Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

વિજ્ઞાનનો ઇતિહાસ જ વાગળોતા રહેવાનો ?

અમારે ત્યાં તો હજારો વર્ષ પહેલા વિમાનો ઉડતા હતા

કાશ... IPL ની જેમ કોર્પોરેટ જુથ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે કરોડો રૃપિયાની બોલી સાથે તેમને કરારબદ્ધ પડાપડી કરતા હોય તો

ભ્રષ્ટાચારથી માંડી માનવ હક્કોની જાળવણી માટે દિલ્હીમાં હજારો યુવાનો શક્તિ પ્રદર્શન કરે છે પણ ગત ઓગસ્ટમાં 'માર્ચ ફોર સાયન્સ' રેલીમાં માંડ ૨૦૦ યુવાનોની હાજરી હતી

ગત ૧ ફેબુ્રઆરીએ કેન્દ્રના નાણા મંત્રી અરૃણ જેટલીએ વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર રજુ કર્યું તે પછી મધ્યમવર્ગથી માંડી પગારદાર અને જે પણ સેકટરને રોષ પેદા થયો છે તેને પ્રસારણ માધ્યમોએ વાચા આપી હતી.

આ બધામાં ભારતના વિજ્ઞાનીઓ, સંશોધકો અને તે માટે કાર્યરત સંસ્થાઓએ પણ ભારે હતાશા સાથે હૈયાવરાળ કાઢી હતી કે એક તરફ ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વ ગુરુ બનવાની વાતો કરે છે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, સિકલ ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, વિશ્વનો સૌથી યુવા દેશ અને 'હમે દેશ બદલના હૈ'ના સ્વપ્ન સેવે છે પણ દેશમાં જો સૌથી ઉપેક્ષીત હોય તો તે વિજ્ઞાાન, સંશોધન, વિજ્ઞાાન સંસ્થાઓ છે.
વિજ્ઞાન મેળાઓ, વિજ્ઞાનીઓની પરિષદ તેમજ સેમિનાર-વર્કશોપમાં ભવિષ્યના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવાની જગાએ નેતાઓ અને તેઓની ખુશામત કરવા હવે અમુક વિજ્ઞાાનીઓ પણ એકની એક રેકોર્ડ વગાડે રાખે છે કે હજારો વર્ષ પહેલા આપણે ત્યાં વિમાન ઉડતા, તબીબી સર્જરી થતી. વર્તમાનની મોટાભાગની શોધ-ગાણિતિક પુરાવા બધુ જ આપણા પ્રાચીન વિજ્ઞાાનીઓની દેન છે.

બ્રિટિશરોએ આપણી તમામ ફોર્મ્યુલા, પ્રોડક્ટ સિફતાથી તેમના નામે કરી દીધી ત્યાં સુધી આ વિજ્ઞાાનીઓ અને નેતાઓ ગાજે છે. વડાપ્રધાન પણ તેમાં બાકાત નથી. માની લો કે ભુતકાળમાં આવો ભવ્ય વારસો આપણે ધરાવતા હતા તો પણ કયાં સુધી એકની એક રેકર્ડ ઘસે રાખવાની. વર્તમાન તો જુઓ.

અત્યારે વિશ્વ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ, હાયપર લૂપ ટ્રાન્સપોર્ટ, આર્ટિફિસિયલ અંગો, કેન્સર પર વિજય, વૈકલ્પિક ઉર્જા, ઓનલાઇન વૈશ્વિક યુનિવર્સિટી, બાયો-નેનો ટેકનોલોજી, જીનેટિક, સ્પોર્ટસ અને સાયન્સ, ભુખમરા અને આયુષ્યની સામે ઝીંક ઝીલવા ગળાડૂબ છે. હેરતભર્યા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ આપણે યુ ટયુબમાં જોઈએ છીએ. સ્માર્ટ ફોન, એપ્સ, કપડા સાથે જ જોડાયેલા કમ્પ્યુટર, ચીપ, કમ્યુનિકેશનની ક્રાંતિ થકી અગાઉ વિશ્વમાં ૫૦ વર્ષે જે પરિવર્તન થતું હતું તે હવે પાંચ વર્ષમાં આકાર પામી રહ્યું છે.

