Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદિવાસી વિસ્તારમાં દિવસે મજુરી અને રાત્રે પાણી મેળવવા કતાર

- રાજ્યના ચેરાપૂંજી ગણાતા કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારના ગામોમાં પાણીની ગંભીર સમસ્યા

- ૨ થી ૩ કિ.મી. દુર જઇને પણ પાણી માટે લાઇન લગાવવી પડે છે

વલસાડ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં રહેતા આદિવાસી પરિવાર ભર ઉનાળે રાત્રિ દરમિયાન ઘોરનિદ્રામાં પોઢવાને બદલે લગભગ બે થી ત્રણ કિ.મી. સુધી કૂવા અને બોરીંગ પરથી પીવાનું પાણી મેળવવા મજબૂર બની રહ્યા છે. કપરાડા તાલુકામાં દર વર્ષે સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં વહીવટી તંત્રના આયોજનના અભાવે ગરીબ આદિવાસી પરિવાર દિવસ દરમિયાન મજુરી કામ કરી રાત્રે પાણી મેળવવા કતાર લગાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. 
 
ગુજરાત રાજયના ચેરાપુંજી તરીકે પ્રચલિત વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં દર વર્ષે ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ જીલ્લા વહીવટી તંત્રના આયોજનના અભાવે વર્ષોથી ઉનાળાની ઋતુમાં ગરીબ આદિવાસી પરિવારો પીવાના પાણી માટે વલખા મારે છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં આવેલા કેલધા, પાંચવેરા, સિલ્ધા, ફળી, માલધર સહિતના અનેક ગામોના લોકો ચાલુ વર્ષે ઉનાળાની શરૃઆત થતાં જ પાણીની જટીલ સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
 
કપરાડાના કેલધા ગામે રહેતા આદિવાસી પરિવારના સભ્યો પેટીયું રળવા દિવસ દરમિયાન કાળી મજુરી કરી મોડી સાંજે ઘરે આવે છે. બાદમાં ભોજન કે રાત્રિની ઊંઘ પણ તેઓ માટે હરામ થઈ ગઈ છે. રાત્રે મહિલા સહિતના લોકો લગભગ બેથી ત્રણ કિ.મી. દૂર આવેલા કૂવા અને બોરીંગ પર પાણી મેળવવા કતાર લગાવી રહ્યા છે. ગામમાં રહેતી પ્રેમીલાબેન અને અર્ચના સરનાયકે જણાવ્યું કે, પીવાનું પાણી મેળવવા માટે દુર દુર સુધી રાત્રે પણ ના છૂટકે લંબાવવું પડે છે.
 
પાણીની સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિલધા સહિતના અન્ય ગામોની મહિલા સહિતના લોકો પણ રાત્રિ દરમિયાન પીવાના પાણી મેળવવા લાંબા થઈ રહ્યા છે. રાજય સરકાર આદિવાસી વિસ્તારોમાં વિકાસના બણગા ફૂકી રહી છે. પરંતુ કપરાડા તાલુકામાં પાયાની પાણીની સુવિધાના અભાવને કારણે સરકારના દાવા પોકળ સાબિત થયા છે.
 
૨૦ ગામમાં ટેન્કરથી પહોંચાડાતું પાણી
કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં પાણીના પોકાર અંગે તાલુકા પંચાયતના ભાજપી પ્રમુખ રમેશભાઈ ગાવિતેએ વાતચીતમાં જણાવ્યું કે, આ અંગે જીલ્લા કક્ષાએ રજૂઆત કર્યા બાદ ૨૦ થી વધુ ગામડાઓમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનું શરૃ કરાયું  છે. જયાં જયાં પાણીની સમસ્યા અંગે ફરિયાદ હશે ત્યા પાણીનો પુરવઠો ટેન્કરથી પહોંચાડાશે.
 
ટેન્કર નહીં પહોંચી શકે તેવા ગામોમાં ટાંકી મારફતે પાણી પહોંચાડવાનું શરૃ
ધરમપુર,  શુક્રવાર
ભરઉનાળે આદિવાસી વિસ્તારમાંથી પાણીના પોકારની બૂમરામણો  ઉઠવા પામે છે, કુવા તથા હેન્ડપંપોમાં માંડ માંડ ટીપું ટીપું પાણી ટપકતા આદિવાસી પ્રજાજનો વલખાં મારતા નજરે ચઢે છે, પાણીના અભાવે  રોજીંદા વપરાશ અર્થે કિલોમીટરો દુર સુધી પાણી મેળવવા તથા રાત્રે ઉજાગરો કરી પાણી ભરતા આદિવાસી   પ્રજાજનોના વાવડ  સામાન્ય થઇ પડયા છે. ટેન્કરો પણ ડુંગરાળ વિસ્તારના ગામોમાં માંડ-માંડ પહોંચી શકે છે ત્યારે ધરમપુરનાં પાણી પુરવઠા વિભાગે સિન્ટેક્ષ ટાંકી મારફત કપરાડા તાલુકાના ૧૧ અને ધરમપુર તાલુકાનાં ૨ ગામો મળી દરરોજનાં ૨,૪૫,૦૦૦ લીટર પાણીની જરૃરિયાત સામે ૨,૧૦,૦૦૦ લીટર  પાણી પહોંચાડવાનું શરૃ કર્યું છે.

Post Comments