Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફૂટબોલ વર્લ્ડ કપના મેગા શૉ માટે રશિયા સજ્જ

- વિશ્વની ટોચની ૩૨ ટીમોના સુપરસ્ટાર્સ તેમજ સપોર્ટ સ્ટાફ અને સેલિબ્રિટીઝ માટે સઘન સુરક્ષા બંદોબસ્ત

- દુનિયાભરના હજ્જારો ચાહકોને આવકારવા માટે ખાસ વ્યવસ્થા

- લુઝનીકી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન અને પ્રથમ મુકાબલો

મોસ્કો,તા. 12 જૂન 2018, મંગળવાર

દર ચાર વર્ષે ખેલાતો ફૂટબોલના મહાકુંભ - ફિફા વર્લ્ડ કપ-ના મેગા શૉના સફળ આયોજન માટેની તમામ તૈયારીઓ રશિયામાં પુરી થઈ ચૂકી છે. ફૂટબોલ વર્લ્ડ કપના પ્રારંભને આડે ગણતરીના કલાકો બાકી બચ્યા છે, ત્યારે મોટાભાગની ટીમોનું રશિયામાં આગમન થઈ ચૂક્યું છે અને તેમણે પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. હાઈપ્રોફાઈલ ફૂટબોલ ટીમોની સાથે સાથે દુનિયાભરના હજ્જારો ક્રેઝી ફૂટબોલ ચાહકો પણ રશિયા પહોંચી રહ્યા છે, ત્યારે રશિયન ઓથોરિટીએ ખેલાડીઓ તેમજ પ્રવાસીઓ અને સેલિબ્રિટીઝ માટે જડબેસલાક સિક્યોરિટી વ્યવસ્થા ગોઠવી દીધી છે.

ફિફા વર્લ્ડ કપમાં આ વખતે ૩૨ ટીમોના ૭૩૬ ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાવાનો છે. ત્યારે મેદાનની બહાર સ્ટેડિયમમાં અને સ્ટેડિયમની બહાર ટીમોના સમર્થકો વચ્ચે ઘણી વખત ઉન્માતના ઉભરામાં તોફાનો થતા હોય છે. રશિયાએ ફૂટબોલ ચાહકો વચ્ચેના ટકરાવની સ્થિતિને અટકાવવા માટે સિક્યોરિટીને ખાસ પ્રકારની તાલીમ આપી છે.

આ ઉપરાંત તમામ ટીમોને ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. હાઈપ્રોફાઈલ ટીમોની હોટલમાં તો તેના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. જેના કારણે મોટાભાગની ટીમોએ તેમને મળેલી સિક્યોરીટીથી સંતોષ વ્યક્ત કર્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં થશે. જ્યાં તારીખ ૧૪મી જુન ને ગુરૃવારે રમાનારી રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેની મેચના પ્રારંભ સાથે ફૂટબોલનો મહાકુંભ ખુલ્લો મુકાશે.

આ મુકાબલા અગાઉ વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે, જેમાં ખાસ સંગીત પર અને રશિયન કલ્ચર પર ભાર આપવામાં આવ્યો છે. રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેના મુકાબલા અગાઉ અડધો કલાક આ ઉદ્ઘાટન યોજાશે અને ત્યાર બાદ ફૂટબોલનો મુકાબલો શરૃ થશે. ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટનમાં ગ્લોબલ મ્યુઝિક આઇકોન રોબ્બી વિલિયમ્સ પર્ફોમન્સ આપશે. જ્યારે આ ઉપરાંત એઈડા જારીફુલ્લીના તેમજ બ્રાઝિલનો બે વખત વર્લ્ડ કપ જીતી ચુકેલો લેજન્ડરી સુપરસ્ટાર રોનાલ્ડો પણ ઉદ્ઘાટનમાં જોવા મળશે.

