For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધર્માંધતા અને આધુનિકતા વચ્ચે લટકે છે પાકિસ્તાન

Updated: Oct 11th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- પાકિસ્તાની પીએમ : શેહબાઝ શરીફ 

- એશિયાના વિવિધ દેશોમાં પ્રજાને આબાદ રીતે મૂર્ખ બનાવનારા જે કેટલાક નેતાઓ છે એની ટોપ-ટેન ક્લબમાં શેહબાઝ શરીફ પણ હવે સમાવિષ્ટ

ઈરાની સ્ત્રીઓને દુનિયાભરની ક્રાન્તિકારી અન્ય સ્ત્રીઓનું સમર્થન મળતાં પરિસ્થિતિ વણસી છે અને ઈરાની સરકારે પોતે બુરખો ઓઢી લપાઈ જવાની સ્થિતિ આવી છે. રૂઢિચુસ્ત મુસ્લિમ દેશો ઈરાન સરકાર પર માછલાં ધોઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાન પોતાની પસંદગીનું કુરુક્ષેત્ર માને છે. પાકિસ્તાનના કોઈપણ વડાપ્રધાન વ્યક્તિત્ત્વશૂન્ય હોય છે, કારણ કે તેઓ પાકિસ્તાની સેનાધિકારીઓનું માત્ર મહોરું બનીને રાજપાટ ચલાવતા હોય છે. એમાં પણ વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફ કંઈ કરી શકે એમ નથી. સમગ્ર પાકિસ્તાનના ઉર્દૂ મીડિયામાં એ વાત અતિ પ્રસિદ્ધ છે કે મિસ્ટર શેહબાઝને પાકિસ્તાની સૈન્યનું સમર્થન હાંસલ છે. શેહબાઝ પોતે પણ ઇમરાનની જેમ જ લશ્કરની આંગળી પકડીને સર્વોચ્ચ સત્તા સ્થાને પહોંચેલી માયા છે.

પાકિસ્તાન અત્યારે સમસ્યાઓનું એક જીવતું જાગતું મ્યુઝિયમ છે. દેશ આખો દેવામાં ડૂબેલો છે. સામાન્ય જનજીવનમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે. કરાંચીમાં તો નાગરિકોના આંતરિક વિવાદમાં પોલીસ જલદી ઝંપલાવતી નથી. કરાંચીમાં જ એવા અનેક વિસ્તારો છે જ્યાં અંધારી આલમના એવા પડાવ છે કે પોલીસ ટુકડીઓ એ તરફ ફરકતી જ નથી. ઈસ્લામાબાદમાં પણ દરેક રાજદૂતાવાસોને સૈન્ય સુરક્ષા આપવી પડે છે. દરેક રાજદૂતો પોતાની સુરક્ષા માટે આગવી વિજિલન્સ પ્રણાલિકા ધરાવે છે, કારણ કે એમને સૈન્ય સુરક્ષા પર પણ પૂરતો ભરોસો નથી. શેહબાઝે સમજીને જ વિદેશના મોટા ગજાના નેતાઓને પોતાના શપથગ્રહણ સમારંભમાં બોલાવ્યા ન હતા.

અત્યારે પાકિસ્તાનનું સૈન્ય આતંકવાદીઓને આગળ ધકેલીને ભારતના સૈન્યથાણાંઓ પર નિશાન લગાવવાની વ્યૂહરચના પર કામ કરે છે. છેલ્લા સાતેક વરસથી ભારતીય સૈન્ય ટુકડીઓ પર હુમલાઓનો દૌર પાકિસ્તાને ચાલુ જ રાખ્યો છે. એ તો હવે સૌ જાણે છે કે પાકિસ્તાની સૈન્યમાં હવે આતંકવાદીઓની એક આખી રેજિમેન્ટ છે. અત્યારે શેહબાઝ આ આતંકવાદીઓનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ભારત માટે કરે છે. શેહબાઝ શરીફ ભારત માટે આજ સુધીનો શત્રુરાષ્ટ્રનો સૌથી ખતરનાક વડાપ્રધાન પુરવાર થવાની શક્યતા છે. ભારતીય જાસૂસી સંસ્થાઓ એ હકીકત જાણે છે. શેહબાઝના સત્તારોહણ પહેલાં એટલે જ ભારતે કાશ્મીરમાં યુદ્ધસ્તરનું અંતિમ વલણ અખત્યાર કરી લીધું હતુ.

