ઈ-કોમર્સનો કંપનીઓ સ્વપ્નલોકમાંથી બહાર આવે છે


- અલ્પવિરામ

- છેલ્લા બે વરસમાં અનેક ભારતીય ઈ-કોમર્સ કંપનીઓના સ્થાપકો વિખૂટા પડીને સ્વયં નોકરીઓ શોધવા લાગ્યા છે, બહુસંખ્ય સ્ટાર્ટઅપ કંપનીઓ વર્તમાન બજારનું મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ ગઈ છે

''દેશની મોટા ભાગની ઈ-કોમર્સ કંપનીઓ સંકેલાઈ રહી છે એનું કારણ માત્ર કોરોના કે સરકારની નીતિઓ નથી, એ કંપનીઓ સ્થાપવા માટે કૂદી પડેલા અર્ધ યોગ્યતા ધરાવતા દુઃસાહસિકો પણ છે. અમેરિકા અને ચીનના વ્યાપાર યુદ્ધ વચ્ચે હવે આ કંપનીઓ વધુ ભીંસમાં આવી ગઈ છે. છેલ્લા બે વરસમાં અનેક ભારતીય ઈ-કોમર્સ કંપનીઓના સ્થાપકો વિખૂટા પડીને સ્વયં નોકરીઓ શોધવા લાગ્યા છે. દેશની અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ વર્તમાન બજારનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ ગઈ છે. આ પરિસ્થિતિ હતી જ એમાં કોરોના વાયરસે નવો વંટોળ ઊભો કર્યો. ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ નવી પેઢી ધૂમ કરતી હતી. દરરોજ નેટ પર આંગળીના ટેરવે આમતેમ ચક્કર મારીને તેઓ સસ્તી ઑફર શોધીને ઓર્ડર આપી દેતા હતા. આમ તો જાહેરખબરોનું જે શાસ્ત્ર છે. જેમાં ડેવિડ ઓગીલ્વી જેવા દિગ્ગજ મહાપુરુષોની વિદ્વત્તાની સર્વકાલીન આભા છે, તે જાહેરખબરની એક વ્યાખ્યા એ છે કે જેના વિના તમારે ચાલે, એના વિના તમારે ન ચાલે એ સમજાવવાની કળા.

ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓ મુખ્યત્વે શરૂઆતમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના બિઝનેસમાં બહુ આગળ નીકળી ગઈ. ફેશનની પણ એક વિરાટ આકાશગંગા આ કંપનીઓએ રજૂ કરી. લોકોએ હોંશે હોંશે એમાં ઝંપલાવ્યું પણ ખરું ને એમ ઓનલાઈન શોપિંગ કંપનીઓ નફાકારક અને સમૃદ્ધ થવા લાગી. થોડાક કડવા-મીઠા અનુભવો વચ્ચે પણ લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળવા લાગ્યા. ઑફલાઈન રિટેઈલ વેપારીઓના ઊહાપોહ વચ્ચે પણ એની આગેકૂચ ચાલુ રહી, પરંતુ પછીથી એમાં વળતાં પાણી થયા. કોર્પોરેટ જાયન્ટ કંપનીઓએ પણ છેલ્લા બે વરસમાં સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરીને એમની કારકિર્દીની ચટણી વાટી છે, તો સ્વાભાવિક છે કે ઘટતા જતા બિઝનેસને કારણે ઇ-કોમર્સ કંપનીઓએ પણ સ્ટાફમાં કાપ મૂકવાનો આવ્યો છે.

