પાટે ચડેલા કાશ્મીરમાં સરકાર ચૂંટણી કેમ પાછી ઠેલે છે?

Updated: Dec 20th, 2022


- અલ્પવિરામ

- છેલ્લા ત્રણ દાયકાના ઘોર શૈક્ષણિક અંધકાર પછી જમ્મુ, કાશ્મીર અને લડાખમાં શાળાઓ કિલ્લોલ કરી રહી છે. આવતી કાલનું કાશ્મીર અહીંની શાળાઓમાં હવે ધબકવા લાગ્યું છે

એ વાત સાચી છે કે છેલ્લા ત્રણ દાયકાના ઘોર શૈક્ષણિક અંધકાર પછી જમ્મુ, કાશ્મીર અને લડાખમાં શાળાઓ કિલ્લોલ કરી રહી છે. પ્રાર્થના સભાઓમાં શિક્ષકો બોધકથાઓ અને બાળવાર્તાઓનો ખજાનો ખુલ્લો મૂકી રહ્યા છે. આવતી કાલનું કાશ્મીર અહીંની શાળાઓમાં હવે ધબકવા લાગ્યું છે. બારામુલ્લા સેકટરમાંથી પોલીસ લશ્કર-એ-તોયબાના વધુ એક આતંકવાદીની ધરપકડ કરી છે, પણ આ તો કાશ્મીરનો કાયમનો ખેલ છે. એમાં કોઈ નવાઈ નથી. પહેલાં કહેવામાં આવ્યું કે આતંકવાદીઓ પંડિતોને નિશાન બનાવે છે. પછી તેમણે કહ્યું કે હવે હિન્દુઓને નિશાન બનાવાય છે અને છેલ્લે હવે તળ કાશ્મીરના વતની નાગરિકો પર આતંકવાદીઓ ગોળીબાર કરી રહ્યા છે.

કાશ્મીરનાં સત્ય કદી કાશ્મીરની સીમા ઉલ્લંઘીને ભારતીય પ્રજા સુધી પહોંચ્યું નથી અને આજે પણ એક પરદો તો છે જ. કલમ ૩૭૦ને દફનાવી દીધા પછી પણ તરત જે હવામાન બદલવું જોઈએ તે બદલાયું નથી. કેન્દ્ર સરકાર કાશ્મીરમાં લોકશાહી પ્રણાલિકાની પુનઃ સ્થાપના કરવાનાં વચનો આપતી રહે છે અને નવા સીમાંકન પણ થઈ ગયાં છે તો પણ ચૂંટણી યોજાય એવો કોઈ અણસાર નથી. ભારતના ચૂંટણી કમિશનરે જો કે ઈ. સ. ૨૦૨૩માં કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની વાત કહી છે. ૨૦૧૮માં વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. આ વિધાનસભા નેવું બેઠકો ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ એપ્રિલ કે મે ૨૦૨૩ દરમિયાન જ કરવામાં આવશે એમ અહીંના રાજભવનનાં સૂત્રો કહેતા રહ્યાં છે. કેન્દ્રને અહીં ચૂંટણી યોજવામાં શું પેટમાં દુઃખે છે એ અદ્યાપિ એક રહસ્ય જ છે.

એક માન્યતા પ્રમાણે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પરની ભારતીય કાર્યવાહી થઈ જાય પછી જ કેન્દ્ર કાશ્મીરમાં ચૂંટણીઓ યોજશે. લડાખના કેન્દ્રશાસિત પ્રદેશ અંગે પણ માત્ર અટકળ જ કરવાની રહે છે. લડાખની પ્રજાની ઇચ્છા કાશ્મીરથી જુદા પડવાની હતી અને એ ઇચ્છા તો પૂરી થઈ ગઈ છે એટલે હાલ તુરત લડાખને પોતાની કોઈ આગવી મનીષા નથી. કાશ્મીરનું બંધારણીય નવીનીકરણ થયું પછી કેન્દ્ર સરકારે પોતાના ૩૬ મુરબ્બી મંત્રીઓને સંપર્ક અને સંવાદ સાધવા માટે કાશ્મીર મોકલવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારે ૩૭૦મી કલમ રદ કરી ત્યારે આશંકા હતી કે માહોલ તણાવભર્યો બની શકે છે, પરંતુ એ હકીકત પણ સ્વીકારવી પડે કે સરકાર અને સુરક્ષા અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં રાખી. જોકે એ સમયે જ કાશ્મીર સાથે સંવાદ કરવાની આવશ્યકતા હતી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કાશ્મીરના લોકોને મળ્યા હતા, પરંતુ એ સરાહનીય પગલું એકમેવ હતું, તેના પછી એવું સૌજન્ય ભાજપનું મોવડી મંડળ દાખવી શક્યું નહીં. હવે રહી રહીને નવો આલાપ શરૂ કર્યો છે, જે પણ આમ તો પ્રજા અને શાસકો વચ્ચેના નવા સેતુબંધ રચવાના હેતુસર છે. વિદેશી સાંસદો અને રાજનીતિજ્ઞાોને કાશ્મીર લઈ જવાનો કેન્દ્ર સરકારે કાર્યક્રમ બનાવ્યો હતો, પરંતુ સ્થાનિક કાશ્મીરીઓ સાથે સીધો સંવાદસેતુ સ્થપાય એવું કોઈ આયોજન કરવામાં આવ્યું નહીં. મોડેથી ૩૬ મંત્રીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેઓ ગયા અને પાછા આવ્યા. તેમાંના દરેકની હાલત હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો જેવી હતી. એવું લાગે છે કે કેન્દ્ર સરકાર હવે કાશ્મીરને વધુ સમય માટે અવગણી શકશે નહીં.