આપણી તમામ ચીજવસ્તુ અને ટેકનોલોજીનું મૂળ સંશોધન વિદેશમાં થયેલું છે. મોટેભાગે તો મેઇડ ઇન યુએસએ, બ્રિટન, જર્મન, ફ્રાંસ, ઇટાલી, સાઉથ કોરિયા અને ચીન જ છવાયેલા છે. હા, સ્પેસ ક્ષેત્રે ગજબનું કામ થયું છે પણ તેમાં દેશમાં વિજ્ઞાાનનું વાતાવરણ સર્જાયું હોય તેની તે નીપજ હોય તેમ નથી.

મેઇડ ઇન ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા કરતા ચીનની જેમ 'મેઇડ ઇન ઇન્ડિયા'ની પ્રોડક્ટ કેમ વટભેર  ઘૂસીના શકે તેવો વિચાર આવવો જોઈએ.

'જય જવાન, જય કિસાન જય વિજ્ઞાાન' જેવા સૂત્રોથી વિશ્વના દેશો નથી ચાલતા. ટચૂકડા દેશો ૨૫-૫૦ નોબેલ પ્રાઇઝ વિનરો ધરાવે છે પણ ભારત ૭૦ વર્ષમાં ૧૦ જ નોબેલ પ્રાઇઝ મેળવી શક્યું છે તેમાંથી છ તો તે વિજેતા વિદેશમાં સ્થાયી થઇને ત્યાં સંશોધન કર્યા પછી સફળ થયા છે.

આપણા વડાપ્રધાન યુવા જગત અને વિજ્ઞાાનીઓ જોડે સૌથી વધુ ખીલી ઉઠે છે પણ તેમની વાર્તામાં મોટિવેશનનો તેમજ ભુતકાળની ભવ્ય પરંપરાનો ડોઝ વિશેષ હોય છે. વર્તમાન વાસ્તવિકતા અને વાતાવરણ ઘડવા માટેની નક્કર વ્યૂહરચનાનો અભાવ છે.

વોટ્સએપમાં એક ચોટદાર જોક થોડા મહિના અગાઉ ફરતી હતી. પ્રેરણાત્મક પ્રવચન આપતા એક લોકપ્રિય વક્તા હવામાં મુઠ્ઠી ઉછાળીને યુવાનોને વિવેકાનંદની  અદામાં કહેતા હતા કે, 'તમે દોડો... દોડી ના શકો તો ચાલો... ચાલી ના શકો તો લંગડાતા પગે ચાલો... અરે કંઇ નહીં તો ગોઠણભેર ભાખોડિયા પણ ભરો... બસ પેશન સાથે આગળ ધપો... શ્રોતાઓની તાળીઓ શાંત થઇ તે સાથે જ એક યુવાને હતાશા સાથે બધાને સંભળાય તેમ કહ્યું કે... 'સાહેબ... ક્યાં અને કઇ તરફ આ રીતે ચાલીએ તે તો કહો ?'

ભારતમાં જેના થકી ખરેખર બદલાવ લાવવાનો છે, વિશ્વગુરૃ બનવાના દિવાસ્વપ્નો આંખોમાં અંજાઈ રહ્યા છે તે શોધ-સંશોધન કે વિજ્ઞાાન સંસ્થાઓ માટેનું બજેટ વિશ્વના ૩૫ દેશોમાં સૌથી તળિયે છે ભારત તેની જીડીપીના માંડ ૦.૮ ટકા જ આ માટે ફાળવે છે. આ રકમ રૃ. ૫૫૦૦૦ કરોડ જેટલી છે. ફૂગાવાનો દર નજરમાં લઇએ તો પ્રત્યેક બજેટમાં ૭.૯ નો વધારો થાય છે.