ભારતમાં મોદી સરકારની બીજી ઇનિંગ્સ ચાલુ થઈ જેને એન્ટી ઈકોનોમિક સિઝન-ટુ તરીકે ઈકોનોમિક્સના અધ્યાપકો ઓળખાવે છે. એ જોઈને ઇન્ફોસિસે એના ટોચના આઇ.ટી. એન્જિનિયરોના સ્ટાફમાં ત્રણ હજારનો ઘટાડો કર્યો હતો. પછી તો એ ઘટાડાનો ક્રમ દેશની અનેક આઈટી કંપનીઓમાં ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. જો કે ઈન્ફોસિસના સ્ટાફકાપમાં કેટલાક આંતરરાષ્ટ્રીય કારણોએ સ્થિતિ વધુ વિકટ કરી. રોયલ બેન્ક આફ સ્કોટલેન્ડે એવો નિર્ણય કર્યો કે તે હવે યુ.કે.માં ક્યાંય પોતાની નવી શાખા નહીં ખોલે એનાથી ઇન્ફોસિસને ફટકો લાગતા ભારતીય એન્જિનિયરોની હાલત કફોડી થઈ, કારણ કે એ બેન્કોના ઇન્ફોસિસ સાથે સેવાકરાર થયેલા હતા.

ચીન અને અમેરિકાના વ્યાપાર યુદ્ધને કારણે અને ભારત-ચીન વચ્ચેની વેરવૃત્તિ પુનઃ સજીવન થવાથી અન્ય અનેક અમેરિકી-ચીની કંપનીઓમાં ભારતીય પ્રોફેશનલ્સ સરપ્લસ થતાં તેમની વિદાય નિશ્ચિત થઈ છે. મોટાભાગનાઓએ વિદાય લઈ લીધી છે અને નવી નોકરીની કોલંબસ જેવી શોધયાત્રા ચાલુ કરી દીધી છે. કેટલીક કંપનીઓએ તો સ્ટાફને અલ્ટીમેટમ આપ્યું તો કોઈક કંપનીએ કોમ્પ્યુટર ડ્રો કરીને જ છટણી કાર્યક્રમ જાહેર કર્યો જેથી પક્ષપાતની આશંકા ન રહે! જે કમ્પ્યુટર એ લોકોનું ભાગ્યવિધાતા બન્યું એ જ કમ્પ્યુટર હવે એમની વિદાયનું નિમિત્ત બની ગયું એ વિધિની કેવી વિચિત્રતા! દેશમાં રહીસહી આઇ.ટી. કંપનીઓ પાસે અત્યારે પ્રોજેક્ટ આધારિત કામ છે જે માટે તેઓ બહુ ટૂંકા ગાળા માટે સ્ટાફ રાખે છે અને સંબંધિત પ્રોજેક્ટ પૂરા થતાં તેમને વિદાય આપે છે.

આવી પ્રાસંગિક અને અનિયત કહેવાય તેવી રોજગારી કમ બેરોજગારીના ચક્રવ્યૂહમાં દેશના નવી પેઢીના એન્જિનીયરો ફસાઈ ગયા છે. મેનેજમેન્ટ સ્ટાફ પણ હવે ફસાયો છે. ઉપરાંત વિદેશથી આઉટસોર્સિંગનું જે કામ ભારતમાં આવતું હતું તે પણ કોરોનાકાળમાં નહિવત્ થયું છે. બહુ જ ઉચ્ચ કક્ષાના આઇટી એસાયન્મેન્ટસ્ હોય તો જ હવે ભારત મોકલવામાં આવે છે. એનું કારણ એ છે કે ખુદ અમેરિકનો પોતે જ જોબ માટે લાઇનમાં ઊભા છે. ભારતમાં દર વરસે ઓછામાં ઓછા એક કરોડ યુવક-યુવતીઓ નોકરી મેળવવા માટે કારકિર્દીના પથ પર ભટકવાની શરુઆત કરે છે. આઇ.ટી. અને ઈ-કોમર્સ કંપનીઓની બજાર ગરમ હતી ત્યારે એમ લાગતું હતું કે તેઓ નવી પેઢીને સમાવી લેશે, પરંતુ આ કંપનીઓ જ સતત પાછી પડતા હવે દેશના બેરોજગારોનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. વડાપ્રધાને દર વરસે એક કરોડ રોજગારી ઊભી કરવાની જે વાત કરી હતી તે અન્ય વચનોની જેમ નિરર્થક સાબિત થતાં આ પેઢીના યુવાઓની મૂંઝવણમાં વધારો થયો છે.

