મધરાત્રે ફરજ બજાવતા મહિલા તબીબો અને નર્સની સલામતી સામે ઊભા છે ગંભીર પ્રશ્નાર્થ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
મધરાત્રે ફરજ બજાવતા મહિલા તબીબો અને નર્સની સલામતી સામે ઊભા છે ગંભીર પ્રશ્નાર્થ 1 - image


- અલ્પવિરામ

- દરેક હોસ્પિટલને સેફ ઝોન કક્ષાએ કઈ રીતે લઈ જવી તે સરકાર માટે નવી વ્યાધિનો વિષય છે, પણ હવે એમ કર્યા સિવાય છેટકો નથી

આ વર્ષના સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધન સમગ્ર ભારતે થોડા ઓછા હર્ષ સાથે અને ઉત્સાહની કમી સાથે ઉજવ્યા છે. કોલકાતાની એકવીસ વર્ષની ડોક્ટરના સામૂહિક બળાત્કાર અને હત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ ડામાડોળ છે. આર.જી. કાર હોસ્પિટલમાં બનેલી આ કરપીણ દુર્ઘટનાના ઘેરા પડઘાએ સમગ્ર દેશની મેડિકલ સિસ્ટમને આવરી લીધી છે. ફક્ત હેલ્થ સેક્ટર સુધી મર્યાદિત ન રહેતા દેશનો દરેક નાગરિક સ્ત્રી ઉપર હુમલાના ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. ગત શનિવારની સવારથી ડૉક્ટરોએ દેશવ્યાપી હડતાળ શરૂ કરી હોવાથી ભારતભરની હોસ્પિટલો વિરોધ અને શાંત ચળવળની કેન્દ્ર બની ગઈ છે. સરકારી અને ખાનગી તબીબી વ્યાવસાયિકોએ પોતાને માટે અને તેમના સાથીદારો માટે ન્યાય અને સલામતીની ડિમાન્ડ કરવા સરકાર ઉપર દબાણ કર્યું છે. બંગાળ અને કેન્દ્રમાં જુદી જુદી સરકાર હોવાને કારણે સ્વાભાવિકપણે આ ઘટનાએ રાજકીય રંગ પકડયો છે.

૧૭ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ વાગ્યાથી ૨૪ કલાક માટે ડોકટરોએ તમામ બિન-ઇમરજન્સી તબીબી સેવાઓ બંધ કરી દીધી હતી, જેના કારણે ઓપીડી દર્દીઓના વિભાગો ખાલી રહ્યા અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ મુલતવી રાખવામાં આવી. હડતાળનું નેતૃત્વ કરનાર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ સ્પષ્ટ કર્યું કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, પરંતુ બાકીનું બધું સ્થગિત રહેશે. બંગાળનું મોજું બેંગલુરુ સુધી પહોંચ્યું. તે હાઈ-ટેક સિટીમાં એક હજારથી વધુ ડોકટરોIMA ઓફિસમાં એકઠા થયા હતા, જેના પરિણામે સમગ્ર કર્ણાટકના દર્દીઓની સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. ગોવામાં માત્ર ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહી અને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ, ગુજરાત, તમિલનાડુ અને દિલ્હીમાં પણ એકંદરે સમાન સ્થિતિ હતી.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ૩,૫૦,૦૦૦થી વધુ ડોકટરોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓની પાંચ મુખ્ય ડિમાન્ડ  છેઃ (૧) સુરક્ષા માટેનો એક કેન્દ્રીય કાયદોઃ IMA સરકારને એક કેન્દ્રીય કાયદો ઘડવા વિનંતી કરી રહી છે જે ખાસ કરીને હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ સામેની હિંસાને ધ્યાનમાં રાખીને તેમની સલામતી હંમેશ માટે સુનિશ્ચિત કરે. (૨) વર્ક પ્લેસની બહેતર પરિસ્થિતિઃ ડોકટરો, નિવાસી ડોકટરો એટલે કે ભણી રહેલા રેસિડેન્ટ ડોકટરો માટે કામ કરવાની અને રહેવાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાની માંગ કરી રહ્યા છે. આખી રાતની લાંબી નાઈટ ડયુટી અને તે મેડિકલ વિદ્યાર્થીઓને મળતો સાવ નહિવત્ આરામ લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે પણ તેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.  કોલકાતાની દુર્ઘટના એ દર્શાવે છે કે વર્તમાન કાર્યપદ્ધતિ કેટલી ભયાનક સાબિત થઈ શકે છે. ડોક્ટરો પણ માણસો છે અને ડોક્ટરોએ ફરજ પર રહેવાના કલાકોની એક મર્યાદા બાંધવામાં આવે તે માંગણી છે.(૩) હોસ્પિટલોની સુરક્ષામાં વધારોઃIMA હોસ્પિટલની સુરક્ષાને એરપોર્ટ સુરક્ષાના સ્તરે અપગ્રેડ કરવાની દરખાસ્ત કરે છે. તેમાં થ્રી લેયર્ડ એટલે કે ત્રણ-સ્તરીય સુરક્ષા પ્રોટોકોલ, સીસીટીવી ઇન્સ્ટોલેશન અને મોટી હોસ્પિટલોમાં સુરક્ષાકર્મીઓ તૈનાત રહે તે અને હોસ્પિટલને સેફ ઝોનમાં ફેરવવામાં આવે તે માંગણી કરવામાં આવી છે. (૪) પીડિત પરિવાર માટે વળતરઃ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા મેડિકલ એસોસિએશન પીડિતાના પરિવાર માટે ન્યાયી અને ગૌરવપૂર્ણ વળતરની આશા રાખે છે. (૫) ન્યાય અને જવાબદારીઃ છેલ્લે ડૉ. આર. જી. કાર હોસ્પિટલે સંપૂર્ણતયા તપાસ, સમયસર કાર્યવાહી અને અપરાધીઓ માટે યોગ્ય સજાની માંગણી કરી છે.