આ ૫૫૦૦૦ કરોડમાંથી પણ મિશન મંગળ-૨ માટે ૨૦ ટકા રકમ ફાળવાઇ છે. વિજ્ઞાાન સંસ્થાઓમાં કૃષિ, તબીબી, અર્થ, સંરક્ષણ, રીન્યુએબલ એનર્જી, વૈકલ્પિક ઉર્જા, સોલાર, એટોમિક બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્ટ  સ્પેસ રીસર્ચ, ઇન્ડસ્ટ્રીઅલ જેવા તમામ સંશોધન અને જુદી જુદી સંસ્થાઓને આટલામાંથી ફાળવણી કરવાની હોય છે.

આવી કંગાળ ફાળવણીમાં પણ કરૃણતા એ ઉમેરાય છે કે ખરેખર પ્યોર સાયન્સ પર સંશોધનનું બજેટ અને લક્ષ્ય હોવું જોઈએ તેની જગાએ આપણી પ્રાચીન માન્યતાઓમાં વિજ્ઞાાન છે તે પુરવાર કરવા માટેના સંશોધનોમાં બજેટ ફાળવીને ભાજપ સરકારને ખુશ કરવાના પ્રયત્ન થાય છે જેમ કે ગાયના દૂધની બનાવટમાં પોષક તત્ત્વો છે.. ગંગાનું પાણી મલિન નથી થતું... યોગ વિજ્ઞાાન છે..... ભારતમાં  ૨૦૦૦ વર્ષ પહેલા યુદ્ધમાં ઘવાયેલાની સારવાર કેમ થતી હતી.. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પ્રાચીન વિજ્ઞાાનીઓએ પૂરાણોમાં જણાવેલું... આવું બધુ પુરવાર કરવામાં પણ સમય અને નાણાં વેડફાય છે. પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન પણ આવા જ વિષયોની ઇર્દગીર્દ ફરે છે.

વિજ્ઞાાનનું, શોધ-સંશોધનનું વાતાવરણ સર્જવાની જરૃર છે. આપણે ત્યાં અમેરિકા, યુરોપ કે ચીનની જેમ શાળા કે કોલેજનું શિક્ષણ કે ડિગ્રી પૂર્ણ ન કરી શકે તેવા જીનિયસ ડ્રોપ આઉટ ખીલી ઉઠે શકે ખરા ? બિલ ગેટ્સને કે ઝકરબર્ગ, જેક મા ભારતમાં હોત તો ? ચીનમાં ગૂગલ, ફેસબુક કે વ્હોટ્સએપ સત્તાવાર એન્ટ્રી જ નથી અપાઈ.

તેઓએ તેમની પોતાની ભાષાનું ''વેઈબો'' વિકસાવ્યું છે. કેન્દ્ર સરકારે વિશ્વની યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, અભ્યાસક્રમ, ત્યાંના વાતાવરણ પાછળના પરિબળો, ટેલેન્ટેડોને પ્લેટફોર્મ આપવાની સીસ્ટમ અને ફાળવાતા બજેટનો વિસ્તૃત પરિણામલક્ષી અભ્યાસ કરવો જોઈએ. 'મેઈડ ઈન ઇન્ડિયા' પ્રોજેક્ટનો વિશ્વના નાગરિકો ઉપયોગ કરતા હોય તેવું સ્વપ્ન હોવું જોઈએ. આપણી યુવા તાકાત જેવી ટેલેન્ટ વિશ્વના કોઈ દેશમાં નથી.

માત્ર તેઓનો માઈન્ડ નોકરી શોધી ઠરીઠામ થઇ જવાનો અને આમાં અમને શું મળશે ? નો છે તે બદલવાની જરૃર છે. આપણા યુવાનોને તેમના કુટુંબની પણ જવાબદારી નીભાવવાની હોય છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર અને કોર્પોરેટ જગતે આવી પ્રતિભાને પારખીને તેઓ તેમનાં સંશોધનમાં નિશ્ચિંતતાથી વર્ષો વીતાવી શકે અને તેના કુટુંબને નાણા મોકલી શકે તે રીતે જાણે સારી રકમની નોકરીએ રાખ્યા હોય તેમ દત્તક લેવા જોઈએ.

