ફરી માથું ઊંચકતા કોરોનાની ઉપેક્ષા પ્રજા ને સરકાર માટે પ્રાણઘાતક નીવડશે


- અલ્પવિરામ

- દુનિયામાં ગરીબ દેશોની સંખ્યા 80 ટકા કરતા વધુ છે. હજુ દુનિયામાં એવા પણ દેશો છે કે જેમણે વેક્સિનનો એક પણ ડોઝ જોયો નથી અને એ જ મોટું જોખમ છે

છેલ્લા થોડાક દિવસોથી ગુજરાતના પ્રમુખ શહેરોમાં નવેસરથી કોરોના વાયરસના કેસ નોંધાવા લાગ્યા છે. આ સ્થિતિને સરકારે ગંભીરતાથી લીધી નથી એ તથ્ય સ્વયં ગંભીર છે. ગુજરાતી પ્રજાએ પાછલા બે - અઢી વરસમાં પોતાના અનેક પરિવારોના મોભ ભાંગતા જોયા છે. મુંબઈના કેટલાય ફ્લેટ પર લાગેલા તાળા બે વરસથી ખુલ્યા નથી. આખે આખા પરિવારો દિવંગત થયાના એ કિસ્સાઓ છે. બધી કથની ને કરણી તો પ્રજા સુધી પહોંચતી નથી. કોરોના એક એવો શત્રુ-વાયરસ છે કે એની ઉપેક્ષા માણસજાત માટે પ્રાણઘાતક છે. બીજી લહેર વખતનું મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ ગુજરાત ફરી જોવા ચાહતું નથી. એટલે ફરી માથું ઊંચકી રહેલા કોરોના સામે સરકારી અને નાગરિકી સાવધાની જરૂરી છે જે અત્યારે બન્ને પક્ષે બિલકુલ છે જ નહિ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે જો ફરી કોરોના વકરે તો એની નકારાત્મક અસર શાસક પક્ષને નુકસાન કરે. કેટલાક શહેરોમાં ફરી માસ્ક ફરજિયાત પહેરવાના હુકમ થયા છે પણ એનું પાલન થતું નથી અને અન્યત્ર તો હુકમ જ બાકી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક નવા પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાનું કહેવાનું છે કે દુનિયામાં અત્યારે વેક્સિન ઉપલબ્ધિમાં બહુ જ અસમાનતા છે. એટલે કે જે રીતે બધી જગ્યાએ એક સાથે વેક્સિન પહોંચવી જોઈએ તે રીતે હજુ પહોંચી નથી. યુરોપ અને અમેરિકાના બધા જ દેશો શ્રીમંત છે એ એક ભ્રામક માન્યતા છે. દુનિયામાં ગરીબ દેશોની સંખ્યા ૮૦ ટકા કરતા વધુ છે. હજુ દુનિયામાં એવા પણ દેશો છે કે જેમણે વેક્સિનનો એક પણ ડોઝ જોયો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા કરી છે કે જો સમગ્ર વિશ્વના બધા જ દેશો સમાંતર રીતે એક સાથે વેક્સિનેશનની ઝુંબેશ ચલાવશે નહીં તો ગરીબ દેશોમાં આગળ વધતો જતો કોરોના ફરતા-ફરતા ફરીવાર શ્રીમંત દેશોમાં નવેસરથી ત્રાટકશે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં જે સર્વે સંતુ નિરામયા - ની વાત કહેવામાં આવી છે એના જેવી આ વાત છે. એટલે કે જો બધા જ તંદુરસ્ત નહીં હોય તો અમે પણ તંદુરસ્ત નહિ રહી શકીએ એટલે મુનિઓએ સહુના આરોગ્યની એકસાથે પ્રાર્થના કરી છે.

