Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર- યાસીન દલાલ

ચૂંટણી લોકશાહીનું પર્વ કે કલંક?

તંત્ર ચલાવવા માટે એક જંગી નોકરશાહી ઊભી કરવામાં આવી છે, જેના પગાર ભથ્થાં રોકેટની ઝડપે વધતાં જ રહે છે

ફરી એકવાર ચૂંટણીઓની મોસમ આવી રહી છે. સંસદીય લોકશાહીમાં ચૂંટણી એ એક પ્રકારનું પર્વ ગણાય છે અને તદ્દન સામાન્ય નાગરિકને પણ લોકશાહીમાં ચાર-પાંચ વર્ષે પોતાની પસંદગી દર્શાવવાની તક મળે છે.

એ ધારે તો સરકાર બદલી શકે છે અને નવી નેતાગીરી લાવી શકે છે. પણ, આપણે પાંચ દાયકમાં લોકશાહીને એવા ફારસમાં ફેરવી નાખી છે કે ચૂંટણી આવે ત્યારે હવે સામાન્ય નાગરિક ખુશ થવાને બદલે અંદરથી ડરવા અને ફફડવા લાગે છે. ચૂંટણી આવે એટલે દિવસો સુધી ઘોંઘાટ, જૂઠાણાભર્યો પ્રચાર અને વધારામાં બેફામ હિંસા અને મારામારી.

૨૬મી ઓગષ્ટે બાજુના બંગાળમાં મહિષા નામના ગામમાં વિપ્લવ નામનો ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, ત્યારે માર્કસવાદી ટોળી ત્યાં પહોંચી ગઈ અને વિપ્લવ ઉપર ગોળીઓ ચલાવી. એનો ભાઈ ત્યાં મોકાસર આવી પહોંચ્યો પરિણામે એ બચી ગયો, પણ ગંભીર રીતે ઘાયલ તો થયો જ. હજી પણ એ હોસ્પિટલમાં જ છે. હુગલી જીલ્લામાં ગોધાર ગામમાં ત્રણ માસ પહેલાં નિયાઝુબખાન નામના તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને મારી નાખવામાં આવ્યો.

૧૭ વર્ષની એની પત્ની લૈલા બીબી વિધવા બનીને ભટકે છે. એ જ રીતે કેશપુરમાં શેખ હઝરત અલી નામના યુવકના હાથ કાપી નાખવામાં આવ્યા છે. 'તે વિરોધી જૂથને મત કેમ આપ્યો? તારા હાથ કાપી નાખવા પડશે,' એમ કહીને એક મજબૂત કુહાડીથી એના હાથ કાપી નખાયા. ૧લી સપ્ટેમ્બર કેશપુર ગામમાં ચાર રાજકીય ટેકેદારોની હત્યા કરી નાખવામાં આવી. ઉપરાંત, ગામમાંથી ૫૦ લોકોએ હિજરત કરીને ભાગી જવું પણ પડયું.

બાંકુરા જીલ્લામાં બધું સરખું કરી દેવાની જવાબદારી સુષાંત ઘોષને સોંપવામાં આવી છે. જે પોલીસની મદદથી ગ્રામજનોમાં ભય ફેલાવી રહ્યા છે. મિદનાપુરના એસ.પી. દત્તાનું કહેવું છે કે, બે વર્ષથી તૃણમૂલ કોંગ્રેસના માણસોએ સંખ્યાબંધ ગામો કબજે કરીને ત્યાં ઘેરઘેર પોતાના ધ્વજ ફરકાવ્યા હતા. ગામના દરેક માણસે ફરજિયાત એ ધ્વજને સલામ મારવી પડતી.

માર્કસવાદીઓના ટેકેદાર લોકોને મારી નાખવામાં આવતા. આ વિસ્તારોમાં લોકો પાસે મોટાપાયે ગેરકાનૂની શસ્ત્રો છે. હવે માર્કસવાદીઓ આ બધાં ગામોને ફરીથી પોતાના ધ્વજ હેઠળ લાવવા મેદાનમાં આવ્યા છે, પરિણામે ગામેગામ ગોળીબારો અને હત્યાઓનો પ્રવાહ ચાલુ થયો છે અને દરરોજ લાશો ઢળી રહી છે.

