પાકિસ્તાની વડાપ્રધાન શેહબાઝ શરીફ ઓછા દુષ્ટ અને વધુ મૂર્ખ શાસક છે


- અલ્પવિરામ

- એશિયાના વિવિધ દેશોમાં પ્રજાને આબાદ રીતે મૂર્ખ બનાવનારા જે કેટલાક નેતાઓની ટોપ-ટેન ક્લબમાં આ કલાકાર પણ હવે સમાવિષ્ટ થશે

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શેહબાઝ શરીફ ઓછા દુષ્ટ અને વધુ મૂર્ખ શાસક છે. જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાન પોતાની પસંદગીનું કુરુક્ષેત્ર માને છે. પાકિસ્તાનનો દરેક નવો વડાપ્રધાન શપથ લીધા બાદ તેના તમામ પુરોગામીઓની જેમ ભારત અને અન્ય પડોશી દેશો સાથે સારા સંબંધો નિભાવવાનું વચન અને અપેક્ષા વ્યક્ત કરે છે, પરંતુ પાકિસ્તાનના દરેક વડાપ્રધાન વ્યક્તિત્વશૂન્ય હોય છે, કારણ કે તેઓ પાકિસ્તાની સેનાધિકારીઓનું માત્ર મહોરું બનીને રાજપાટ ચલાવતા હોય છે. એમાં પણ નવા નેતાઓ કંઈ કરી શકે એમ નથી. સમગ્ર પાકિસ્તાનના ઉર્દૂ મીડિયામાં એ વાત અતિ પ્રસિદ્ધ છે કે નવી સરકારને પાકિસ્તાની સૈન્યનું સમર્થન હાંસલ છે.

પાકિસ્તાન અત્યારે સમસ્યાઓનું એક જીવતું જાગતું મ્યુઝિયમ છે. દેશ આખો દેવામાં ડૂબેલો છે. સામાન્ય જનજીવનમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે. કરાંચીમાં તો નાગરિકોના આંતરિક વિવાદમાં પોલીસ જલદી ઝંપલાવતી નથી. કરાંચીમાં જ એવા અનેક વિસ્તારો છે, જ્યાં અંધારી આલમના એવા પડાવ છે કે પોલીસ ટુકડીઓ એ તરફ ફરકતી જ નથી. ઈસ્લામાબાદમાં પણ દરેક રાજદૂતાવાસોને સૈન્ય સુરક્ષા આપવી પડે છે. દરેક રાજદૂતો પોતાની સુરક્ષા માટે આગવી વિજિલન્સ પ્રણાલિકા ધરાવે છે, કારણ કે એમને સૈન્ય સુરક્ષા પર પણ પૂરતો ભરોસો નથી.

અત્યારે પાકિસ્તાનનું સૈન્ય આતંકવાદીઓને આગળ ધકેલીને ભારતના સૈન્યથાણાંઓ પર નિશાન લગાવવાની વ્યૂહરચના પર કામ કરે છે. છેલ્લાં ત્રણ વરસથી ભારતીય સૈન્ય ટુકડીઓ પર હુમલાઓનો દૌર પાકિસ્તાને ચાલુ જ રાખ્યો છે. એ તો હવે સૌ જાણે છે કે પાકિસ્તાની સૈન્યમાં હવે આતંકવાદીઓની એક આખી રેજિમેન્ટ છે. અત્યારે આ આતંકવાદીઓનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ભારત માટે થાય છે. નવી સરકાર ભારત માટે આજ સુધીની સૌથી ખતરનાકે શત્રુરાષ્ટ સરકાર પૂરવાર થવાની શક્યતા છે. ભારતીય જાસૂસી સંસ્થાઓ એ હકીકત જાણે છે. શેહબાઝના સત્તારોહણ પહેલાં એટલે જ ભારતે કાશ્મીરમાં યુદ્ધસ્તરનું અંતિમ વલણ અખત્યાર કરી લીધું હતું.