ભારતમાં આજે પણ કોરોનાના આઠ-દસ હજાર કેસો નોંધાતા જ રહે છે. મૃત્યુનો આંક ત્રણસો-ચારસો વચ્ચે હોય છે. આ સંખ્યા નાની નથી. સરકારનું ધ્યાન રસીકરણ પર વધારે છે. કોરોના કેસ ઘટયા છે પરંતુ કોરોના અંગેનો ખતરો ઓછો થયો નથી. જર્મની અને રશિયાની હાલત તરફ ભારતે જોવાની જરૂર છે. આ બન્ને દેશોએ ખૂબ જ કડક નિયમ પાલન અને ઉચ્ચ આરોગ્ય સેવાઓ દ્વારા કોરોના સામે મજબૂત લડત આપીને પોતાની પ્રજાને મહત્ અંશે ઉગારી લીધી પરંતુ પછીથી આપવામાં આવેલી છૂટછાટોમાં પ્રજા એવી છકી ગઈ ને એટલી બેફિકર થઈ ગઈ કે એ બન્ને દેશોમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો. કેટલાક રશિયન તબીબી વૈજ્ઞાાનિકોએ પુટિન સરકારને ચેતવણી આપી છે કે રશિયન બાળકો તરફ હવે કોરોનાના નવા વેરિયન્ટનું આક્રમણ થશે. જેથી રશિયન બાળકો અને કિશોરો માટેના વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન શરૂ કરી દીધું છે.

યુરોપમાં સમસ્યા માત્ર વેક્સિનના અભાવની નથી. જ્યાં પૂરતી માત્રામાં વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યા છે ત્યાં પણ હવે કોરોનાએ પુનરાગમન કર્યું છે. યુરોપીય દેશોના વૈજ્ઞાાનિકોએ આગાહી કરી છે કે જે રીતે કોરોના વેરિયન્ટ આગળ વધે છે અને એમાં વૈવિધ્ય આવતા જાય છે તે જોતાં યુરોપમાં આગામી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં વધુ પાંચ લાખ નાગરિકોએ જિંદગીથી હાથ ધોઈ નાંખવા પડશે. ચીનમાં તો કોરોના જ લોકક્રાન્તિનું કારણ બની જાય એવી ચિંતા જિનપિંગ પ્રશાસનને છે. ભારે લોકવિરોધ વચ્ચે ચીની તબીબી ટીમો કામ કરી રહી છે. ચીનના હજારો ગરીબ ગામડાંઓમાં લોકો પ્લેગની મહામારી જેમ મૃત્યુ પામી રહ્યા છે. વસ્તીની ગીચતાએ કોરોનાને પ્રસરવામાં બહુ સહાય કરી છે. ચીનને કોઈ હરાવી ન શકે ભલે પણ એ પોતાના ભારથી જ પોતે તૂટી પડે એવી શક્યતા છે અને આ ભારમાં અત્યારે તો કોરોના જ એને ભારે પડી રહ્યો છે.

ઓસ્ટ્રિયા જેવા કેટલાક નાના દેશોએ વેક્સિનેશન ફરજિયાત બનાવતા કાયદા ઘડયા છે એ સિવાય આખા યુરોપમાં વેક્સિન સ્વૈચ્છિક રીતે ચાલે છે. બહુ શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું હતું કે ઈ. સ. ૨૦૧૮ જેવું આરોગ્ય માનવજાતને ફરી પ્રાપ્ત થતાં એક દાયકો લાગશે. યુરોપમાં જે રીતે કોરોનાનો ભડકો થઈ રહ્યો છે એ જોતાં એમ લાગે છે કે કોરોનાને નામશેષ થતાં ખરેખર હજુ વધુ વરસોની જરૂર પડશે. ભારતમાં વ્યક્તિગત આરોગ્ય સભાનતાનું સ્તર પશ્ચિમી દેશોની તુલનાએ સાવ નહિવત્ છે. વળી વ્યસનીઓની બહુ જ મોટી સંખ્યા ભારત ધરાવે છે. એટલે જન આરોગ્ય પર ગમે ત્યારે ભીષણ મહામારીનું આક્રમણ થઈ શકે છે. આજકાલ લોકોએ માસ્ક સહિતના સલામતીના પગલાની જે અવગણના કરી છે તે યુરોપીય વાતાવરણને એશિયામાં લઈ આવવાનો જ એક ઉદ્યમ દેખાય છે.