લોકસભામાં ૨૫ કરોડ જેટલા લોકો મતદાન કરે છે અને એ મત વડે કેન્દ્રમાં સત્તા પર આવતી સરકાર દર વર્ષે ત્રણ લાખ કરોડનું બજેટ રજૂ કરે છે, જે આંકડો પાંચ વર્ષે પંદર લાખ કરોડનો થાય. આમ એક મતની કિંમત ૬૦ હજાર રૃપિયા થઈ. એ જ રીતે, વિધાનસભામાં ચૂંટાઈને આવતી સરકાર ૧૫ હજાર કરોડનું બજેટ રજૂ કરે છે.

જે પાંચ વર્ષે ૭૫ હજાર કરોડ થાય. દોઢ કરોડ લોકો ગુજરાતમાં મતદાન કરતા હોય તો એક મતની કિંમત ૫૦ હજાર રૃપિયા થાય. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજકોટ જેવા શહેરમાં ૨૦૦ કરોડનું બજેટ હોય છે, જે પાંચ વર્ષે ૧૦૦૦ કરોડ થાય, એટલે અઢી લાખ મતદારને ભાગે ૪૦ હજાર રૃપિયા આવે. ચૂંટાઈને જે પક્ષ સત્તા પર આવે એ માત્ર આકરા કરવેરા નાખીને પ્રજાને ચૂસવા સિવાય કંઈ કરતો નથી. લોકોની ગરીબી તો ત્યાંની ત્યાં જ રહે છે.

આપણો જ મત મેળવીને આપણી ઉપર એક જડબેસલાક શોષણખોર તંત્ર ઠોકી બેસાડવામાં આવે છે. એક્સાઈઝ, સેલ્સટેક્સ, હાઉસટેક્સ, ઓકટ્રોય અને એવા બીજા ચક્કરોમાંથી નાગરિક બહાર નીકળી શકતો જ નથી. લોકશાહીને નામે એક જબરદસ્ત ફરેબ ચાલી રહ્યો હોય એમ લાગે. આ તંત્ર ચલાવવા માટે એક જંગી નોકરશાહી ઊભી કરવામાં આવી છે, જેના પગાર ભથ્થાં રોકેટની ઝડપે વધતાં જ રહે છે.

અને ઉપરથી એ અબજો રૃપિયાની લાંચરૃશ્વત પણ એકઠી કરે છે. આમ, એકબાજુ રાજકારણીઓ અને બીજી બાજુ આ અમલદારો પ્રજાનું હીર ચૂસી લે છે. બધા જ કાયદા સામાન્ય નાગરિકેને પરેશાન કરવા માટે ઘડાય છે. કોઈ કાયદો આ મગરમચ્છ રાજકીય નેતાને કે અમલદારને કંઈ કરી શકે નહીં. નોકરશાહીની પણ કોઈ પ્રતિબદ્ધતા નહીં જે પક્ષ સત્તા પર આવે એની એ ચશમપોશી કરે.

આમ, આપણે જ મત આપીને આપણી જ ગુલામી ઉપર જાણે મંજૂરીની મહોર મારીએ છીએ. દરેક નાગરિક દર વર્ષે કેન્દ્રને રૃ. ૨૦૦૦, રાજ્યને રૃ. ૩૦૦૦ અને સુધરાઈને રૃ. ૨૦૦૦ આપે, અને આટલા જંગી કરવેરા ભર્યા પછી એની શેરીની ગટર પણ સાફ ન થાય કે એને પીવાનું શુદ્ધ પાણી પણ ન મળે ત્યારે લોકશાહી શાસન વ્યવસ્થા ઉપર એની શ્રદ્ધા કઈ રીતે ટકે?

વિદ્યુત બોર્ડ હોય કે ટેલિફોન તંત્ર હોય, બધા જ નાગરિકને ગુનેગાર સમજીને એને લૂંટવામાં જ મજા માણે. આમ, ચૂંટણી પ્રથા લોકશાહીને મજબૂત કરનાર એક પરિબળ બનવાને બદલે સામાન્ય માણસને લૂંટનાર અને એને ભયભીત બનાવનાર એક પરિબળ બની જાય ત્યારે એ કોને ફરિયાદ કરવા જાય?