પાકિસ્તાની સૈન્ય અભ્યાસીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભારતીય લશ્કરને કોલ્ડ સ્ટાર્ટ પ્રણાલિકાનો સિદ્ધાંત ધરાવતું સૈન્ય કહ્યું છે, જેને કારણે શત્રુને અંદાજ જ આવતો નથી કે પ્રતિસ્પર્ધી શું કરી રહ્યા છે. અત્યારે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય લશ્કર આ જ પદ્ધતિ દાખવે છે. દુનિયાભરના સૈન્ય અભ્યાસમાં ભારતની કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ વખણાય છે, જે ભારતે વારંવાર પાકિસ્તાન સામે અજમાવી છે. જૈશ-એ-મોહમ્મદના તમામ આતંકવાદીઓને પાકિ સેનાધિકારીઓએ ભારતીય લશ્કરી થાણાઓ પર દગાબાજીથી છૂપો વાર કરવા માટે તૈયાર કરેલા છે. જૈશ-એ-મોહમ્મદ સંપૂર્ણ રીતે તાલિબાનોની મોડેસ ઓપરેન્ડીને અનુસરે છે. શાહબાઝ શરીફે અગાઉ જ જાહેર કર્યું છે કે એની કેબિનેટમાં આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પદવીઓ ધરાવનારા અનુભવી વિદ્વાનોનો મોટો કાફલો છે, પણ ખરેખર એવું નથી. એમાં અનેક બાઘાછાપ મુદ્રા ધરાવતા અણઘડ નેતાઓ પણ છે.

પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા અમેરિકા સાથે સતત કથળતા જતા સંબંધો છે. અમેરિકાનો ભારત તરફનો ઝુકાવ સતત વધતો જાય છે અને પાકિસ્તાનને આપવાની સહાયમાં કાપ મુકાતો જાય છે. પાકિસ્તાને જ્યારથી ચીન સાથે દોસ્તી વિકસાવી છે અને એમાં હવે કંઈ ખાનગી રહ્યું જ નથી ત્યારે શાહબાઝ ખાન માટે પાક-અમેરિકા સંબંધોના કોયડાઓ ઉકેલવા એક મોટો પડકાર છે. છેલ્લાં ત્રણ-ચાર વરસમાં ભારતનું આંતરરાષ્ટ્રીય લોબિંગ વધ્યું છે જે ડગલે ને પગલે પાકિસ્તાનને હવે નડે છે. જો બાઈડને પાકિસ્તાનને નવેસરથી ટુકડાઓ ફેંકવાની શરૂઆત કરી છે. એશિયામાં પોતાનો પગદંડો મજબૂત કરવા અને ભારત વિરોધી પરિબળોને પ્રોત્સાહન આપવા બાઈડને પાકિસ્તાન માટે નવી સહાયો મંજુર કરેલી છે.

ભારતના તમામ પ્રતિનિધિ મંડળોએ વિશ્વના મોટાભાગના દેશોને કાનોકાન સંભળાવ્યું છે કે પાકિસ્તાન એક આતંકવાદી રાષ્ટ્ર છે અને ભારત સતત તેનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનને બદનામ કરવાનો એક પણ મોકો ભારતે જતો કર્યો નથી. આ સંયોગો વચ્ચે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી પર પડેલા ડાઘ ભૂંસવા અને વૈશ્વિક સમુદાય સાથે સંબંધોની પુનઃસ્થાપના કરવી એ શેહબાઝના તરતના અગ્રતાક્રમોમાં રહ્યા છે. ધર્માન્ધ લોકોના ટોળાઓથી પાકિસ્તાનના દરેક શહેર, ગામ અને શેરીઓ છલકાઈ રહ્યા છે.

