મહારાજા સિંહની પૉલિસી યોજનાલક્ષી છે, પણ આયોજનલક્ષી નથી : જંગલમાં આક્રોશ


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- દુર્ઘટનાઓ પછી જંગલવાસીઓ હેશટેગથી ટ્રેન્ડ ઉપર ટ્રેન્ડ ચલાવે છે, પણ મનોરંજનની કોઈ એક મોટી ઈવેન્ટ બને કે તરત તેમનો આક્રોશ ઠંડો પડી જાય છે!

જંગલમાં થતી દુર્ઘટનાઓના બે પ્રકારો પાડવામાં આવ્યા છે - કુદરતી અને જંગલસર્જિત. ખૂબ વધારે વરસાદ પડે કે વરસાદ સદંતર ન પડે, પૂર આવે, ભૂકંપ ત્રાટકે, વાવાઝોડું ફૂંકાય, વીજળી પડે - એ બધી દુર્ઘટનાઓને કુદરતી હોનારતોની વ્યાખ્યામાં મૂકાય છે. તે સિવાયની જંગલના પ્રાણીઓના કારણે થતી કે જંગલની સરકારની બેદરકારીથી થતી દુર્ઘટનાઓને જંગલસર્જિત હોનારતોની વ્યાખ્યામાં મૂકવામાં આવે છે. જંગલમાં બીજા પ્રકારની દુર્ઘટનાઓ થોડા થોડા સમયે બનતી રહે છે. આ કેટેગરીમાં અનેક દુર્ઘટનાઓ બને છે, પરંતુ જંગલમાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.

જંગલવાસીઓ ખુદ આ પ્રકારની હોનારતોનો કાયમી ઉકેલ ઈચ્છતા નથી. જંગલમાં જ્યારે કોઈ મોટી ઈમારતમાં આગ લાગી જાય ત્યારે જંગલવાસીઓ હોહા મચાવી નાખે. આખા જંગલમાં બધે આગ ઠારવાની વ્યવસ્થા હોવી જોઈએ એવી માગણી ઉઠે અને સરકાર પણ થોડીક નોટિસો ફટકારીને કામ કર્યાનો સંતોષ મેળવે.

વળી, થોડા સમય પછી ઝેરી પીણું ગટગટાવી જવાથી કે ઝેરી ભોજન ખાઈ જવાથી થોડાંક જંગલવાસીઓ માર્યા જાય ત્યારે આખા જંગલમાં ભારે વિરોધ ઉઠે. જંગલના સોશિયલ મીડિયામાં ભણેલા-ગણેલા જંગલવાસીઓ શાંતિથી બેસીને વિરોધનો માહોલ સર્જે, સોશિયલ મીડિયામાં હેશટેગની મદદથી ટ્રેન્ડ પર ટ્રેન્ડ ચલાવે, પણ બીજી કોઈ ઘટના બને એટલે વાત ફરી વિસરાઈ જાય.

મહારાજા સિંહની સરકારના અધિકારીઓ થોડાંક આરોપીઓને જેલમાં પૂરીને કાર્યવાહીનો આનંદ મેળવે. એ આરોપીઓ જેલમાં બંધ થાય એ તો 'જંગલ ન્યૂઝ'માં બ્રેકિંગ ન્યૂઝ બને છે, પણ પછી હળવેકથી એ આરોપીઓ જામીન મેળવીને બહાર આવી જાય છે તેનું કોઈ મીડિયા કવરેજ આવતું નથી.

આવી અસંખ્ય જંગલસર્જિત દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જંગલવાસીઓમાં આક્રોશ ફેલાય છે, આરોપીઓ સામે કાર્યવાહી થાય છે, આક્રોશ ઠંડો પડે છે, ઘટના વિસરાઈ જાય છે, આરોપીઓ મુક્ત થાય છે, ફરી બીજી દુર્ઘટના બને છે. ફરીથી એનું એ ચક્ર ચાલતું રહે છે. 

જંગલના રાજા સિંહ જંગલવાસીઓના વિકાસ માટે કટિબદ્ધ હોવાથી દિવસ-રાત અનેક યોજનાઓ જાહેર કરતા રહે છે. જંગલની નદી પર પુલ બાંધવાની એક યોજના તેમણે અમલી બનાવી હતી. મહારાજા સિંહના પ્રશંસક અને સિંહની પાર્ટીના મુખ્ય દાતા એવા ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાને એ પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. પુલ બાંધવા માટે સૌથી મજબૂત વડવાઈઓમાંથી દોરડાં બનાવવાના હતા, પરંતુ એવું કરવામાં ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાને ખર્ચ વધારે કરવો પડે. બાંધકામમાં ખર્ચ વધી જાય તો જંગલની સરકારે ફાળવેલા ફંડમાંથી પોતાના માટે કંઈ બચે નહીં. ગુલામદાસે દોરડા બનાવવા માટે પીપળાના રેસાનું સસ્તું મટિરિયલ વાપરીને એમાં વડવાઈઓ જેવો રંગ લગાવી દીધો.