કોઉટીન્હોના ૨૬માં જન્મદિને બ્રાઝિલના ખેલાડીઓનું 'તોફાન'
બ્રાઝિલીયન અંદાજમાં બર્થ ડે સેલિબ્રેશન
સોચી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપને આડે ગણતરીના કલાકો બાકી બચ્યા છે, ત્યારે બ્રાઝિલ સહિતના ફૂટબોલરો સખત તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે. બ્રાઝિલની ફૂટબોલ વર્લ્ડ કપ ટીમમાં સામેલ ફિલિપ્પે કોઉટીન્હોએ સોમવારે ૨૬મો જન્મદિન ઉજવ્યો હતો. બ્રાઝિલના ખેલાડીઓએ ફૂટબોલની પ્રેક્ટિસ દરમિયાન જ કોઉન્ટીન્હોનો જન્મદિન મન મુકીને ઉજવ્યો હતો.

બ્રાઝિલની પરંપરા પ્રમાણે સાથી ખેલાડીઓએ ફૂટબોલના ટ્રેનિંગ મેદાન પર જ કોઉટીન્હોને ઘેરી લીધો હતો અને તેના પર ઈંડા અને લોટનો વરસાદ વરસાવ્યો હતો. નેમાર અને ગેબ્રિયલ જીસસે આ ઉજવણીની શરૃઆત કરી હતી અને ત્યાર બાદ બાકીના ખેલાડીઓ તેમાં જોડાયા હતા.

નેમારની 'ગોલ્ડન બેગ' આકર્ષણનું કેન્દ્ર
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં યુવા ખેલાડીઓના ખભા પર આખા દેશની આશાઓનો ભાર હોય છે. સતત હાઈલેવલનું પર્ફોમન્સ આપવાનો ભાર ખેલાડીને ઘણી વખત માનસિક રીતે ફટકો પહોંચાડતો હોય છે. આવી સ્થિતિમાં ટકી રહેવા માટે ખેલાડીઓ તેમના પરિવારજનો અને મિત્રોની તસવીરો અને યાદગીરીરૃપ ચીજવસ્તુઓને સાથે રાખતા હોય છે.

બ્રાઝિલની હાઈપ્રોફાઈલ ટીમ રશિયા પહોંચી ચુકી છે. એરપોર્ટ પર ચાહકોના આકર્ષણનું કેન્દ્ર બનેલા નેમારની ગોલ્ડન બેગ તસવીરોમા ઉડીને આંખે વળગે તેવી હતી. નેમારે વર્લ્ડ કપ માટે ખાસ તૈયાર કરાવેલી આ બેગ પર તેના પરિવારજનોના ચહેરા ઉપસાવવામાં આવ્યા છે. નેમારની આ બેગ  ૭૦૦ પાઉન્ડ એટલે કે રૃપિયા ૬૩,૦૦૦થી વધુ કિંમતથી થવા જઈ રહી છે.

ફ્રાન્સના વર્લ્ડ કપ વિજયની ૨૦મી એનિવર્સરીની ઉજવણી
ઝિદાન સહિતના વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્યો ભેગા થયા
પેરીસ : ફ્રાન્સની ટીમ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની તેની ૨૦મી એનવર્સરીની ભારે જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૯૮માં ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સે ૩-૦થી બ્રાઝિલને હરાવ્યું હતુ. ફ્રાન્સના ફૂટબોલ વર્લ્ડ કપ વિજયને ૨૦ વર્ષ પુરા થતાં યોજાયલા સેલિબ્રેશનમાં લેજન્ડરી ફૂટબોલર ઝિનેદીન ઝિદાન, ક્રિસ્ટીયન કારેમ્બેઉ, ફાબિયન બાર્થેઝ, લિઓનેલ ચાર્બોન્નીઅર, રોબર્ટ પિરેસ, યોઉરી જોર્કાફ, વિન્સેન્ટ કેન્ડેલા, એલન બોગહોસીન, લૌરેન્ટ બ્લાન્ક અને સાબ્રી લામોચી સહિતના સુપરસ્ટાર્સ આ ઉજવણીમાં જોડાયા હતા.બ્રાઝિલ સામેની ફાઈનલમાં ફ્રાન્સ તરફથી ઝિદાને બે અને પેટીટે એક ગોલ ફટકાર્યો હતો.

