Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માંડળ ટોલનાકે જીજે-૨૬ સિરીઝના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ

- કલેકટરે અચાનક જ નિર્ણય જાહેર કરતા આશ્ચર્ય

- ટ્રક એસો. સહિત રાજકીય પક્ષો દ્વારા વારંવાર આંદોલનો થયા હતા

- તાપી જિલ્લામાં વિધાનસભામાં ભાજપની હાર બાદ નિર્ણય

વ્યારા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

સોનગઢ તાલુકાના માંડળ ગામે સોના આઈસોલેક્ષ કંપની હસ્તકના ટોલ ટેક્સ પર તાપી જિલ્લાના નાના વાહનોને ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાઈ હતી. પરંતુ ભારે વાહનો પાસે ટેક્સ વસુલાત ચાલુ રહેતા વારંવાર આંદોલનો થયાં હતાં. તેમ છતાં ભારે વાહનોને ટેક્સ મુક્ત કરાયા ન હતા. પરંતુ ગતરોજ તાપી કલેકટર અચાનક ભારે વાહનોને પણ મુક્તિ અપાવાની જાહેરાત કરી દીધી છે. તાપીમાં ભાજપની હાર બાદ લેવાયેલા નિર્ણયથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

તાપી જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઈવે નં. ૫૩ પર સોનગઢ તાલુકાના માંડળ ગામે સોમા આઈસોલેક્ષ કંપની સંચાલિત ટોલ પ્લાઝા બન્યા બાદ શરૃઆતમાં તાપી જિલ્લાનાં તમામ નાના-મોટા વાહનો જીજે-૨૬ સિરીઝ સહિત પાસે ટેક્સની વસુલાત શરૃ થઈ હતી. જેનો ભારે વિરોધ થતાં જીજે-૨૬ સીરીઝના ફોર વ્હીલ વાહનોને ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાઈ હતી. પરંતુ ભારે વાહનોને મુક્તિ નહીં મળતાં તાપી જિલ્લામાં કપચી, રેતીના લીઝ ધારકો, ટ્રક એસોસિએશન દ્વારા વારંવાર આંદોલનો થયા હતા.

ભાજપ-કોંગ્રેસ દ્વારા પણ પ્રજા પ્રશ્ને ચક્કાજામ સહિતના કાર્યક્રમો અપાયા હતા. સાંસદ પરભુ વસાવા, કેબીનેટ મંત્રી ગણપત વસાવાને રજુઆત છતાં વચગાળામાં સ્થાનિક ભારે વાહનોને છુટછાટ અપાયા બાદ ફરી ભારે વાહનો પાસે ટોલ ટેક્સ વસુલાત શરૃ થઈ હતી. જેથી સ્થાનિક ભારે વાહનધારકો સોનગઢ-વ્યારા ટ્રક એસોસિએશન સહિતને ટેક્સ ભરવો પડતો હતો. જેથી ભારે વાહન ચાલકોમાં ઉગ્ર રોષ હતો. હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તાપી જિલ્લામાં ભાજપની હારનું એજ કારણ આ પણ હોઈ શકે. હાલમાં સોનગઢ નગરપાલિકામાં ચૂંટણીનો માહોલ છે.

વિધાનસભામાં ભાજપને સોનગઢ નગરમાંથી અંદાજીત ૬૦૦ મતોની જ લીડ મળી હતી. અને હારનું પુનરાવર્તન નહીં થાય તેની પણ ભાજપને ચિંતા છે. જો કે ગતરોજ તાપી જિલ્લા કલેકટર એમ. કે. ડામોરે તાપી જિલ્લાના જીજે-૨૬ સિરીઝના ભારે સહિત તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની અચાનક જાહેરાત કરી છે. જો કે જાહેરાત હંગામી છે કે કાયમી તે અંગે કોઈ ફોડ પાડયો નથી.

મામલો હાઈવે ઓથોરીટીના હાથમાં હોવાનું કહી અગાઉ કલેકટરે હાથ ખંખેર્યા હતા
ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝા પરથી ભારે વાહનો માટે મુક્તિ અપાવવા આંદોલનો થયા ત્યારે ભાજપને નેતાઓની ઉપસ્થિતિમાં કલેકટરની કેબીનમાં જ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ સાથે વારંવાર બેઠકો થઈ હતી. ત્યારે પણ મામલો અનિર્ણિત રહ્યો હતો. ત્યારે કલેકટરે મામલો હાઈવે ઓથોરિટીના હાથમાં છે કહી હાથ ખંખેર્યા હતા. જેથી ગતરોજ કલેકટરે કરેલી જાહેરાતથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. હાલ તો ટેક્સમાંથી મુક્તિ મળતા ભારે વાહન ચાલકોમાં આનંદનો માહોલ જોવા મળે છે.
 

Post Comments