For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતી માતપિતા તેમનાં બાળકોને બહુ ધમકાવે છે?

Updated: Nov 1st, 2022

Article Content Image

- અલ્પવિરામ

- વધારે પડતી સૂચનાઓ બાળકોના મનને બધિર બનાવી દે છે. એક પરિસ્થિતિ એવી આવે છે કે તમે કોઈ પણ સૂચના આપો, બાળક પર એની કોઈ અસર થતી નથી

દરેક માતા-પિતા સદાય એ ભ્રમમાં હોય છે કે બાળકોને કંઈ પણ શીખવાડી શકાય છે. હકીકત એ છે કે તમે જે કંઈ શીખવાડો એમાંથી બાળકને જે શીખવું હોય તે જ શીખે છે. અને હંમેશા ખાતરી રાખો કે તમે જે કહો છો એવું તમારા જીવનમાં છે કે નહીં એની તો બાળકો પ્રથમ નજર રાખે છે. તમે જેનું પાલન કરતા ન હો એનું પાલન કે અમલ બાળકો કરતાં નથી. અને આ વાત તો આદિ અનાદિ કાળથી ચાલી આવે છે. બધા જાણે છે છતાં દરેક ઘરમાં બાળકો પર ઉપદેશોનો ધોધ પડે છે. ખરેખર તો બાળકને કંઈ પણ ન કહેવામાં આવે અને ઉપદેશ આપવામાં ન આવે તો પણ એ ઘરમાંથી બધું જ શીખી લેશે. પાંચેક વર્ષ પછી એ શાળામાંથી પણ શીખવા લાગશે. પરંતુ એને ભણાવવામાં આવે છે એ તો એક વ્યવસ્થા છે. બાળક જે કંઈ ભણે છે એ બધું બુદ્ધિમાં જમા કરે છે. હૃદયમાં તો એમાંથી થોડુંક જ એડમિટ કરે છે.

શાળાઓમાં આપણે એને જે ભણાવીએ છીએ એના વિશે એને ખબર છે કે પરીક્ષા પછી એનું કોઈ મહત્ત્વ નથી. ખરેખર તો એનું મહત્ત્વ આજીવન છે, પરંતુ શિક્ષકો એ સમજાવી શક્યા નથી. બાળકોને એમ જ છે કે પરીક્ષા આપી દઈએ એટલે પુસ્તકો અને એ અભ્યાસક્રમ ભૂલી જ જવાના હોય. દરેક બાળકમાં ખરેખર તો અલગ-અલગ પ્રતિભા છુપાયેલી હોય છે. હવે તો આપણી પાસે એ પ્રતિભાને ઓળખવાનો સમય ક્યાં છે? બાળકો એક વર્ષથી દસ વર્ષનાં થાય ત્યાં સુધીમાં હજારો વાર એણે ઘરમાં ના.... ના...  ના.... ના.... સાંભળવું પડે છે. રોજ શું ન કરવું એની જ સૂચના એને ઘરમાંથી મળે છે અને એમાં ઘટતી હોય તે સૂચના પછી શાળામાંથી મળે છે. એટલે ખરેખર શું કરવું એ સાંભળવા માટે બહુ ઓછી જગ્યા રહે છે.

વધારે પડતી સૂચનાઓ બાળકોના મનને બધિર બનાવી દે છે અને એક પરિસ્થિતિ એવી આવે છે કે તમે કોઈ પણ સૂચના આપો, બાળક પર એની કોઈ અસર થતી નથી. ત્યાર પછી માતા-પિતા અને શિક્ષકો ગુસ્સે થવાની શરૂઆત કરે છે. ક્યારેક હાથ પણ ઉપાડે. બાળકની જિંદગીનો આ એવો તબક્કો હોય છે, જ્યાં તેની પ્રતિભા પર એક પછી એક પથ્થર પડવા લાગે છે અને આગળ જતા એવો મોટો ડુંગરો થઈ જાય છે કે ખબર જ પડતી નથી કે આ બધાની વચ્ચે એક ગુલાબનું ફૂલ છુપાયેલું છે. આપણા સમાજના બાળકો પ્રત્યેના અપરાધ ઓછા નથી અને નવાઈની વાત એ છે કે વાલીઓને ખબર જ નથી કે તેઓ બાળકો પ્રત્યે ભૂલેચૂકે પણ જે વર્તન કરે છે તે તેના બાળકના હૃદયમાં ઘેરા પડઘા પડે છે. એવું વર્તન એ ગંભીર પ્રકારના અનરજિસ્ટર્ડ અપરાધ જ છે

આમ થવાનું એક કારણ એ છે કે વાલીઓ એમ માને છે કે તેઓના એકલાથી જ બાળકનું કલ્યાણ થવાનું છે. માતાપિતા જે કંઈ ભૂલો કરે છે એનું કારણ વધારે પડતું વાત્સલ્ય છે. માતાપિતાનો ઈરાદો ન હોય પણ ભૂલો થયા કરે છે. ઉપરાંત બાળકને જે ઉચ્ચ સંકલ્પો તરફ આપણે તાણીને લઈ જવા ચાહીએ છીએ એ સંકલ્પો આપણામાં કેટલાક દેખાય છે? ધારો કે આપણે બાળકને ડોક્ટર બનાવવા ચાહીએ છીએ તો ભલે આપણે ડોક્ટર ન હોઈએ તો પણ એટીકેટ અને વ્યાવહારિક શિસ્ત તો હોવી જોઈએ. અખંડ અભ્યાસ કરવાનાં થોડાં લક્ષણ પેરેન્ટસ્માં જુદી રીતે પણ હોવાં તો જોઈએ.

