FOLLOW US

ચીન અને અમેરિકાના સાણસે જકડાઈ ગયું છે પાકિસ્તાન

Updated: Mar 7th, 2023


- અલ્પવિરામ

- દરેક શહેરમાં પોલીસ તંત્રને સમાંતર એક તો અન્ડરવર્લ્ડ કામ કરે છે અને સરકારને સમાંતર રૂઢિચુસ્ત ધર્મગુરુઓ  સતત ફતવાઓ બહાર પાડતા રહે છે

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ ચોતરફથી મુંઝવણમાં ઘેરાઈ ગયા છે. પાકિસ્તાને કોરોનાના દસ લાખ કેસ અને પચીસ હજારનો મૃત્યુઆંક જાહેર કરેલો હતો, પરંતુ હકીકતમાં લાખો દરિદ્ર મુસ્લિમો સારવારને અભાવે કોરોનાને કારણે જન્નતનશીન થયા છે અને એમના પરિવારોની બૂમાબૂમને કારણે જ ઈમરાન વિરોધી વાતાવરણ ઊભું થયું હતું. આમ તો સત્તા પર આવ્યા પછી તરત જ ખેલાડી ખાનને ખ્યાલ આવ્યો હતો કે પાકિસ્તાની સૈન્ય જ સરકાર પર છવાયેલું છે. શાહબાઝ સરકારના આવ્યા પછી પણ ઉચ્ચ લશ્કરી અધિકારીઓના ઠાઠમાઠ કોઈ પ્રધાનથી ઓછા નથી. પ્રજાહિતનાં કામો અને સૈન્યની જરૂરિયાતો ડગલે ને પગલે ટકરાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાને એક નવી હવા ઊભી કરી હતી અને તે પ્રમાણે યુવાવર્ગની અપેક્ષાઓ ઘણી ઊંચે જતી રહી હતી, પરંતુ એ હવા હવે હવા જ થઈ ગઈ છે. દેશમાં ઘોર રાજકીય નિરાશા વ્યાપેલી છે.

દરેક શહેરમાં પોલીસ તંત્રને સમાંતર એક તો અન્ડરવર્લ્ડ કામ કરે છે અને સરકારને સમાંતર રૂઢિચુસ્ત ધર્મગુરુઓ સતત ફતવાઓ બહાર પાડતા રહે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાની વિદેશનીતિ નક્કી કરવામાં શાહબાઝ સરકારે પણ ગોથાં જ ખાધા છે. સૈન્યનો ઝુકાવ ચીન તરફ અધિક છે. શાહબાઝ હવે પાકિસ્તાનને ચીનના સકંજામાંથી બચાવી શકે એમ નથી, કારણ કે છેલ્લાં ત્રણ વરસથી સિલ્ક રોડના કરારને કારણે ચીને પાકિસ્તાનમાં પગપેસારો વધારી દીધો છે. અત્યાર સુધી પાકિસ્તાન એમ માનતું હતું કે ચીન મોટામાં મોટો ભારતશત્રુ છે અને એની સાથેની દોસ્તી ભારતને હંફાવવામાં બહુ કામ લાગશે, પરંતુ હવે પાકિસ્તાનને ખ્યાલ આવ્યો છે કે ચીન પોતાના આર્થિક અને સામ્રાજ્યવાદી હેતુઓ પાર પાડવા માટે જ પાકિસ્તાનને રમાડી રહ્યું છે. શાહબાઝ પોતે સૈદ્ધાન્તિક રીતે ચીન અને અમેરિકા બન્નેને તાબે થવાના વિરોધી છે, પરંતુ વાસ્તવિકતાઓ પાકિસ્તાન માટે બહુ વિચિત્ર છે.

પાકિસ્તાન એના જન્મથી જ પરોપજીવી દેશ છે. એના કોઈ પણ રાજનેતાની કલ્પના પ્રમાણે રાતોરાત એમાં સ્વાવલંબન આવી શકે એમ નથી. ચીન અને અમેરિકાએ ટેકો કરી કરીને પાક સરકારને અપંગ બનાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. પાકિસ્તાનમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની ટકાવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્લ્ડ બેન્કના છેલ્લા રિપોર્ટ પ્રમાણે બલુચિસ્તાનમાં સિત્તેર ટકાથી વધુની જનસંખ્યા અત્યંત ગરીબ દીનદશામાં જિંદગી પસાર કરી રહી છે. બલુચિસ્તાન ક્રાન્તિને આરે આવી ઊભેલો પ્રદેશ છે અને એના નવયુવાન ક્રાન્તિવીરોથી પાકિસ્તાનની જેલો છલકાવા લાગી છે.

