For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવનારાં તમામ વરસોમાં પ્રકૃતિ ખિન્ન રહેશે

Updated: Jul 26th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- કુદરતના મિજાજમાં આવેલાં પરિવર્તનને પામી ગયા પછી સમયવર્તે સાવધાન થવાની આ ઘડી છે. કેલેન્ડરમાં દેખાતા મહિનાઓ અને વાતાવરણ વચ્ચેની સંગતતા હવે નહિવત્ જોવા મળશે.

સાંભળવું ગમે નહીં તો ભલે પણ એ સત્ય છે કે પ્રકૃતિએ પડખું ફેરવ્યું છે. જાપાન અને યુરોપે આ વરસે કદી કલ્પના પણ કરી ન હતી એવા ઉકળાટનો અનુભવ કર્યો છે. ભારતમાં વરસાદ પડે ત્યાં આડેધડ પડે એ સંયોગો કાયમી થઈ ગયા છે. પૂર્વ ભારત માટે ચોમાસુ એક આપત્તિ છે. ખરેખર વ્યક્તિગત રીતે દરેક મનુષ્ય આત્મદર્શન કરે કે કોરોનાના આગમન પછી એણે પોતાની જીવનશૈલીને કેટલીક બદલાવી. ખ્યાલ આવશે કે અભિજાત લક્ષણો એમ થોડાક ગોથાં ખાવાથી બદલાતા નથી. મૃત્યુના ભયથી ડરતા ડરતા રોજ ઉકાળાઓ ગટગટાવ્યા એ કંઈ પ્રકૃતિ કે પર્યાવરણ સાથેની દોસ્તી ન હતી. શરીરને નુકસાનકારક જે કંઇ આહાર છે તે અટકાવવાની વાત બહુ શરૂઆતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહી હતી. જો એવા ત્યાજ્ય આહારનો ઉપયોગ અટકે તો જ એના ઉત્પાદનો બંધ થાય. અનેક વસ્તુઓ એવી છે જે એની મર્યાદામાં શોભનીય છે.

મર્યાદા બહારના આહાર શરીરની ભીતર દુર્ઘટના નોંતરે છે, જે ડૉક્ટર જ જોઈ શકે કે સાંભળી શકે. કોરોનાએ ઈમ્યુનિટીને પડકારેલી છે ને સરેરાશ ભારતીય પ્રજાની ઈમ્યુનિટીને દુનિયા આજે વખાણે છે. જો કે જેટલાં મૃત્યુ છેલ્લાં બે-ત્રણ વરસમાં થયાં એ દુઃખદ છે. જિંદગી અલ્પવયે સમેટાઇ જાય ત્યારે સપનાઓની એક લાંબી વણઝાર પણ દિવંગત થઈ જતી હોય છે. મૃત્યુ સંસારનો સૌથી કારમો ઘા છે. જેમણે કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે તેમના પર હજુ પણ શોકના વાદળો છવાયેલા જોવા મળે છે.

આમ તો આ નવા દાયકાની શરૂઆત જ હજારો-લાખો એકરના સળગતા જંગલો વચ્ચે થઈ હતી. પચાસ હજાર ચોરસ કિલોમીટરની આગથી થયેલા નુકસાનનો હિસાબ કરતાં ઓસ્ટ્રેલિયન સરકારને એક વરસ લાગ્યું. કચ્છના અને લાતૂરના ભૂકંપનો હિસાબ કરતાં આપણને પણ એક વરસ લાગ્યું હતું. સહેજ પણ ચિંતા વિના લોકો જિંદગી પસાર કરે છે. જે ચિંતા છે તે પોતાની અંગત છે, પર્યાવરણની નથી. આપણી માનસિકતા એવી છે કે ઓસ્ટ્રેલિયન જંગલો સળગ્યાં પણ એ આગ અહીં થોડી આવવાની છે? પરંતુ એ આગ અહીં આવી શકે છે, કારણ કે આ આગ પૃથ્વી નામના આપણા સહિયારા ઘરમાં લાગેલી આગ છે. કોઈ બીજા ગ્રહ કે ઉપગ્રહ પરનો આ ધૂમાડો નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગતના વિશ્વ મોસમ સંગઠનના નવા અહેવાલો આમ તો માણસજાતની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે.

હવે પછી આવનારાં તમામ વરસોમાં કુદરત રુઠેલી રહેવાની છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે દરેક આપત્તિમાં હવે બચાવ કામગીરી ધીમી પડતી જાય છે. એટલે કે કુદરતી સંકટ આત્યંતિક હોય છે. હવે કુદરત આગાહીઓને વશ નથી. ભલે હવામાન ટેકનોલોજી વધી, પરંતુ અંદાજ ખોટા પડે છે. પૂનાની વેધશાળાએ ગયા વખતે સ્પષ્ટ કહ્યું હતું કે આ વખતે શિયાળો હૂંફાળો રહેવાનો છે, બહુ ઠંડી તો પડવાની જ નથી! એ વિધાનો સાવ અવૈજ્ઞાાનિક સાબિત થયાં અને શિયાળો નિયમસરનો કાતિલ નીવડયો. જો કે ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. આમ પણ મોસમનું ચક્ર જુઓ તો આ વરસે આખું ચોમાસુ ઠંડા પવનના સૂસવાટા ચાલુ રહેવાના છે.

