આ હવામાન ખાતાઓ અને કૃષિ વચ્ચે સંધાન નથી


- અલ્પવિરામ

- વર્લ્ડવોચ સંસ્થાએ એના નવા અહેવાલમાં કહ્યું છે કે સમગ્ર એશિયાનું હવામાન ધરમૂળથી બદલાઈ ગયું છે. એશિયા હવે લાંબા ગાળા માટે અલ્પ અને અનિયત વરસાદનો પ્રદેશ બની જશે એવી ભીતિ છે

આ વખતે પહેલા રાઉન્ડમાં જ ભારતના અનેક રાજ્યોને ભારે અને પ્રલયકારી વરસાદનો અનુભવ થયો છે. આપણે ત્યાં અતિવર્ષાના સમાચારોનું અકારણ સામાન્યીકરણ થઈ ગયું છે એટલે કે હવે ઈતર પ્રજા એને ગંભીરતાથી લેતી નથી. આ કોઈ શુભચિહ્ન નથી. પ્રજાના ટૂંકા થતા જતા મનનો આ સંકેત છે. દુનિયાના તમામ વિકસિત દેશો પાસે સમૃદ્ધ હવામાન વિભાગ હોય છે. જે રીતે સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાન ખાતાને આપવામાં આવે છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે બુદ્ધિમાન લોકોનો એક વિરાટ કાફલો સતત દેશની ઋતુઓ, જળવાયુ પરિવર્તન અને આવનારા હવામાન પર વિચારણા કરે છે. સંશોધકોની એક મોટી ટીમ એમાં પ્રવૃત્ત હોય છે. કેલિફોર્નિયામાં જે એક ઓબ્ઝર્વેેટરી છે એનું કામ તો સતત વાદળોનું નિરીક્ષણ કરવાનું છે. વર્ષોથી સંશોધનો કરતા હોવાને કારણે કુદરતના કેટલાંક રહસ્યો વૈજ્ઞાાનિકોના હાથમાં આવી જાય છે અને એ પ્રમાણે તેઓ પોતાના દેશના વાતાવરણને અમુક અંશે જાતે નેવિગેટ કરી શકે છે. આ વાતની ભારત અને ભારત જેવી અન્ય સરકારોને ન તો ખબર છે કે ન તો એમને કોઈ એની તમા છે. 

આપણા દેશમાં તમામ પ્રધાનો દાયકાઓથી એક જ ઢોલ વગાડે છે કે વધુ વૃક્ષ વાવો એટલે વધુ વરસાદ આવશે. ખરેખર એવું નથી. વૃક્ષો એક આધાર છે, પરંતુ એ સિવાય વરસાદને પૂરતી માત્રામાં અને નિયત સમયે લાવવા માટેના અનેક ઉપાયો છે, જે હવે વિકસિત દેશો જાણે છે. આપણે અનેક પ્રકારના બાહ્ય વિકાસના વાઘા પહેરવામાં અને વાજાં વગાડવામાંથી ઊંચા આવતા નથી. એની સામે વિકસિત દેશો કુદરત સાથે કામ પાડવામાં એક્કા બની ગયા છે. ભારત જેવા વિકાસશીલ દેશો માટે હવામાન ખાતું માત્ર માહિતી ખાતાનું કામ કરે છે. હકીકતમાં વરસાદ ક્યારે આવશે અને કેટલો આવશે એ તો પાકિસ્તાન અને ઈથિયોપિયા જેવા સાવ ગરીબ દેશના હવામાન ખાતાનું કામ છે. 

