાની ટળી હતી. આવી જ રીતે શાળાના મેદાનમાં આવેલી આંગણવાડી જર્જરિત થવા સાથે બંધ હાલતમાં પડી છે. અને બીજી આંગણવાડી તોકતે વાવાઝોડા વખતે ક્ષતિગ્રસ્ત બની ગઈ છે. એનો પ્રશ્ન કોઈ ઉકેલતા નથી. 

બદ્રકીયા નદી પરના પૂલમાં ભયાનક ભ્રષ્ટાચારની ફરિયાદ

આ ગામના લોકો એમની વિતક જણાવે છે કે ગીરના જંગલમાં માલધારીઓના સાત નેસ છે. ખડાધાર જવા માટે કાચા શોર્ટકટ રસ્તા પર અનેક ખેડુતોની જમીન આવેલી છે. તે રોડ પર આવેલ બદરકીયા નદી પર ત્રણ વર્ષ પહેલા નબળા મટિરિયલથી પુલ બનાવ્યો છે. જે વારંવાર ધોવાઈ જાય છે અને દર વર્ષે ખેડૂતો અડધા લાખનો ખર્ચ કરી,૫૦ જેટલા ટ્રેકટરો ઠાલવી માટી ભરીને રિપેર કરે છે આ બાબતે કોઈ સામુ જોતું નથી. દર વર્ષે ખેડૂતો જ ખર્ચ કરે છે. કોઈને પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવામાં રસ જ નથી.

તંત્રના પાપે ખેડૂતોેએ  10 કિ.મી. પરકમ્મા કરવી પડે છે

ગીર પીપળવા ગામથી ઉમરીયા ગામે જવા માટે ત્રણ કિલોમીટરના રસ્તા પર અગાઉ ધાતરવાડી નદી પર ભ્રષ્ટાચાર સાથે પૂલ બાંધવામાં આવ્યો છે. જેના બન્ને છેડા ધોવાઈ ગયા પછી કોઈ સામુ જોતા નથી. આથી આ પુલ નકામો થઈ ગયો છે. પીપળવાથી ઉમરિયા જવા માટે ખેડૂતોએ દસ કિલોમીટર ફરી ફરીને જવાની ફરજ પડે છે. 

Gujarat