For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાના નવા આક્રમણ પરત્વે કોણ ગંભીર છે?

Updated: Jan 3rd, 2023

Article Content Image

- અલ્પવિરામ

- નિયમ બહાર પગ મૂક્યો કે તરત જ ફસાઈ જવાનું જોખમ. પંચવટીમાંથી લંબાઈને લક્ષ્મણરેખા હવે તો ચોતરફ ફેલાઈ ગયેલી છે અને એનું ઉલ્લંઘન થાય એમ જ નથી

દેશમાં ફરી ચિંતાનું મોજું ફેલાઈ રહ્યું છે. ભારતમાં કોરોનાની પદ્ધતિસરની ત્રીજી લહેર ઉંબરે ઊભા રહીને દ્વાર ખખડાવે છે. કોરોનાના ડેલ્ટા પ્લસ પ્રકારના દેશમાં કેટલાક હજાર કેસ અત્યારે હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આંકડાઓ ફરતા રહે છે. હજુ તો ડેલ્ટા પ્લસનો ઉત્પાત શમે એ પહેલા ઓમિક્રોનના નવા વેરિયેન્ટે તોફાન મચાવવાની શરૂઆત કરી છે. ભારતમાં કોરોનાનો પ્રવેશ કેરળથી થયો હતો. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ મિસ્ટર ટ્રમ્પ જ્યારે અમદાવાદમાં સાબરમતી પર થઈને આવતા પવનમાં સ્વૈર વિહાર કરી રહ્યા હતા ત્યારે કેરળમાં ભારતનો પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો. પછી તો વિદેશથી આવતા પ્રવાસીઓ અને નિવાસીઓમાં હજારો સંક્રમિત માનવ શરીરોએ ભારતમાં પ્રવેશ કર્યો અને એના પછીના ઘટનાક્રમ જાણીતા છે. ડેલ્ટાના કેસ મહારાષ્ટ્રમાં વધુ હતા પરંતુ સરકાર પાસે એનું પારદર્શક અંકશાસ્ત્ર ન હતું. એ જો કે વધુ ગંભીર બાબત છે. કોરોનાના કોઈ પણ પ્રકારના કેસોને વધતા અટકાવવા માટે એના દરદીઓને બહુ ઝડપથી ક્વોરન્ટીન કરવાની જરૂર હોય છે. સામાન્ય કોરોના સામે સારી ઈમ્યુનિટી ધરાવતા લોકો ટકી ગયા છે અને સંપૂર્ણ બચી ગયા છે, પરંતુ હવેના વેરિયન્ટ માટે ડાક્ટરો હજુ એવી ખાતરી ઉચ્ચારતા નથી. ઓમિક્રોન તો આનાથીય વધુ ખતરનાક છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)નો નવો અહેવાલ કહે છે કે નવી ત્રીજી લહેરની આશંકા હોવા છતાં હજુ ભારતીય પ્રજા સાવધાન નથી. ગઈકાલે 'હુ' સહિતની વૈશ્વિક સંસ્થાઓએ મંદીની ફરી નોબત વગાડી છે. દુનિયામાં મંદીના પક્ષકારો હોય છે. તેઓ જાયન્ટ હોય છે અને તેમની કઠપૂતળીઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અને મીડિયામાં પણ હોય છે. ઓમિક્રોનની વધુ પડતી આક્રમકતાને કારણે બીજી લહેર જેવું જ મોતનું તાંડવ ત્રીજી લહેર પણ મચાવી શકે છે. ચીનમાં એ દેખાય છે. નજીકના ભવિષ્યમાં એવી દહેશત છે કે કેન્દ્ર સરકાર વારંવાર તાકીદ કરશે છે કે જેમને અનિવાર્ય ન હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવું ન જોઈએ. ત્રીજી લહેર વિશે એવી પ્રચલિત માન્યતા છે કે કોરોનાનું આ નવું સ્વરૂપ બાળકોને આસાનીથી નિશાન બનાવશે. જ્યારે કે કેટલાક ટોચના તબીબી વૈજ્ઞાાનિકોએ એવી માન્યતાનો ઈન્કાર કર્યો છે. જ્યાં અત્યારે ત્રીજી લહેરે ત્રાટક શરૂ કર્યું છે એવા દેશોમાં બાળકો નિશાન બન્યા નથી, પરંતુ ગયા વરસે રાજસ્થાનમાં કુલ ૬૦૦ બાળકો કોરોનાનો ભોગ બન્યા હતા. એટલે અંતિમ તારણ પર કોઈ આવી શકે એમ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું સ્પષ્ટ કહ્યું છે કે જે દેશો નવા વેરિએન્ટને બહુ પ્રારંભિક તબક્કામાં રોકવામાં વિફળ જશે એમણે ઊંચા મૃત્યુ આંક જોવા પડશે.