હવામાન ખાતાની જવાબદારી દેશના અનેક પ્રકારના કૃષિ પાકને માર્ગદર્શન આપવાની છે. ઉપરાંત ખેડૂતોને હવામાન પ્રમાણે એડવાન્સમાં પાકની પસંદગીના નિર્ણયમાં મદદ કરવાની છે. સામાન્ય પ્રજા એવું માને છે કે વરસાદ આવે અથવા તો સિંચાઇથી પાણી મળે એટલે ખેતીવાડી સારી થાય. એ માન્યતા ભ્રામક છે. જે લોકો ખેતી કરે છે એને ખબર છે કે પાકનો ઘણો મોટો આધાર માત્ર પાણી ઉપર નહીં, પરંતુ પાણી પછીના હવામાન પર નિર્ભર છે. વિકસિત દેશોમાં યુનિવર્સિટીઓ કમસે કમ તેના વિસ્તારના કિસાનોને વરસમાં ચારથી પાંચ વાર બોલાવે છે અને એમને એમની ભાષામાં સાદગીપૂર્વક આધુનિક કૃષિ ટેકનોલોજી અને હવામાન પરિવર્તનનું જ્ઞાાન આપે છે. બદલાયેલા ઉષ્ણતામાનમાં અગાઉ લેતા હતા એ જ પાક, એટલી જ નીપજ સાથે કઈ રીતે લેવા એનો પૂરતું માર્ગદર્શન આપે છે. યુનિવર્સિટીના પ્રોફેસરો વળી વરસ દરમિયાન તેમણે ભણાવેલા એ કિસાનોના ખેતરો પર અવારનવાર મુલાકાત લે છે. આમ થવાનું કારણ એ છે કે એ દેશના હવામાન ખાતાની પોલિસી એટલી સુગ્રથિત છે કે એની સાથે દેશના અનેક ક્ષેત્રો જોડાયેલાં છે. એવું ઈન્ટરલિંકિંગ આપણે ત્યાં થતા હજુ થોડાં વરસો લાગશે.

શ્રીલંકાના વિનાશક સંયોગોનું એક કારણ બે વરસ પહેલા એની સરકાર દ્વારા વિદેશી ખાતરની આયાત પર મૂકવામાં આવેલો પ્રતિબંધ છે, પણ એ સિવાય પણ એનું હવામાન ખાતું પૂર્ણતઃ નિષ્ફળ છે. જો આવડા વિરાટ ભારતમાં મટિરિયોલોજી સાયન્સની લોકસમજ અને પ્રતિષ્ઠા નથી તો લંકાની તો શું વાત કરવાની? આપણા રાજ્યમાં અને દેશમાં જે કૃષિ યુનિવર્સિટીઓ છે એના અધ્યાપકોને પોતાના વિસ્તારના ખેડૂતોના ખેતરે જઈ એમની સાથે વાતો કરવામાં રસ નથી. આપણી આજની ખેતીની મૂળ પ્રણાલિકા એક રીતે તો હજાર વરસ પહેલાંની જ છે અને જેઓ આકાશી ખેતી કરે છે ને એકલા મેઘરાજા પર જ નિર્ભર રહે છે - આ તો પાંચ હજાર વરસ જૂની પદ્ધતિ છે. પહેલી નજરે સહુને એમ લાગે છે કે આ ખેડૂતો દુનિયાના પેટના ખાડા પૂરે છે, પણ એના ખિસ્સાનો ખાડો કેમ પૂરાતો નથી ? સામાન્ય નાગરિકો બધી વાતો ઓટલે બેસીને અદામાં કરતા હોય છે, પ્રશ્નમાં ઊંડા ઉતરતા નથી. એને કારણે ક્યારેક કિસાનોને સમજવામાં સમાજ થાપ ખાઈ જાય છે. કિસાનોને પણ પોતાનું સ્વાભિમાન અને સ્વનિર્ભરતા વ્હાલા છે, પરંતુ એ દિવસ તો આવતો જ નથી કે ખેડૂતે સરકાર સામે જોવું ન પડે. દુઃખદ વાત તો એ છે કે રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે પૂરતો ડેટા પણ અપડેટ હોતો નથી.