પ્રજાજીવન પર ધર્માન્ધ અગ્રણીઓની જબરજસ્ત પકડ છે. એમની વચ્ચેથી પાકિસ્તાની પ્રજાને વાસ્તવિક પ્રગતિના રાહ પર લાવવી અને લાગણીઓના તુમુલ સંઘર્ષમાંથી બહાર લાવી પ્રેકટિકલ બનાવવી એ આસાન નથી, કારણ કે પાકિસ્તાનના પૂર્વ વડા જનરલ પરવેઝ મુશર્રફ એક એવા સાહસિક હતા કે તેમણે પાકિસ્તાનમાં એક પણ નવા મદરેસા ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ તમામ પ્રવૃત્તિ કે જેનાથી પાકિસ્તાનને ધર્મનો અંધશ્રદ્ધાયુક્ત નશો ચડે એ તેમણે અટકાવી હતી. આ જ કારણસર મુશર્રફે, અલબત્ત, દેખીતાં અન્ય કારણોના બહાને ખુરશી છોડવી પડી હતી. આજે પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં મુશર્રફ ત્યાંની પ્રજા જલદી સ્વીકારી ન શકે એવા સુધારાવાદી વ્યાખ્યાનો આપે જ છે. એવી વાતો શેહબાઝ શરીફ કદી નહીં કરી શકે, કારણ કે તેઓ ધર્મગુરુઓને છેતરતા રહીને, દંભ અને નાટયાત્મકતાનો પૂરો દેખાવ કરીને સર્વોચ્ચ સત્તા સ્થાને પહોંચી ગયેલા એક બહુરૂપી ખેલાડી છે. શેહબાઝને છ બેગમ છે એના પરથી જ કલ્પના કરવાની રહે છે કે તેઓ કેવા અજબ નાટયવિશારદ હશે.

એશિયાના વિવિધ દેશોમાં પ્રજાને આબાદ રીતે મૂર્ખ બનાવનારા જે કેટલાક નેતાઓ છે એમાં ટોપ ટેન કલબમાં શેહબાઝ પણ હવે સમાવિષ્ટ થશે. શેહબાઝ એક પ્રકારે ધૂની સ્વભાવ ધરાવે છે. તેઓ વિલાસી જીવન શૈલીના પુરસ્કર્તા છે. પાકિસ્તાન સેનાધિકારીઓ વિલાસી વડાપ્રધાન જ માફક આવે છે. બલુચિસ્તાનનું આઝાદી મેળવવા માટેનું આંદોલન હવે ઘણું આગળ વધી ગયું છે. બલોચ નેતાઓ સાથે સકારાત્મક વાટાઘાટો કરવાનું વચન બધા નેતાઓની જેમ શેહબાઝ પણ આપતા રહ્યા છે. બલુચિસ્તાનની અઢળક પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ સમગ્ર પાકિસ્તાન માટે થાય છે અને બલોચ પ્રજા સૌથી વધુ પછાત રહે એના જ નુસખાઓ આજ સુધી પાકિસ્તાન સરકાર પ્રયોજતી આવી છે. બલુચિસ્તાન અત્યારે પાકિસ્તાની સૈન્ય માટે પણ પગથી માથા સુધીનો દુઃખાવો છે. શેહબાઝને કારણે પાકિસ્તાનમાં સુધારાવાદી નવી આકાંક્ષાઓ જાગી છે ખરી, પરંતુ રૂઢિચુસ્ત ધર્મગુરુઓએ નવી હવા માટે પાકિસ્તાનના પ્રજાજીવનની કોઈ બારી ખોલવા દે એમ નથી.

પાકિસ્તાની ગૃહિણી સ્ત્રીઓ તેમના સંતાનો અને વિશેષ તો પુત્રીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રતિબદ્ધ છે. ઈરાની પવન અહીં પહોંચી ગયો છે. પાકિસ્તાન સૈન્ય સંપૂર્ણ રીતે હવે ચીનની આજ્ઞાામાં છે. અમેરિકાએ ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઈઝેશન - વન લિસ્ટમાં સામેલ કર્યા પછી ચીનના પેટમાં જે તેલ રેડાયું છે એનો ઉકળાટ આવનારા દિવસોમાં ભારત-પાક સરહદે પાકિસ્તાન તરફથી જોવા મળશે. અમેરિકાએ ભારતને વિશેષ વ્યાપાર દરજ્જો આપતા ભારત માટે હવે હાઈટેક ઉત્પાદનોના વેચાણનો રસ્તો આસાન થઈ ગયો છે. અમેરિકા ડબલ ઢોલકી વગાડતો દેશ છે. એ ભારતને પાછળ રાખવા ચાહે છે અને દેખાવ ભારત મિત્ર જેવો કરે છે. છતાં અમેરિકાએ ભારતને આપેલા સ્ટેટસથી સિવિલ સ્પેસ અને ડિફેન્સ સેક્ટરોમાં આ ભારત ઊંચી અને લાંબી છલાંગ લગાવશે! 

Gujarat