આપણા બંધારણમાં કેટલીક કલમોમાં સ્પષ્ટ લખ્યું છે કે, દેશમાં બધા નાગરિકોની વચ્ચે સરકાર કોઈ ભેદભાવ નહીં કરે, પણ વ્યવહારમાં સતત બંધારણની ભાવનાનો ડગલે ને પગલે ભંગ થાય છે. એનો પ્રારંભ આવકવેરાથી થાય છે. હજી હમણાં સુધી સ્ત્રીઓ અને પુરુષો માટે આવકવેરાના દર જુદા હતા. હજી પણ હિન્દુ અવિભક્ત કુટુંબ માટે આ દર જુદા છે.

આ દેશમાં માત્ર ૨% લોકો જ આવકવેરો ભરે છે. દેશની ૭૦% વસતી ખેતી ઉપર નભે છે અને ખેતી ઉપર કોઈ આવકવેરો નથી લાગતો. રાજ્યો વીજળીના જે દર લાગુ કરે છે એમાં પણ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા દર છે. ગુજરાતમાં વીજળીના દર સૌથી ઊંચા છે. અહીં પણ ખેતી માટેની વીજળી એકદમ સસ્તી છે અને ઘરવપરાશની વીજળી એકદમ મોંઘી છે. પરિણામે વીજળીની બેફામ ચોરી થાય છે.

રાજકોટ જેવાં શહેરોમાં વીજળી બોર્ડના અધિકારીઓ જ્યારે જ્યારે મીટર કાઢવા આવે છે ત્યારે આખા લત્તાના રહેવાસીઓ એકઠા થઈ જાય છે અને સાથે મીટરો પાછા આપી દે છે અને રાજકારણી વચ્ચે પડે છે અને પરિસ્થિતિ વધુ બગડે છે. પણ છતાં વિદ્યુત બોર્ડને વાસ્તવિકતા સમજાતી નથી.

લોકશાહી માત્ર કાગળ ઉપર બંધારણ અને કાયદા કાનૂન બનાવી દેવાથી આવતી નથી. લોકશાહીની સફળતા માટે કેટલીક પૂર્વ શરતો પણ જરૃરી છે. પણ આપણે એમાંથી એક પણ શરત પાળતા નથી. લોકશાહીનો પાયો ચૂંટણીપ્રથા છે. લોકશાહીમાં ચૂંટણી તો એક ઉત્સવ બની રહેવો જોઈએ. પણ આપણા દેશમાં ચૂંટણી એક અભિશાપ બની ગઈ છે. લોકશાહીમાં જ્ઞાાતિવાદ, પ્રદેશવાદ અને કોમવાદ નાબૂદ થઈ જવા જોઈએ.

પણ, છેલ્લા બે દાયકાથી ચૂંટણીના ઉમેદવારો જ ધર્મ કે જ્ઞાાતિના ધોરણે પસંદ કરવામાં આવે છે. આવું ધોરણ હોય તો દેખીતું જ છે કે, ઉમેદવારની લાયકાત ગૌણ બની જાય. પરિણામે સંસદ અને વિધાનસભાઓમાં સંખ્યાબંધ અસામાજિક તત્વો દાખલ થઈ ગયા છે. ઉત્તરપ્રદેશ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અત્યારે ભાજપ અને બહુજન સમાજ પક્ષની મિશ્ર સરકાર છે. લોકશાહીની સફળતાની એક શરત એ છે કે મિશ્ર સરકારમાં જોડાયેલા પક્ષો વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની બાબતમાં સમાનતા હોવી જોઈએ. પણ આ બે પક્ષો વચ્ચે કોઈ વૈચારિક સમાનતા નથી પણ ભારોભાર વિરોધાભાસ છે. ત્યાં છેલ્લા એકાદ મહિનાથી સત્તાનો જે ખેલ ચાલે છે એ બતાવે છે કે દેશમાં હવે કાયદા અને ન્યાયનું શાસન રહ્યું નથી.