આજ સુધી તો હોતા હૈ ચલતા હૈ એમ કામ ચાલ્યું, પણ હવે ચાલે એમ નથી, કારણ કે જળવાયુ સંકટની શરૂઆત હવે નવા નવા વળાંકે પહોંચવા લાગી છે. છેલ્લાં ત્રણ જ વરસમાં એવો કોઈ દેશ બાકી રહ્યો નથી જ્યાં કુદરતી કોપ ન ઉતર્યો હોય. કુદરતી હોનારતો, ઝંઝાવાત, પ્રલય, આગ... જે ક્વચિત જ બનતી ઘટનાઓ હતી તે સામાન્ય થઈ ગઈ છે. આપણે ત્યાં પૂર્વોત્તર ભારતમાં બ્રહ્મપુત્રા નદી કાયમ ચોમાસામાં એના બેય કાંઠે તારાજી ફેલાવે છે. લોકમાતા એકાએક મહા વિનાશિની બની જાય છે. સંખ્યાબંધ નાગરિકો તણાઇ જાય છે અને કરોડો રૂપિયાનું જાનમાલને નુકસાન થાય છે. બ્રહ્મપુત્રામાં જે ઉછળતા ઘોડાપુર આવે છે એ પૂનમની રાતે કિનારે પછડાતા મહાસાગરની તાકાત ધરાવતા હોય છે. આજે પણ એ નિરંકુશ વહી રહ્યા છે.

આ બ્રહ્મપુત્રા નદી પર કામ કરનારા એટલે કે સંશોધન કરનારા વૈજ્ઞાાનિકોનો આપણા દેશમાં દુષ્કાળ છે. આ એટલી સમર્થ નદી છે કે અડધા ભારતને પોષણ આપી શકે છે. એની સરેરાશ ઊંડાઈ આઠસો ફૂટ છે અને ક્યાંક તો એ હજારેક ફૂટનું ઊંડાણ ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાંથી એ વહે છે. ગંગાની મૂળ નદી પદ્મા સાથે ભળીને એ બંગાળના અખાતમાં સમાઈ જાય છે. આપણી ભૌગોલિક રચના પણ એવી છે કે સરકાર ધારે તો છેક કન્યાકુમારી સુધી બ્રહ્મપુત્રાની અમૃતધારા પહોંચાડી શકે, પરંતુ એ કલ્પનાનો જ વિષય છે, કારણ કે નિર્ણાયક રાજનેતાઓ પ્રજામાંથી જ આવે છે, તેઓ સામાન્ય નાગરિક જ છે કોઈ અવતારી દેવ કે દેવી તો નથી અને પ્રજા તરીકે જુઓ તો આપણામાં નદીની સંભાળ લેવાના કોઈ સંસ્કાર નથી. ગુજરાતમાં મોટા ભાગની નદીઓમાં હવે ઊંડાણ જ નથી. રસ્તાને અને આસપાસના ખેતરોને સમાંતર સપાટીએ એ વહે છે. 

એને કારણે ભારેથી અતિભારે વરસાદમાં વારાફરતે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની લાખો હેક્ટર જમીનો ધોવાતી રહે છે, કારણ કે જળને ધારણ કરવાની નદીની ક્ષમતા જ નહિવત્ થઈ ગઈ છે. હવેનાં વરસો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઉચ્ચારેલી ચેતવણી પ્રમાણે આકરા છે. વર્લ્ડવોચ સંસ્થાએ એના નવા અહેવાલમાં કહ્યું છે કે સમગ્ર એશિયાનું હવામાન ધરમૂળથી બદલાઈ ગયું છે. એશિયા હવે લાંબા ગાળા માટે અલ્પ અને અનિયત વરસાદનો પ્રદેશ બની જવાની ભીતિ છે. એશિયામાં અલ્પવર્ષાનો યુગ શરૂ થઈ ગયો છે, પરંતુ આ પ્રારંભિક વરસો છે એટલે જો સમગ્ર એશિયા જાગૃત રહીને જળવાયુ પરિવર્તનને સમજે અને એની નકારાત્મક અસરથી બચવાના વૈજ્ઞાાનિક તથા કુદરતી ઉપાયો અજમાવે તો પરિસ્થિતિ સુધરી શકે એમ છે. કમનસીબે એશિયાના વિવિધ દેશો માટે પર્યાવરણ માત્ર સેમિનાર અને કોન્ફરન્સનો જ વિષય છે.

City News

Sports

RECENT NEWS