પાકિસ્તાની સૈન્ય અભ્યાસીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભારતીય લશ્કરને કોલ્ડ સ્ટાર્ટ પ્રણાલિકાનો સિદ્ધાંત ધરાવતું સૈન્ય કહ્યું છે. જેને કારણે શત્રુને અંદાજ જ આવતો નથી કે પ્રતિસ્પર્ધી શું કરી રહ્યા છે. અત્યારે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય લશ્કર આ જ પદ્ધતિ દાખવે છે. 

દુનિયાભરના સૈન્ય અભ્યાસમાં ભારતની કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ વખણાય છે, જે ભારતે વારંવાર પાકિસ્તાન સામે અજમાવી છે. જૈશ-એ-મોહમ્મદના તમામ આતંકવાદીઓને પાકિસ્તાની સેનાધિકારીઓએ ભારતીય લશ્કરી થાણાઓ પર દગાબાજીથી છૂપો વાર કરવા માટે તૈયાર કરેલા છે. જૈશ-એ-મોહમ્મદ સંપૂર્ણ રીતે તાલિબાનોની મોડેસ ઓપરન્ડીને અનુસરે છે.

શેહબાઝ શરીફની પાર્ટી દ્વારા હાલ જાણે કે પાકિસ્તાની પ્રજા નૂતન સુવર્ણ યુગમાં પ્રવેશી રહી હોય તેવો પ્રચાર ચાલી રહ્યો છે. શેહબાઝે અગાઉ જ જાહેર કર્યું હતું કે એની કેબિનેટમાં આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પદવીઓ ધરાવનારા અનુભવી વિદ્વાનોનો મોટો કાફલો હશે, પણ વાસ્તવમાં એવું કંઇ તો છે નહીં. પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા અમેરિકા સાથે સતત કથળતા જતા સંબંધો છે. અમેરિકાનો ભારત તરફનો ઝુકાવ સતત વધતો જાય છે અને પાકિસ્તાનને આપવાની સહાયમાં કાપ મુકાતો જાય છે. પાકિસ્તાને જ્યારથી ચીન સાથે દોસ્તી વિકસાવી છે અને એમાં હવે કંઈ ખાનગી રહ્યું જ નથી ત્યારે શેહબાઝ માટે પાક-અમેરિકા સંબંધોના કોયડાઓ ઉકેલવા એક મોટો પડકાર છે. છેલ્લાં ત્રણ-ચાર વરસમાં ભારતનું આંતરરાષ્ટ્રીય લોબિંગ વધ્યું છે જે ડગલે ને પગલે પાકિસ્તાનને હવે નડે છે.

ભારતના તમામ પ્રતિનિધિ મંડળોએ વિશ્વના મોટાભાગના દેશોને કાનોકાન સંભળાવ્યું છે કે પાકિસ્તાન એક આતંકવાદી રાષ્ટ્ર છે અને ભારત સતત તેનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનને બદનામ કરવાનો એક પણ મોકો ભારતે જતો કર્યો નથી. આ સંયોગો વચ્ચે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી પર પડેલા ડાઘ ભૂંસવા અને વૈશ્વિક સમુદાય સાથે સંબંધોની પુનઃસ્થાપના કરવી એ નવા વડાપ્રધાનની હેસિયત નથી. ધર્માન્ધ લોકોના ટોળાઓથી પાકિસ્તાનના દરેક શહેર, ગામ અને શેરીઓ છલકાઈ રહ્યા છે.

