For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગણેશ ચતુર્થીએ ઉંદરસમાજની વાર્ષિક બેઠકમાં લાડુનું ભોજન

Updated: Sep 1st, 2022

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

ઉંદરસમાજના ફેસબુક પેજમાં પોસ્ટ અપડેટ થઈ ઃ 'જય ગણેશ! ગણેશ ચતુર્થીના પાવન પર્વએ ઉંદરસમાજની વાર્ષિક બેઠક યોજાશે. અખિલ જંગલીય ઉંદરસમાજના પ્રમુખ શ્રી ઉંદરભાઈ ઉત્પાતિયાના અધ્યક્ષસ્થાને આપણાં સમાજના પ્રતિભાશાળી સભ્યોને સન્માનિત કરાશે. કાર્યક્રમ પછી બધા સાથે મળીને લાડુનું ભોજન જમીશું. જય ગણેશ!'

'જય ગણેશ!' નિયત સમયે અને નિયત સ્થળે ઉંદરસમાજની બેઠક યોજાઈ એટલે કાર્યક્રમના સંચાલક આફતકુમાર ઉંદરે સૌને આવકાર્યા. દૂરદૂરથી આવી પહોંચેલા ઉંદરડાઓએ આગળના બે પગ મોં પાસે ભેગા કરીને જયઘોષ કર્યોઃ 'જય ગણેશ!'

'આપણે સૌ ગણેશ ચતુર્થીએ લાડુનું ભોજન જમવા એકઠા થયા છીએ, એટલે વધુ સમય ન બગાડતા હું આપણા સમાજના પ્રમુખ શ્રી ઉંદરભાઈ ઉત્પાતિયાને વિનંતી કરીશ કે તેઓ બે પ્રેરક શબ્દો કહીને આપણા સૌનો ઉત્સાહ વધારે.' કાર્યક્રમના સંચાલક જ સૌથી વધુ બોલતા હોય છે, એવી ઉજળી પરંપરા જાળવીને આફતકુમાર ઉંદરે વધુ સમય બગાડતા આગળ ચલાવ્યુંઃ 'ભગવાન શ્રીગણેશજીના વાહન બનવાથી લઈને ક્લિનિકલ ટ્રાયલનાં સાહસો સુધી આપણા સમાજનું જંગલમાં વિશેષ યોગદાન છે. આપણા પૂર્વજોએ જે મહાન પરંપરા બનાવી હતી તે આજની પેઢીના ઉંદરોએ પણ જાળવી રાખી છે. અલગ અલગ ક્ષેત્રોમાં સાહસનું પ્રદર્શન કરનારા સૌ ઉંદરોને ખૂબ ખૂબ અભિનંદન અને જેમની પસંદગી વાર્ષિક એવોર્ડ માટે થઈ છે તેમને પણ શુભેચ્છાઓ.'

દરમિયાન ઉંદરભાઈ ઉત્પાતિયા માઈક પાસે આવીને ઊભા રહી ગયા હતા એટલે ફરજિયાત બોલવાનું અટકાવીને કાર્યક્રમના સંચાલક આફતકુમાર ઉંદરે પ્રમુખના મોઢા પાસે માઈક ધર્યું. એ સાથે જ ઉંદરભાઈ ઉત્પાતિયાએ કહ્યુંઃ 'જય ગણેશ!'

'જય ગણેશ... જય ગણેશ... જય ગણેશ...' આખા ઉંદરસમાજે પ્રમુખને ઉત્સાહભેર જવાબ આપ્યો. વાતાવરણ જયઘોષથી ગૂંજી ઉઠયું. અવાજો શાંત થયા પછી પ્રમુખશ્રીએ ભાષણ આપ્યુંઃ 'આપણા સમાજની મહાન પરંપરા છે. તમામ ક્ષેત્રોમાં આપણા ઉંદરો કાઠું કાઢી રહ્યા છે. ઘર, મંદિરો ઉપરાંત હવે આજની પેઢીના ઉંદરો મોટો મોટા ગોડાઉનો, શો રૂમોમાં પણ તૈનાત થઈ રહ્યા છે. સૂટેડ-બૂટેડ મૂષકો તો ઓફિસોમાં પણ જોવા મળી રહ્યા છે એ આનંદની વાત છે'. પ્રમુખે વખાણ કર્યા એટલે આખાય ઉંદરસમાજમાં ઉત્સાહ ફેલાયો. ઉંદરોએ ચૂંચાં કરી મૂક્યું. કેટલાય યુવા ઉત્સાહી ઉંદરોએ કૂદકા લગાવ્યા. ઉંદરભાઈ ઉત્પાતિયાએ આગળ ચલાવ્યુંઃ 'પણ આપણે પરંપરા જાળવવામાં હવે નિષ્ફળ પણ નીવડી રહ્યા છીએ. આપણા પૂર્વજો શક્તિવર્ધક લાડુ આરોગતા હતા. શુદ્ધ ઘીમાં બનેલા મોદક આપણાં પૂર્વજોને અપાર શક્તિ આપતા હતા. તેમના કદ-કાઠી વધતા હતા. તેઓ પરાક્રમો કરી શકતા હતા. આપણાં એ વખતના ઉંદરોથી તો ઘણા બિલાડા ડરીને ભાગી જતા હતા એવી કથાઓ મેં બાળપણમાં સાંભળી હતી, પરંતુ હવે આજની પેઢીના ઉંદરો ચીઝ, બટર, પિત્ઝા ઉપરાંત ખાંડથી લથબથ મિઠાઈઓ ખાવા લાગ્યા છે. એના કારણે તેમનાં પરાક્રમો ઘટી ગયાં છે. કેટલાકને નાની વયમાં જ ડાયાબિટીસ થઈ જાય છે!'

