Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

સમય પ્રમાણે યોગ્ય શબ્દો વાપરવાની સૂઝ

માણસ ઘણીવાર અત્યંત ઉત્કટ ભાવ દર્શાવવા માટે અત્યંત નરમ શબ્દ વાપરી નાખે છે. શબ્દો ક્યારેક સમય ઉપર જ દગો દે છે

આપણે રોજબરોજ ભાષાનો ઉપયોગ કરીએ છીએ, પણ સામાન્ય વપરાશની ભાષા ઉપરાંત દરેક વિષયની પોતાની એક પરિભાષા હોય છે. એક જ શબ્દ જુદા જુદા વિષયમાં, જુદા સંદર્ભમાં અર્થ બદલી નાંખે છે. સામાન્ય વ્યવહારની ભાષા જુદી હોય છે અને અર્થશાસ્ત્રની, પત્રકારત્વની, સમાજશાસ્ત્રની, તબીબીશાસ્ત્રની, રાજકારણની ભાષા જુદી હોય છે. લગભગ દરેક અખબારમાં એક આખંા પાનું ભરીને વેપારના સમાચાર આપવામાં આવે છે.

આ પાનાની ભાષા ધ્યાનથી વાંચજો. એમાં શબ્દોનો જુદો જ અનેરો સંદર્ભ મળી આવશે! કોઈ વસ્તુના ભાવ વધે એટલે ગ્રાહકને માટે માઠા સમાચાર કહેવાય, પણ વેપારીને માટે આ સારા સમાચાર છે. આથી વેપારીની ભાષામાં 'તેલમાં સુધારો' એવા શબ્દો વાંચવા મળશે. ગ્રાહકનો બગાડો એ વેપારીનો સુધારો છે અને રાજકારણીઓની પોતાની આગવી ભાષા, આગવી શૈલી અને આગવો અર્થ હોય છે. ડિક્ષનેરીમાં શબ્દનો આપેલો અર્થ અહીં મેળ ખાતો નથી.

આઝાદી પછીના આપણા રાજકારણે અનેક શબ્દોના અર્થ આપ્યા છે અને નવા સંકેતો પેદા કર્યા છે, લગભગ દરેક રાજકારણીની એક આગવી શૈલી હોય છે. બોલીને ફરી જવાની- આજે જે બોલવું એ આવતીકાલે ગળી જવાનું. આમ કરવાના બે-ત્રણ આસાન તરીકા છે. પહેલી પદ્ધતિ 'હું આવું બોલ્યો જ નથી.' કહીને તદ્દન ફેરવી તોળવાની છે. પણ આજના યુગમાં ટેપ રેકોર્ડર ઘણીવાર આવી પોલ પકડી પાડે છે એટલે હવેનો નવો તરીકો છે.

'અખબારોએ મને સંદર્ભ બહાર ટાંક્યો છે.' 'મારા શબ્દોનું અર્થઘટન ખોટું થયું છે!' અથવા 'હું જે બોલ્યોે એને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યું છે.' સરકાર ક્યારેક દેશભરમાં મોટેપાયે લોકોને જેલમાં પૂરે, ત્યારે સરકારી યાદીમાં આટલું જ હોય 'સાવચેતીનાં પગલારૃપે કેટલાક લોકોને અટકમાં લેવાયા છે.' સરકારી પરિપત્રોમાં હંમેશા નિર્ણયો 'કાળજીપૂર્વકની વિચારણાને અંતે' જ લેવાય છે! એની સૌથી રસપ્રદ ભાષા, પરિભાષા અને શબ્દપસંદગી રાજકારણની હોય છે.

રાજકારણ વિષે લખવાનું આવે ત્યારે અખબારનવેશની કલમમાં અનેરું જોમ આવી જાય છે. રાજકારણના અહેવાલોમાં કેટલાક શબ્દો વારંવાર વાંચવા મળે છે- 'સત્તાવાર વર્તુળો', તો વળી ક્યારેક 'વિશ્વાસપાત્ર વર્તુળો' એમાં જોવા મળે જ. ક્યારેક વર્તુળો માહિતગાર પણ હોય છે.

