Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વમૂર્ખતાનો સ્વીકાર !

સ્વમૂર્ખતા સ્વીકારવી એ જ ખરેખર વિદ્વત્તાની શરૃઆત છે એમ શાસ્ત્રોએ તો અનેકવાર કહ્યું છે. વિશ્વમાં ડહાપણનો ભંડાર ગણાતા અમેરિકાએ આખરે સાહસ કરીને પોતાની પાકિસ્તાન નામના સાપને દૂધ પાઇને ઉછેરવાની સર્વ મૂર્ખતાઓનું એક જાહેર સ્વીકૃતિનામુ તેના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સહી સાથે ટ્વીટર પર પ્રસ્તુત કરી દેતા અમેરિકાના પક્ષે ભૂલ સુધારણાના નવા યુગનો આરંભ થયો છે જે આગળ જતાં સમગ્ર એશિયાના રાજકીય પ્રવાહોને પ્રભાવિત કર્યા વિના નહિ રહે.

ભલુ થજો ડોનાલ્ડ ટ્રમ્પનું કે જેને આટલી બુદ્ધિ આવી- એમ કહેવાની ઉતાવળ એટલે ન કરાય કે ટ્રમ્પના મહામસ્તિષ્કમાં પણ બુદ્ધિ અવરજવર કરતી રહે છે, ત્યાં સ્થાયી ભાવે નિવાસ કરતી નથી. અમેરિકાએ ૩૩૦૦ કરોડ ડોલર પાકિસ્તાન નામક કૂવામાં પધરાવ્યા પછી અને ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી જ મળી આવ્યા પછી એ જાણી લેવાની જરૃર હતી કે એ ભિક્ષુક દેખાતો હિંસક દેશ દાનમાં પ્રાપ્ત નાણાંનો શું ઉપયોગ કરે છે.

પોતાની પ્રજાને સદાય અંધકાર તરફ ધકેલવામાં અને ધર્મના નામે ક્રૂર શાસન ચલાવવામાં તેના સેનાપતિઓ અને રાષ્ટ્રપતિઓએ કદી વિરામ લીધો નથી તેવા પાકિસ્તાનને અમેરિકાએ મંજુર કર્યા પછીની ૨૫ કરોડ ડોલરની આર્થિક મદદ છેલ્લી ઘડીએ અટકાવી દીધી છે. પાકિસ્તાન પર સતત વધતા જતા આતંકવાદી સંગઠનોના પ્રભુત્વને કારણે આ મદદ અટકાવવી પડી છે.

પાકિસ્તાનના ગ્રામ વિસ્તારોમાં માઓવાદીઓ છૂપા વેશે પ્રવેશી ગયેલા છે. તેઓ વિવિધ વિકાસના કામોના બહાને ગ્રામવાસીઓનો સંપર્ક કરે છે અને ચીનમાં મુસ્લિમો કેટલા સુખી છે તેના ખોટા દસ્તાવેજો દર્શાવે છે. આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. દૂરના ભવિષ્યના વળાંકે પાકિસ્તાનમાં લાલ ઝંડા લહેરાવા લાગે એ સામ્રાજ્યવાદી કલ્પના ચીનની છે.

પાકિસ્તાને તો ઘણા વર્ષો અગાઉ અમેરિકા સાથે છેડો ફાડવાનો નિર્ણય લઈને ચીન સાથે જોડાણ કરી જ લીધું છે અને જગ જાહેર છે છતાં અમેરિકાએ પાકિસ્તાનને ઓળખવામાં ઐતિહાસિક થાપ ખાધી છે. ભારત પ્રત્યેની અમેરિકાની છૂપી કિન્નાખોરી જ આનું એક કારણ છે. પાકિસ્તાન પ્રત્યે અમેરિકાના દરેક પ્રમુખે દાખવેલી સહાનુભૂતિનું પરિણામ વિપરીત આવ્યું છે. ચીનની એ નવવિકસિત ઈચ્છા છે કે પાક અને અમેરિકા વચ્ચે વેર બંધાય.

અને એ યોજનામાં ચીન સફળ નીવડતું દેખાય છે. રશિયા પણ એમ જ ઈચ્છે છે કે પાકિસ્તાનનો આતંકવાદ અફઘાન પ્રજાને વધુમાં વધુ હાનિ પહોંચાડે. ચીને તો જાહેર પણ કરી જ દીધું છે કે તે તમામ ગતિવિધિઓમાં પાકિસ્તાનની પડખે રહેશે. ચીને પાક જમીન પર પોતાનો પગદંડો જમાવી દીધો છે. ચીનના સૈન્ય અધિકારીઓનો કરાચી- ઈસ્લામાબાદમાં કોઈને કોઈ બહાને કાયમી પડાવ છે.

વિવિધ તાલીમના બહાને ચીન-પાક દેશો બહુ નિકટ આવી ગયા છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષ પણ ચીનની સત્તાવાર મુલાકાતે જઈ આવ્યા છે અને થોડા સમયમાં ફરી જવાના છે. જિન પિંગ સમગ્ર એશિયાને લાલ રંગે રંગવા ચાહે છે. એ માટે તેમણે નેપાળ, શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, પૂર્વભારત અને પાકિસ્તાનમાં પ્રવેશવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે.

