Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ છે, સુરતની ગુલાબી ગેંગ, સ્વાભિમાન સાથે રીક્ષા દોડાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે

- સુરતમાં 34 જેટલી ગુલાબી રીક્ષાઓ દોડે છે: મહિલાઓ મહિને મહેનતનાં રૂ. 10થી 30 હજાર કમાય છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત તા. 8 માર્ચ 2018, ગુરુવાર

'રામ ગોપાલ વર્મા કી આગ' આમ તો આ ફિલ્મમાં ખાસ યાદ કરવા જેવુ કશું નથી પરંતુ ફિલ્મમાં જે લીડ એક્ટ્રેસ છે એ રીક્ષા ચલાવવાનું કામ કરે છે અને એ ઘૂંઘરૃનાં મુખેથી એક ડાયલોગ બોલાઇ છે, '' લડકી ઓટો નહીં ચલા સકતી ઐસા ભગવત ગીતા મેં લીખા હૈ ક્યા?'' આ ડાયલોગ બોલતી વેળા પણ તેની એક્ટીંગ તો ઓવર જ હતી પણ ડાયલોગ મજાનો હતો.

એ ફિલ્મી ડાયલોગ હકીકતની દુનિયામાં ચરિતાર્થ થયો છે. દરેક ક્ષેત્રને ખૂંદી વળેલી નારી હવે રીક્ષા ચલાવવામાં પણ આગળ આવી રહી છે. સુરતમાં હાલ ૩૪ જેટલી પીંક ઓટો રીક્ષા સુરતના રોડ પર દોડી રહી છે જાણે સ્વાભિમાની 'ગુલાબી ગેંગ'

૨જી જુલાઇ ૨૦૧૭નો દિવસ સુરતની મહિલાઓ માટે સોનેરી સૂરજ બનીને ઉગ્યો એવુ કહેવા કરતા એ રવિવાર ગુલાબી રવિવાર બનીને આવ્યો હતો. શહેરમાં પ્રથમ વખત મહિલાઓ માટે પિંક રીક્ષા પ્રોજેકટનું લોકાર્પણ થયુ હતું. રીક્ષા પણ પિંક અને રીક્ષા ચલાવનાર મહિલાનો ડ્રેસ પણ પિંક. જાણે સુરતમાં મહિલાઓની ગુલાબી ક્રાંતિની શરુઆત થઇ.

મહાનગર પાલિકાનાં યુસીડી વિભાગનાં પ્રોજેક્ટ ઓફિસર આર.સી.પટેલે જણાવ્યુ કે સુરતમાં પિંક ઓટો પ્રોજેકટને સારો પ્રતિસાદ મળ્યો છે. ૯૦ જેટલી મહિલાઓ ટ્રેનિંગ લઇ રહી છે. તેમાંથી ૩૪ મહિલાઓ ઓલરેડી રીક્ષા ચલાવે છે. સુરતનાં રોડ પર હાલ ૩૪ રીક્ષાઓ દોડી રહી છે.

બાકીની અંડર પ્રોસેસ છે. રીક્ષા લેનાર મહિલાને ગવર્મેન્ટની વાજપેયી બેંકેબલ યોજનામાંથી ૩૦ ટકા સબસીડીનો લાભ મળે છે અથવા મનપાની દીનદયાળ અંત્યોદય યોજનામાં માત્ર સાત ટકા વાર્ષિક વ્યાજ લાગે છે. ચારથી પાંચ વર્ષનાં સરળ હપ્તાથી મહિલાઓને રીક્ષા આપવામાં આવે છે.

શહેરની કોઇપણ આઠ ધોરણ પાસ મહિલાઓ આ પ્રોજેક્ટનો લાભ ઉઠાવી શકે છે. ૩૪ રીક્ષાઓમાંથી સૌથી વધુ ઉધના, લિંબાયત વિસ્તારમાં છે એ પછી કતારગામ, વરાછા, રાંદેર, અડાજણ વગેરે વિસ્તારમાં પણ રીક્ષાઓ દોડે છે. મહિલાઓ સ્વાભિમાન સાથે મહિને ૧૦થી ૩૦ હજાર રુપિયાની કમાણી કરી લે છે. સુરતમાં સાત જગ્યાએ આ પ્રોજેક્ટના સેન્ટર ચાલે છે. માહિતી માટે ૦૨૬૧-૨૬૩૬૩૯૬ પર સંપર્ક કરી શકાશે.