ગયા વખતે પહેલો એવો શિયાળો હતો જેણે રૂમ હિટરોનું માર્કેટિંગ કર્યું. કોઈ મોસમ એના અતિરેકને કારણે માણી શકાય નહીં. ઠંડા પવનના શોખીનો એવી મોસમમાં જો વનવગડે અલગારીની રખડપટ્ટી આરંભે તો તેમણેે આરોગ્યની પછડાટ જ વેઠવાની આવે. કુદરતને માણવાની મઝા પણ ઓછી થવા લાગી છે, કારણ કે એ કુદરતના ઉછેર અને સંભાળમાં આપણું તો કોઈ યોગદાન નથી! પ્રકૃતિ એને જ રમણીય અનુભવ અને આહ્લાદનો અનુભવ કરાવશે જે એના અભિમુખ હશે. આખી જિંદગી કુદરતી સંપદા સાથે માત્ર ભોગવાદી નીતિ રાખનારાઓએ એની સજા ભોગવવી પડશે.

ગત શિયાળે મધ્યમ વર્ગના અને ભાડાના મકાનમાં વસતા લોકો દોડી દોડીને રૂમ હિટર લઈ આવ્યા હતા. ગેસ ગિઝર અને ઈલેક્ટ્રિક ગિઝર સંબંધિત દુર્ઘટનાઓ અવારનવાર વાયરલ થતી હોવા છતાંય એનું વેચાણ પણ મંદીમાં એકાએક વધી ગયું હતું. મોસમનો આહ્લાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેના તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરુપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિના બળે કુદરતના તમામ સર્જનોને માણસે માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાનાં સાધનો જ માની લીધાં છે. તેને વિના મૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી.

જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક નિયત ગતિએ ચાલી રહ્યું હતું, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા લાગ્યા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે. પોષતું તે જ મારતું એ બ્રહ્મ-સનાતન-સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને સમસ્ત માનવસમાજની સામે આવીને ઊભું છે. જે પ્રકારે ઘરવપરાશનાં યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે. જાપાનના પર્યાવરણવિદોએ કહ્યું છે કે કુદરતને પોતાના સાવ સ્વાભાવિક ક્રમમાં આવવા માટે આ આખી સદીની જરૂર પડશે, એટલો બધો ઉપદ્રવ માણસે વસુંધરા પર આચરેલો છે.

હવાના બદલાયેલા રુખ અને પ્રકૃતિના મિજાજમાં આવેલાં પરિવર્તનને પામી ગયા પછી સમયવર્તે સાવધાન થવાની આ ઘડી છે. કેલેન્ડરમાં દેખાતા મહિનાને અને વાતાવરણ વચ્ચેની સંગતતા હવે ખૂબ જ ઓછી જોવા મળશે. ક્યારેક અનરાધાર વરસાદ, તો કદીક અચાનક જ ઘેરી વળતી કાતિલ ઠંડી અને તડાતડ પડતા કરાને જોઈને ઘણી અનુભવી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. રણપ્રદેશમાં નદીઓ વહી જાય તેટલો વરસાદ અને લીલાછમ્મ વિસ્તારનું ધૂળિયા રંગમાં રુપાંતર એ વાતનો સંકેત છે કે કુદરતે હવે મનુષ્ય સાથેનો તેના હિસાબનો ચોપડો ખોલી નાંખ્યો છે. વરસાદે આ વખતે દેશના અનેક સ્થળોએ છેલ્લા સવાસો વરસના ઈતિહાસનો નવો વિક્રમ રચી આપ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજાતળે કામ કરતા સંશોધકોના જૂથે ગહન અભ્યાસ પછી જાહેર કર્યું છે કે વીતેલો દાયકો ધગધગતો હતો. માણસજાતના ઈતિહાસમાં ઈ. સ. ૨૦૧૦થી ઈ. સ, ૨૦૧૯ સુધીનો એક દાયકો બહુ ઊંચા ઉષ્ણતામાનમાં પસાર થયો છે. આ સંશોધકોએ કહ્યું કે ભીષણ ગરમી અને વિકરાળ ઠંડી માટે દુનિયાના દરેક દેશે તૈયાર રહેવું પડશે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં એટલો વધારો થયો છે કે જળ, વાયુ, જંગલો, નદીઓ, સરોવરો અને કૃષિમાં વિવિધ ઉથલપાથલ મચેલી છે અને હવેના વરસોમાં એમાં નવી અને અકલ્પિત અરાજકતાઓ વિશ્વસમુદાયે જોવાની છે. હવે ઈ. સ. ૨૦૨૦થી ૨૦૨૯ સુધીનો આ ચાલુ દાયકો પાછલા કરતાં પણ વધુ ખતરનાક હશે. 

Gujarat