આઇપીએલ કે અન્ય રમતોની લીગની જેમ કોર્પોરેટ જગતે ફ્રેન્ચાઇઝી બનાવીને ટેલેન્ટેડ યુવા પેઢીમાંથી અલગ તારલાને શોધ-સંશોધનના પ્રોજેક્ટ માટે ખરીદવા કરોડોની બોલી સાથે પડાપડી કરવી જોઈએ. ખેલાડીઓને દોઢ મહિનાના આઇપીએલ માટે રૃા. ૫૦ લાખથી રૃા. ૧૨-૧૫ કરોડ મળતા હોય છે. જ્યારે આવી વિજ્ઞાાન ટેલેન્ટ પ્રતિભાને તો વર્ષે દસ-બાર લાખ રૃપિયા આપશે તો પણ ધન્યતા અનુભવશે. અમેરિકા અને યુરોપમાં બેઝબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, ટેનિસનું સ્પોર્ટ્સ કલ્ચર તેમ શોધ-સંશોધનનું પણ મોડેલ છે.

એવું લાગે કે આપણી કોઈ દાનત કે ગૌરવ લેવાની અભિપ્સા જ નથી કે વિશ્વમાં આપણી વેપારી, પગારદાર કે મની માઈન્ડેડ સીવાયની નોંધ લેવાય.

મબલખ ટેલેન્ટેની ટંકશાળની સાથે આપણી યુવા પેઢીનો બહોળો વર્ગ એવો પણ છે કે ફૂલ ટાઇમ સાહિત્ય, શ્રૃંગાર, ખાણીપીણી, વિમોચન, સત્સંગ, શિબિર, મોટિવેશનના કાર્યક્રમો અને શબ્દોના સાથિયા અને સંવેદના જગાવવાના અતિરેકમાં તેનોકીંમતી સમય વ્યતિત કરે છે. વ્હોટ્સએપ, ફેસબુક સ્માર્ટફોન અને ડિજીટલ ટેકનોલોજીથી વૈશ્વિક જ્ઞાાન સંપાદન કરવાની જરૃર છે.

ફોરવર્ડ વધુ અને મૌલિક ઓછી માત્રામાં ઠલવાય છે. જે મૌલિક છે તેમાં ભૂતકાળની ભવ્યતાની જ અવિરત ભરમાર જોવા મળે છે. વર્તમાન અને ભવિષ્યની જ વાત પર ઝોક આપવો જોઈએ. આત્મિક આનંદના ઓવરડોઝમાં માટે આપણે ભૌતિક જગતની અવગણના ના કરી શકીએ. એક વખત વિદેશીઓ કંઈક શોધે તેની આપણે રાહ જોઇને પછી તેના સૌથી મોટા ઉપભોક્તા આપણે જ બનીએ છીએ.

યુવાનો અનામત માટે, માનવ હક્કોની જાળવણી માટે, સરકારની નીતિ વિરુદ્ધ કે એક્ટિવિસ્ટ બનીને નવી દિલ્હી કે ભારતના શહેરોમાં હજારોની સંખ્યામાં ઉમટીને બેનરો, મીણબત્તી સાથે પ્રદર્શન કરાશે. પણ વિકસીત દેશોની જેમ અમારે પણ સીવીકસેન્સ, સીસ્ટમ અને સંસ્થાઓ ચાલે તેવી માંગ સાથે રેલી નથી નીકળતી.

ગત ઓગસ્ટમાં દેશભરની વિજ્ઞાન સંસ્થાઓએ વિજ્ઞાન માટે સરકાર ફંડથી માંડી વૈશ્વિક સિસ્ટમને અમલમાં લાવવા જાગ્રત બને તે માટે ''માર્ચ ફોર સાયન્સ'' કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેમાં કમનસીબે દેશના આઠેક શહેરોમાં જોડાયા હતા. કુલ મળીને દેશભરના રસ્તા પર બેનર લઈને આવેલા વિજ્ઞાનીઓ, વિદ્યાર્થીઓનો આંક ૨૦૭૦નો હતો. નવી દિલ્હીમાં આ આંક માત્ર ૨૦૦નો હતો... જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીના એક વર્ગ ખંડની ક્ષમતા જેટલો !

હમે દેશ બદલના હૈ....!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments