Breaking News
પેટ્રોલ 65 પૈસા, સબસિડી વગરનો બાટલો 21 રૂપિયા સસ્તો***Thank you America કહી PM મોદી ભારત આવવા રવાના * * * * અફધાનિસ્તાનઃ સૈનિકોને લઈ જતી બસ પર આત્મઘાતી હુમલો, 7નાં મોત * * * * સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાયલોટ સહિત ત્રણ એરફોર્સ કર્મીના મોત * * * * ઉત્તર પ્રદેશમાં બે ટ્રેનો અથડાતાં ૧૨નાં મરણ * * * * ચીની અને ભારતીય સૈનિકો પરત ફરતાં લદ્દાખ ગતિરોધ સમાપ્ત * * * * પેટ્રોલમાં લિટરે ૬૫ પૈસાનો ઘટાડો ડીઝલમાં લિટરે રૃપિયાના ઘટાડાની વકી

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ

દુનિયામાં પ્રાપ્તિ એ જ સંપત્તિ નથી!

બાદશાહ સિકંદર લોદીના શાસન સમયે જૈનુદ્દીન નામના પ્રસિદ્ધ સંત થયા. આ સંતનો અત્યંત વિશાળ મઠ હતો અને એ અનુયાયીઓ અને ભક્તોથી ખીચોખીચ ભરેલો રહેતો હતો. સંતની પાસે સંસારના કેટલાય દુઃખી અને નિરાશ લોકો આવતા હતા અને સંત એમને જીવનની નવી આશા આપતા હતા. તેઓ ગરીબોને મોકળે મને અને છૂટે હાથે મદદ કરતા અને મઠમાં આવનારો ગરીબ માનવી ભોજન અને મદદ બંને પામતો હતો.
ઉદારચરિત સંતને કારણે એક સમય એવો આવ્યો કે મઠમાં કોઇ સંપત્તિ રહી નહીં. ઘણા અનુયાયીઓ પણ ચાલ્યા ગયા. એક દિવસ આ અંતે મઠમાં રાખેલા કેટલાક દસ્તાવેજો બહાર કાઢ્યા અને શિષ્યને બાળી નાખવાનું કહ્યું. એમના શિષ્યએ આ દસ્તાવેજો જોયા અને બોલી ઊઠયો, 'અરે, આ દસ્તાવેજોમાં તો શહેરના નાગરિકોને સંતે કરેલી મદદની વિગત છે. એમાં કેટલાક શ્રેષ્ઠીનાં નામ પણ છે, તો શા માટે આ દસ્તાવેજો બાળી નાખવા? એને બદલે એમાં લખેલી રકમ વસૂલ કરીશું, તો આપણે મઠ ધન-ધાન્યથી ભરપૂર થઇ જશે.'
સંત જૈનુદ્દીને ઉત્તર આપ્યો, 'મઠ જ્યારે ધન-ધાન્યથી ભરપૂર હતો, ત્યારે પણ મેં વિચાર્યું નહોતું કે આ ધન હું પાછું મેળવીશ. પાછું મેળવવા માટે મેં ધન આપ્યું નહોતું, બલ્કે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા અને શાસનની જરૃરિયાત પૂરી કરવા માટે આ દસ્તાવેજો રાખ્યા હતા. બાકી એમાં આપેલી રકમ પાછી મેળવવાનું મેં પહેલાં પણ વિચાર્યું નહોતું અને અત્યારે પણ વિચારતો નથી.'
'અત્યારે આવી કપરી પરિસ્થિતિમાં કેમ વિચારતા નથી?' અનુયાયીએ પૂછ્યું.
'જેનો ત્યાગ કર્યો તેનો વિચાર ન હોય, જો ત્યાગની ગણતરી કરીએ તો ત્યાગનો રાગ ઊભો થાય. એનો અર્થ એ થાય કે તમે ત્યાગ કર્યો પણ લેવા માટે. કશું આપવા માટે નહીં.'
'એ તો ઠીક, પણ તમે શા માટે અત્યારે આ દસ્તાવેજો બાળી નાખવાનું કહો છો?'
'એનું કારણ એટલું જ કે હવે મઠ ગરીબ થઇ ગયો છે. આવી સ્થિતિમાં કદાચ મનમાં એવી લાલચ જાગે કે આપેલી રકમ પાછી મેળવી લઉં. જેવું તને મન થયું. આથી આ દસ્તાવેજો બાળીને હું લાલચની તમામ સંભાવનાઓ ભસ્મીભૂત કરવા માગું છું. બીજી રીતે કહું તો મારા આનંદને જાળવી રાખવા ચાહું છું.'
શિષ્યે પૂછ્યું, 'એ કઇ રીતે? આવો ત્યાગ તો આનંદ ઓછો કરે.'
સંતે ઉત્તર આપ્યો, 'પરહિતને માટે ધનસંપત્તિનો ત્યાગ કરીએ, ત્યારે હૃદયમાં આનંદની ભરતી આવે છે. દુનિયામાં પ્રાપ્તિ એ સંપત્તિ નથી, પણ ત્યાગ એ સંપત્તિ છે. સાર્થક કાર્યોમાં વપરાયેલી સંપત્તિ એ જ આપણી સેવા છે.
જો એ સંપત્તિને એકઠી કરીએ તો એનું આકર્ષણ જાગે અને આપણે એના ચાકર બની જઇએ.'

Post Comments