વાર્ષિક બેઠકમાં પ્રમુખની નેગેટિવ વાતો ઘણા યુવા ઉંદરોને માફક ન આવી. મીટિંગમાં ચૂંચાં મચી ગઈ. કેટલાયે વિરોધમાં ગણગણાટ કર્યો. સમાજની માદા પાંખના અધ્યક્ષા ઉંદરડીબહેન ઉપદ્રવીએ પ્રમુખના હાથમાંથી માઈક લઈને મધ્યસ્થી કરીઃ 'વાર્ષિક બેઠકમાં થોડું સમાજલક્ષી ચિંતન થાય તે પણ જરૂરી છે. હું કાર્યક્રમના સંચાલક આફતકુમાર ઉંદરને વિનંતી કરીશ કે તેઓે એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ આગળ વધારે'

'હું સૌથી પહેલાં એવોર્ડ લેવા આમંત્રિત કરીશ મૂષક બારદાનીને. આ પરાક્રમી ઉંદરડાએ ગોડાઉનોમાં મજબૂત કોથળાઓ તોડીને સમાજના કેટલાય ઉંદરોને પ્રેરિત કર્યા છે.' આફતકુમારની જાહેરાત બાદ તાળીઓના ગડગડાટ વચ્ચે મૂષક બારદાનીને ગોડાઉનભૂષણનો એવોર્ડ અપાયો.

'હવે હું આમંત્રિત કરીશ, ક્લિનિકલ ટ્રાયલમાં બધા જ પરીક્ષણોથી બચીને આવેલા લકીચાર્મ ઉંદરકુમાર નસીબદારને. તેમણે સામી છાતીએ સંશોધકોના કેટલાય ઈન્જેક્શનો ઝીલ્યા હતા. તેમને ઘણી નવી દવાઓની શોધનો યશ મળે છે.' 'નસીબદાર'ના નામની જાહેરાત થઈ એ સાથે જ આખાય ઉંદરસમાજે ભારે શોર મચાવ્યો. ઉંદરોમાં ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થનારાને બહુ જ સન્માન મળતું હતું.

સંચાલકે છેલ્લા મહત્ત્વના એવોર્ડની જાહેરાત કરીઃ 'પ્લાસ્ટિકના મજબૂત કેન સુદ્ધાં કાતરી નાખવાની કુશળતા પ્રાપ્ત કરવા છતાં બેકાર રહી ગયેલા ઉંદરકુમાર ઉપદ્રવી - જે પોતે આપણાં સમાજની મહિલા પાંખના અધ્યક્ષા ઉંદરડીબહેન ઉપદ્રવીના સુપુત્ર છે - તેમને આપણા સમાજના પ્રમુખ શિક્ષિત બેરોજગારરત્નનો એવોર્ડ આપશે'. છેલ્લો એવોર્ડ એનાયત થયો તે પછી સંચાલકે કાર્યક્રમ સમેટવાની જાહેરાત કરતા કહ્યુંઃ '...તો હવે આપણે સૌ લાડુનું ભોજન આરોગીને છૂટા પડીશું. જય ગણેશ!'

'જય ગણેશ!' બોલીને સૌ ઉંદરોએ ભોજનના કાઉન્ટર તરફ દોટ મૂકી. જંગલમાં લગભગ બધા જ સમાજની બેઠકો પછી ભોજન સમારોહમાં કાયમ થતી હોય છે એવી જ ભાગદોડ ઉંદરસમાજના ભોજન સમારોહમાં પણ જોવા મળી.

બીજા દિવસે આખા ઉંદરસમાજને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. ઉંદરોએ દવા માટે ડૉ. અષ્ટબાહુ ઓક્ટોપસની હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જંગલના ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની નવી બનેલી ફાર્મસી કંપનીએ ઉંદરો માટે લાડુ બનાવનારા બિલાડાઓને કમિશન આપવાનું નક્કી કરીને લાડુમાં દવા ભેળવી હતી. પછીના દિવસોમાં દવામાંથી ગુલામદાસ ગધેડા, ડૉ. ઓક્ટોપસ અને બિલાડાઓને ભારે કમાણી થઈ હતી.

Gujarat