નેશનલ મેડિકલ કમિશન (NMC)  દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં ભારતના તબીબી વિદ્યાર્થીઓમાં ચિંતાજનક માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે આવી છે. સર્વેક્ષણમાં ૨૫,૫૯૦ અંડરગ્રેજ્યુએટ અને ૫,૩૩૭ અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તે મુજબ ચારમાંથી એક MBBS  વિદ્યાર્થી માનસિક બીમારીથી પીડાય છે, જ્યારે ૩૧%થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ આત્મહત્યાના વિચારો કરતા હોય છે. સર્વેક્ષણમાં આ મુદ્દાઓ ઉપરાંત ડોકટરોની પ્રાઈવસીનો ભંગ તથા કાર્યસ્થળ ઉપર સ્વસ્થ વાતાવરણનો અભાવ પણ નજર સામે આવ્યો. ઘણા વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજોમાં માનસિક સ્વાસ્થ્ય સહાયની ગુણવત્તા અંગે અસંતોષ વ્યક્ત કર્યો. અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક બંને કેટેગરીની મોટી ટકાવારી મેડિકલ કોલેજમાં અસ્વસ્થતા અનુભવે છે. રિપોર્ટમાં વધુ પડતા કામકાજના કલાકો, હોસ્ટેલની અપૂરતી સગવડો અને અપૂરતા સ્ટાઈપેન્ડને કારણે ભવિષ્યના હેલ્થ કેર વ્યાવસાયિકોના માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે તે તારણ નીકળ્યું.

આ ચિંતાઓને દૂર કરવા માટે, NMC રિપોર્ટમાં ૨૪/૭  હેલ્પલાઈનનો અમલ, મેડિકલ કોલેજો અને હોસ્ટેલમાં વધુ સારી સુવિધાઓ અને માર્ગદર્શન કેન્દ્રોની સ્થાપના સહિત અનેક ભલામણો સૂચવવામાં આવી છે. રિપોર્ટમાં કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેમ કે રેસિડન્ટ ડોકટરોના કામના કલાકો દર અઠવાડિયે મહત્તમ ૭૪ કલાક સુધી મર્યાદિત કરવા અને પર્યાપ્ત આરામની અવધિ સુનિશ્ચિત કરવી. વધુમાં, અહેવાલમાં પગાર ધોરણોને પ્રમાણિત કરવા અને બોન્ડ નીતિને દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમો વહેલા છોડી દે છે અથવા સેવા આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે તેમના પર નાણાકીય દંડ લાદવામાં આવે છે. NMCએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જટિલ પડકારોને સંબોધવા માટે તબીબી વિદ્યાર્થીઓની કસ્ટમાઇઝડ જરૂરિયાતોને અનુરૂપ બહુપક્ષીય અભિગમની જરૂર છે. પણ આ રિપોર્ટ અને એના પરથી જરૂરી સુધારાઓની અમલીકરણ ભારતના ન્યાયતંત્રના હાથમાં છે.

આજે મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. સીધી સુપ્રીમ કોર્ટ જ આ કેસમાં કેમ આવી? કારણ કે કલકત્તા હાઈકોર્ટ ઉપર પહેલેથી જ આ કેસ પોલીસ તપાસને લઈને વિવાદ અને અસંતોષથી છવાયેલો છે. જોકે તે હાઇકોર્ટે ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રાજ્ય પોલીસને આપેલા અલ્ટીમેટમને નકારી દીધું અને તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.

પોલીસના પ્રયાસોથી નિરાશ થયેલા ડૉક્ટરનાં દુઃખી માતા-પિતા અને અન્ય લોકોએ અપીલ દાખલ કર્યા પછી કેસને હાઈકોર્ટમાં લઈ જવાનું દબાણ આવ્યું. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જે રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી તેના પર અસંતોષ વ્યક્ત કરવામાં કોર્ટ શરમાઇ નથી. પોલીસના વલણ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે. ડોક્ટરનાં માતા-પિતાને તેનું શરીર જોવા દેવામાં અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં વિલંબ થયો હતો. 

દેશ સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોઈ રહ્યો છે. આશા છે કે ન્યાય મળશે અને આ વિનાશક અપરાધ પાછળનું સત્ય પ્રકાશમાં આવશે. આ કેસમાં વૈશ્વિક સ્તર પર માત્ર ભારતીય તબીબી વ્યાવસાયિકોની નાજુક સ્થિતિ અને પડકારોની વાત નથી થઈ રહી, પરંતુ એકંદરે ભારતના દરેક વર્ગના નાગરિકની સલામતી અને ન્યાય તથા સુરક્ષા વિશે ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. ભારત અને તેની શાખ માટે આ સમય લાલબત્તી સમાન છે.

Alpviram

Google NewsGoogle News