ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુની વિદ્યાર્થીઓને સલાહ : 'પંચરની દુકાનો ખોલો!'
- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર
- કેટલાય વાંદરાઓ માટે વાંદરાભાઈ વટપાડુ રોલમોડલ હતા. તેમણે એમની સલાહને માનવાનું નક્કી કર્યું...
જંગલના જાણીતા ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાએ થોડાં વર્ષ પહેલાં એજ્યુકેશનના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. જીજી (ગુલામદાસ ગધેડાનું ટૂંકું નામ) એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટ નામની સંસ્થા ખૂબ પ્રતિષ્ઠિત બની ગઈ હતી. સંસ્થામાં ખૂબ ઊંચી ફી લઈને વિદ્યાર્થીઓને ભણાવાતા હતા. જંગલની સરકારી પૉલિસી એજ્યુકેશન ક્ષેત્રના ઉદ્યોગપતિઓને અનુકૂળ હતી. આ ક્ષેત્રમાં આવનારા ધનપતિઓ નિરાશ થાય એવું રાજા સિંહની સરકાર બિલકુલ ઈચ્છતી ન હતી. પરિણામે જંગલના ટોચના ઉદ્યોગપતિઓ - ગુલામદાસ ગધેડા, પપ્પુ પોપટ વગેરેએ મોટી-મોટી એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટ બનાવી હતી.
એમાં ભણવું હોય તો નિયમો જંગલની સરકારના નહીં, એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટના પોતાના ચાલતા હતા. સંસ્થાઓના સંચાલકો કહે એવા કપડાં પહેરીને જ વિદ્યાર્થીઓ એમાં ભણી શકતા. સંચાલકો કહે ત્યાંથી જ કપડાં, ચોપડાં, જૂતાં ખરીદવા પડતાં. એમની સૂચના હોય એ જ વાહનમાં આવવું પડતું. ઘણાં પક્ષીઓ ઉડીને આવી શકે તેમ હોય, તેમના પેરેન્ટ્સ તેમને લેવા-મૂકવા તૈયાર હોય, પરંતુ સંચાલકો એવી પરવાનગી ન આપે તો તેની સામે જંગલની સરકારને ફરિયાદ કરી શકાતી નહીં.
જંગલની એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટ્સના આવા દબદબા વચ્ચે ગુલામદાસ ગધેડાની જીજી એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટમાં વાર્ષિક સમારોહ યોજાયો. રાજા સિંહના વિશ્વાસુ ગણાતા ગુલામદાસ ગધેડાના કોઈ પણ કાર્યક્રમમાં જંગલના નેતાઓ અને અધિકારીઓ તુરંત આવી જતા. વાર્ષિક સમારોહમાં પણ ગુલામદાસના સૂચનથી ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ મુખ્ય અતિથિ બનીને આવ્યા. વાંદરાભાઈ વટપાડુને લાવવાનું કારણ એ હતું કે તેમણે ઉછળકૂદ કરતા સામાન્ય વાંદરામાંથી ધારાસભ્ય સુધીની પ્રેરક સફર કરી હતી. મહારાજા સિંહની પાર્ટીમાં ધમાલિયા-માથાભારે યુવા નેતા તરીકે તેમણે કાઠું કાઢ્યું પછી સિંહે એને ટિકિટ આપી હતી. ત્યારથી એક જ બેઠક પરથી એ સતત ચૂંટાતા આવે છે. તેમની સ્ટોરી જ એટલી ઇન્ટરેસ્ટિંગ હોવાથી ગુલામદાસને વિચાર આવ્યો કે વાંદરાભાઈ વટપાડુ પ્રેરક વકતવ્ય આપે તો વિદ્યાર્થીઓમાં તેની સારી અસર થશે.