આર્જેન્ટીનાની ટીમ રસોઈયા અને ત્રણ ટન ભોજન સાથે રશિયા પહોંચી
આર્જેન્ટીનાના ખેલાડીઓને 'વતનનું ભોજન' અપાશે
આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમ આ વખતે વર્લ્ડ કપ જીતવા માટે હોટફેવરિટ મનાય છે. આર્જેન્ટીનાના ખેલાડીઓ રશિયામાં વતનનું ભોજન અને ટેસ્ટ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આર્જેન્ટીનાના ફૂટબોલ ફેડરેશને મેસી અને તેની ટીમની સાથે ત્રણ ટનથી વધુ ખાદ્ય સામગ્રી અને તેમના અંગત રસોઈયાની ફોજને પણ રશિયા મોકલી છે. આર્જેન્ટીનાના ખેલાડીઓના ભોજન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ખેલાડીઓને ઘર જેવા માહૌલનો અહેસાસ થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

રશિયામાં આર્જેન્ટીનાના રાજદ્વારી રિકાર્ડો લાગોરીયોને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, અમારી રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ તેમની સાથે આર્જેન્ટીનાનું પરંપરાગત ભોજન પણ રશિયા લઈને આવી છે. આર્જેન્ટીનાથી જુદી-જુદી ત્રણ ટન જેટલી ખાદ્યસામગ્રીને લાવવામાં આવી છે. તેની સાથે સાથે ખાસ રસોઈયા પણ અહી આવ્યા છે, જે આ સામગ્રીમાંથી આર્જેન્ટાઈન વાનગીઓ બનાવીને અમારા ખેલાડીઓને ખવડાવશે, જેના કારણે તેઓ દરેક મુકાબલા માટે તૈયાર રહે.મેસીની ડ્રીમ ટીમ ફાઈનલમાં પ્રવેશશે તેવું આર્જેન્ટીના માની રહ્યું છે, જેના કારણે આટલી મોટી સંખ્યામાં ખાદ્યસામગ્રી રશિયા મોકલી છે. આર્જેન્ટીનાની ટીમ મોસ્કોથી ૨૫ માઈલ દૂર આવેલા બ્રોનીસ્ટીમાં વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે.

થાઈલેન્ડમાં હાથીઓની 'એન્ટી ગેમ્બલિંગ' ફૂટબોલ મેચ
અયુથ્થાયા : એક તરફ રશિયામાં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે થાઈલેન્ડમાં હાથીઓની 'એન્ટી ગેમ્બલિંગ' ફૂટબોલ મેચ રમાઈ હતી. થાઈલેન્ડ-મલેશિયા જેવા દેશોમાં જ્યાં મોટાપાયે ગેરકાયદે સટ્ટો ખેલાતો હોય છે, તેના વિરોધમાં લોક જાગૃતિ માટે આ ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેચમાં નવ હાથીઓએ ભાગ લીધો હતો અને તેમના પર વર્લ્ડ કપમાં ભાગ લેનારા જુદા-જુદા દેશોના રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યા હતા. હાથીઓએ ૧૦-૧૫ મિનિટ ફૂટબોલને કીક મારી હતી અને ત્યાર બાદ સ્થાનિક સ્કૂલ બોઇઝની મેચ યોજાઈ હતી. આયોજકોએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને આ મેચના માધ્યમથી કહેવા માગીએ છીએ કે ફૂટબોલ એ ટીમો પર સટ્ટો ખેલવાની નહિ પણ આનંદ માણવાની રમત છે.

