Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય બેટ્સમેનો ફરી બાઉન્સી પીચ પરના 'એસિડ ટેસ્ટ' માટે તૈયાર

- આવતીકાલથી સેન્ચુરીયનમાં શરૃ થનારી બીજી ટેસ્ટની પીચ ફાસ્ટ બોલરો માટે સ્વર્ગ સમી છે

- પ્રથમ ટેસ્ટની હાર બાદ ભારતીય બેટ્સમેનો વધુ સારો દેખાવ કરવા કટિબદ્ધ

સેન્ચુરીયન,તા.૧૧ જાન્યુઆરી 2018 ગુરુવાર

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની હાર બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ તારીખ ૧૩મી જાન્યુઆરીથી સેન્ચુરીયનમાં શરૃ થનારી શ્રેણીની બીજી ટેસ્ટમાં વધુ સારા દેખાવ માટે કમર કસી છે. યજમાન સાઉથ આફ્રિકા ભારતને હરાવવા માટે સેન્ચુરીયનમાં કેપ ટાઉન કરતાં પણ વધુ પેસ અને બાઉન્સ ધરાવતી પીચ તૈયાર કરાવી રહ્યું છે. જોકે કેપ્ટન કોહલીએ પ્રથમ ટેસ્ટની હાર બાદ તમામ બેટ્સમેનોને બીજી ટેસ્ટમાં વધુ સારા પર્ફોમન્સ માટે અલ્ટીમેટમ આપી દીધું હતુ, જેના કારણે ટીમ ઈન્ડિયા હવે વધુ સારી તૈયારી સાથે મેદાન પર ઉતરવા માટે થનગની રહી છે.  ભારતીય ટીમ મેનેજમેન્ટ બીજી ટેસ્ટ માટેની ટીમમાં વધુમાં વધુ બે ફેરફારો કરે તેમ મનાય છે. ખાસ કરીને અહીની પીચમાં વધુ પેસ અને ઉછાળ જોવા મળ્યો છે અને બેટ્સમેનોએ સ્કોર કરવા માટે ખુબ જ ધીરજપૂર્વક બેટીંગ કરવી પડશે. સેન્ચુરિયનના સુપરસ્પોટ પાર્ક ખાતે ભારતીય ક્રિકેટરોએ નેટ્પ્રેક્ટિસમાં પરસેવો પાડયો હતો. હાર છતાં કેપ્ટન કોહલી ભારતીય ક્રિકેટરોમાં જુસ્સો ટકાવી રાખવામાં સફળ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં બમણા જોશથી યજમાનો સામે રમવા ઉતરશે.

સેન્ચુરીયનમાં ઉપખંડની કોઈ ટીમ ટેસ્ટ જીતી નથી!
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે તારીખ ૧૩મી જાન્યુઆરીથી સેન્ચુરીયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે શ્રેણીનો બીજો ટેસ્ટ મુકાબલો ખેલાવાનો છે. ભારત માટે અહી ટેસ્ટ જીતવી લોઢાના ચણા ચાવવા જેવું કપરુ કામ સાબિત થાય તેમ છે, કારણ કે આ મેદાન સાઉથ આફ્રિકા માટે ભાગ્યશાળી સાબિત થઈ ચૂક્યું છે. જ્યારે ઉપખંડની કોઈ ટીમ અહી એક પણ ટેસ્ટ જીતી શકી નથી. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો અહી કુલ મળીને આઠ ટેસ્ટ રમી છે અને તમામ ટેસ્ટમાં યજમાનો વિજેતા બન્યા છે. અહી રમાયેલી ૨૨માંથી ૧૭ ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું છે. જ્યારે માત્ર બે જ ટેસ્ટમાં તેઓ હાર્યા છે અને ત્રણ ટેસ્ટ ડ્રો થઈ છે. સાઉથ આફ્રિકા સિવાય આ મેદાન પર માત્ર ઈંગ્લેન્ડ (વર્ષ ૨૦૦૦માં) અને ઓસ્ટ્રેલિયા (વર્ષ ૨૦૧૪માં) જ વિજયનો સ્વાદ ચાખી શક્યા છે. જ્યારે બાકીની તમામ ટીમોને અહી હારનો સામનો કરવો પડયો છે, જેમાં ન્યુઝીલેન્ડ, વિન્ડિઝ, ઝિમ્બાબ્વેનો ૫ણ સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકાએ ડ્રો કરેલી ત્રણેય ટેસ્ટ ઈંગ્લેન્ડ સામેની છે અને અહી છેલ્લે ૨૦૦૯માં રમાયેલી ટેસ્ટ ડ્રો થઈ હતી.

ભૂલોમાંથી પદાર્થપાઠ મેળવીને આગળ વધવા તૈયાર છીએ :બુમરાહ
સેન્ચુરીયન ટેસ્ટની પૂર્વતૈયારી માટે પહોંચેલી ભારતીય ટીમના યુવા મીડિયમ પેસર જસપ્રીત બુમરાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોઈ ક્રિકેટર એવો નથી કે જેણે ભૂલો ન કરી હોય. અમે પણ પ્રથમ ટેસ્ટમાં કરેલી ભૂલોમાંથી પદાર્થપાઠ શીખ્યા છીએ અને હવે આગળ વધવા માટે તૈયાર છીએ. ભારતીય ટીમના ખેલાડીઓના આત્મવિશ્વાસ અંગેના સવાલના જવાબમાં બુમરાહે કહ્યું કે, જો એક મેચની નિષ્ફળતાથી આત્મવિશ્વાસને ફટકો પહોંચતો હોય તો તે વ્યક્તિ સ્પોર્ટસને લાયક ન કહેવાય. બુમરાહે એમ પણ કહ્યું કે, અમે પ્રથમ ઈનિંગમાં કરેલી ભૂલ અમને બીજી ઈનિંગ દરમિયાન સમજાઈ. અમે આ પછી બંને એન્ડથી બેટ્સમેનો પર દબાણ બનાવવાનું શરુ કર્યું. અમારા બોલરો શરૃઆતમાં પીચમાંથી મળતા બાઉન્સનો ફાયદો ઉઠાવી શક્યા નહતા. અમે ખાસ કરીને બોલની લેન્થ પર ધ્યાન આપ્યું હતુ અને આ કારણે અમે બીજી ઈનિંગમાં સફળ રહ્યા. અમે શિસ્તબદ્ધ રીતે - બેઝિક્સને ધ્યાનમાં રાખીને બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો અને પીચની મદદે બાકીનુ કામ કર્યું.

પીચ બેટ્સમેનો માટે પણ મદદગાર : માર્કરામ
યજમાન સાઉથ આફ્રિકાના યુવા ઓપનર માર્કરામે કહ્યું કે, સેન્ચુરીયનના સુપરસ્પોર્ટ પાર્કની પીચ બેટ્સમેનો માટે પણ મદદગાર રહેશે. અહી અગાઉ રમાયેલી ટેસ્ટ મેચોમાં જંગી સ્કોર નોંધાયો છે. મને લાગે છે કે, અહીની પીચ ટેસ્ટ ક્રિકેટ માટે સારી છે. અહીની પીચ ગત સપ્તાહે અમે જ્યાં ટેસ્ટ રમ્યા તેવી જ લાગી રહી છે. નોંધપાત્ર છે કે, અહીની પીચ ફાસ્ટબોલરોને માટે મદદગાર સાબિત થશે તેમ લાગી રહ્યું છે. માર્કરામે કહ્યું કે, હું અહી જ ક્રિકેટ જોઈને ઉછર્યો છું. અહીની પીચ એવી છે કે જો તમે એક વખત સેટ થઈ જાવ પછી આસાનીથી રન બનાવી શકો છો.

પ્રત્યેક ઓવરમાં ત્રણ રન ફટકારવા જરુરી : સેહવાગ
ભારતના આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગે સાઉથ આફ્રિકા પ્રવાસ ખેડી રહેલી ભારતીય ટીમના બેટ્સમેનોને સલાહ આપતાં કહ્યું છે કે, તેમણે વિકેટ બચાવવાની સાથે રન ફટકારવા જરુરી છે. નહિતર ટીમ પર બીનજરૃરી દબાણ સર્જાઈ શકે છે. સેહવાગના મતે ટીમ ઈન્ડિયાએ પ્રત્યેક ઓવરમાં ઓછામાં ઓછા ત્રણ રન થાય તેવો પ્રયાસ કરવો જોઈએ.

સેહવાગે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને સલાહ આપતાં જણાવ્યું કે, સેન્ચુરીયનની પીચ ફાસ્ટ બોલરોને માટે મદદગાર સાબિત થતી હોય છે. આવી સ્થિતિમાં ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલ પર શોટ ફટકારવાનો પ્રયાસ કરવાનું જોખમ ઉઠાવવું ન જોઈએ. બેટ્સમેનોએ સીધા બેટથી રમવું જોઈએ અને સ્ટ્રેઈટ ડ્રાઈવ્સ અને ફ્લિક્સ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. શોટ પીચ બોલ વાગી પણ શકે છે અને આ માટેની માનસિક તૈયારી ખેલાડીઓએ રાખવી જરુરી છે. સાઉથ આફ્રિકામાં બોલ એવો ઉછાળ લેતો હોય છે જાણે કે ટેનિસ બોલ ન હોય. આવી સ્થિતિમાં કોઈ બેટ્સમેનને બોલ્ડ કરવો મુશ્કેલ બની જાય છે. ખેલાડીએ પોઝિટીવ રહીને એક ઓવરમાં ત્રણ રન ફટકારવાનો ટાર્ગેટ રાખવો જોઈએ.

Post Comments