આજકાલ ચાલાક શાહબાઝ જ્યાં પણ જાય ત્યાં એક વાત ભારપૂર્વક કહી રહ્યા છે કે પાકિસ્તાન આર્થિક કટોકટીમાંથી બહાર આવી ગયું છે, આ વાત સદંતર ખોટી છે અને એ પાકિસ્તાની પ્રજા પણ જાણે છે, કારણ કે આવતા બે-ત્રણ દાયકાઓ સુધી પાકિસ્તાનનું અર્થતંત્ર પાટે ચડી શકે એમ નથી, એટલા મોટા દેવાં સરકારને વારસામાં મળ્યાં છે. મિસ્ટર શાહબાઝ એક એવા જહાજનો ખલાસી છે જેમાં તળિયે કાણાં પડી ગયાં છે ને ખારા જળ પ્રવેશી રહ્યા છે. 

અમેરિકાએ પાકિસ્તાનને ટુકડાઓમાં ફેંકવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી છે. હમણાં જ અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠનને એક મિલિયન ડોલરનું દાન કરીને એ નાણાં બલુચિસ્તાનમાં રહેલા અફઘાન નિરાશ્રિતો માટે પ્રયોજવાની સૂચના આપી છે. અમેરિકા સતત કોઈ ને કોઈ બહાને આવા ટુકડાઓ ફેંકે છે.

અમેરિકા ચાહતું હતું કે દક્ષિણ કોરિયાની જેમ પાકિસ્તાન એને સમ્પૂર્ણ આધીન રહે, પરંતુ ચીનની વ્યૂહાત્મક ચાલબાજીએ પાકિસ્તાન-અમેરિકાના સંબંધોમાં તિરાડો પાડી દીધી છે. પાકિસ્તાનને ઘણાં વરસો પછી અફઘાનિસ્તાન સાથે સંબંધો સુધારવાનું ઘેલું લાગ્યું છે. પાકિસ્તાનન વિદેશ પ્રધાને અફઘાનિસ્તાનની દરેક પ્રગતિની સરાહના શરૂ કરી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સીમા વિવાદો હજુ ભડકે બળે છે. શાહબાઝે આજકાલ ગરીબી દૂર કરવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડી છે અને એમાં વળી તેઓ ચીનના મોડેલની પ્રશંસા કરે છે. જેની પાસે પોતાનું કોઈ જ વિઝન નથી એવા દેશે તો ડગલે ને પગલે પારકાં મોડેલ અપનાવ્યા વિના છૂટકો નથી. પોતાના દેશની દયનીય હાલત જાણતા હોવાને કારણે શાહબાઝ ચીન અને અમેરિકાને ચાહે છે, પરંતુ એ બન્ને રાક્ષસી તાકાત પાકિસ્તાનને વધુ ખત્મ કરશે એ પણ જાણતા હોવાને કારણે તેઓ ચીન-અમેરિકાને ધિક્કારે પણ છે. શાહબાઝની યાતના આ પ્રકારની વિચિત્ર ચાહત અને ધિક્કાર વચ્ચેના સંઘર્ષમાંથી જન્મેલી છે.

પાકિસ્તાની વડાપ્રધાનની મુખ્ય સમસ્યા પાકિસ્તાની સૈન્ય દ્વારા આતંકવાદી છાવણીઓ દ્વારા જે કંઈ અત્યારે ચાલે છે તેને કોઈ રીતે અટકાવવાનું છે. અમેરિકન સેટેલાઇટ મોનિટરિંગ સિસ્ટમમાં પાકની તમામ નાપાક પ્રવૃત્તિઓેનું દસ્તાવેજીકરણ થતું જ હોય છે. ચાલુ નાણાંકીય વર્ષમાં હજુ અબજો ડોલરની સહાયની જરૂર છે. અમેરિકા દ્વારા પાકિસ્તાનમાં વિવિધ ડ્રોન હુમલાઓનો દૌર હજુ ચાલુ જ છે. અમેરિકાએ કેટલાક ઉદ્દામવાદી રૂઢિચુસ્ત ધર્માંધ નેતાઓ ને આતંકવાદીઓને નિશાન બનાવી હુમલાઓ કરેલા છે. છેલ્લા દસેક વરસમાં અમેરિકાએ અહીં કુલ ૪૦૦ થી વધુ ડ્રોન હુમલાઓ કર્યા છે જેમાં ૩૦૦૦ લોકો માર્યા ગયા છે.

એમાં નિર્દોષ નાગરિકો પણ મોતને ભેટયા છે. પાકિસ્તાનના ગૃહમંત્રાલયે આવા હુમલાઓ અટકાવવા ઘણી રજૂઆતો કરી પરંતુ અમેરિકાએ કોઈ વાત માની નથી. આ હુમલાઓ મુખ્યત્વે અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએના સીધા માર્ગદર્શનમાં કરવામાં આવે છે. હાલ વિપક્ષના મુખ્ય નેતા સરીખા ઇમરાન ખાન સામે પાકિસ્તાનની સાયબર અને ડિજિટલ સુરક્ષાના ગંભીર પડકારો છે. અનેક વખત હેકિંગને કારણે હજારો નાગરિકોના બેન્ક એકાઉન્ટ સ્થગિત થઇ જતા હોય છે. લોકોના એકાઉન્ટમાંથી નાણાં અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. એક સાથે ડઝન બેન્કો પર સાયબર હુમલો લગભગ દર વરસે એક વાર તો થાય જ છે. એના થોડા સમય પહેલાં એક સામાન્ય રીક્ષાચાલકના બેન્કખાતામાં ૩૦૦ કરોડની લેણદેણ જોવા મળતા સરકારે એની ધરપકડ કરી હતી.

આરબ દેશોમાંથી પાકિસ્તાનમાં રહસ્યમય રીતે સહાય આવતી રહે છે. આ સહાય આવે છે તો ધાર્મિક સંસ્થાઓના ઉદ્ધારાર્થે દાન તરીકે, પરંતુ તે નાણાં પહોંચે છે આતંકવાદીઓના હાથમાં. જ્યારે આવી કોઈ રકમ હવાલાથી આવે છે ત્યારે એનાથી આતંકવાદીઓ મજબૂત બને છે. જો તેઓ ઝડપાઈ જાય તો તુરત જ દાનની રકમ સાથે કોઈ સ્થાનિક ધાર્મિક સંસ્થાનું નામ જોડી લે છે અને આબાદ રીતે છટકી જાય છે. પાકિસ્તાન હવે માત્ર પાકિસ્તાનીઓનો દેશ રહ્યો નથી, એમાં બહારના અનેક પરિબળોએ પોતાનું ઘર બનાવી લીધું છે, એવાં પરિબળોને હાંકી કાઢવાનું કામ એની સરકાર માટે આસાન નથી.

હજુ સુધી તો કાશ્મીર સરહદે આતંકવાદીઓની ઘુસણખોરી ચાલુ જ રહી છે અને સરહદે પણ સામાન્ય અથડામણ થતી રહે છે. તાજેતરનો આતંકવાદી હુમલો એની દુઃખદ ગવાહી આપે છે. પાક સરકાર એમાં કંઇ કરી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાની સૈન્ય વડાઓ હવે સંપૂર્ણ આપખુદીથી વર્તન કરે છે અને પાક સરકારને તો ખબર પણ હોતી નથી કે સેનાધિકારીઓ કઇ યોજના પર કામ કરી રહ્યા છે. શાહબાઝનું એ દુર્ભાગ્ય છે કે તેઓ સૈન્યને કોઈ આદેશ આપી શકે એમ નથી, સેના જ સરકારને હુક્મો કરતી રહે છે. સત્તા પર આવ્યા પહેલા ઇમરાનની જે આભા હતી તે હવે ઝાંખી પડી ગઈ છે એની પ્રતિષ્ઠાનો રનરેટ સતત ડાઉન થઇ રહ્યો છે.

Gujarat
News
News
News
Magazines