પણ એની જગ્યાએ સત્તાલોલુપતા બધે જ જોવા મળે છે. દેશમાં ચારેય બાજુ સ્વાર્થનો કે નગ્નતાનો તમાશો ખેલાઈ રહ્યો છે. તામિલનાડુ અને બિહારમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે છે. કોઈ માફિયા ગેંગના વડા હોય એ રીતે રાજકારણીઓ એકબીજા સાથે ભૂતકાળના વેર-ઝેરની પતાવટ કરવામાં પડયા છે.

ગાંધીજીએ કહ્યું હતું કે, 'અંગ્રેજોએ હિંદુસ્તાન જીત્યું નથી પણ આપણે એમને આપી દીધું છે.' આ વાક્યમાં એક ભયાનક કડવું સત્ય રહ્યું છે. અંગ્રેજો આવ્યા ત્યારે એમની સંખ્યા માત્ર ૧૦ કે ૨૦ની હતી. એ લોકો વેપાર માટે આવ્યા હતા.

પણ એમણે જોયું કે, આપણો સમાજ વિભાજિત સમાજ છે. આપણે ત્યાં સદીઓથી વર્ણવ્યવસ્થા ચાલે છે. ઊંચ-નીચના ભેદભાવ ચાલે છે. બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરી હોવા છતાં આજે પણ ઠેરઠેર એ જોવા મળે છે. અંગ્રેજોને તો 'ભાવતું હતું ને વૈદે કીધું'. એમણે ધીમેધીમે દેશ આખો જીતી લીધો.

એને માટે વહીવટકર્તા અને પોલીસદળ એમણે ઈંગ્લેન્ડથી આયાત કર્યા નહોતા, પણ એ બધા ભારતીય હતા. જલિયનવાલા બાગમાં આઝાદી માંગવા માટે એકત્રિત થયેલા લોકો ઉપર ગોળી ચલાવવાની સૂચના જનરલ ડાયરે આપી, પણ એ સૂચનાનો અમલ ભારતીય સિપાહીઓએ કર્યો. અંગ્રેજી અમલનો ઈતિહાસ જોતાં આ તથ્ય ઠેરઠેર જણાય છે.

અંગ્રેજ શાસનમાં મોટાભાગના કલેકટરો અને પોલીસ વડાઓ ભારતીય જ હતા. આમ, મુઠ્ઠીભર અંગ્રેજોએ ૪૦ કરોડની વસતીવાળા વિશાળ દેશ ઉપર પૂરા ૨૦૦ વર્ષ રાજ કર્યું. ગાંધીજીને આ તથ્યની ખબર હતી જ. તેઓ એ પણ જાણતા હતા કે, ૧૮૫૭માં સશસ્ત્ર બળવો નિષ્ફળ ગયો હતો. પરિણામે એમણે ના-છૂટકે અહિંસાનું શસ્ત્ર અજમાવ્યું. પણ, આપણે રાજકીય આઝાદી મેળવી પણ સામાજિક અને આર્થિક રીતે પણ પછાત જ રહ્યા. અંગ્રેજો માંડ માંડ ગયા પણ એની જગ્યાએ આજના ઘઉંવર્ણા નેતાઓ ગોઠવાઈ ગયા.

અંગ્રેજોએ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી. આજના શાસકો આપણા પોતાના હોવા છતાં એ જ નીતિ અપનાવી રહ્યા છે. આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સિંધુ નદી અને ફરાક્કા ડેમના પાણીની વહેંચણીનો પ્રશ્ન ઉકેલી નાખ્યો.

પણ આપણાં જ રાજ્યો કાવેરી નદી અને નર્મદાના પાણીનો પ્રશ્ન ઉકેલી શકતા નથી. કાવેરીની બાબતમાં તો રાજકારણીઓ સુપ્રિમ કોર્ટના આદેશની પણ અવગણના કરે છે. પરિણામે, કર્ણાટક અને તામિલનાડુ એક જ દેશના બે રાજ્યો હોવા છતાં બે દુશ્મન દેશોની જેમ વર્તી રહ્યાં છે. એ લોકો પોતાના રાજ્યોમાં બંધના એલાન આપે છે અને મોરચા તથા સરઘસો કાઢે છે.
 

Keywords vichar,vihar,11,november,17,

Post Comments