વાર્ષિક સમારોહના અન્ય મહેમાનો - એસએમ (સોશિયલ મીડિયા) યુનિવર્સિટીના પીએચડી સ્કોલર હોલાજી હઠીલા, ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા, કાગડાભાઈ કંકાસિયાના ટૂંકાં ભાષણો બાદ વાંદરાભાઈ વટપાડુને પ્રેરક વકતવ્ય માટે આમંત્રણ મળ્યું. વિદ્યાર્થીઓની તાળીઓના ગડગડાટ વચ્ચે વાંદરાભાઈનો ટૂંકમાં પરિચય અપાયો ને એ પછી તેમણે આગવા અંદાજમાં ભાષણ શરૂ કર્યુંઃ 'ડિયર સ્ટુડન્ટ્સ! આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો તેનો મને આનંદ છે. મારે તમને થોડી પ્રેરણા અને થોડી સલાહ આપવાની છે. એ પહેલાં મારી થોડી વાત કરી દઉં...' વાંદરાભાઈ વટપાડુએ પૂછડું સ્થિર કર્યું અને પછી આગળ ચલાવ્યું, 'તમે બહુ ડાહ્યા વિદ્યાર્થીઓ લાગો છો. હું તો શાળાએ ઓછો જતો અને ઈતર પ્રવૃત્તિ વધુ કરતો. સ્કૂલમાં બંક મારીને કેળાના બગીચામાં અમે સૌ વાનરમિત્રો તોફાન કરવા પહોંચી જતા. ત્યાં મારામારી, ધાંધલ-ધમાલનો પાયો પાકો થયો. તેનો લાભ મને વિદ્યાર્થી નેતા બન્યો ત્યારે મળ્યો. મહારાજા સિંહના આદેશથી હું સક્રિય રાજકારણમાં આવ્યો ત્યારે પણ સાથી નેતાઓને ધમકાવવા, વિપક્ષી નેતાઓના કાર્યકરો સાથે મારામારી કરવી, મતદાન મથકોને માથે લેવું - જેવી રાજકારણમાં અનિવાર્ય ગણાતી બાબતોમાં મને મારી ધાંધલ-ધમાલની પ્રેક્ટિસ બહુ કામ લાગી. સાચું કહું તો મને સ્કૂલ-કોલેજની ડિગ્રીઓથી ખાસ ફાયદો થયો નથી. પ્રેક્ટિકલ બન્યો એનો લાભ મળ્યો.' સવારે ઉઠીને માંડ પરાણે સ્કૂલે પહોંચતા અસંખ્ય સ્ટૂડન્ટ્સ વાંદરાભાઈ વટપાડુના પ્રેક્ટિકલ ભાષણથી પ્રભાવિત થયા.
પ્રેક્ટિકલ ભાષણને વિદ્યાર્થીઓ બરાબર એન્જોય કરે છે એ સમજી ગયેલા વાંદરાભાઈ વટપાડુએ હવે તેમને ઉપયોગી સલાહ આપવાનું નક્કી કર્યુંઃ 'તો વહાલા દોસ્તો! તમે પ્રેક્ટિકલ બનો! લાઈફમાં જે ઉપયોગી થવાનું છે અને જે જરૂરી છે એ શીખો!' તાળીઓના ગડગડાટથી સૌએ વાંદરાભાઈની આ વાત વધાવી લીધી. મંચ પર બેસેલા સાથી વક્તાઓ અને ઈન્સ્ટિટયુટના માલિક ગુલામદાસ ગધેડાએ પણ તાળીઓ પાડી. ઉત્સાહમાં આવી ગયેલા વાંદરાભાઈએ આગળ ચલાવ્યુંઃ 'ડિગ્રીઓ તમને કાંઈ કામ નહીં આવે. ડિગ્રીઓથી કંઈ થવાનું નથી!' વાંદરાભાઈનાં આ વાક્યોથી વિદ્યાર્થીઓ બેહદ ખુશ થયા. ચિચિયારીઓ પાડીને સૌએ આ વાતનું સમર્થન કર્યું, પરંતુ ગુલામદાસ ગધેડાને આ સલાહ ગમી નહીં. જો વાંદરાભાઈ વિદ્યાર્થીઓને ડિગ્રીનું મહત્ત્વ નથી એવું કહે તો તેમનો જાત-ભાતની ડિગ્રી આપવાનો તો ધંધો જ બંધ થઈ જાય. તેમણે કાર્યક્રમના સંચાલકને વાંદરાભાઈના ભાષણને પૂરું જાહેર કરવાનો ઈશારો કર્યો, પરંતુ વાંદરાભાઈ એમ કંઈ માઈક મૂકે એવા ન હતા, ગમે તેમ પણ નેતા હતા. તેમણે ચૂંટણીસભામાં સૂત્ર આપતા હોય એમ ઉમેર્યું, 'ડિયર સ્ટુડન્ટ્સ! ડિગ્રીઓના ચક્કર છોડો, પંચરની દુકાન ખોલો!'
વિદ્યાર્થીઓના ઉત્સાહનો કોઈ પાર ન હતો. વાંદરા સમાજના વિદ્યાર્થીઓ તો આ ભાષણથી પ્રભાવિત થઈ ગયા. કેટલાય વાંદરાઓ માટે વાંદરાભાઈ વટપાડુ રોલમોડલ બની ચૂક્યા હતા.
બીજા દિવસે એકેય વાંદરો શાળાએ ન આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે સૌએ ઠેર-ઠેર રસ્તા પર પંચરની દુકાનો ખોલી નાખી હતી.
વાંદરાભાઈ વટપાડુએ 'પંચર રિપેરની દુકાનો' ખોલવાની સલાહ આપી છે એવું ન સમજેલા વાંદરાઓએ ગેરસમજ કરીને ટાયરોમાં પંચર પાડવાનું કામ આદરી દીધું. પરિણામે જંગલમાં ચારેબાજુ વાહનોનાં ટાયરોની હવા નીકળેલી દેખાતી હતી!