રીક્ષાભાડાની કમાણીથી કાર ખરીદી

પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રીનાબેન પટેલે કહ્યું કે શરૃઆતનો મહિનો ખુબ કપરો લાગ્યો. પણ લડી લેવાનુ નક્કી કરીને ઝંપલાવ્યુ હતુ બાદમાં કામમાં મજા આવવા લાગી. હવે ત્રણ સંતાનોના ભવિષ્યની ચિંતા નથી. તેને સારૃ શિક્ષણ આપી શકાય છે. સમાજમાં પણ સન્માન વધી ગયુ એટલુ જ નહી લોકો ઘણીવાર સાથે સેલ્ફી લે છે ત્યારે સેલિબ્રિટી જેવુ પણ ફિલ થાય છે. રીનાબેન મુખ્યત્વે સ્કૂલની વર્દીમાં રીક્ષા ચલાવે છે.

તેમની પાસે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ છે. મહિલા ચાલક હોવાથી માતા-પિતા નિશ્વિત બની જાય છે. સ્કૂલ સિવાયના ટાઇમમાં સ્પેશ્યલ ભાડા પણ કરે છે. જેના કારણે તેમણે રીક્ષાભાડાની કમાણીથી ઇકો કાર પણ હપ્તેથી ખરીદી લીધી છે. પિંક રીક્ષાએ તેની લાઇફને ગ્રીન બનાવી દીધી છે તેવુ તેમણે જણાવ્યુ હતું.

પુરૃષોની પજવણી હવે નહીંવત થઇ ગઇ

ઉધનામાં રહેતા પૂનમબેન પટેલે કહ્યું કે અગાઉ જોબ કરતી પણ ટાઇમના બંધનનાં કારણે પરિવારને સમય ફાળવી શકાતો ન હતો અને ઇન્કમ પણ લિમિટેડ હતી. રીક્ષાના કારણે સ્વતંત્રતા મળી અને સંતોષ પણ. જ્યારે રીક્ષા ચલાવવાની શરૃ કરી એ સમયે પુરૃષ રીક્ષાચાલકો ઓવરટેક કરીને કે કટ મારીને પજવતા તો કોઇ બાઇક ચાલકો પણ સ્પીડથી બાજુમાંથી પસાર થઇ જતા આ બધુ થતુ ત્યારે રીક્ષા છોડી દેવાની ઇચ્છા થતી પરંતુ કાઉન્સેલિંગ દરમિયાન આપેલી સમજણથી કામ ચાલુ રાખ્યુ અને હવે આજે એ પજવણી નહિવત છે. લોકોને પણ ખ્યાલ આવી ગયો છે આ મહિલાઓ મહેનત કરીને બેઠા થવાનો પ્રયાસ કરે છે એમને પજવવા ન જોઇએ પણ પ્રોત્સાહન આપવુ જોઇએ.

રીક્ષા ફાળવણી પહેલા કાઉન્સેલિંગ મહત્વનું ફેક્ટર

જે મહિલા રીક્ષા ચલાવવા માટે ઇન્ટ્રેસ્ટેડ હોય તેમનું પ્રથમ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જરૃર જણાઇ તો તેમના માતા-પિતા અને પરિવારને ઘરે જઇને પણ સમજાવાય છે. કાઉન્સેલિંગમાં મહિલાઓને સકારાત્મક રીતે પ્રેરિત કરાય છે. એ પછી તેમની ટ્રેનિંગ શરૃ થાય છે. ટ્રેનિંગમાં કોઇ પુરૃષ તરફથી કનડગત થાય તો કેવી રીતે હેન્ડલ કરવુ એ પણ શીખવાડાય છે. લાયસન્સ વગેરે ક્રિયામાં પાલિકાનો સપોર્ટ રહે છે. આ પ્રોજેક્ટમા ડ્રોપઆઉટ રેશીયો નહિવત છે.

Post Comments