માહિતી મેળવવાનાં સાધનો પણ જાતજાતનાં હોય છે. નામ નહીં દર્શાવવા માગતા એક વગદાર નેતાએ કહ્યું હતું કે, અખબારી ભાષામાં 'વહ', 'વકી', 'નેતાગીરી' 'મોવડીમંડળ' જેવા શબ્દોના 'ભણકારા' સતત વાગતા રહે છે અને ઘણીવાર પ્રધાનમંડળમાં ફેરફારની દહેશત દર્શાવાતી હોય છે. સરકાર કોઈ પ્રશ્ને સ્પષ્ટતા કરાવવા ઈચ્છે તો કામ સત્તાવાર પ્રવક્તા મારફતે થાય છે અને પ્રવક્તાનું નામ કંઈ જાહેર થતું નથી.

એક જ ભાવ વ્યક્ત કરવા માટે, અલગ અલગ સમયે અલગ સંદર્ભમાં જુદો શબ્દ વપરાય છે. પગમાં ખોડ ધરાવનારી કોઈ અજાણી, અપરિચિત વ્યક્તિને માટે શબ્દ છે, લંગડો! પણ એ વ્યક્તિ કોઈ નજીકની પરિચિત હોય કે સગામાં હોય તો શબ્દ બદલાઇને અપંગ થઈ જાય!

આંખો વગરની અજાણી વ્યક્તિ આંધળી હોય, પણ પરિચિત હોય તો સૂરદાસ અને બહુબહુ તો પ્રજ્ઞાાચક્ષુ કે અંધ થઈ જાય, કોઈનું મૃત્યુ થાય તો આપણે 'ફલાણો' મરી ગયો કહીએ, પણ પરિચિતના મૃત્યુનો શોક દર્શાવવા જઈએ ત્યારે 'સાંભળીને બહુ દુ:ખ થયું!' મૃત્યુ શબ્દ પણ આપણે ઉચ્ચારતા નથી. ઉચ્ચારીએ તો અવસાન જેવો વિશિષ્ટ શબ્દ જ વાપરશું.

ખાનગી વાતચીતમાં જેને ખટપટી અને ટાંટિયા ખેંચનારના ઈલ્કાબ મળ્યા હોય, એને જાહેરમાં મુત્સદ્દી, વિચક્ષણ કહી શકાય. લંપટતા, વ્યભિચાર કે લફરાંબાજી જરૃર પડે ત્યારે રસિકતામાં ફેરવી શકાય છે. તેઓ રંગીન મિજાજના છે, રસિક પ્રકૃતિના છે, કહીએ ત્યારે શબ્દછાયા અને અર્થછાયા બની જાય. સાપેક્ષતાનો સિદ્ધાંત બનાવનારે હદ કરી છે.

માણસ ઘણીવાર અત્યંત ઉત્કટ ભાવ દર્શાવવા માટે અત્યંત નરમ શબ્દ વાપરી નાખે છે. શબ્દો ક્યારેક સમય ઉપર જ દગો દે છે. અમુક શબ્દ જ અમુક લાગણી શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે. દિલ અને હૃદય એક જ અર્થના બે પર્યાય છે. છતાં દિલમાં જે નજાકત અને ભાવ છે એ હૃદયમાં નથી. જીવનમાં કશું કામ ન કરનાર માણસને બિરદાવવો હોય તો એને આધ્યાત્મિક કહી શકાય તેમ 'એમને સંસારની માયાજાળ કદી સ્પર્શી નહીં.

' પછી તેઓ દુન્યવી ઘટમાળથી હંમેશા પર રહ્યા એમ પણ કહી શકાય! છાપામાં દરરોજ   કોઈને કોઈ સિધ્ધિ મેળવનારની તસવીરો પ્રગટ થાય છે,એની નીચેનું લખાણ ધ્યાનથી વાંચીએ એટલે માણસ ભાષાસાથે કેવી ખિલવાડકરી શકે છે એનો ખ્યાલ આવે, કોઈને કોઈસિધ્ધિ મેળવનાર તેઓ પ્રથમ છે. એવો દાવો કરવા માટે જાતજાતની શબ્દ તરકીબો અજમાવાય છે. કોઈ ભાઈ કોઈ વિષયમાં પીએચડી કરે,

એ વિષયમાં બીજા અનેક લોકો અગાઉપણ એ ડિગ્રી મેળવી ચૂકયા હોય તો પછી એમની સિધ્ધિને ગ્લોરીફાઈ કઈ રીતે કરવી? છેલ્લા છ માસમાં આ વિષય ઉપર સંશોધન કરનાર તેઓ પ્રથમ છે અથવા બીજો રસ્તો પોતાની ફલાણી જ્ઞાાતિમાં તેઓ આ ડિગ્રી મેળવનાર પ્રથમ છે' અથવા ફલાણા ગોત્રમાં પ્રથમ છે અને છેવટે પોતાનાં કુટુંબમાં પ્રથમ છે એમ કહીએ તોય એમાં તથ્યની દ્રષ્ટિએ કયાં કશું ખોટું છે? માણસ સતત પોતાને બીજાથી અલગ તારવવાના પ્રયત્નમાં રમણાણ હોય છે.