પાકિસ્તાન એક ભીતરથી આતંકવાદીઓએ ખોખલો કરી મૂકેલો દેશ છે એટલે સૈન્યની મદદથી ગમે ત્યારે ચીન એના પર સંપૂર્ણ અંકુશ મેળવી લેશે. બહારથી દેખાતો પાક સૈન્યનો કબજો વાસ્તવમાં ચીનનો જ અંકુશ સાબિત થશે અને પછી એકવાર ચીનનો પાક વહીવટી તંત્રમાં પગપેસારો થયો  તો એમાં ફેરફાર થતાં સદીઓ પસાર થઈ જશે.

પરંતુ પાકિસ્તાનને એની કોઈ તમા નથી. આખી દુનિયા જોતી રહી ગઈ અને ચીને પાકને અમેરિકાના ખોળેથી ઉઠાડીને પોતાના હસ્તક લઈ લીધું છે. જે બાબત વિશે ભારતે હજારો વાર રજૂઆતો કરી છે તે બાબતો હવે અમેરિકાને ભારે લાગવા માંડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી નેતા છે અને પોતાને વૈશ્ચિક નેતા પણ માને છે. પોતે- એટલે કે રાષ્ટ્રપ્રમુખનું પદ- છેલ્લા દોઢ દાયકાથી મૂર્ખ બનતું આવ્યું હોવાની તેમની કબૂલાતે પાકિસ્તાનમાં ભૂકંપની સ્થિતિ સર્જી છે.

પાકિસ્તાન સરકારે ગઈકાલે એક ઈમરજન્સી મિટિંગ બોલાવી. કારણ કે અમેરિકન ડોલરનો પ્રવાહ આવતો બંધ થઈ જાય તો પાકિસ્તાનને ઈથિયોપિયા થવામાં માત્ર એક જ વરસની વાર લાગે. પાકિસ્તાનના અસલી દગાબાજ ચહેરાને જગત સમક્ષ બેનકાબ કરવાનો રોમાંચ અનુભવતા પહેલા અમેરિકી વિદેશ સચિવે એક લાંબી મૂલ્યાંકન પ્રક્રિયામાંથી વ્હાઈટ હાઉસને પસાર કર્યું છે.

અમેરિકી વિદેશ સચિવ મિસ્ટર રેક્સ ટિલરસને છેલ્લા એક વરસથી ઉપાડેલી ટ્રમ્પની આંખ ઊઘાડવાની કોશિશો આખરે કામયાબ નીવડી છે. પાકિસ્તાન સરકારે સામોસામ ટ્વીટ કરીને કહ્યું કે અમારા હજારો સૈનિકો અને નાગરિકોએ આતંકવાદ વિરુદ્ધની લડતમાં બલિદાનો આપ્યા છે.

જો કે પાક સાથે કોઈ સંમત થાય એમ નથી. મદારીના સંતાનોને સાપ કરડે તો એમાં આ જગત શું અફસોસ કરી શકે ? કદાચ બહુ ઝડપથી પાકિસ્તાન સાથેના સંબંધો અમેરિકા માટે તંગ થઈ જશે છતાં ટ્રમ્પ હજુ એને આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત નહિ કરે. પાક સૈન્ય પર તો ચીની સૈન્ય અધિકારીઓનો દબદબો વધી જ ગયો છે, હવે પાક સરકાર પણ ચીનના ઈશારે ચાલવા લાગી છે.

અમેરિકાએ આર્થિક સહાય અટકાવી કે તુરત જ બોલાવાયેલી ઈમરજન્સી મિટિંગમાં પાક સૈન્યની ત્રણેય પાંખના વડાઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. એનો અર્થ છે કે અમેરિકાની ભાષા, પાકિસ્તાન સારી રીતે સમજે છે અને યુનાઈટેડ નેશન્સના નવા કોઈ પ્રતિબંધો આવે એ પહેલાનો આ કર્ટેઈન રેઈઝર સખાવતકાપ છે.

જાગ્યું છે અમેરિકા, પણ હવે એ પાકિસ્તાનને જંપવા દે એમ નથી. ઉત્તર કોરિયા પર ધાકધમકીનો કોઈ ચમત્કાર ન સર્જી શકેલા અમેરિકા માટે દ્રષ્ટાન્તરૃપે કોઈકને તો પાઠ ભણાવવો જરૃરી છે અને એ માટે બલિનો બકરો બનવાની બધી જ 'યોગ્યતા' પાકિસ્તાનમાં છે. અફઘાનિસ્તાન અને ઈરાક પછી હવે અમેરિકા એક નવા રણમેદાનમાં પોતાની સંહારક શક્તિનું પ્રદર્શન ચાહે છે, એ એની તાકીદની મોસ્ટ અરજન્ટ જરૃરિયાત છે અને એ મેદાન કદાચ પાકિસ્તાન છે.
 

Keywords tantri,lekh,04,january,2018,

Post Comments