ઇન્ટરનેટબંધી પણ મહિનાઓ સુધી ચાલી અને હજુ આજે પણ અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધ યથાવત છે. સર્વોચ્ચ અદાલતની ટીકા પછી છૂટછાટ વધી છે, પરંતુ હજુ સંપૂર્ણ નેટમુક્તિ અહીં મળી નથી. કેન્દ્રના છત્રીસ પ્રધાનો એ કાતિલ ઠંડીમાં કાશ્મીર પહોંચી ગયા અને એક અઠવાડિયું ત્યાં રોકાયા, પણ એ નાટકનો કોઈ અર્થ સર્યો નહીં. આજે એ વાતને પણ એક જમાના બીત ગયા. જમ્મુ વિસ્તારમાં એ નેતાઓએ એકાવન બેઠકો કરી હતી, જે બધી જ સુષ્ઠુ સુષ્ઠુ વાતોથી ભરેલી હતી. સૌથી વધુ જરૂર કાશ્મીર ખીણના લોકોને મળવાની છે. એ વિસ્તારમાં અત્યારે ઠંડી પણ ખૂબ છે એમ કહીને ખીણને હાંસિયામાં ધકેલી દેવાઈ હતી.

કાશ્મીરીઓને એવું પણ લાગે છે કે સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યા પછી કાશ્મીર સાથે ઘનિષ્ઠતા કેળવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યાંના સ્થાનિક લોકોના મનમાં વિવિધ શંકા-કુશંકાઓ ઉદભવી રહી છે. માહોલ સાવ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં ન થઈ જાય એટલા માટે પણ આ મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા. જોકે નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર સંદર્ભે લોકોના મનમાં જે શંકાઓ છે એ દૂર કરવા ભાજપ અને સરકાર અમુક પ્રયત્નો કરશે એવી આશા છે, પણ હજુ સુધી તો શરૂઆત કરવામાં આવી નથી.

સરકારને એવો પણ દાવો કરવો છે કે કાશ્મીરમાં સંજોગો એકદમ સામાન્ય છે. એ હેતુ પણ મંત્રીઓને મોકલીને સિદ્ધ કરવા હતા, પણ થયા નહીં. ત્યાર પછી તો કેન્દ્રના ગૃહપ્રધાન પણ જઈ આવ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ જઈ આવ્યા. જો કે બ્રોડબેન્ડ અને ટુ-જી સેવાઓને રાજ્યનિકાલ કર્યા પછી ત્યાં બીજો વિકાસ શું થઈ શકે એ સવાલ છે. બીજો સવાલ એ છે કે બીજા પક્ષના નેતાઓ હજુ સુધી નજરકેદમાં છે. જ્યાં સુધી તેઓને સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં ન આવે ત્યાં સુધી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે એવું કઇ રીતે કહી શકાય?

કાશ્મીરમાં ભાજપનું સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાાનિક સ્તરે વર્ચસ્વ વધે એના સંનિષ્ઠ પ્રયાસો કરાતા રહ્યા છે. સ્વકેન્દ્રી કેન્દ્ર સરકારના રિસાયેલા કાશ્મીરીઓને મનાવવાની દોડધામમાં ઘણું મોડું થયું છે. આ જ કામ પહેલાં થયું હોત તો કાશ્મીરીઓને તો ફાયદો થયો જ હોત, પણ દેશવ્યાપી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શકાયું હોત. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયો તેને ઘણો સમય વીતી ગયો છે. ભીનું સંકેલવામાં સરકારે (અને ભાજપે) મોડું કેમ કર્યું? જમ્મુ-કાશ્મીરમાં સાડા બાર હજાર પંચાયતોની ચૂંટણી થશે એવું સાંભળવામાં આવે છે.

પંચાયતની ચૂંટણી અને કાશ્મીર સાથે સરકારના જનસંપર્કની કોશિશોને સીધો સંબંધ છે જ અને એમાં કોઈ શંકા નથી. સાથે સાથે એ વાત પણ નોંધવી રહી કે એ વિસ્તારની બીજી મોટી રાજકીય પાર્ટીઓ - કોંગ્રેસ અને પીડીપીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ નજરકેદમાં છે. હવે એ નજરકેદ જો કે નહિવત્ જ રહી છે. સરકારે એ જાહેર કરવું જરૂરી છે કે જ્યારે પણ ચૂંટણીનો નિર્ણય લેવામાં આવે ત્યારે આવી સ્થિતિ ન હોય. જો સ્થિતિ વણસશે તો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ફરીથી ભારત અને કાશ્મીરને લઈને વિવાદો ઉભા થશે. ભારત સરકાર જો એ વાત સતત દોહરાવતી હોય કે કાશ્મીરનો ઇશ્યુ એ ભારતનો આંતરિક મામલો છે તો સરકારે એ ધ્યાન રાખવું રહ્યું કે કાશ્મીર સમસ્યાનું આંતરરાષ્ટ્રીયકરણ ન થઈ જાય. જ્યાં સુધી બધા જ પક્ષોના નેતા નજરકેદ હોય, ઇન્ટરનેટ બંધ હોય ત્યાં સુધી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે એવું ન કહી શકાય.

    Sports

    RECENT NEWS