એક સામાન્ય ઉદાહરણ લઈએ તો આજકાલ આખા રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી જ સરખું ન આવડતું હોવાની ફરિયાદ છે. ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં પણ ગુજરાતીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનો આંકડો બહુ ઊંચો અને લાખોનો છે એનું કારણ એ છે કે એમના ઘરના સભ્યોને, માતા-પિતા સહિત, સાચું ગુજરાતી લખતાં આવડતું નથી. લગ્ન થયા પછી આપણે ત્યાં લાખો ગૃહિણી એવી છે કે એણે શાકભાજીના અને દૂધ કે કરિયાણાના ખર્ચના હિસાબ સિવાય કદી પેન ખોલવાની જ નથી. સંતાનો એની માતાને તો લખતાં જોતાંં જ નથી અને પિતા તો જે કંઇ લખે છે એમની ઓફિસમાં ! ઘરે તો એ પણ પેન કે પેન્સિલ હાથમાં લેતા નથી. મોબાઈલ આવ્યા પછી તો કાગળ પર લેખનની જરૂરત પણ ઘટી ગઈ છે. આવા સંજોગોમાં આવનારા વર્ષોમાં કોઈ પણ વિદ્યાર્થી નાના પાંચ સારાં ગુજરાતી વાક્યો ભૂલ વિનાના સળંગ લખી શકે તો તે એક વિક્રમ ગણાશે.

આપણા અગ્રતાક્રમમાં માતૃભાષા છે જ નહીં. એનું મહત્ત્વનું કારણ એ છે કે આપણે ઇંગ્લિશને જ મહાન ભાષા માનીએ છીએ. એક પ્રજા તરીકે ગુજરાતીઓનું ધ્યાન શબ્દોને બદલે આંકડાઓમાં વધારે હોય છે અને એ વાત આખી દુનિયા જાણે છે. પરંતુ હવે આપણે એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ કે કોમ્યુનિકેશનના માધ્યમ તરીકે ગુજરાતીમાં જેમને સાચું અને સારું લખતા નહીં આવડે તેમને બોલતા પણ નહીં આવડે. જેમનું ગુજરાતી વાંચન વિસ્તૃત હશે અને કાન પણ સદગ્રંથો પરની વિવેચનાઓ સાંભળી કેળવાયેલા હશે તેમની વાણી અને વ્યવહાર ઉચ્ચ દરજ્જાના નીવડશે.

પાંચ સગા-સંબંધીઓની વચ્ચે માત્ર હા અને ના જેવી ટૂંકાક્ષરી વાત કરનારાઓ હવે અંતર્મુખી નહીં ગણાય, પરંતુ બાઘા ગણાશે. આવા બાઘાછાપ લોકો માટે એક જમાનો હતો કે જ્યારે નવ બોલ્યામાં નવ ગુણ માની લેવામાં આવતા હતા. હવે તો બોલે એના જ બોર વેચાય છે અને નવ ગુણવાળાઓ તો ખોટા સિક્કાની જેમ પાછા આવવા લાગ્યા છે. જે માતાપિતા બધી જ વાતો બાળકો સાથે તાડૂકીને કરતાં હોય એ બાળકોનું ભવિષ્યનું ભાષાસ્તર થર્ડ ક્લાસ હોય છે. માબાપથી ડરતા બાળકે આખી જિંદગી આત્મવિશ્વાસના ઇન્જેક્શન લેવા પડે છે. એવા લોકોની અરધી જિંદગી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં જાય છે ને બાકીની જિંદગી બીજા તેજસ્વી લોકોની નિંદા કરવામાં જાય છે. તેઓ દયાપાત્ર હોય છે અને એના મૂળ કારણોમાં માતા-પિતાની ભૂલો હોય છે.

બાળકોને અનંત પ્રેમ આપો. કાલ સવારે મોટા થઈ જશે. આજે એની પાસે બેસીને મીઠી વાતોનો મેળો રચવાનો ટાઈમ આપણી પાસે નથી અને પછી પાસે બેસવાનો ટાઈમ એની પાસે નહીં હોય. દીકરી સાસરે જશે અને દીકરો વહુનો વહાલો થશે. કહ્યાગરા કંથ, વણકહ્યાગરીને બહુ વ્હાલા હોય. બાળકો મોટા થાય પછી કેટલાક કિસ્સામાં તો મીઠાશ ઘટતી પણ જાય. કલિકાલનો શો ભરોસો? કાલની વાત કાલે. 

આજે તો સકલ બ્રહ્માણ્ડના રમ્ય સંગીતની ઝાલર ઘર આંગણે બાજતી હોય તો આપણે હજાર કામ અને લાખ ધામ પડતા મૂકીને એ પંડયના જણ્યા શિશુની જ પ્રદક્ષિણા કરાય એટલે કે એની આસપાસ જ રહેવાય. યશોદા અને નંદ પોતાનાં બધાં કામ ત્યારે જ કરે જ્યારે છેલછબીલો અને કામણગારો કાનુડો પોઢી જાય. એવા દંપતી થવું એ તો આદર્શ છે, પણ જો માતા પાંચ ટકા યશોદા જેવી હોય અને પિતા માત્ર બે ટકા નંદ રાજા જેવા હોયને તો ય બાળકની જિંદગી ધન્ય ધન્ય થઈ જાય.

Gujarat