કોરોના જેવા વાયરસ અવિનાશી હોય છે. તેનું ભાન હવે જગતને થઈ ગયું છે. શરૂઆતી દૌરમાં અમુક મહિનાના મહેમાન લાગતો આ રોગચાળો આપણી સાથે કાયમ રહેવાનો છે એ નક્કી છે. ભલે તેનું પ્રમાણ વધતું - ઓછું હોઈ શકે. વાયરસના સંક્રમણના વ્યાપ અને સંક્રમણદરના આધારે વિશ્વ આરોગ્ય સંસ્થા પેન્ડેમિક કે એન્ડેમિક જેવા પારિભાષિક શબ્દોથી આપણને તેની ગંભીરતા સમજાવતી રહેશે. પણ મુખ્ય સવાલ પ્રજાના અભિગમનો છે. રસીના બંને ડોઝ લઇ લીધા હોય એવો સમુદાય હવે બહુમતીમાં છે. તે સમુદાય થોડા ઓવર-કોન્ફિડન્સમાં આવી ગયો હોય એવું લાગે છે. કોરોનાની નવી લહેર આવશે કે નહીં તે ચર્ચાનો મુદ્દો ભલે રહ્યો પણ હકીકત એ છે કે બીજી લહેર પૂરી થઈ ત્યારથી આજ સુધીમાં કોવિડના કેસોમાં ખાસ્સો વધારો થયો છે. ગુજરાતમાં, ભારતના અન્ય રાજ્યોમાં ફરીથી રોગચાળો ફાટી નીકળ્યો હોય એવું આરંભિક ચિત્ર ઊભું થયું છે. આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેને તો શેરબજારમાં પણ ગાબડું પાડી દીધું છે. ઘણી જિંદગીઓના ભોગે સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા શીખી છે અને આરોગ્ય ક્ષેત્રે ક્યાં ઊણી ઉતરી છે તેનો પાઠ પણ ભણી છે. પરંતુ હવે પ્રજાએ જાગૃતિ રાખવાની આવશ્યકતા છે.

લોકોની જીવનશૈલી પણ કંઇક બેફિકર બની ગઈ છે. ખાણીપીણી શોખીન ગુજરાતી પ્રજા પોતાની ઈમ્યુનિટી ઘટાડવા માટે નિત્ય નૂતન સાહસો કરતી દેખાય છે. એને કોણ રોકે ને કોણ ટોકે...? વચ્ચે જે બે વરસ આપણે ઘરઘરમાં ઉકાળાયુગનો લાભ લીધો એય હવે આથમી ગયો છે. કેટલાક લોકો તો ચ્હામાં આદુ પણ પધરાવતા નથી. કહે છે કે હવે ક્યાં કોરોના છે ? કોરોના ન હોય તો તંદુરસ્ત જીવન જીવવાના ઉપાયો ન કરાય ? નાગરિકોએ પોતે જ સ્વયંની આરોગ્ય ઝુંબેશ પડતી મૂકી દીધી છે. આહાર શુદ્ધિ વિશે ગુજરાતીઓને સલાહ આપનારાઓ ફરી હવે હાસ્યાસ્પદ ઠરવા લાગ્યા છે. એને કારણે હવે જે કોરાના કે એવા કોઈ ઈતર સંકટ આવે તો એના નિયંત્રક તરીકે પ્રજાની પોતાની જવાબદારી રહે છે. વેક્સિનના બીજા ડોઝની અવગણના કરનારો સમુદાય પણ આપણી આસપાસ વિદ્યમાન છે.

City News

Sports

RECENT NEWS