ને પછી તો પુલનું ઉદ્ધાટન થયું. જંગલવાસીઓ તો પુલમાં ટહેલવા ઉમટી પડયા. તેમને ક્યાં ખબર હતી કે પુલમાં વડવાઈઓનો માત્ર રંગ છે, ખરેખર તો પીપળાના રેસાનું તકલાદી મટિરિયલ વપરાયું છે. કીડીઓથી લઈને હાથી સુધીના જંગલવાસીઓ પુલ જોવા અને પુલ ઉપર ટહેલવા આવી પડયાં. બધા મોજથી ટહેલતા હતા ત્યાં પુલ તૂટી પડયો. જંગલવાસીઓ પાણીમાં ખાબક્યા. કેટલાકને થોડું થોડું તરતા આવડતું હતું તો તરીને બહાર નીકળ્યા, કેટલાકને બીજા જંગલવાસીઓએ મદદ કરી, કેટલાક નાનાં-નાનાં પ્રાણીઓ ડૂબી ગયાં.

જંગલની સરકારને આ દુર્ઘટનાની જાણ થઈ. મહારાજા સિંહે અધિકારીઓને આદેશ આપ્યો: 'તુરંત બચાવ કામગીરી શરૂ કરો. હું મુલાકાત માટે આવી રહ્યો છું'.

સુરક્ષા અધિકારી બબ્બનભાઈ બિલાડા વર્ષોથી જંગલની સરકારમાં સેવા આપતા હતા. તેમને બરાબર ખબર હતી કે જંગલવાસીઓ બે-ચાર દિવસ રોષે ભરાશે અને ગુલામદાસ ગધેડા સામે કાર્યવાહીની માગણી કરશે. બબ્બનભાઈ બિલાડાએ દુર્ઘટનાની જાણ થઈ કે તરત ગુલામદાસ ગધેડાને ફોન જોડયો: 'તમે બાંધેલો પુલ તૂટી ગયો છે. થોડાક દિવસ પરિવાર સાથે બીજા જંગલોમાં વેકેશન કરી આવજો!'

ગુલામદાસની ગેરહાજરીમાં બબ્બનભાઈએ કેટલાક આરોપીઓને પકડીને જેલમાં પૂરી દીધાં. મહારાજા સિંહે આકરી કાર્યવાહીના આદેશો આપ્યાં. પુલ જોવા માટે ખુદ મહારાજા સિંહ આવી રહ્યા છે એવી જાહેરાત થઈ પછી બબ્બનભાઈ બિલાડાએ મનોમન વિચાર્યું: 'મહારાજા સિંહ અહીં આવતા હોય તો આખા વિસ્તારમાં સમારકામ અને રંગરોગાન કરાવવું જોઈએ. પાણીમાં ડૂબી ગયા એ જંગલવાસીઓ કંઈ સેલિબ્રિટી ન હતા, પરંતુ મહારાજા સિંહનું તો નામ છે. તેમના વીડિયો અને તસવીરો તો ઠેર-ઠેર જોવાશે. એમાં બેકગ્રાઉન્ડ બરાબર આવતું ન હોય તો મહારાજા સિંહની પર્સનાલિટી ઝાંખી પડે.'

બબ્બનભાઈ બિલાડાએ બચાવ-રાહત કામગીરી પડતી મૂકાવીને આખા વિસ્તારને શણગાર્યો. મહારાજા સિંહ આવ્યા. તસવીરો ખેંચાવી, વીડિયો બન્યા. સિંહે જંગલવાસીઓ જોગ ઈમોશનલ મેસેજ પાઠવ્યો ને આવ્યા હતા એમ જ થોડી પળોમાં વિદાય થયા.

જંગલમાં કેટલાય રાજાઓનું શાસન જોઈ ચૂકેલા વયોવૃદ્ધ હીરજી હંસે 'જંગલ ન્યૂઝ'માં મહારાજા સિંહનું લાઈવ કવરેજ જોઈને સોશિયલ મીડિયામાં લખ્યું: 'મહારાજા સિંહના વિચારો જેટલા યોજનાલક્ષી છે એટલા આયોજનલક્ષી હોત તો આ દિવસો જોવા ન પડયા હોત!' હીરજી હંસની પોસ્ટ વાયરલ થઈ ગઈ. જંગલવાસીઓએ રોષ વ્યક્ત કર્યો, પરંતુ જંગલવાસીઓની તાસીરને બરાબર ઓળખતા હીરજી હંસે બીજી પોસ્ટ મૂકી: 'આ દુર્ઘટના પણ ભૂલાઈ જશે. બીજી એક મોટી દુર્ઘટનાની રાહ છે, બસ!'

City News

Sports

RECENT NEWS