'મને એવી ટેવ નથી, હું તો જેવું હોય તેવું મોંઢે કહી દઉં. 'મને ખટપટમાં રસ નથી'. એવું વારંવાર કહેવું પડતું હોય ત્યારે સમજવું કે કંઈક ગડબડ છે. નાની નાની પ્રશસ્તિઓની ઝંખના અમુક હદ સુધી સહ્યદય, સ્વાભાવિક લાગે છે. પણ એ સતત ફુલાતી રહે તો માણસના વ્યક્તિત્વ ઉપર ગૂમડું બનીને બહાર આવે છે.

એક જ શબ્દ ભાષા કે પ્રાંતની સરહદ ઓળંગે એટલે અર્થ બદલી નાખે! ગુજરાતી ભાષામાં જ જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા શબ્દો જુદા જુદા અર્થો આપે છે. તબિયત સારી ન હોય, એને સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં 'મજા નથી.' કહે છે! તસવીરમાં ફલાણા ભાઈની સાથે ફલાણા ભાઈ બેઠા છે, એ ગુજરાતીમાં ચાલે, પણ મરાઠીમાં 'ફલાણાની બરોબર ફલાણા' લખાય છે! લતા મંગેશકરને મહારાષ્ટ્રમાં લતાબાઈ કહી શકાય, ગુજરાતમાં 'બાઈ' જુદો સંદર્ભ ધરાવે છે.

એક જ શબ્દ જુદી જુદી ભાષામાં પ્રયોજાય છે ત્યારે એનો અર્થ બ દલાઈ જાય છે. બે માણસો ઝઘડે ત્યારે ગુજરાતમાં આપણે કહીએ છીએ કે આ બંને તકરાર કરે છે. તકરારની ફરિયાદ પોલીસમાં થાય ત્યારે ત્યાં નોંધાય છે. પણ મરાઠીમાં ફરિયાદને તકરાર કહે છે. બે વ્યક્તિ ઝઘડે ત્યારે એક કહે છે કે 'હવે તું જતો રહે, નહીંતર હું હમણા તકરાર કરીશ.' અહીં તકરારનો અર્થ ફરિયાદ થાય છે. એ જ રીતે મરાઠીમાં પતિને નવરો કહે છે.

ગુજરાતીમાં નવરો એટલે કામવગરનો માણસ. ગુજરાતીમાં કહેવત છે કે, નવરો નખ્ખોદ વાળે. વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી કહે છે. પ્રધાન શબ્દનો અર્થ બંને જગ્યાએ બદલાઈ જાય છે. ગુજરાતીમાં પ્રધાન એટલે મિનિસ્ટર, હિન્દીમાં પ્રધાન એટલે મુખ્ય. ગુજરાતીમાં જેને ઈન્ટરવ્યૂ કહીએ છીએ, એને હિન્દીમાં સાક્ષાત્કાર કહે છે. ગુજરાતીમાં વાર્તા એટલે શોર્ટ સ્ટોરી, ત્યારે હિન્દીમાં વાર્તા એટલે વાર્તાલાપ. ગુજરાતીમાં રાશિ શબ્દ જયોતિષ સાથે સંકળાયેલો છે.

ત્યારે હિન્દીમાં રાશિ એટલે રકમ. હિન્દીમાં કયારેક સંસ્કૃતપ્રચુર બનાવવાની ધૂનમાં ભદ્રંભદ્રી ભાષા થઈ જાય છે. ટેલિફોન શબ્દ આખી દુનિયામાં લોકપ્રિય છે, છતાં હિન્દીમાં એને દૂરભાષ કહે છે. રજિસ્ટ્રેશનને હિન્દીમાં પંજીકરણ કહે છે. પંજીકરણ શબ્દ બોલવામાં પણ અઘરો અને એનો અર્થ સમજવામાં પણ અઘરો.