આપણા દેશમાં નવા વેરિયેન્ટ તરફ હજુ જોઈએ એવી ગંભીરતા નથી. લોકો પૂર્ણતઃ મુક્ત હોય એ રીતે હિલ સ્ટેશનો પર ફરવા નીકળી પડયા છે. ગુજરાતમાં તો ફરવા જવાના બધાં જ સ્થળોએ બુકિંગ પેક રહે છે. હરવા ફરવાના શોખીનો કોઈ નવા હવામાનને ગણકારતાં નથી. ચિક્કાર જનમેદની દેખાય છે. આનંદ અને મુક્તિનો અનુભવ સારી વાત છે, પરંતુ કેન્દ્ર સરકારની નિર્દેશિકાઓ પ્રમાણે આટલા ઉત્સાહમાં આવી જવાની પ્રજાને જરૂર નથી, કારણ કે ઓમિક્રોનનો વેરિએન્ટ તો વધુ ઝડપથી સંક્રમિત થતો રોગ છે. વાયરસના આ નવા સ્વરૂપ પર હજુ વૈજ્ઞાાનિકોએ શરૂ કરેલું સંશોધન પૂરું પણ થયું નથી. વેક્સિનેશનના ત્રીજા બુસ્ટર ડોઝ અંગે રાજ્ય સરકારોને પક્ષે અવ્યવસ્થા અને પ્રજાજનોને પક્ષે ઉદાસી હજુ પણ છે. એક તરંગી વર્ગ એવો પણ છે કે જે એમ માને છે કે ટૂંક સમયમાં જ પોલિયો વિરોધી વેક્સિન જેવા ટીપાં પીવાના આવશે ત્યારે આપણે એ લઈશું. આ પણ એક હાસ્યાસ્પદ ભ્રમ છે. એવા ટીપાં આવી ગયા છે પણ એને લોકો સુધી પહોંચતા બહુ સમય લાગશે. જે સંશોધનોના સારરૂપ ઔષધિઓ એટલે કે વેક્સિન હાલ ઉપલબ્ધ છે એ જ લઈ લેવી જોઈએ.

માસ્ક પહેરવામાં બેદરકાર લોકો ભારતમાં છે એટલા બીજા કોઈ દેશમાં નથી. ઉપરાંત જેને સામાજિક અંતર કહેવાય છે એનું તો ક્યાંય પાલન થતું નથી. દેશની તમામ બેન્કોમાં ખાતેદારોના અડોઅડના ટોળાઓ જોવા મળે છે. જેમ જેમ કોરોના વાયરસને કારણે ફેલાતા ચેપ કોવિડ -૧૯ વિષે આપણી સંપ્રજ્ઞાતા વધી રહી છે તેમ તેમ તે બિમારીનો બિહામણો ચહેરો આપણી સામે વધુ સ્પષ્ટ થઇ રહ્યો છે. કોરોનાનો ચેપ સૌથી પહેલા જે પેશન્ટને લાગ્યો તેને આજે અંદાજિત ત્રણ વરસથી વધુ સમય પૂરો થવા આવ્યો છે. આટલા ટૂંકાગાળામાં કરોડો લોકોને ચેપ લાગી ચૂક્યો છે અને લાખો લોકોના મૃત્યુ થયા છે. જો કે એમાંના મહત્ તો સાજા થયા છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી બધા બચી જનારા લોકો એવું માને છે કે તેઓ સફળતાપૂર્વક કોરોનાને અતિક્રમી ગયા છે, જયારે હકીકત મુજબ મોટી સંખ્યાના તેમાંના ભૂતપૂર્વ દર્દીઓ હજુ પણ ઠીક થયા નથી. બહારથી તો તેઓ ઠીક છે પરંતુ તેમની આ કહેવાતી સ્વસ્થતા મેડિકલી ચેલેન્જેબલ છે. એટલે કે રોગોત્તર 'ઠીકનેસ' અને સિકનેસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.

કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવે એટલે તે દર્દીને સ્વસ્થ જાહેર કરીને ઘરે મોકલી દેવામાં આવતા હતા. હવે તબીબો કહે છે કે હાશનો અનુભવ કરીને પાણીમાં બેસી ન જવું, પરંતુ સાવધ તો રહેવું જ. કોવિડ-૧૯ ને કારણે પેદા થયેલી ઘણી નાની નાની તકલીફો આજે પણ તેના જીવ માટે જોખમકારક બનીને સાથે રહી શકે છે. આવા લોકો અને તેની મોટી સંખ્યાને અવગણી શકાય એમ નથી અને તેમની નવી આનુષંગિક બિમારીઓનો કોઈ રામબાણ ઈલાજ પણ મળતો નથી. મેડિકલ સાયન્સનું ફોકસ અત્યારે કોરોનાની વેક્સિન ઉપર જ હોવાથી ભૂતપૂર્વ પોઝિટિવ રહેલા દર્દીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કોઈ સંશોધન થઇ રહ્યું નથી. છતાં પણ છૂટક સર્વેક્ષણ મુજબ ત્રણ ચતુર્થાંશ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, કોઈને હૃદયની તકલીફ કે ખૂબ જ થાક અને નબળાઈ કે પછી રોગપ્રતિકારક શક્તિમાં અરાજકતા જેવા સ્વાસ્થ્ય અંતરાયો અનુભવાય છે. તેની તરફ તેઓ ધ્યાન ન આપે તો તે લક્ષણો લાંબો સમય ચાલુ રહેવાનાં હોય છે.

ઈટાલી અને ચીનના કેસ સ્ટડી બતાવે છે કે કોરોનાથી મુક્ત થઇ ગયાના ત્રણ કે ચાર મહિના પછી પણ આ બધી તકલીફો ઊભી થઈ શકે છે. સ્વાભાવિક છે કે કોરોનાને લગતી આપણી સમજણ અને તેના ઈલાજમાં ખૂબ જ્ઞાાનસંવર્ધન (અપગ્રેડેશન)ની હજુ પણ જરૂર છે. દુનિયા બીજી લહેરમાંથી હજુ માંડ પરવારી છે ત્યાં ત્રીજી લહેર ફૂંફાડા મારતી નજીક આવી રહી છે. પોસ્ટ કોવિડ એટલે કે સંક્રમણમાંથી સાજા-નરવા થયા પછીની સમસ્યાઓનું એક એમેઝોન જેવું વિરાટ જંગલ છે. આ જ મુદ્દાને લઇને કોવિડમાંથી સાજા થઇ ગયેલા એક લોકોનું જૂથ બન્યું અને તેનું પ્રતિનિધિમંડળ ડબ્લ્યુએચઓના ડિરેક્ટર ડા. એડ્નોમ જી. ટેડ્રોસને હમણાં મળ્યું. તેઓનું કહેવાનું હતું કે તેની તકલીફોને નજરઅંદાજ કરવાને બદલે તેને સ્વીકારવામાં આવે અને પૂર્વવત જિંદગી ફરી જીવવા મળે તેના માટે તે બધાને મદદ મળે. ડબ્લ્યુએચઓના પ્રમુખે આ મુદ્દા ઉપર સહમતી જાહેર કરી ઉપરાંત બીજા દેશોના સહકાર સાથે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વચન આપ્યું.

પર્યાવરણમાં જેમ સત્ય સહુ જાણે છે છતાં પ્રકૃતિવિરોધી જીવનશૈલી છે એમ કોરોનાથી વિમુખ થઈને કે સત્યનો અસ્વીકાર કરીને ફાવે તેમ હવે જીવન જીવી શકાય નહીં. ક્યારેક લોકસમસ્તને એમ લાગે છે કે ડાક્ટરો અને વૈજ્ઞાાનિકો હવે ડરાવે નહીં તો સારું, પરંતુ વૈજ્ઞાાનિકો લાચાર છે કે કોરોના સંબંધિત વિકરાળ સત્ય તેમણે ઉચ્ચારવા જ પડે છે. દુનિયાભરમાં આજ સુધીમાં થયેલા મૃત્યુમાં અરધા ઉપરાંતના કેસ એવા છે જેમાં દિવંગત વ્યક્તિની ખુદની લાપરવાહી જ જવાબદાર હતી. આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જેમણે જીવન પસાર કરવાનું છે એના નવા નિયમો હવે તો જગજાહેર છે. એને જેઓ નહિ અપનાવે એમને માટે આ પૃથ્વી નથી. નિયમ બહાર પગ મૂક્યો કે તરત જ ફસાઈ જવાનું જોખમ. પંચવટીમાંથી લંબાઈને લક્ષ્મણરેખા હવે તો ચોતરફ ફેલાઈ ગયેલી .

Gujarat