ઈ-કોમર્સની મોટા ભાગની કંપનીઓ હવે જોખમી તબક્કામાંથી પસાર થઈ રહી છે. આનો સાવ અર્થ એવો કરવામાં આવે કે ભારતમાં નવી રોજગારી જ નથી તો એ ખોટો અર્થ છે, કારણ કે દરેક કંપની તેના ઉદ્ધારક કર્મચારીઓની સદાકાળ પ્રતીક્ષા કરતી હોય છે. ખરેખર તો દેશની આ તમામ ઈ-કોમર્સ કંપનીઓને એવા કર્મચારીઓની જરૂર છે, જે એની કાર્ય અને સેવા પ્રણાલિકામાં યુ-ટર્ન લાવીને બાજી પલટાવી શકે. એટલે ખરી એક વધારાની સમસ્યા ઈ-કોમર્સ ક્ષેત્રમાં જતી પ્રતિભાઓની પણ છે. આપણી કોલેજોએ વિદ્યાર્થીઓનું નિર્માણ જ એ રીતે કર્યું છે કે તેઓ પાસે ટકાવારી વધારે અને લ ઓછી છે. કોરોના પછી ઓનલાઈન કંપનીઓ ઘઉંનો લોટ, બાજરાનો લોટ, સિંગતેલના ડબી-ડબા અને ઔષધીય ઉકાળા તથા જ્યોર્જ સ્ટીફન્સને શોધ્યા હતા એ સિવાયના નવા વરાળયંત્રો વેચતી થઈ ગઈ છે!

લોકો સાવરણી અને સૂપડી પણ ઓનલાઈન ઓર્ડર આપી મેળવતા થયા છે. એ જ રીતે સાબુ, હળદર, ચપ્પલ, મીઠું અને માથું હોળવાનો કાંસકો પણ ઓનલાઈન આવે છે. આ બધું બતાવે છે કે ઈ-કોમર્સ કંપનીઓ હવે એના સ્વપ્નલોકમાંથી બહાર આવી છે અને બજારમાં જવાથી ડરતી ભારતીય પ્રજાની સેવા માટે એકદમ બોટમ-લાઈને તત્પર બની છે. એટલે કે તેણે હવે ગ્રાહકના પગ પકડયા છે. રિયલ બિઝનેસના ક્ષેત્રોમાં નોકરી ઝંખતા યુવાનોની ટકાવારી ઓછી હોય તો ચાલે છે, અરે દોડે છે, પરંતુ સ્કિલ વિનાનો ખોટો સિક્કો હવે ક્યાંય ચાલતો નથી. કોલેજોના અધ્યાપકોને આઇ.ટી. પ્રોફેશનલ્સે જેનો સામનો કરવાનો આવે છે એમાંથી કેટલાક પડકારોની ખબર છે અને એ જ રીતે ઈ-કોમર્સની સમગ્ર માયાજાળ વિશે આપણાં ગુરુજનો કેટલું જાણે છે ?

તેમના ઘોર અજ્ઞાાનને કારણે વિદ્યાર્થીઓ પણ જ્ઞાાનરંક રહી જાય છે. એ વારસો લઈને બજારમાં આવતી નવી પેઢીને માટે ડગલે ને પગલે રોજગારીની સમસ્યા છે. સરકારનો વાંક કાઢવાથી સમસ્યા ઉકેલાશે નહીં, શિક્ષણ માટે પણ આ પેઢીએ સ્વશિક્ષિત થવું પડશે. જો કે હજુ એની શરુઆત થઈ નથી, કારણ કે વાલીઓનો આગ્રહ ચોક્કસ સ્થળોએ દાખલ થવાનો હોય છે. તેમના કુંવરો અને રાજકુમારીઓ શું ભણે છે અને તેઓ જ્યાં ભણે છે ત્યાં એમને ભવિષ્યના વ્યવસાય કે ઉદ્યોગ વિશે શું તા-લી-મ આપવામાં આવે છે એની તો કોઈને કંઈ પડી જ નથી. તો પછી નોકરીઓના બાઝારને એ નવી પેઢીની શું પડી હોય? 

City News

Sports

RECENT NEWS