એકાઉન્ટન્ટ જનરલની કચેરીને હિંદીમાં રાષ્ટ્રીય મહાલેખાકાર કચેરી કહે છે. જે શબ્દ સામાન્ય માણસને ન સમજાય એ નકામો છે. સ્ટેશન, ટિકિટ, ટેલિફોન, કમ્પ્યુટર જેવા શબ્દોનો જબરદસ્તીથી અને કૃત્રિમતાથી રૃપાંતર કરવાની શો લાભ? ગાંધીજીએ કહ્યું હતું તેમ કોશિયો સમજે એવી ભાષા હોવી જોઈએ. કયારેક એક જ પ્રકારની અભિવ્યક્તિ માટે ખોટો કે અઘરો શબ્દ યોજાય જાય ત્યારે ભાષાની મજા મારી જાય છે.

ગુજરાતીમાં તાલી વગાડવી એને હિંદીમાં કરતાલ ધ્વનિસે સ્વાગત કિયા એમ કહેવામાં આવે છે. તાલીઓસે સ્વાગત કિયા એ શબ્દની મજા કરતાલ ધ્વનિમાં કયાંથી આવે? ભાષા લખતી કે બોલતી વખતે યાદ રાખવું જોઈએ કે એનો ધ્વનિ કાનમાં ગૂંજવો જોઈએ અને એનો અર્થ સાંભળનારને સમજાવવો જોઈએ.

ગુજરાત એક જ છે. પણ ભાષાની દ્રષ્ટિએ એક ગુજરાતમાં અનેક ગુજરાત છે. બધાં ગુજરાતની ભાષા જુદી છે.  અને એ બોલવાનો લહેકો પણ જુદો છે. સૌરાષ્ટ્રમાં ઉંમરમાં નાની વ્યક્તિને મોટો કહેવામાં આવે. મોરવાયું, 'ઓસમાણ', શબ્દો માત્ર કાઠિયાવાડમાં વપરાય છે. 'બારે મેઘ ખાંગા' થયા જેવા વાક્યો વડે વરસાદનું વર્ણન થાય છે.

સૌરાષ્ટ્રમાં 'ગોતવું' શબ્દ બોલાય છે, એને બદલે અમદાવાદમાં 'શોધવું' બોલાય છે.  ઉત્તર ગુજરાતમાં પાણી'નો ઉચ્ચાર 'પોણી' અને 'આંગળી'નો ઉચ્ચાર 'ઓંગળી' થાય છે અને 'ગોળ'નો ઉચ્ચાર 'ગોર' થાય છે. કામનો ઉચ્ચાર 'કોમ' થાય છે અને 'ખાનદાન'નો ઉચ્ચાર 'ખોનદોન' થાય છે. દક્ષિણ ગુજરાતની ભાષાઅને એના ઉચ્ચાર જુદા હોય છે. મુંબઈ શહેરમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી આવેલા લોકો વસે છે.

એ લોકોએ આપમેળે બધાને સમજાય એવી ભાષા વિકસાવી લીધી છે. મુંબઈમાં અખબારોએ પણ આવી લેખિત ભાષા વિકસાવી છે. ૧૯મી સદીનાં ઉત્તરાર્ધ સુધી ગુજરાતીમાં કોઈ શબ્દકોશ હતો જ નહીં. નર્મદ જેવા સાક્ષરોએ મહાપ્રયત્ને આનો પ્રારંભ કર્યો. ગાંધીજીએ 'નવજીવન' ના ઉપક્રમે ગુજરાતીનો જોડણીકોશ તૈયાર કરાવડાવ્યો, અને જાહેર કર્યું કે હવે ખોટી જોડણી કરવાનો કોઈને અધિકાર નથી.

કોમ્પ્યુટર આવતાં અને ઈન્ટરનેટ આવતાં હવે ભાષાનું સ્વરૃપ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. ચેટિંગ અને મોબાઈલ જેવા શબ્દો હવે રોજિંદા બની ગયા છે. પ્રશ્ન એ થયો કે ઘરમાં ટેલિફોન હોય એને શું કહેવું? તો આપોઆપ એને માટે લેન્ડલાઈન ફોન શબ્દ આવ્યો. ભાષા એક વહેતી નદી જેવી છે, એને બંધિયાર બનાવી શકાય નહીં.
 

Keywords vichar,vihar,24,february,

Post Comments