પોર્ટુગલના ૩ ખેલાડીઓએ કલબ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખતાં વિવાદ
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની પોર્ટુગીઝ ટીમ યુરોપીયન ચેમ્પીયન તરીકે વર્લ્ડ કપ રમવા માટે રશિયા પહોંચી છે. પોર્ટુગલને ગુ્રપ બીમાં પોર્ટુગલ, મોરક્કો અને ઈરાનની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. પોર્ટુગલનો પ્રથમ મુકાબલો તારીખ ૧૫મી જુનને શુક્રવારે સ્પેનીશ ફૂટબોલ ટીમની સામે થશે. રોનાલ્ડો અને પોર્ટુગલના સુપરસ્ટાર્સે સ્પેન સામેના મુકાબલા માટે કમર કસી છે. જોકે તે અગાઉ એક નવો વિવાદ સર્જાયો છે. પોર્ટુગલની ટીમના ત્રણ ખેલાડીઓ વિલિયમ કાર્વાલ્હો, જેલ્સન માર્ટીન્સ અને બ્રુનો ફેર્નાન્ડેઝ તેમની ઘરઆંગણાની કલબ સ્પોર્ટિંગ લિસ્બન સાથેના કરાર તોડી નાંખ્યા છે. પોર્ટુગલનો ગોલકિપર રૃઈ પેટ્રિસીયો અને ફોરવર્ડ ડેનીયલ પોડેન્સ બે સપ્તાહ અગાઉ જ સ્પોર્ટિંગ લિસ્બન છોડી ચૂક્યા છે.

બેલ્જીયમે આખરી પ્રેક્ટિસ મેચમાં ૪-૧થી કોસ્ટા રિકાને હરાવ્યું
રોમેલુ લુકાકુએ બે ગોલ ફટકાર્યા, એડન હાઝાર્ડની ઈજાથી ટીમ મેનેજમેન્ટ ચિંતિત
બ્રસેલ્સ  : ફિફા વર્લ્ડ કપ અગાઉની આખરી પ્રેક્ટિસ ફૂટબોલ મેચમાં બેલ્જીયમે ૪-૧થી કોસ્ટા રિકાને પરાસ્ત કર્યું હતુ. બેલ્જીયમ તરફથી આ મેચમાં તેના સ્ટાર ખેલાડી રોમેલુ લુકાકુએ બે ગોલ ફટકારીને ફરી આગવી લય મેળવી હતી. જોકે બ્રાઝિલનો સુપરસ્ટાર ખેલાડી એડન હાઝાર્ડને મેચમાં ઈજા થતાં ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી હતી. બેલ્જીયમની ટીમ આ મેચમાં તેના સુપરસ્ટાર ડિફેન્ડર વિન્સેન્ટ કોમ્પની વિના જ રમવા ઉતર્યું હતુ.

આમ છતાં તેમણે મેચમાં પ્રભુત્વસભર દેખાવ કર્યો હતો.  મેચનો નાટયાત્મક પ્રારંભ થયો હતો. બેલ્જીયમની ટીમનું ડિફેન્સ તેની રિધમ મેળવે તે  પહેલા જ ૨૪મી મિનિટે બ્રાયન રુઈઝે ગોલ ફટકારીને કોસ્ટા રિકાને સરસાઈ અપાવી દીધી હતી. જોકે આ પછી પાંચ જ મિનિટમાં ડારીયસ મેરટેન્સે ગોલ ફટકારીને બેલ્જીયમને બરોબરી પર લાવી દીધું હતુ. લુકાકુએ મેચની ૪૨મી મિનિટે અને ત્યાર બાદ ૫૦મી મિનિટે ગોલ ફટકારીને ટીમને ૩-૧થી સરસાઈ અપાવી હતી. આ પછી ૬૪મી મિનિટે તેના અસરકારક પાસ પર મિચી બાટ્શુયીએ ગોલ ફટકારીને ટીમને ૪-૧થી જીત અપાવી હતી. વર્લ્ડ કપમાં બેલ્જીયમનો મુકાબલો સોમવારે પનામા સામે થવાનો છે. જ્યારે કોસ્ટા રિકાની ટક્કર સર્બિયા સામે થશે.

Post Comments