પ્રજાજીવન પર ધર્માન્ધ અગ્રણીઓની જબરજસ્ત પકડ છે. એમની વચ્ચેથી પાકિસ્તાની પ્રજાને વાસ્તવિક પ્રગતિના રાહ પર લાવવી અને લાગણીઓના તુમુલ સંઘર્ષમાંથી બહાર લાવી પ્રેકટિકલ બનાવવી એ આસાન નથી, કારણ કે પાકિસ્તાનના પૂર્વ વડા જનરલ પરવેઝ મુશર્રફ એક એવા સાહસિક હતા કે તેમણે પાકિસ્તાનમાં એક પણ નવા મદરેસા ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ તમામ પ્રવૃત્તિ કે જેનાથી પાકિસ્તાનને ધર્મનો અંધશ્રધ્ધાયુક્ત નશો ચડે એ તેમણે અટકાવી હતી. આ જ કારણસર મુશર્રફે, અલબત્ત, દેખીતા અન્ય કારણોના બહાને ખુરશી છોડવી પડી હતી. આજે પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં મુશર્રફ ત્યાંની પ્રજા જલદી સ્વીકારી ન શકે એવા સુધારાવાદી વ્યાખ્યાનો આપે જ છે. એવી વાતો ઈમરાન ખાન કદી કરી શક્યા નહીં, કારણ કે તેઓ ધર્મગુરુઓને છેતરતા રહીને, દંભ અને નાટયાત્મકતાનો પૂરો દેખાવ કરીને સર્વોચ્ચ સત્તા સ્થાને પહોંચી ગયા હતા. નવા વડાપ્રધાન શેહબાઝ પણ રૂઢિચુસ્તોની કઠપૂતળી છે.

એશિયાના વિવિધ દેશોમાં પ્રજાને આબાદ રીતે મૂર્ખ બનાવનારા જે કેટલાક નેતાઓ છે એમાં ટોપ ટેન કલબમાં શેહબાઝ શરીફ પણ હવે સમાવિષ્ટ છે. બલુચિસ્તાનનું આઝાદી મેળવવા માટેનું આંદોલન હવે ઘણું આગળ વધી ગયું છે. બલોચ નેતાઓ સાથે સકારાત્મક વાટાઘાટો કરવાનું વચન પૂર્વ વડાપ્રધાન ઈમરાને તો પોતાના ચૂંટણી પ્રચાર ભાષણોમાં અગાઉ આપ્યું હતું. બલુચિસ્તાનની અઢળક પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ સમગ્ર પાકિસ્તાન માટે થાય છે અને બલોચ પ્રજા સૌથી વધુ પછાત રહે એના જ નુસખાઓ આજ સુધી પાકિસ્તાન સરકાર પ્રયોજતી આવી છે. બલુચિસ્તાન અત્યારે પાકિસ્તાની સૈન્ય માટે પણ પગથી માથા સુધીનો દુઃખાવો છે. ઘોર પરાજય પછી હાફિઝ સૈયદ હવે શેહબાઝને જંપીને રાજ કરવા દે એમ નથી. પાકિસ્તાનમાં સુધારાવાદી નવી આકાંક્ષાઓ જાગી છે ખરી, પરંતુ રૂઢિચુસ્ત ધર્મગુરુઓએ નવી હવા માટે પાકિસ્તાનના પ્રજા જીવનની કોઈ બારી ખોલવા દે એમ નથી.

પાકિસ્તાની ગૃહિણી-સ્ત્રીઓ તેમનાં સંતાનો અને વિશેષ તો પુત્રીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રતિબદ્ધ છે. પાકિસ્તાની સૈન્ય સંપૂર્ણ રીતે હવે ચીનની આજ્ઞાાામાં છે. અમેરિકાએ ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઈઝેશન - વન લિસ્ટમાં સામેલ કર્યા પછી ચીનના પેટમાં જે તેલ રેડાયું છે એનો ઉકળાટ આવનારા દિવસોમાં ભારત-પાક સરહદે પાકિસ્તાન તરફથી જોવા મળશે. અમેરિકાએ ભારતને વિશેષ વ્યાપાર દરજ્જો આપતાં ભારત માટે હવે હાઈટેક ઉત્પાદનોના વેચાણનો રસ્તો આસાન થઈ જશે, સિવિલ સ્પેસ અને ડિફેન્સ સેક્ટરોમાં આ સ્ટેટસથી ભારત ઊંચી અને લાંબી છલાંગ લગાવશે ! 

City News

Sports

RECENT NEWS